આપણે ઘણીવાર કફ, પિત્ત અને વાત પ્રકૃતિ શબ્દો સાંભળ્યા હશે અથવા તો એમ કહેતા સાંભળ્યા હશે કે આ મારી આ પ્રકૃતિ છે. તો આ પ્રકૃતિ શું છે? તે શા માટે જાણવી જરૂરી છે? તે જાણવાથી શું ફાયદા થાય? ઘણીવાર પ્રકૃતિને સ્વભાવ પણ કહેવામાં આવે છે. તો સ્વભાવ શેનાથી બને? દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ કેમ હોય છે? તે વિશે મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
સૌપ્રથમ આપણે વાત પ્રકૃતિ વાળા વ્યક્તિનો સ્વભાવ અને લક્ષણો કેવા હોય તે વિશે જાણવા પ્રયત્ન કરીશુ.
વાત પ્રકૃતિ એટલે શું?
આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે પુથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. કફ પ્રકૃતિમાં પૃથ્વી તથા જલ નો સમાવેશ થાય. પિત્ત પ્રકૃતિમાં અગ્નિ તથા જલ નો સમાવેશ થાય. વાત પ્રકૃતિમાં હવા અને પાણીનો સમાવેશ થાય.
હવા મતલબ પ્રાણ વાયુ આપણા શરીરમાં પ્રાણ વાયુ સમ અવસ્થામાં હોવો જોઈએ. પ્રાણ વાયુ એ આપણા જીવનનો આધાર છે. આપણી કફ અને પિત્ત પ્રકૃતિનો આધાર પણ વાત પ્રકૃતિ છે.
આ ત્રણે ત્રણ પ્રકૃતિ સમવસ્થામાં આપણા શરીરમાં હોવી જોઈએ તો તેને સ્વાસ્થ્ય કહેવાય.
વાત નો મતલબ હવા. હવાના જે કંઈ ગુણ હોય તે આપણા શરીરની અંદર આવી શકે. તે પ્રમાણે આપણા શરીરનું બંધારણ આપણો સ્વભાવ નક્કી થાય.
વાત પકૃતિ વાળા વ્યક્તિ ની અંદર કયા કયા લક્ષણો હોય?
વાત પ્રકૃતિ વાળા વ્યક્તિના શારીરિક લક્ષણો.
શરીરની અંદર ઉપરથી નીચે જઈએ તો વાત પ્રકૃતિવાળા વ્યક્તિના માથાના વાળ ઓછા હોય. વાળ જલ્દી ગળી પડે. વાળ સૂકા હોય. વાળના બે ફાડિયા પડી ગયા હોય. વાત પ્રકૃતિવાળા વ્યક્તિને ભૂખ કોકવાર સારી લાગે કોકવાર ભૂખ ઓછી લાગે. મોટાભાગે તેને ભૂખ ઓછી લાગે. વાત પ્રકૃતિવાળા વ્યક્તિને કબજિયાત વધારે રહે કારણ કે વાતનો સ્વભાવ છે સુકવી નાખવાનો. તેની આંતરડાની ગતિ પણ ઓછી હોય. તે થોડું ખાય તો પણ આફરો ચડી જાય. તેની પાચન ક્રિયા મંદ હોય. પેટમાં ગેસ વધારે થાય.તેનું વજન ઓછું હોય બાંધો પાતળો હોય.શરીરનું વજન ઝડપથી ઘટી જાય. માંસ પેશીઓ નબળી હોય તેથી જલ્દી થાકી જાય. ચામડી રૂક્ષ હોય એટલે કે સૂકી હોય. તેના પગના તળિયે વાઢીયા વધારે ફાટે. પગના તળિયા સૂકા હોય. પગના તળિયા બળે. નખ સુકાઈ ગયેલા હોય. નખમાં ચીરા પડે. વાત પ્રકૃતિવાળા વ્યક્તિને સાંધાના દુખાવા વધારે રહે. કારણ કે સાંધાનીની અંદરનું સાઈનોવિયલ ફ્લુઈડ એટલે કે પ્રવાહી સુકાઈ જાય. તેના સાંધામાં કડાકા વધારે બોલે. વાતનો સ્વભાવ હલકો હોય તેથી તેનું શરીર હલકું હોય. વાતનો સ્વભાવ સુકવવાનું હોય તેથી તેનું શરીર સુકાઈ જાય. મારી વાત પ્રકૃતિ છે. હું ત્રણ ટાઈમ ખાઉ છું તેમ છતાં મારું વજન વધતું નથી. ઘટી ઝડપથી જાય છે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું વજન ઝડપથી વધી જાય તેને વજન ઉતારવાનો પ્રોબ્લેમ હોય જ્યારે વાત પ્રકૃતિવાળાને વજન વધારવા નો પ્રોબ્લેમ હોય.
વાત પ્રકૃતિવાળા વ્યક્તિનો માનસિક સ્વભાવ કેવો હોય.
વાત પ્રકૃતિવાળા વ્યક્તિનું મન થોડું અશાંત રહે. તે દરેક વસ્તુમાં ઉતાવળ કરે. કામ સોંપ્યું હોય તો ફટાફટ પૂરું કરવા માટે પ્રયત્ન કરે. એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે. તેના હાથ પગ હંમેશા હલતા હોય. તેની ઊંઘ મધ્યમ હોય. તે બોલ બોલ કર્યા કરે. તે પોતાના નિર્ણય ઉપર સ્થિર ન રહી શકે. વારંવાર નિર્ણયો બદલ્યા કરે. તે વાત વાતમાં ગભરાઈ જાય. ચિંતા અને ડર તેને સતાવ્યા કરે. ઝડપથી કોઈ પણ વસ્તુ યાદ પણ કરી કાઢે અને ઝડપથી ભૂલી પણ જાય. સ્વભાવ ઉતાવરીયો હોય. કોઈ વાત પૂરી પણ ના થઈ હોય અને વચ્ચે ટપકી પડે. મગજની અંદર વિચારો ફાસ્ટ ચાલતા હોય. તે ઈમોશનલી અનસ્ટેબલ હોય. વારેવારે હસી પડે વારેવારે રડી પડે તે એન્ઝાઈટી તથા હતાશાનો શિકાર જલ્દી બની જાય. તેને મોટી ઉંમરે Alzheimer કે parkinsonism થવાની શક્યતા વધી જાય. તેનો મૂડ વારંવાર બદલાયા કરે. તો વ્યક્તિનો સ્વભાવ પણ તેની પ્રકૃતિના કારણે બનતો હોય છે. તેથી અમુક માણસોનો સ્વભાવ જલ્દીથી બદલાતો નથી તેનું કારણ આ છે.
વાત પકૃતિને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું.
જો તમે તમારી પ્રકૃતિને સમજીને તમારી દિનચર્યા તથા ખોરાકની અંદર ફેરફાર કરો તો મોટાભાગના રોગથી તમે બચી શકો અને રોગ થયા હોય તો પણ મટી પણ જઈ શકે.
વાત પ્રકૃતિ નો સ્વભાવ છે સુકવી નાખવાનો તેથી તેનું શરીર સુકાઈના જાય તેના માટે તેને તૈલી પદાર્થો વધારે ખાવા જોઈએ. જેમ કે તેલ, ઘી, માખણ વગેરે ચીકણા પદાર્થો વધારે લેવા. આખા શરીર ઉપર તલના તેલની માલિશ કરવી. તેમ કરવાથી તમારી વાત પ્રકૃતિ સમ અવસ્થામાં રહે. જ્યારે તમારા શરીર ઉપર તમે માલિશ કરો છો ત્યારે તમારા શરીરનું સર્ક્યુલેશન પણ સરસ રહે છે. તમારી ચામડી લીસી રહે તથા જે વાત મસલ્સની અંદર કે માંસપેશીની અંદર હોય તે આંતરડામાં જઈને બહાર નીકળી જાય. તમારા શરીરમાંથી સારા સારા કેમિકલ જળવા માંડે. તમને સારું લાગવા માંડે. આયુર્વેદિકમાં તેને અભ્યંગ કહેવાય.
તલનું તેલ લગાવ્યા પછી 15 મિનિટ કે 30 મિનિટ પછી તમે નાહી શકો છો. અથવા તો નાહીને પણ લગાવો તો પણ કંઈ વાંધો આવે નહીં તે એકદમ પતલુ હોય હલકું હોય. ઓટોમેટીક ઉડી જાય અથવા તો તમારું શરીર તેને જલ્દી શોષી લે. હંમેશા તેલની માલિશ માથું હાથ પગ થી શરૂ કરીને હૃદય તરફ લઈ જવી.
વાત પ્રકૃતિવાળા વ્યક્તિએ ખોરાક ની અંદર રસદાર વસ્તુ વધારે લેવી પ્રવાહી વધારે લેવું.દરેક સબ્જીના સૂપ બહુ સારા.
વાત પ્રકૃતિ વાળા વ્યક્તિએ જે ખાવાથી તમારો વાત વધી જાય તેવા ખોરાકથી તેને દૂર રહેવું જેમ કે એકલું સલાડ. સુકો નાસ્તો, વાલ વટાણા તથા વધારે પડતા કઠોળ ન લેવા. મગ, તુવર ચાલે. કુબી, ફુલાવર, કાચા શાકભાજી, કાચી ડુંગળી, સલાડ વગેરે વાત પ્રકૃતિ વાળાએ ન લેવા.
અનાજ ની અંદર તે ઘઉં ખાઈ શકે. ઘઉંનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ વધારે હોય તે તમારા શરીરને પુષ્ટ કરે. તમારું વજન બરોબર કરવામાં મદદ કરે.
સફરજન અને નાશપતિ સિવાયના તમામ ફળો તે લઈ શકે. ગળ્યા ફળો વધારે લઈ શકાય.
દરેક પ્રકારના શાક ખાઈ શકાય.
વાત પદ્ધતિ વાળા વ્યક્તિ માટે દૂધ માખણ ઘી વગેરે વધારે પ્રમાણમાં લેવા.
વાત પકૃતિ ઓછી કરવા માટે આદુ, શુંઠ, મરી, જીરું, અજમો, સંચળ, મેથી કે મેથી નો પાવડર તમે તમારા ખોરાકની અંદર લઈ શકો. વાત પ્રકૃતિવાળા વ્યક્તિને ખારું ખાટું અને ગળ્યું વધારે ભાવે તે વધારે લેવામાં વાંધો નથી. લસણની ચટણી કે અથાણા ખાઈ શકાય. દહીં અથવા છાસ લઈ શકાય.
વાત પ્રકૃતિ વાળા વ્યક્તિએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી તથા યોગ આસનો કરવા ખાસ કરીને પેટના આસનો ખાસ કરવા. પ્રાણાયામ ની અંદર કપાલભાતિ તથા ભસ્ત્રિકા પ્રાણાયામ ખાસ કરવા. મનને શાંત રાખવા માટે અનુલોમ વિલોમ તથા ભ્રામરી પ્રાણાયામ કરવો. ભૂખ લાગે ત્યારે જ ખાવું ભૂખથી બે કોરિયા ઓછું ખાવું. વધારે પેટ ભરી દેવું નહીં. જઠરા અગ્નિ તેજ રાખવા માટે આદુ લીંબુ તથા મેથી નો ઉપયોગ કરવો. પંચકર્મમાં અભ્યંગ એટલે કે તેલની માલિશ તથા બસ્તી ક્રિયા કરી શકાય. પંચકર્મની ક્રિયા આયુર્વેદિક ડોક્ટરની દેખરેખ નીચે કરવી. તે તમારા શરીરને અનુકૂળ હોય તે ક્રિયા કરાવે.
ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે.આશા રાખું છું કે આપને આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
વાત પ્રકૃતિ સમસ્યા અને સમાધાન માટે નીચેનો વિડીયો જોવા વિનંતી છે.
https://youtu.be/uFz2IMWyVAk?si=nV_X3LJEax1rGyMg
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a reply to ત્રિફળા એટલે શું? તે કેવી રીતના લેવું જોઈએ? – Wellness over Illness Cancel reply