કફ, પીત્ત અને વાત પ્રકૃતિ વિશે આપણે ઘણી વખત સાંભળ્યું છે. તો આ પિત્ત પ્રકૃતિ શું છે? તે શેનાથી બને? તેનો આપણા શરીરમાં શું રોલ છે? તેને સમ અવસ્થામાં રાખવા માટે શું કરવું? જો તે સમ અવસ્થામાં ન રહે તો કયા કયા રોગ થાય? પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય? તેના શારીરિક લક્ષણો કેવા હોય? સ્વભાવ, સંસ્કાર અને ટેવ એટલે શું? વ્યક્તિનો સ્વભાવ ગરમ કેમ હોય છે? તે વારંવાર ગુસ્સે શા માટે થઈ જાય છે? વગેરે ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
આપણું આ શરીર પાંચ તત્વોનું બનેલું છે. પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ તેમાં અગ્નિતત્વ તથા પાણી એ પિત્ત તત્વને રજૂ કરે છે. આપણા શરીરમાં પૃથ્વી અને પાણી તત્વ આપણે દેખી શકીએ છીએ પરંતુ અગ્નિ તત્વ તથા વાત તત્વ આપણને દેખી શકતા નથી તે ખાલી અનુભવી શકીએ છીએ. અગ્નિ તત્વ આપણા શરીરમાં દેખાય નહીં પરંતુ અનુભવાય. જે આપણા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને આપણને શક્તિ અને ઊર્જા આપે. તો આ પિત્ત પ્રકૃતિ વિશે જાણી લેવું ખૂબ જ મહત્વનું છે. કફ, પિત્ત અને વાત પ્રકૃતિ સમવસ્થામાં રહે તે આપણા સ્વાસ્થ્યની ચાવી છે.
અગ્નિ નો સ્વભાવ છે બાળી કાઢવું કે ઊર્જા આપવી. જો અગ્નિ તત્વને આપણા શરીરમાં ડાયરેક્ટ મૂકવામાં આવે તો આપણું શરીર પણ ભસ્મ થઈ જાય. તે માટે ભગવાને એક વ્યવસ્થા કરી અગ્નિ તત્વને પાણી જોડે મિક્સ કરીને તમારા શરીરમાં મૂકી. તમારે જેટલી જોઈએ એટલે ગરમીનો લઈ લો. જે પાણી અને અગ્નિને મિક્સ કરીને જે બન્યું તેનું નામ જ પિત્ત. પ્રકૃતિ આપણને મા બાપ તરફથી મળે ઘણા બધા લોકોમાં મિક્સ પ્રકૃતિ પણ હોય.
પિત્ત નું મુખ્ય કાર્ય છે ખોરાકને પચાવવાનું. તમે જે કઈ ખોરાક ખાવ છો તેને બરોબર પચાવીને તેમાંથી પોષક તત્વો અલગ પાડવાનું કામ પિત્ત ધ્વારા થાય. તે પોષક તત્વો લોહીમાં ભળીને શરીરને ઉર્જા આપવાનું કામ કરે અને બાકીનો કચરો મળ દ્વારા બહાર ફેંકીઇ જાય. આમાં કંઈપણ ગડબડ થાય તો રોગ પેદા થાય. પિત્તનો બીજો અર્થ એ પણ થાય કે ઓજરી માંથી જરતો રસ જેને આપણે ગેસ્ટ્રિક જ્યૂસ પણ કહીએ છીએ. તેને આમ રસ પણ કહેવાય. તે આમાશય એટલે કે જઠર માંથી જળતો હોવાથી તેને આમ રસ કહેવાય. જો તમે જે કંઈ ખોરાક ખાવ તે બરોબર પચી જાય તો કોઈ પણ રોગ ન થાય. પરંતુ તે ખોરાક જ્યારે પચે નહીં ત્યારે તે ખોરાક શરીરમાં સડે અથવા તો ટોક્સિન પેદા કરે જેને આપણે કાચો આમ કહીએ છીએ. આપણે જઠરાઅગ્નિ એટલા માટે કહીએ છીએ કે આપણા જઠરમાંથી નીકળતો એસિડ તે અગ્નિનું કામ કરે છે. તે તમારા ખોરાકને એક રસ કરવાનું કામ કરે છે. પચાવવાનું કામ કરે છે. આખું આયુર્વેદિક એ જઠરા અગ્નિ તથા કપ પિત અને વાત ઉપર રચાયેલું છે. જો તમારે તમારી તંદુરસ્તી બરોબર રાખવી હોય તો તમારી જઠરાઅગ્નિ ની ને બરોબર રાખો અને તમારા કફ પિત્ત અને વાતને સમ અવસ્થામાં રાખો.
પિત્તના પ્રકાર કયા કયા?
પિત્તના પાંચ પ્રકાર છે શરીરમાંથી તેના સ્થાન પ્રમાણે તેને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે ૧.પાચક પિત્ત નું સ્થાન પેટમાં છે 2. રંજક પિત્તનું સ્થાન લીવર અને પિતાશયમાં છે 3.આલોચક પિત્તનું સ્થાન આંખમાં છે 4. સાધક પિત્તનું સ્થાન હૃદયમાં છે 5. ભ્રાજક પિત્તનું સ્થાન ચામડીમાં છે. જેની અગાઉના લેખમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી છે.
આજે આપણે પાચક પિત્ત વિશે ખાસ વાત કરીશું.
લાળ ગ્રંથિ માંથી નીકળતો લારરસ, આમાશય માંથી નીકળતો આમ રસ (Gastic જ્યૂસ). જઠર માંથી નીકળતા રસની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય તે અગ્નિ તત્વનું કામ કરે. પકવાશય (Dueodenum)માંથી નીકળતો આંત્ર રસ, સ્વાદુપિંડ (અગ્નાશય)માંથી નીકળતો અગ્નિ રસ,પિત્તાશય તથા લિવર માંથી નીકળતો પિત્તરસ આ બધા ખોરાકમાં ભળી ને તેનું પાચન કરીને તેમાંથી પાચક તત્વો અલગ કરે અને જે કચરો કે મળ વધે તેને મોટા આંતરડામાં આગળ ધકેલે. જો તમારો પાચક પિત્ત એટલે કે જઠરાગ્નિ બરોબર કામ કરે તો તમે જે કંઈ ખોરાક ખાવ તેનું બરોબર પાચન થાય અને મોટાભાગના રોગ ન થાય.
પાચક પિત્ત વધી જાય તો છાતીમાં બળતરા થાય,એસીડીટી થાય,પેશાબ લાલ કે પીળો આવે. પેશાબમાં બળતરા થાય,શરીર ગરમ થઈ જાય,ચામડીમાં નાની નાની ફોડકી એટલે અળાઈઓ નીકળે,આંખ લાલ થઇ જાય, વધારે ગુસ્સો આવે. માસિક વધારે આવે.
પાચક પિત્ત એટલે કે જઠરાગ્નિ મંદ પડી જાય તો ભૂખ ઓછી લાગે, ખોરાક બરોબર પચે નહીં અને એ ન પચેલો ખોરાક આગળ આંતરડામાં જાયતો તે ખોરાક સડે અને તે ગેસ કરે, કબજિયાત કરે,ડાયાબિટીસ કરે,ઓબેસિટી કરે, હૃદય રોગ પેદા કરે,કોલેસ્ટ્રોલ વધારે. આ બધા જ રોગ ખોરાક બરોબર ન પચવા કારણે થાય.
પાચક પિત્ત ને સમ અવસ્થામાં રાખવા માટે શું કરવું?
પાચક પિત્ત ને સમ અવસ્થામાં રાખવા માટે રોજ કસરત કરો તથા પેટના તમામ આસનો કરો. જાનુ શિરાસન, પશ્ચિમોતાસન,મંડુકાસન,શશાંકાસન પવનમુક્તાસન કે સર્પાસન વગેરે આસન તમે કરી શકો.
કપાલભાતિ પ્રાણાયામ કે અગ્નિસાર પ્રાણાયામ પણ તમે કરી શકો. કુંજલ ક્રિયા પણ કરી શકાય.
મન અશાંત હોય તો તેની સીધી અસર પેટ પર પડે. તો મનને શાંત કરવા માટે સવાસન, યોગ નિંદ્રા કે મેડીટેશન પણ કરી શકો. એટલે આપણે જમ્યા પછી 10 15 મિનિટ સવાસન કે વામકુક્ષી કરવાનો રિવાજ છે. ત્યારે તમારું મન શાંત હોય ત્યારે તમારા જઠરમાંથી જે કંઈ રસ જરે તે સપ્રમાણ માત્રામાં જરે. કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકાર ઓછો કરો. દયા પ્રેમ કરુણા સેવા સમર્પણ વધારે કરો.
પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિને ઓળખવો કેવી રીતના?
પિત્ત પ્રકૃતિના વ્યક્તિના શારીરિક લક્ષણો.
પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિનો બાંધો મધ્યમ હોય. તે જે ખાય તે પચી જાય. તેને વારંવાર ભૂખ લાગે. ગમે તેઓ હેવી ખોરાક હોય તો પણ તે પચાવી જાણે.
તેના વાળ વહેલા સફેદ થાય. યુવાનીમાં વાળ સફેદ તથા વાળ ગળી પડવાની સમસ્યા તેને રહે. અગ્નિ તત્વોનો સ્વભાવ પકવી નાખવાનો હોય છે તેથી તેના માથાના વાળ વહેલા પાકી જાય. તેની આંખો લાલ હોય તેની ચામડી લાલ હોય. તેની જીભ લાલ હોય મોઢામાં વારંવાર ચાંદા પડે. તેને વધારે પડતી એસીડીટી રહ્યા પડે. તેને વારંવાર જાડા થવાની શક્યતા વધારે રહે. તેના શરીર માં કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લામેસન એટલે કે સોજો વધારે આવી જાય. લીવર અને કિડની જલ્દી ખરાબ થવાની સંભાવના રહે. પ્લેટલેટ ઘટી જાય. સાંધાની અંદર સોજો આવી શકે. તેનું શરીર ગરમ રહે. તેને પરસેવો વધારે થાય. તેને તરસ વધારે લાગે. તે ઠંડી જગ્યાએ રહેવાનું પસંદ કરે. તેને કડવું, ગળ્યું અને ઠંડુ ફ્રેશ ખાવાનું સારું લાગે.
પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિના માનસિક લક્ષણો.
તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોય. અભિમાની હોય. વધારે એટીટ્યુડ વારો હોય. જે કંઈ કહે તે સ્પષ્ટ કહે. કામકાજ ની અંદર મધ્યમ હોય. જે કંઈ કામ સોંપી હોય તે કુશળતાપૂર્વક કરે. લીડરશીપ ના ગુણ હોય. આક્રમક હોય. ચીવટ વાળો સ્વભાવ હોય. બધી વસ્તુ પરફેક્ટ જોઈએ. જલ્દી ગરમ પણ થઈ જાય અને જલ્દી ઠંડો પણ પડે. કંઈ તોડફોડ વાળું કામ હોય તો તે કરી નાખે. હિંમત કરી નાખે.
પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ શું ખાઈ શકે?
વધુ પડતાં તીખા મસાલાવાળા કે તરેલા પદાર્થો ઓછા લેવા. અનાજ ની અંદર ઘઉં પિત્ત પ્રકૃતિવાળા માટે સારા. ઘઉંની તાસીર ઠંડી છે. બાજરી ગરમ કહેવાય તેથી તે શિયાળામાં ખવાય છે. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિએ બાજરીનો ઉપયોગ ઓછો કરવો. પિત્ત પ્રકૃતિ વાળા માટે ગાયનું ઘી સૌથી બેસ્ટ. ગાયનું ઘી ઠંડું છે. ગાયનું ઘી, દૂધ માખણ બધું જ સારું. પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિએ ગરમ મસાલા નો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો. તાજા શાકભાજી, સલાડ, ગળ્યા અને રસદાર ફળો પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ માટે સારા. વધુ પડતા ખાટા ફળો પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિએ ખાવા નહીં. આમલા ખાટુ ફળ હોવા છતાં પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિ માટે સારું. જેનું જઠરાઅગ્નિ બરોબર હોય તે ભેંસનું ઘી ખાય તો પણ ચાલે. વધારે પડતા કઠોળ લેવા નહીં કઠોળને પચાવવા માટે વધારે એસિડ છોડવો પડે. મગ તુવેર ચણા ચાલે. વરીયાળી, ફુદીનો, લીમડાનો મોળ, કારેલા નો રસ, ધાણા વગેરે પિત્તને કંટ્રોલ કરે. એટલે આપણે ઉનાળામાં લીમડાનો મોળ પીએ છીએ તે તમારા શરીરમાં થતી ગરમીને રોકે. તમારી ચામડી ઉપરની અળાઈઓ તથા ફોડકીઓ થતી અટકાવે. ચા કોફી દારૂના સેવનથી દૂર રહેવું. શિવ ભગવાન ઉપર ચડાવવામાં આવતું બેલપત્ર પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિ માટે સારું. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિએ મન હંમેશા શાંત રાખવું. પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિએ ખાટુ દહીં વાપરવું નહીં. તાજી પાતળી છાસ ચાલે. ભાત ખીચડી સારી. ગરમ પ્રકૃતિના શાકભાજી જેવા કે રીંગણ વગેરે ઓછા લેવા. પરવર નું શાક તથા કારેલાનું શાક પિત્ત પ્રકૃતિવાળા માટે સારું. આઇસ્ક્રીમ ખાઈ શકે. જેનો સ્વાદ ગર્યો હોય તુરો હોય તથા કડવો હોય તે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિ માટે સારો.
પિત્ત પ્રકૃતિ સમસ્યા ઔર સમાધાન માટે નીચેનો વિડીયો જોવા વિનંતી છે.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment