કોઈપણ વ્યક્તિને પૂછો કે તારે શું જોઇએ છે? તો તે હંમેશા કહે છે કે મારે સુખ અને શાંતિ જોઈએ છે. લોકો આખી જિંદગી સુખ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે તો આ સુખ શું છે? સુખ કોને કહેવાય? તેના પ્રકાર કયા કયા? તેની પાછળ શું સાયન્સ છે? તે મેળવવા માટે શું શું કરવું પડે? તેના ઉપર મનન ચિંતન કરતાં આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
સુખ એટલે શું?
સુખનો સીધો સાદો મતલબ તે છે કે જે વસ્તુ કરવાથી કે મેળવવાથી આપણને સારું લાગે અને તેના તરફ રાગ જાગે તે સુખ.
ડોક્ટર સુધીર શાહ જે પોતે ન્યૂરો ફિઝિશિયન છે. તેમને સુખોપનિષદ નામની ચોપડી લખી છે. તે ચોપડી દરેકે વાંચવા જેવી છે. તેમાં આપેલી સુખની વ્યાખ્યા પ્રમાણે
સુ+ખ એ શબ્દની વ્યુત્પત્તિથી સુખ શબ્દ ઉત્પન્ન થયો છે. ‘ખ’ એટલે ઇન્દ્રિયો. જેનાથી ઇન્દ્રિયોને ‘સુ’ સારું લાગે એવી વસ્તુઓની પ્રાપ્તિ એટલે સુખ.
‘ખ’ એટલે આકાશ એવો પણ અર્થ થાય. જેનાથી ચિત્તાકાશમાં સારાપણાની, રાગની અનુભૂતિ થાય તે સુખ.
ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવી અને અણગમતી વસ્તુઓ દૂર થવી તેને પણ સુખ કહેવાય.
સુખ અને શાંતિ એ આપણો મૂળભૂત સ્વભાવ છે. તે પરમાત્મા ના સાત ગુણોમાંનો એક ગુણ છે.
કોઈપણ વ્યક્તિ આખી જિંદગી જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તેનો અલ્ટીમેટ ઉદ્દેશ સુખ અને શાંતિ મેળવવાનો હોય છે.
સુખના પ્રકાર કયા કયા?
સુખ કેટલો ટાઈમ ટકે છે તેના ઉપરથી તેના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે.
- મોજ મજા જેને અંગ્રેજીમા pleasure કહીએ છીએ 2. ખુશી અથવા સંતોષ જેને અંગ્રેજીમાં joy કહીએ છીએ 3. આનંદ અથવા નિજાનંદ જેને અંગ્રેજીમાં bliss કહીએ છીએ.
મોજ મજા એટલે શું?
જે કરવાથી થી કે મેળવવાથી આપણને ક્ષણિક આનંદ આવે તેને મોજ મજા કહેવાય. તેને ઇન્દ્રિય જન્ય સુખ પણ કહેવાય. શારીરિક સુખ પણ કહેવાય. તામસીક સુખ પણ કહેવાય.
આ સુખમાં વ્યક્તિને સારું સારું જોવું ગમે.
સારું સારું ખાવું ગમે.
સારું સારું સાંભળવું ગમે
સારું સારું સુંઘવું ગમે.
સારું સારું સ્પર્શ કરવું ગમે.
આ ઉપરાંત તેને ઊંઘવું ગમે, મૈથુન કરવું ગમે. કસરત કરવાથી મળતું સુખ પણ આની અંદર આવી જાય. બહાર હરવા ફરવા જવાનું સુખ પણ આ સુખની અંદર આવી જાય.
આ સુખ મોટાભાગે ક્ષણિક હોય છે. જે વસ્તુ મળતા પૂરું થઈ જાય. થોડા ટાઈમમાં પૂરું થઈ જતું હોવાથી વધુને વધુ મેળવવાની લાલસા જાગે છે.
દાખલા તરીકે તમે એક વીડિયો જુઓ છો તે સારો લાગે એટલે બીજો જોવા પણ પ્રયત્ન કરો છો. અથવા તે વિડીયો વારંવાર જોવા પ્રયત્ન કરો છો.
તમારી આ લાલસાઓને પૂરી કરવા માટે અલગ અલગ બિઝનેસ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે.
જેમકે આંખને ગમે તે માટે સરસ મજાનું ફર્નિચર, ફોટા, વિડિયોઝ, સિનેમા, ચિત્રો વગેરે ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ
કાન માટે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ઊભી થઈ
જીભ માટે ફૂડ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ
નાક માટે પર્ફ્યુમ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ
સ્પર્શ માટે ફેશન તથા સેક્સ ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ. સ્પર્શ બે જાતના હોય એક મમતા ભર્યો સ્પર્શ અને એક વાસના ભર્યો સ્પર્શ.
ખાવું, પીવું, ઊંઘવું તથા મૈથુન કરવું તે આપણી બેઝિક જરૂરિયાત છે. જીવનમાં થોડી મોજ મજા હોવી જોઈએ. પરંતુ તે મોજ મજામાં જ જીવન પૂરું કરી નાખવું તે વ્યાજબી નથી. તે પશુ જેવું જીવન કહેવાય. તે આપણા બેઝિક બ્રેઇનની પેદાશ છે. જેને reptilian brain(જે જમીનથી ઘસાઈને ચાલતા હોય તેવા સરીસૃપ પ્રાણીઓ જેવા કે સાપ, કાચિંડો, ગરોળી વિગેરેમાં જોવા મળે) કહેવાય. It is made from basal ganglia, brain stem and cerebellum. આ તે મગજ છે કે જેમાં તમારી બેઝિક જરૂરિયાતો પૂરી થાય છે તથા તમને સરક્ષણ પણ પૂરું પાડે છે. કોઈપણ ડરવાળી સ્થિતિમાં તમને બચાવે છે. આ મગજ સરીસૃપ પ્રાણી તથા મનુષ્યમાં પણ હોય.
એકવાર મોજ મજા કરવાની મજા આવે તેથી તે વારંવાર કરવાની ઈચ્છા થાય અને તે ન મળે ત્યારે વ્યક્તિ દુઃખી થઈ જાય. તે સુખ મેળવવા માટે આખી જિંદગી દોડાદોડ કર્યા કરે અને આખી જિંદગી પૂરી કરી નાખે. આ વારંવાર સુખ મેળવવાની ઈચ્છા કરનાર કેમિકલ નું નામ છે dopamine. તેને reward કેમિકલ પણ કહેવામાં આવે છે. બીજું છે serotonin તે તમારી અંદર આત્મવિશ્વાસ તથા મૂડ વધારવાનું કામ કરે છે. ત્રીજું કેમિકલ છે nor epinephrine તે તમારી અંદર પાવર અથવા તો શક્તિને વધારવાની કામ કરે.
ઉપરના ત્રણે ત્રણ કેમિકલ મોજ મજા માટે જરૂરી છે. દુનિયામાં 85 થી 90 ટકા લોકો આ મોજ મજા વાળું જીવન જીવે છે.
ખુશી સંતોષ અથવા joy એટલે શું?
જે કામ કરવાથી તમને ખુશી થતી હોય સંતોષ થતો હોય તે આ સુખમાં આવે. તેને માનસિક સુખ પણ કહેવાય. તેને રજસ સુખ પણ કહેવાય. મોટાભાગના સસ્તન(સસ્તન નો મતલબ જેને સ્તન હોય) પ્રાણીઓ તથા મનુષ્ય લાગણીથી તથા સંવેદનાથી એકબીજા જોડે જોડાયેલો છે. તેને ઇમોશનલ બ્રેઇન પણ કહેવાય.
આ સુખમાં વ્યક્તિ ઈચ્છાઓ કરે અને તે ઈચ્છાઓ પૂરી થતાં તે સુખનો અનુભવ કરે. માન મળે, સન્માન મળે, પદ મળે, સત્તા મળે ત્યારે તેને ખુશી નો અનુભવ થાય. તે તેના ફેમિલી તથા સમાજ માટે કંઈક સારું કરે, સમય આપે, પૈસાનું દાન કરે, સ્કૂલ કોલેજ બનાવે તેમાં તેને ખુશી મળે. કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ લેખક થાય, કોઈ ચિત્રકાર થાય, કોઈ સાહિત્યકાર થાય મતલબ કે કંઇક વસ્તુનું સર્જન કરે અથવા તો પદવી મળે ત્યારે તેને ખુશી નો અનુભવ થાય. પૈસા કમાવાનું સુખ આની અંદર આવે. પૈસા કમાયા પછી સમાજ માટે વાપરવાની ખુશી પણ આની અંદર આવી જાય. આ ઉપરનું તમામ સુખ તે માનસિક સુખ કહેવાય. તે તામસિક સુખ કરતા થોડું વધારે ટકે. પરંતુ તે પણ બહારના પરિબળો પર આધારિત હોય. જ્યારે તમે પદ ઉપર હોય ત્યારે તમને માન સન્માન મળે. પદ ઉપરથી ઉતરી ગયા પછી માન સન્માન મળતું બંધ થઈ જાય પછી દુઃખનો અનુભવ થાય.
આ સુખ માટે જવાબદાર બ્રેઇનને લીમ્બિક બ્રેઇન અથવા તો ઈમોશનલ બ્રેઇન કહેવામાં આવે. આ બ્રેઈનને paleomammalin brain અથવા old mammalian brain પણ કહેવાય છે. તમામ સસ્તન પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, ઘોડો, બળદ કે કુતરા તે આ મગજ ધરાવે. આ મગજ મનુષ્યમાં પણ હોય પરંતુ તેનાથી વધારે વિકસિત હોય. તે ઉપરાંત રેપ્ટિલિયન મગજ તો ખરું જ. આ મગજ ની અંદર નીચે મુજબના બ્રેઇનના પાર્ટ આવે
Amygdala, hypothalamus, hippo campus and singulate cortex.
આની મદદથી તેઓમાં સંવેદના, કુટુંબભાવના, કઈક અંશે સામાજિક સ્વીકૃતિ, વર્તણુક, થોડી ઘણી લાગણી, પ્રેરણા અને પ્રશંસાની લાગણી વગેરે પેદા થાય. આમાં સ્વરક્ષણની ભાવના તો નિહીત છે જ. તેથી મનુષ્ય તથા આ બધા પ્રાણીઓમાં બંને મગજ હોય. એક રેપ્ટિલિયન અને બીજું મમાલીયન. કૌટુંબીક અને સામાજિક લાગણીઓ પણ આમા જ આવે. તેથી એના ઉપર ઘાત થાય તો હતાશા નિરાશા પ્રાપ્ત થાય. આ લીમ્બિક બ્રેઇન મનુષ્યમાં પણ હોય જેથી ઉપર બતાવેલી ભાવનામાં કઈ પણ પ્રોબ્લેમ થાય તો તેને પણ નિરાશા અને હતાશાનો અનુભવ થાય.
જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ મનુષ્ય પ્રાણીઓથી અલગ તરી આવવા માંડ્યો.
તેની અંદર એક નવા મગજનો વિકાસ થયો તેને નિયો મમાલિયન બ્રેઈન કહેવાય.
આ નવા વિકસેલા મગજને કારણે માનવી વિચાર કરે,તર્ક કરે, સારી કે ખરાબ વર્તણુક કરે, વાતચીત કરી શકે તેને પોતાની ભાષા પણ હોય, સ્મૃતિ એટલે કે યાદશક્તિ હોય, આયોજન કરી શકે, બુદ્ધિ ચલાવે, વિવેક વાપરી શકે. આ નવું મગજ જે ઉત્ક્રાંતિ દરમિયાન વિકસ્યું છે જેના કારણે માનવજાત અત્યારે સર્વોપરી છે. તે ધારે તે કરી શકે. બીજા પ્રાણીઓ ઉપર પણ કંટ્રોલ કરી શકે. બીજા પ્રાણીઓ તેવું ન કરી શકે. અત્યારે પૂરી સૃષ્ટિ ઉપર મનુષ્યનો કંટ્રોલ આ મગજના કારણે છે.
પશુઓથી માણસને જુદુ પાડતું આ મગજ જેને આપણે neo mamalian કહીએ છીએ. આ મગજ આપણા મગજના અગ્ર ભાગમાં આવેલું હોય છે. તેથી મનુષ્યની આગળની ખોપરી નો ભાગ લાંબો હોય છે. જ્યારે બીજા બધા પ્રાણીઓનો કપાળનો ભાગ સપાટ હોય છે. તેમાં pre frontal lobe, cerebral cortex, neo cortex નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનુષ્યમાં પશુઓમાં જોવા મળતું લિમ્બિક બ્રેઇન તથા સરીસૃપ પ્રાણીઓમાં જોવા મળતું રેપ્ટેલીયન બ્રેઇન પણ વધુ વિકસિત હોય છે. તેઓની કાર્યપદ્ધતિ વધુ સંગીન થઈ. મનુષ્ય પોતાની વિચાર શક્તિ ધરાવે છે. તર્ક શક્તિ ધરાવે છે. નવું સર્જન કરી શકે છે. તે બધું જ આ નવા મગજના કારણે છે.
આ બ્રેન માટે જરૂરી કેમિકલ serotonin, dopamine, oxytocin and vasoprecin તથા prolactin છે.
ઓક્સિટોસિન અને vasoprecin પેદા ન થાય તો ડિપ્રેશનની ભાવના આવે.
મનુષ્યએ આજ સુધી જે કંઈ સુખ મેળવ્યા છે તે બહારથી મેળવ્યા છે. તેથી બહારની પરિસ્થિતિમાં ફેરફાર થાય તો સુખ દુઃખમાં પણ ફેરફાર થાય. તો આ સુખ પણ પરમેનેન્ટ નથી.
આનંદ અથવા નિજાનંદ અથવા bliss એટલે શું?
આ એકદમ ઊંચા સ્તરનું સુખ છે. માણસ બધી જ દોડધામ કરીને બધી જ મોજ મજા કરીને પછી છેલ્લે જ્યારે તેને એવું લાગે કે આ બધી દોડધામ કરવા છતાં હાથમાં કઈ આવતું નથી અથવા તો લોબો ટાઈમ સુખ ટકતું નથી ત્યારે હંમેશા એ પાછો ફરતો હોય છે. આટલું બધું કરવા છતાં ભીતરમાં કોઈને શાંતિ લાગતી નથી. કંઈક હજુ અધૂરું લાગે છે. તે સુખ બહારના પરિબળો પર આધીન હતું. તેમાં પૈસા કે સન્માનની લાલસા હતી.
પરંતુ નિજાનંદ ની સ્થિતિમાં વ્યક્તિને પૈસાની કે સન્માનની કોઈ લાલસા કે આવશ્યકતા રહેતી નથી. તે હંમેશા પ્રસન્ન અને જાગ્રત રહે
છે. જ્યારે વ્યક્તિ નિજાનંદની સ્થિતિમાં પહોંચે છે ત્યારે શાંતિ તેને ફ્રી પેકેજમાં મળે છે. તેને પરમ શાંતિ નો અનુભવ થાય છે. દિવ્ય પ્રેમની લાગણી થાય છે. નિજાનંદ નું સુખ તે અંદરથી આવતું સુખ છે. તે આપણો મૂળભૂત સ્વભાવ છે. પરંતુ તે સંસારના આકર્ષણના કારણે તે ઢંકાઈ ગયું હતું. આ સુખ માણસ જ્યારે આંખ બંધ કરીને શાંતિથી પોતાની જાત જોડે બેસે ત્યારે આવે. સવાસન, યોગ નિંદ્રા, ધ્યાન, પ્રાર્થના, ભક્તિ, મંત્ર ઉપચાર, નિષ્કામ કર્મ, સાક્ષી ભાવ જાગે ત્યારે આવે. જ્યારે વ્યક્તિમાં આ સુખ જાગે ત્યારે તે વ્યક્તિ દયા, પ્રેમ, કરુણા થી ભરાઈ જાય. ગમે તેવી પરિસ્થિતિમાં હંમેશા શાંત રહ્યા કરે. સુખમાં શકી ના જાય દુખમાં ડરી ન જાય. તેને પણ દુઃખ તો આવે પરંતુ તેની સહન કરવાની શક્તિ વધી જાય. તેની દરેક ક્રિયા ધ્યાન પૂર્ણ રીતે થાય. તે હંમેશા સજગ હોય.તે કામ, ક્રોધ, લોભ, અહંકાર થી દૂર રહે. તેની અંદર દયા, પ્રેમ, કરુણા, સેવા, સમર્પણ ની ભાવના જાગી ઊઠે. તેના હૃદયની ગતિ ધીમી હોય, શ્વાસોશ્વાસ ધીમા હોય, દરેક કાર્ય શાંતિથી કરે, પુરા ઉત્સાહથી કરે, આનંદથી કરે. તે વ્યક્તિ જોડે તમને બેસવાની પણ મજા આવે.
જ્યારે વ્યક્તિ નિજાનંદનો અનુભવ કરે ત્યારે મગજમાં માત્ર એક નાનકડા બિંદુ જેટલા ક્ષેત્ર parietal lobe માં લોહીનો પ્રવાહ તથા ચયાપચય વધે.
જ્યારે વ્યક્તિ નિજાનંદમાં હોય ત્યારે
Endorphin, encephalin, Gaba,
Endocanaboid જેવા નુરો ટ્રાન્સમીટર મગજમાંથી છુટા પડે.GABA એ શાંતિ અને નિંદ્રા માટે જરૂરી છે. ઊંઘ ના આવતી હોય ત્યારે આપણે આ ગાબા તત્વને વધારવાવાળી ગોળીઓ લઈએ છીએ જેવી કે Diazepam, alprazolam વિગેરે.
તાજેતરમાં Endocanaboid નામના કેમિકલ ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. તેનું પરદેશમાં નામ છે anandamide. જે આનંદ ઉપરથી આવ્યું છે. આ કેમિકલ પરમાનંદની લાગણી ઉભી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેનાબીસ સતિવા એટલે કે ગાંજામાં આ દ્રવ્ય હોય. તે લેવાથી પણ માણસ નિજાનંદમાં આવી જાય. આ દુનિયાને ભૂલી જાય. દુનિયા થી detech જ થઈ જાય. એટલે અમુક સાધુ સંતો ગાંજા નું સેવન કરે છે. પરંતુ આપણે આવું નથી કરવાનું. આપણે ધ્યાન, સવાસન તથા સાક્ષી ભાવ વગેરે કેળવીને નિજાનંદમાં રહેવાનું છે.
આ સુખનો અનુભવ તે લોકો કરી શકે જેની અંદર કરુણા, પ્રેમ, આર્જવ, સત્ય, ક્ષમા અને અહિંસાની ભાવના હોય.
આ કેટેગરીમાં આપણા તમામ સંતો જેવા કે નરસિંહ મહેતા, એકનાથ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ તથા ઘણા બધા મહાન લોકો જે આપ પથ ઉપર ચાલ્યા છે તેમનો સમાવેશ થાય.
જેને પરમ તત્વ ની પ્રાપ્તિ કરી છે તે ઉપરના ત્રણેય ગુણોથી પણ પર છે. તેને ગુણાતીત કહેવાય. તેની અંદર ભગવાન રામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, લોર્ડ જીસસનો સમાવેશ થાય. તે તમો ગુણ, રજો ગુણ કે સતો ગુણ થી પણ પર છે.
પ્લીઝર એ તમસ પ્રાણી સંજ્ઞા છે.જોય રજસ માનવીય સંજ્ઞા છે. જ્યારે બ્લીસ એ સત્વ સંજ્ઞા છે તેને આત્મિક કે દેવી સંજ્ઞા પણ કહી શકાય.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. થેન્ક્સ ટુ ડોક્ટર સુધીરભાઈ શાહ તેમના સુખોપનિષદ ચોપડીમાંથી અર્ક કાઢીને આ લેખ બનાવ્યો છે. સમાજમાં વધુને વધુ લોકો સાચા સુખનો અનુભવ કરે તેવી ભાવનાથી આ લેખ લખાયો છે.
સુવાક્ય.
સુખ તે કસ્તુરી મૃગ જેવું છે. આખી જિંદગી કસ્તુરી મૃગ તે સરસ મજાની સુગંધ ક્યાંથી આવે છે તે ગોતવા માટે બહાર પ્રયત્ન કરતું હતું પરંતુ તેને ખબર ન હતી કે તે સુવાસ તેને નાભી માંથી આવતી હતી. બસ સુખનું પણ આવું જ છે. તે આપણી અંદર છે જ પરંતુ આપણે તેને બહાર ગોતવા પ્રયત્ન કરીએ છીએ.
એટલે સુફી સંત રૂમીનું એક વાક્ય છે. બસ તું એક કામ કર તારી અંદર તપાસ કર.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a reply to Anonymous Cancel reply