આજકાલ ઘણા બધા લોકોમાં માથાના દુખાવાની કમ્પ્લેન વારંવાર રહ્યા કરે છે. દિવસે દિવસે માથાના દુખાવાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. વારંવાર માથાના દુખાવાના ઘણા બધા કારણ છે. પરંતુ આજે આપણે આધાશીશી એટલે કે માઈગ્રેન વિશે વાત કરીશું. આધાશીશી શું છે? તે કેવી રીતના થાય? તેના લક્ષણો શું શું છે? તથા તેની સારવાર શું હોઈ શકે? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
આધાશીશી એટલે કે માઈગ્રેઇન નો મતલબ શું?
મોટાભાગના કેસમાં તમને આખું માથું દુખે પરંતુ આધાશીશી માં તમને અડધું જ માથું દુખે. કોઈક કોઈક વાર આધાશીશી નો દુખાવો આખા માથામાં પણ થાય પરંતુ તે બહુ ઓછા કિસ્સામાં હોય. આધાશીશી નો મતલબ અડધુ માથું. મોટાભાગે આધાશીશી માં માથાનો દુખાવો માથાના પાછળના ભાગથી શરૂ થાય. મોટાભાગે આધાશીશી નો દુખાવો જ્યારે પણ આવે તે પહેલા તમને અમુક અમુક ચેતવણી આપીને આવે. જેમ કે તમારી આંખ આગળ પ્રકાશના તથા અંધકારમાં કુંડાળા જોવા મળે. તેના વિશે ડિટેઇલમાં આપણે પછી વાત કરીશું.
માઈગ્રેઇન એ લેટિન શબ્દ છે. તેનો મતલબ પણ અડધું માથું થાય. માઈગ્રેનમાં આપણને દુખાવો કેવી રીતના આવે તેમાં કયા કયા લક્ષણો હોય તે વિશે હવે આપણે વાત કરીશું. મોટાભાગે માઈગ્રેન નો દુખાવો ચાર તબક્કામાં આવે તે ચાર તબક્કાનું નામ નીચે મુજબ છે
Prodrome, Aura, Attack and postdrome.
આધાશીશી ના દુખાવામાં મોટાભાગે માથામાં લબકારા મારતું હોય તેવો દુખાવો થાય. તેની સાથે તમને ઘણી વખત ઉબકા અને ઉલટી પણ થાય. એકવાર ઉલટી થઈ જાય તો તે દુખાવો શાંત પણ થઈ શકે. તીવ્ર પ્રકાશ અથવા તો તીવ્ર અવાજના કારણે તે વધારે થાય. આધાશીશીના હુમલા કલાકોથી દિવસો સુધી ટકી શકે છે. ઘણીવાર તે માથાના દુખાવાના કારણે આપણા કામ કાજ ઉપર પણ અસર થાય.
કેટલાક લોકોમાં ઓરા તરીકે ઓળખાતું ચેતવણીનું લક્ષણ માથાનો દુખાવા પહેલા અથવા તેની સાથે પણ થાય છે. ઓરા એટલે આભામાં આપણી આંખની આગળ પ્રકાશ તથા અંધકારના કુંડાળા જોવા મળે.તથા અન્ય વિક્ષેપ, જેમ કે ચહેરાની એક બાજુ અથવા હાથ અથવા પગમાં કળતર થવી તથા બોલવામાં મુશ્કેલી પડવી વગેરે લક્ષણો જોવા મળે.
લક્ષણો
માઈગ્રેન મોટાભાગે બાળકો અને કિશોરો તેમજ પુખ્ત વયના લોકોને થતો હોય છે. તે મોટાભાગે ચાર તબક્કામાં જોવા મળે: પ્રોડ્રોમ, ઓરા, એટેક અને પોસ્ટ-ડ્રોમ. માઇગ્રેન ધરાવતા દરેક વ્યક્તિ આ ચાર તબક્કામાંથી પસાર તેવું જરૂરી નથી.
પ્રોડ્રોમ
આધાશીશીના એક કે બે દિવસ પહેલા આપણા શરીરમાં અમુક અમુક ફેરફાર થાય તેની તે નીચે મુજબના હોઈ શકે.
કોઈક વાર કબજિયાત થાય. તમારા મૂડની અંદર ફેરફાર થાય. કોઈ વાર ડિપ્રેશન થી માડી ને તમને વધુ પડતા મૂડમાં પણ આવી જાઓ. અમુક ખોરાક ખાવાની તીવ્ર લાલસા થાય. તમારી ગરદન જકડાઈ જાય. પેશાબ કરવા વારંવાર જવું પડે. શરીરમાં પાણીનો સંગ્રહ થવાના કારણે તમને પગમાં કે આખા શરીરમાં થોડા સોજા આવે. વારંવાર બગાસા આવ્યા કરે.
આભા(Aura)
કેટલાક લોકો માટે, માઇગ્રેન પહેલાં અથવા દરમિયાન આભા થઈ શકે છે. એટલે કે તમારી આંખ આગળ પ્રકાશ તથા અંધકારના કુંડાળા જોવા મળે. દરેક લક્ષણ સામાન્ય રીતે ધીમે ધીમે શરૂ થાય છે, ઘણી મિનિટોમાં વધે છે અને 60 મિનિટ સુધી ટકી શકે.
આભાના સ્ટેજમાં તમને નીચે મુજબના લક્ષણો જોવા મળે.
જેમ કે તમારી આંખ આગળ પ્રકાશના થતા અંધકારના કુંડાળા જોવા મળે તથા પ્રકાશના ઝબકારા જોવા મળે. આંખમાં ધૂંધરું દેખાય. હાથ તથા પગમાં સોય ભોકાતી હોય તેવું લાગે.ચહેરા અથવા શરીરની એક બાજુ નબળાઇ અથવા નિષ્ક્રિયતા આવતી હોય તેવું લાગે. બોલવામાં તકલીફ પડે.
હુમલો.
જો ઉપરના લક્ષણો ઉપર ધ્યાન દેવામાં ન આવે તો માઈગ્રેન નો એટેક એટલે કે હુમલો આવી શકે છે. સામાન્ય રીતે માઈગ્રેન નો એટેક 4 થી 72 કલાક સુધી ચાલે.
માઈગ્રેન ના એટેક દરમિયાન તમને નીચે મુજબના લક્ષણો જોવા મળે.
સામાન્ય રીતે તમારા માથાની એક બાજુએ દુખાવો થાય,પરંતુ ઘણીવાર બંને બાજુએ એ માથું દુખે. આ માથાના દુખાવા ની અંદર માથા ની અંદર જોરદાર લબકારા મારે. આ માથાનો દુખાવો વધારે પડતી લાઈટ, વધારે પડતો અવાજ, વધારે પડતી તીવ્ર ગંધ છોડતી કોઈપણ વસ્તુ સાથે વધે. જેમ કે તમારી નજીક કોઈ ડિઓદરન્ટ કે સેન્ટ છાંટી ને આવ્યો હોય તો પણ તમારું માથું પકડાઈ જાય.
પોસ્ટ-ડ્રોમ
આધાશીશીના હુમલા પછી તમને એક દિવસ સુધી કામ કરવાની મજા ન આવે, કન્ફ્યુઝન તથા થાકનો અનુભવ થાય.
માઇગ્રેન શા માટે થાય છે?
માઈગ્રેન શા માટે થાય છે તેના ચોક્કસ કારણો શોધી શકાય નથી. પરંતુ અત્યાર સુધીમાં નીચે મુજબ ના કારણોથી માઈગ્રેન થઈ શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
મોટાભાગે માઈગ્રેન એ આપણી મગજની અંદર થતા કેમિકલ ફેરફારોને કારણે તથા આપણા મસ્તિષ્કની આજુબાજુ આવેલી ધમનીમાં થતાં અસામાન્ય ફેરફારોને કારણે થાય છે. આપણા મસ્તિષ્ક તથા મોઢાના તમામ સેંસેશન તે આપણા મસ્તિષ્કની પાંચમા નંબરની ચેતા જેનું નામ ટ્રાયજેમીનલ નર્વ છે તેના દ્વારા થાય છે. તેમાં સામાન્ય સોજો કે વહનમાં ફેરફાર થવાના કારણે થાય માઈગ્રેન થાય.
મગજની અંદર જે કઈ સંદેશા વ્યવહાર થાય છે તે વેવ્સ એટલે કે તરંગો દ્વારા થાય છે. આ તરંગોની અંદર ક્યાંય પણ ગરબડ પેદા થાય ત્યારે આપણી પાંચમા નંબરની નર્વ જેને આપણે ચેતા કહીએ છીએ તેની અંદર થોડો સોજો આવે અને તેની કામગીરીમાં પ્રોબ્લેમ ઊભો થાય તથા આપણા મસ્તિષ્કના કાર્યમાં પણ વિક્ષેપ ઊભો થાય. જેના કારણે તમને માઈગ્રેન થાય. માઈગ્રેન નો એટેક આવે તે પહેલાં ના લક્ષણો આના કારણે થાય.
વેસ્ક્યુલર થિયરી
આધાશીશી સામાન્ય રીતે ત્યારે થાય જ્યારે માથાની રક્તવાહિનીઓનું અસામાન્ય રીતે સંકોચન(cotraction) અને વિસ્તરણ(Dilatation) થાય. માથાના પાછળના ભાગમાં આવેલી ધમનીઓ માં સંકોચન નો અનુભવ થાય , જેના કારણે મગજના પાછળના ભાગમાં અથવા ઓસિપિટલ લોબમાં લોહીનો પ્રવાહ ઓછો થાય. આ આધાશીશી થાય તે પહેલા ઓરા નો એ સ્ટેજ આવે છે તે આના કારણે થતો હોય તેવું માનવામાં આવે છે.
સેરોટોનિન સિદ્ધાંત
સેરોટોનિન એ મગજમાં ન્યુરોટ્રાન્સમીટર અથવા રાસાયણિક સંદેશવાહક છે. જે પીડા નિયમનકાર અને મૂડ સ્ટેબિલાઇઝર તરીકે કાર્ય કરે છે અને રક્ત વાહિનીઓના વિસ્તરણ અને સંકોચનમાં પણ ભૂમિકા ભજવે છે. અભ્યાસ એવું દર્શાવે છે કે જે વ્યક્તિઓ આધાશીશી સ્વરૂપે પીડાય છે તેઓમાં સેરોટોનિનનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે રક્તવાહિનીઓને વિસ્તરે છે અને ફૂલે છે અને માથાની બાજુમાં દુખાવો કરે છે. માઈગ્રેન ના એટેક માટે ઓછું સેરોટોનિન એ એક કારણ માનવામાં આવે છે. તેથી અમુક લોકોને ડિપ્રેશન ની સાથે જે માથું દુખે છે તેનું કારણ પણ આ જ છે. ડિપ્રેશન ની અંદર સેરોટોનિન નું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે આપણે ડિપ્રેશન સાથે માઈગ્રેન હોય ત્યારે એન્ટી ડિપ્રેશન પણ આપતા હોઈએ છીએ.
હાઇપોથાઇરોડિઝમ
હાયપોથાઇરોડિઝમ એટલે ઓછી કાર્યશીલ થાઇરોઇડ ગ્રંથી. તેને પણ માઇગ્રેનના હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આપણા લોહીમાં થાઇરોઈડ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય ત્યારે આપણી ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય તથા શરીરની અંદર પાણી અને મ્યુસીનનો સંગ્રહ વધી જય. જેના કારણે મગજની નશો વધારે ફૂલી જાય અને દુખાવો પેદા કરે.
આ ઉપરાંત નીચેની પરિસ્થિતિમાં પણ માઈગ્રેન નો હુમલો ચાલુ થઈ જવાની શક્યતા વધી જાય છે. જેને આપણે માઈગ્રેન ટ્રિગર કહીએ છીએ.માઇગ્રેન ટ્રિગર્સ સંખ્યાબંધ છે. જેમાં નીચે મુજબની સ્થિતિનો સમાવેશ થાય છે.
સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો. ઈસ્ટ્રોજન હોર્મોન માં થતા ફેરફારને કારણે માસિક આવી તે પહેલા અથવા માસિક દરમિયાન અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો મેનોપોઝ દરમિયાન માઈગ્રેન થવાની શક્યતા વધી જાય છે. અમુક બહેનો ગર્ભ નિરોધક ગોળી લે છે ત્યારે પણ માઈગ્રેન થવાની શક્યતા વધી જાય છે. અને અમુક લોકોને માઈગ્રેન થયું હોય તો ઓછું પણ થાય છે.
અમુક વખતે આલ્કોહોલ કે વાઇન કે કોફી પીવાના કારણે પણ માઈગ્રેન થવાની શક્યતા વધી જાય છે. ઘર પર કે ધંધામાં વધુ પડતો તણાવ માઇગ્રેન નું કારણ બની શકે છે.વધુ પડતી તીવ્ર લાઈટ કે મોટા મોટા અવાજે વાગતા મ્યુઝિક કે તીવ્ર વાસ વાળા પર્ફ્યુમસ અથવા deoderant ના કારણે માઈગ્રેનની હુમલો શક્યતા વધી જાય છે. ઊંઘ ન આવવાથી અથવા વધુ પડતી ઊંઘ લેવાથી કેટલાક લોકોમાં માઈગ્રેન થઈ શકે છે. વધુ પડતો શારીરિક શ્રમ તથા શારીરિક સંબંધ ના કારણે માઇગ્રેન નો હુમલો થવાની શક્યતા વધી શકે છે. વાતાવરણમાં જ્યારે પણ ફેરફાર થાય એક ઋતુમાંથી બીજું ઋતુમાં આપણે જઈએ ત્યારે માઈગ્રેન થવાની શક્યતા વધી જાય. અમુક દવાઓ જેવી ગર્ભનિરોધક ગોળીઓ અને વાસોડાઇલેટર, જેમ કે નાઇટ્રોગ્લિસરિન, માઇગ્રેનને વધારી શકે છે.અમુક ખોરાક જેવા કે જૂની ચીઝ અને ક્ષારયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાક માઈગ્રેનને ઉત્તેજિત કરી શકે છે.અમુક ખોરાક ની અંદર પ્રિઝર્વેટિવ કે કલર કે ટેસ્ટ ઉમેરવામાં આવે છે જેના કારણે પણ માઈગ્રેન થવાની શક્યતા વધી જાય છે. જેમાં સ્વીટનર એસ્પાર્ટમ અને પ્રિઝર્વેટિવ મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) નો સમાવેશ થાય છે. જે ઘણા બધા ખોરાકમાં એડ કરવા આવે છે.
સારવાર
માઇગ્રેનની સારવારનો હેતુ લક્ષણોને રોકવા અને ભાવિ હુમલાઓને અટકાવવાનો છે. જેને આપણે ક્યોરિટીવ ટ્રીટમેન્ટ તથા પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ કહીએ છીએ.
ઘણીબધી દવાઓ માઈગ્રેનની સારવાર માટે બનાવવામાં આવી છે. માઇગ્રેનનો સામનો કરવા માટે વપરાતી દવાઓ બે વ્યાપક શ્રેણીઓમાં આવે છે:
પીડામાં રાહત આપતી દવાઓ એટલે કે માઈગ્રેન નો હુમલો આવે ત્યારે વપરાતી દવાઓ.
આ દવાઓ જ્યારે માઈગ્રેન નો હુમલો થાય ત્યારે તેને શાંત કરવા માટે વપરાય છે. આ પ્રકારની દવાઓ આધાશીશીના હુમલા દરમિયાન લેવામાં આવે છે અને લક્ષણોને રોકવા માટે રચાયેલ છે. જેવી કે એસપીરીન, પેરાસીટામોલ, બ્રુંફેન વગેરે. આ દવાઓ થી તમને એસિડિટી થવાની શક્યતા વધી જાય છે અને તમારી કિડનીને પણ નુકસાન કરી શકે છે. આ દવાઓ જરૂરી હોય ત્યારે થોડો ટાઈમ માટે જ લેવાની હોય છે. જો તેની સાથે ઉલટી અને ઉબકા આવતા હોય તો તેની પણ દવા ઉમેરવામાં આવે છે.
ટ્રિપ્ટન્સ (Triptans). આ દવાઓ જેમ કે સુમાટ્રિપ્ટન (ઈમિટ્રેક્સ, ટોસિમરા) અને રિઝાટ્રિપ્ટન (મેક્સલ્ટ, મેક્સાલ્ટ-એમએલટી)નો ઉપયોગ માઈગ્રેનની સારવાર માટે થાય છે કારણ કે તે મગજમાં પીડાના માર્ગોને અવરોધે છે. ગોળીઓ, શોટ અથવા નેસલ સ્પ્રે તરીકે લેવામાં આવે છે, તેઓ આધાશીશીના ઘણા લક્ષણોને દૂર કરી શકે છે. સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ ધરાવતા લોકો માટે આ દવાઓ સંભાળીને લેવી.
બીજી પણ અન્ય દવાઓ છે જે માઈગ્રેન ના હુમલા ને શાંત પાડી શકે છે પરંતુ તેની આપણે વિસ્તૃત ચર્ચા કરતા નથી.
માઇગ્રેન ના હુમલા આવતા રોકવાની દવાઓ.
બ્લડ પ્રેશર ઘટાડતી દવાઓ. આમાં બીટા બ્લૉકર જેવા કે પ્રોપ્રાનોલોલ (ઈન્ડેરલ, ઈનોપ્રાન), હેમેન્જિઓલ) અને મેટોપ્રોલોલ (લોપ્રેસર) નો સમાવેશ થાય છે. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ જેમ કે વેરાપામિલ (વેરેલન, કેલન) ઓરા સાથે માઈગ્રેનને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.
Anti epileptic દવાઓ.
Sodium Valproate અને Topiramate (Topamax, Qudexy, અન્ય) જો તમને ઓછા તથા વારંવાર માઇગ્રેન ના હુમલા આવતા હોય ત્યારે તે મદદ કરી શકે છે.સગર્ભા સ્ત્રીઓ અથવા ગર્ભવતી થવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓ માટે આ દવાઓની ભલામણ કરવામાં આવતી નથી. ઉપરની દવામાં સોડિયમ વાલપોરેટ નામની દવા વધારે વપરાય છે.
ડિપ્રેશન સાથે માઈગ્રેન હોય તો એન્ટી ડિપ્રેશન ની દવાઓ પણ વાપરવામાં આવે છે.
આ ઉપરાંત સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર. જેવી કે Sibelium (flunarezine)10 જે માઈગ્રેન ના હુમલા ને આવતા રોકી શકે છે.
ઉપરની કોઈપણ દવાઓ ડોક્ટરની સલાહ વગર લેવી નહીં.
જીવનશૈલી અને ઘરેલું ઉપચાર
જ્યારે આધાશીશીના લક્ષણો શરૂ થાય, ત્યારે શાંત, અંધારાવાળા ઓરડામાં જવાનો પ્રયાસ કરો. તમારી આંખો બંધ કરો અને આરામ કરો અથવા નિદ્રા લો. તમારા કપાળ ઉપર ઠંડા પાણીના પોતા મૂકો. પાણી વધારે પીવો.
આરામ કરવાની તકનીકોનો પ્રયાસ કરો. બાયોફીડબેક અને આરામની તાલીમના અન્ય સ્વરૂપો તમને તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવાની રીતો શીખવે છે, જે તમને માઇગ્રેનની સંખ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે.
સૂવાની અને ખાવાની દિનચર્યા વિકસાવો. વધારે કે ઓછી ઊંઘ ન લો. દરરોજ સતત ઊંઘ અને જાગવાનું સમયપત્રક સેટ કરો અને તેનું પાલન કરો. દરરોજ એક જ સમયે ભોજન કરવાનો પ્રયાસ કરો.
પુષ્કળ પ્રવાહી પીવો.
પાણી વધારે પીવું.
માથાના દુખાવાની ડાયરી રાખો. માથાના દુખાવોની ડાયરીમાં તમારા લક્ષણોને રેકોર્ડ કરવાથી તમને તમારા માઇગ્રેઇન્સ શાથી થાય છે અને કંઈ સારવાર સૌથી અસરકારક છે. તે વિશે વધુ જાણવામાં મદદ થશે. જેથી કરીને તમારા ડોક્ટરને તમારી સારવાર કરવામાં સરળતા રહે.
નિયમિત વ્યાયામ કરો. નિયમિત એરોબિક કસરત તણાવ ઘટાડે છે. અને માઇગ્રેનને રોકવામાં મદદ કરી શકે છે. જો તમારા ડોક્ટર તમને સલાહ આપતા હોય તો તમને ગમે તેવી એરોબિક પ્રવૃત્તિ પસંદ કરો, જેમ કે વૉકિંગ, સ્વિમિંગ અને સાઇકલિંગ. ધીમે ધીમે શરીરને ગરમ કરો કારણ કે અચાનક તીવ્ર કસરતથી માથાનો દુખાવો થઈ શકે છે. ગહેરા લાંબા શ્વાસ લેવાથી, અનુલોમ વિલોમ કે ભ્રામરી પ્રાણાયામ કરવાથી માથાનો દુખાવો ઓછો થાય છે. તે તમારી નસનાડીઓ ને રિલેક્સ કરે છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a reply to Anonymous Cancel reply