આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો ને પેટ સાફ ન આવવાની કમ્પ્લેન હોય છે. તો આ કબજિયાત શું છે? તે કેમ થાય છે? તેનું નિરાકરણ કેવી રીતના કરી શકાય તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
કબજિયાત કોને કહેવાય?
મેડિકલ ની ભાષામાં તેની વ્યાખ્યા કરીએ તો અઠવાડિયામાં ત્રણ વખત થી ઓછી વખત પેટ સાફ આવે તેને કબજિયાત કહેવાય. આપણે આપણી ભાષામાં વાત કરીએ તો રોજ પેટ સાફ ના આવતું હોવાના કારણે આખો દિવસ બેચેની રહ્યા કરે, પેટમાં ગેસ કે ભાર લાગ્યા કરે, તેને કબજિયાત કહેવાય. ઝાડો કઠણ તથા સુકો આવતો હોય. ટોયલેટ માં લાંબો ટાઈમ બેસી રહેવું પડતું હોય. પેટ સાફ ન આવવાને કારણે વારંવાર ટોયલેટ જવું પડતું હોય. કઠણ તથા સૂકા ઝાડાને કારણે ઘણી વખત ફીશર અથવા મસા થઇ જતા હોય. જાડો આવવાની જગ્યાએ ખાલી ગેસ પસાર થતો હોય.
ઉપરની તમામ વસ્તુ કબજિયાતની શ્રેણીમાં આવે.
કબજિયાત ના કારણો કયા કયા છે?
- મારા મતે પ્રથમ કારણ છે કે આપણે ખોરાકને ચાવ્યા વગર સીધો જ ઉતારી દઈએ છીએ. જો ખોરાકને ચાવી ચાવીને ખાવામાં આવે શાંતિથી ખાવામાં આવે તો તે લાળ ખોરાકને સોફ્ટ અને લીસો બનાવે. ખોરાકનું પાચન મોઢામાંથી જ શરૂ થઈ જાય. આપણી લાળમાં ચરબીને અને સ્ટાર્સને પચાવવાના એન્જાઈમ હોય છે. એટલે તમે મોઢામાં તોપળુ કે બટાકાનો ટુકડો મૂકો છો તો ધીરે ધીરે ઓગળવા માંડે છે. જો તમારું પાચનતંત્ર તમે જે કંઈ ખોરાક ખાવ છો તેને બરોબર પચાવી દે તો તમને ના બ્લડપ્રેશર થાય, ના કોલેસ્ટ્રોલ થાય, ના હૃદય રોગના થાય, ના એસીડીટી, ગેસ કે કોન્સ્ટીપેશન થાય. તમારા ખોરાકને પીવો. તેને એક રસ કરીને જ્યારે પેટમાં ઉતારવામાં આવે ત્યારે તેનું પાચન જલ્દી થઈ જાય. આપના જઠરમાં દાંત નથી.
- ભૂખથી બે કોળિયા ઓછું ખાઓ. જ્યારે આપણે પેટને ફૂલ ભરી દઈએ છીએ ત્યારે જઠરને તે ખોરાક વલોવાની જગ્યા મળતી નથી. Ideally જઠર નો અડધો ભાગ ખોરાકથી ભરેલો હોવો જોઈએ. 25% ભાગ પાણીથી ભરેલો હોવો જોઈએ અને 25% ભાગ ખાલી હોવો જોઈએ.
- વાતો કરતા કરતા ખાવાથી ખાવાની સાથે તમારા જઠરમાં હવા પણ જાય તેના લીધે પણ તમને ગેસ થાય.
- અશાંત મન હોય ત્યારે પણ આપણા ખોરાકનું પાચન બરોબર ન થાય. જ્યારે તમે ચિંતામાં હોવ છો ત્યારે તમારી ભૂખ મરી જાય છે. જ્યારે તમે કોઈના ઉપર ગુસ્સો કે નફરત કરો છો ત્યારે પેટમાં એસીડીટી વધી જાય છે. તમારા મનનું ડાયરેક્ટ કનેક્શન તમારા આંતરડા જોડે છે. એટલા માટે આપણે જમવા બેસીએ ત્યારે એકદમ શાંતિથી જમવું. જમતા જમતા વાતો કરવી નહીં. ખાવામાં જ ધ્યાન રાખવું.
- અમુક દવાઓની સાઇડ ઇફેક્ટના કારણે પણ કબજિયાત થાય.
- ખોરાક ની અંદર રેશાનું પ્રમાણ ઓછું હોય તો પણ કબજિયાત થાય. કારણ કે તે રેશા આંતરડામાં જઈને પાણીને શોખે સ્ટુલને સોફ્ટ કરે અને ઝાડા નો જથ્થો વધારવા માં મદદ કરે. જેથી કરીને તે આંતરડાને ઉત્તેજિત કરે અને જાડો ઇઝીલી પાસ થાય. રોજના આપણે 25 થી 30 ગ્રામ રેશા લેવા જોઈએ. આપણે આપણા ખોરાક દરમિયાન 10 થી 15 ગ્રામ પણ રેશા લેતા નથી. રેશા આપણને લીલા શાકભાજી, સલાડ અને ફ્રુટ માંથી મળે. મોટાભાગે આપણે ફૂટ અને સલાડ લેવાનું ટાળીયે એ છીએ. Idealy 50% રાંધેલું ખાવું જોઈએ તથા 50% ફળફરાદી અને સલાડ ખાવું જોઈએ.
- આખા દિવસ દરમિયાન પાણી ઓછું પીવાથી પણ કબજિયાત થાય. તો પાણી વધારે પીવાથી તે જાડો સુકાય નહીં.
- એક્સરસાઇઝના અભાવને કારણે પણ કબજિયાત થાય. જ્યારે તમે ઝડપથી ચાલો છો ત્યારે તમારા આંતરડાને પણ ગતિ મળે છે. તેથી રાત્રે આપણે જમ્યા પછી ચાલીએ છીએ ત્યારે પેટમાં હળવું લાગે છે. નિયમિત પોતાની જાત માટે એક કલાક કાઢવો એ દરમિયાન થોડું ઝડપથી ચાલો.
- ખોરાકમાં છાસ અને દહીંનો ઉપયોગ કરવાથી પણ પેટ સાફ આવે. દહીં તથા છાસમાં આંતરડાને સારા બેક્ટેરિયા મળે તે પાચનમાં મદદ કરે. એટલા માટે ટીવીમાં પ્રોબાયોટિક ની એડવર્ટાઇઝ આવે છે.
- અમુક લોકો સવારે બેડ ટી લે ત્યારે જ સંદાસ આવે. તેવું એટલા માટે થાય આપણે જ્યારે પણ ચા પીએ ત્યારે શિપ શિપ કરીને પીએ છીએ. જેથી કરીને આંતરડાને ગતિ મળે એના કારણે આવું થાય. પરંતુ વધુ પડતી ચા આતરડા ને નુકસાન કરે. ચાની જગ્યાએ તમે થોડું ગરમ પાણી શિપ શિપ કરીને પીવો તો પણ સરખી જ અસર આવે. અમુક લોકો તમાકુ મશળે અને મોઢામાં મૂકે ત્યારે ઇફેક્ટ આવે. તેમાં પણ એવું જ છે જ્યારે તમે હાથમાં તમાકુ લઈને હથેળીમાં મશરો છો ત્યારે હથેળીની અંદર આંતરડાના એક્યું પ્રેશર ના પોઇન્ટ હોય. જે દબાય તેના કારણે આંતરડાને ગતિ મળે. તથા મોઢામાં તમાકુ મૂકવાથી મોઢાની લાળ ધીરે ધીરે આંતરડામાં જાય તેના કારણે પણ તેનું પેટ સાફ આવે. નિકોટીન આંતરડાની મૂવમેન્ટ થોડી વધારે. પરંતુ આ બંને વસ્તુ લાંબા ગાળે આંતરડાને નુકસાન કરે. તેનો કબજિયાત રીલીવ કરવા માટે ઉપયોગ કરવો નહીં.
કબજિયાત ન થાય તેના ઉપાયો.
મોટાભાગના ઉપાયો આપણે તેના કારણોની સાથે આપી દીધા છે તેમ છતાં જે બચે છે તેની વાત કરીશું.
- યોગની અંદર કબજિયાત માટે શંખપક્ષાલનની ક્રિયા આવે છે. શંખ પ્રક્ષાલન એટલે આંતરડાને ધોવાની ક્રિયા. આપણા અન્નનળીથી ગુદા માર્ગ સુધીનો આંતરડાનો આકાર શંખ જેવો છે તેના ઉપરથી શંખ પ્રક્ષાલન નામ આવ્યું છે. તેમાં ભૂખ્યા પેટે બે થી ચાર ગ્લાસ પાણી પીને નીચે મુજબના પાંચ આસનો કરવામાં આવે. 1. તાડાસન 2 તિર્યક તાડાસન 3 કટી ચક્રાસન 4 તિર્યક ભુજંગાસન 5. ઉદર આકર્ષણ આસન. ફરી 2 થી 4 ગ્લાસ પાણી પીને ફરી ઉપરના 5 આસનો કરવામાં આવે. આ ક્રિયા ત્યાં સુધી કરવામાં આવે છે તમે જે પાણી પીધું છે તેવું જ ક્લિયર પાણી છેલ્લે સંદાસ દ્વારા બહાર નીકળે. આ ક્રિયાના અંતે તમને વધારે ઘી નાખીને ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે જેથી કરીને તમારા આંતરડાની ચીકાશ જળવાઈ રહે. અને એસિડના દુષ પ્રભાવથી બચી શકાય. આ ક્રિયા નિપુણ યોગ શિક્ષક ની સલાહ મુજબ કરવી.
- પેટ ઉપરના આસનો તથા આગળ નમવાના આસન કરવાથી કબજિયાતમાં ફાયદો થાય જેવા કે સર્પાસન, સલભાસન, શશાંક આસન, મંડુકાસન યોગમુદ્રા વગેરે વગેરે.
- પ્રાણાયામમાં કપાલભાતિ પ્રાણાયામ, અગ્નિસાર પ્રાણાયામ તથા નૌલી ક્રિયા કરવાથી ફાયદો થાય.
- રોજ સવારે ઊઠીને બ્રશ કરીને બે થી ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાથી ફાયદો થાય તેમાં આપ મધ અથવા તો લીંબુ પણ નાખી શકો.
- ઉપરના ઉપાયો કરવા છતાં કબજિયાત રહે તો તમે કાયમ ચૂર્ણ કે ત્રિફળા લઈ શકો. તેની અંદર હરડ હોય તે કબજિયાત તથા ગેસને દૂર કરવામાં મદદ કરે. ત્રિફલા ની અંદર ત્રણ વસ્તુ હોય એક આમલા બીજું બહેડા ત્રીજું હરડ. આ ત્રણે ત્રણ વસ્તુ આપણા શરીર માટે બહુ જરૂરી છે. તે તમારા કપ પિત્ત અને વાતનું શમન કરે. આમલા કફ ઓછો કરે, બહેડા પિત્ત ઓછું કરે અને હરડ વાત ઓછો કરે. તમને કબજિયાત હોય તો ત્રિફલા લેવામાં કોઈ વાંધો નથી. તે એક જાતનો ખોરાક જ છે. તેમાં ટેવ પડી જવાની શક્યતા બહુ ઓછી છે. પેટ સાફ રહેવું જરૂરી છે. કબજિયાતમાં બને ત્યાં સુધી આયુર્વેદિક કે નેચરોપથી નો ઉપયોગ કરવો સારો.એલોપેથી ની દવાઓ શક્ય હોય ત્યાં સુધી ટાળવી. કાયમ ચૂર્ણ માં મોટાભાગે ફાઇબર હોય, સેંધા નમક હોય તથા ત્રિફળા હોય.
- તેમ છતાં કબજિયાત રહે તો એનીમાનો ઉપયોગ કરવામાં સંકોચ અનુભવવો નહીં. આંતરડા સાફ હોવા તે પ્રાથમિક જરૂરિયાત છે. તેનાથી ઘણા બધા રોગો આવતા અટકી જાય. બજારમાં તમને તૈયાર એનેમા કેન પણ મળે છે તે વસાવી દેવું. ના ખબર પડે તો ડોક્ટર જોડે જઈને એક વખત શીખી લેવું.
તે એનીમાં ટબમાં ચોખ્ખું પાણી ભરવું. પછી ટોટીના અગ્ર ભાગને સામાન્ય કોઈપણ તેલ અથવા તો જાયલોકેન્ જેલી લગાવીને ગુદા માર્ગમાં ત્રણથી ચાર સેન્ટિમીટર જવા દેવું. પછી પાણી ચાલુ કરવું. 400 થી 500 ml પાણી જશે ત્યારે તમને સંડાશ જવાની ઈચ્છા થશે.સંડાસ જશો ત્યારે પાણી ફોર્સ તથા મળ ફોર્સ સાથે બહાર આવશે. - તમારા શરીરમાં રેસા ઓછા જતા હોય તે રેશા ની પૂર્તિ કરવા માટે તમે ઇસબગુલ લઈ શકો છો. ઇસબગુલમાં સૌથી વધુ સારા પ્રમાણમાં ફાઇબર એટલે કે રેસા હોય છે. તે મોટા આંતરડામાં જઈને પાણીને શોખે અને ઝાડાને નરમ બનાવવા મદદ કરે તથા ઝાડાને નો જથ્થો વધારે. જેથી કરીને આંતરડાની મૂવમેન્ટ વધે. ઝાડો બહાર ફેંકવામાં મદદ કરે. તે વધારાની ચરબી તથા ગ્લુકોઝનું શોષણ પણ અટકાવે. જેથી કરીને તમારું વજન પણ કંટ્રોલમાં રહે. જેમ આપણે આંગણામાં કચરો સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ તેમ તે રેસા તમારા પેટને સાફ કરવાની સાવરણી સામાન છે.
- જેને પેટમાં ગેસ, એસીડીટી તથા જમ્યા પછી ભાર રહેતો હોય તેવા લોકોએ જમ્યા પછી તરત અજમો, જીરું અને મેથી નો પાવડર બનાવી ને લેવો. તો પેટ એકદમ હળવું થઈ જશે. તેમાં થોડું સંચર નાખી શકાય. અજમો જીરુંનો પાવડર અલગ રાખવો હોય તો પણ રાખી શકાય. મેથી નો પાવડર પણ અલગ રાખવો હોય તો રાખી શકાય. પરંતુ તેને મિક્સ કરીને પીવાથી તમને મેથી કડવી લાગશે નહીં. હું તેનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરું છું. તેનાથી પાચનતંત્ર સારું રહે. રેન્ટક કે પેન્ટટોપ કરતા પણ સારી અસર આવે છે. એસીડીટી ની ગોળી લેવાની જરૂર ઓછી પડે અથવા ન પડે.
- જે લોકોને કબજિયાત રહેતી હોય, વજન ઘટાડવું હોય, જઠરગની તેજ કરવી હોય, ડાયાબિટીસ ને કંટ્રોલ કરવો હોય તો મેથી નો પાવડર બનાવી રોજ પાણીમાં નાખીને પીવો. તે મેથી ની અંદર સારા એવા પ્રમાણમાં ફાઇબર હોય તે મોટા આંતરડામાં જઈને પાણીને શોખે. ઝાડાને સોફ્ટ બનાવે અને પેટને સાફ રાખે. ગ્લુકોઝ તથા ચરબીનું શોષણ અટકાવે.
મેથીના દાણાને તમે રાત્રે પાણીમાં પલાળી શકો અને સવારે તેને ચાવીને ખાઈ શકો. કડવાશ પાણીમાં જતી રહેશે. જે લોકોને ડાયાબિટીસ છે તે કડવું પાણી પણ પી જાય તો તેને ફાયદો થાય. મેથી ઇન્સ્યુલિનને રિલીઝ કરવામાં મદદ કરે તથા વજન ઘટાડીને ઇન્સ્યુલિનની સેન્સિટી વધારે. - બજારમાં Dulcolex નામની ગોળી મળે છે તે બે ગોળી રાત્રે લેવાથી સવારે પેટ એકદમ સાફ આવે . પરંતુ આ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહીં.તે મોટા આંતરડાની ગતિને વધારે તથા મોટા આંતરડામાં પાણીનું તથા સોલ્ટનું પ્રમાણ વધારી દે જેથી કરીને તમારો જાડો સોફ્ટ બને.પરંતુ આંતરડામાં કોઈ પણ જગ્યાએ રૂકાવટ હોય ત્યારે આ ગોળી લેવી નહીં. નહિતર પ્રોબ્લેમ વધી જાય. Dulcolex ની ગોળી દૂધ કે દહીં સાથે લેવી નહીં. કારણ કે દૂધ કે દહીં તે ગોળી ઉપરનું કોટિંગને વહેલા ઓગળી દે. જેથી કરીને તે ગોળી આંતરડામાં જઈને કામ કરવાની જગ્યાએ તમારા જઠરમાં કામ કરવા લાગે તો તમને વોમીટીંગ થવાની શક્યતા વધી જાય તથા પેટમાં ચૂંક આવે.
બીજું આવે liquid paraffin જે તમારા ઝાડાને સોફ્ટ બનાવે અને તમારા આંતરડાની અંદર ઓઇલિંગ નું કામ કરે. આંતરડાની અંદરની દિવાલ લીસી બનાવે. તેથી જાડો પાસ થવા માં તકલીફ ઓછી પડે. ખાસ કરીને જે લોકોને મસા હોય, ભગંદર હોય કે ફીશર હોય તે લોકોને આ દવા જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવી જોઈએ.જેથી કરીને સંદાસ દરમિયાન દુખાવો ઓછો થાય. જાડો સરળતાથી બહાર નીકળી જાય.
Liquid પરાફિનમાં મીણ જેવો પદાર્થ હોય જે પેટ્રોલિયમની પેદાશ છે. જે બજારમાં cremaffin ના નામથી મળે છે.
બીજું tool softener આવે lactulose તે પણ આંતરડામાં જઈને પાણીને શોખે અને જાડાને પાતળો બનાવે. જે લોકોને કમળો થયો હોય તે લોકોમાં એમોનિયા નું પ્રમાણ ઓછું કરવા માટે પણ આ દવા વપરાય છે. જે બજારમાં Duphalec આ નામથી મળે છે.
ઉપરના તમામ ઉપાયો કરવા છતાં કબજિયાત લાંબો ટાઈમ રહે તો તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. આંતરડામાં રૂકાવટ કોઈ વખત આંતરડાની અંદર ગાંઠ અથવા કેન્સરના કારણે પણ હોઈ શકે. ડોક્ટર દૂરબીન દ્વારા તેની તપાસ કરીને તેની સારવાર કરતા હોય છે.
ટોયલેટમાં બેસીને ટોયલેટ ના આવે તો બહુ જોર કરવું નહીં. તેનાથી મસા, ભગંદર તથા ગુદા માર્ગે બહાર આવવાની શક્યતા વધી જાય છે. આપણે ગમે તેટલું જોર કરીએ પરંતુ મળ એ આંતરડાની ગતિ ના નિયમ પ્રમાણે જ આવે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
કોમેન્ટ લાઈક અને શેર નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કરવી.
સુવિચાર
જો તમે ડાઇનિંગ ટેબલ ઉપર વધારે સમય બેસ છો (ચાવી ચાવીને શાંતિથી ખાશો તો) તો ટોયલેટમાં ઓછો સમય બેસવું પડશે.
જેનું પેટ સાફ તેના બધા રોગ માફ.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a reply to Anonymous Cancel reply