યોગ નિંદ્રા શબ્દ ઘણા બધા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ વાસ્તવમાં યોગ નિંદ્રા શું છે? તે કેવી રીતના કરી શકાય? તેના શું ફાયદા છે. આ બધી બાબતોથી લોકો અજાણ છે. તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
યોગ નિંદ્રા ના અલગ અલગ નામ કયા કયા છે?
યોગ નિંદ્રા ને લોકો સચેતન નિંદ્રા પણ કહે છે. સજગ નિંદ્રા પણ કહે છે. કુત્રિમ નિંદ્રા પણ કહે છે. જાગતા જાગતા ઊંઘવાની સ્થિતિ પણ કહે છે.
યોગ નિંદ્રા કોના માટે જરૂરી છે?
ઘણા બધા લોકોને ઊંઘ બરોબર આવતી નથી. ઊંઘની અંદર વધુ પડતા સપના આવે છે. ઊંઘ આવવામાં તકલીફ પડે છે. ઊંઘી ગયા પછી જાગી જવાય છે. જાગ્યા પછી ઊંઘ આવતી નથી. તેથી પૂરતી ઊંઘ મળતી નથી જેના કારણે જ્યારે વ્યક્તિ ઊઠે ત્યારે ફ્રેશ હોતો નથી. આખો દિવસ આળસનો અનુભવ કરે છે. આવા લોકો માટે યોગ નિંદ્રા કરવી બહુ જરૂરી છે. જે લોકો વિદેશોમાં વારંવાર પ્રવાસ કરે છે. તેના માટે પણ યોગ નિંદ્રા ખૂબજ જરૂરી છે.
કુદરતી ઊંઘ અને યોગ નિંદ્રા વચ્ચે શું ફરક?
કુદરતી ઊંઘ તે કુદરતના નિયમોને આધીન હોય છે. કુદરતી ઊંઘમાં વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય છે.વ્યક્તિ અચેતન અવસ્થામાં હોય છે.વ્યક્તિને ઊંઘ લાવવી તે પોતાના હાથમાં હોતી નથી. તેમાં ખાસ કરીને ગાઢ નિંદ્રા લાવવી તે આપણા હાથની વાત નથી. તે ભગવાનના હાથની વાત છે. પરંતુ યોગ નિંદ્રા તે સચેતન નિંદ્રા છે. તે પૂરી નિંદ્રા દરમિયાન આપણે જાગતા હોઈએ છીએ. જાગતા જાગતા આપણે ઊંઘ લેતા હોઈએ છીએ. યોગ નિંદ્રામાં વિચારો ઉપર આપણો કંટ્રોલ હોય છે. જ્યારે કુદરતી નિંદ્રામાં વિચારો ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. તેથી ઢાંગધાળા વગરના સ્વપ્ન આવે છે. જેના કારણે આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય છે.
યોગ નિંદ્રા કેવી રીતના કરી શકાય?
યોગ નિંદ્રા એક મેડીટેશન નો જ ભાગ છે. જેમ મેડીટેશન અલગ અલગ રીતે કરી શકાય તેમ યોગ નિંદ્રા પણ અલગ અલગ રીતે કરી શકાય.
પરંતુ આપણે આજે એકદમ સરળ રીતે યોગ નિંદ્રા કેવી રીતના કરી શકાય તેની વાત કરીશું. આ યોગ નિંદ્રા કોઈપણ વ્યક્તિ કરી શકે. તે પોતાની જાતને સ્વયં સૂચનો આપીને કરી શકે અથવા તો કોઈ ઓડિયો ક્લિપનો સહારો લઈને પણ કરી શકે.
આજે આપણે યોગ નિંદ્રા કરાવવા જઈ રહ્યા છીએ તેમાં પાંચ સ્ટેપ નો સમાવેશ કરીશું. તેની શરૂઆત સવાસન થી કરીશું. પછી આપણું શરીર પાંચ તત્વોનું બન્યું છે તે પાંચ તત્વોનું આપણા શરીરમાં પણ દર્શન કરીશું.ત્રીજા તબક્કામાં આપણા પુરા શરીરને ચલાવતું એક આત્મ તત્વ છે તેના દર્શન કરીશું.તે આત્મ તત્વ મન, બુદ્ધિ અને સ્મૃતિ દ્વારા આપણા શરીરને ચલાવી રહ્યું છે તેના દર્શન કરીશું. ત્યારબાદ આપણે શુભ સંકલ્પ લઈશું. પછી ઓમના ત્રણ મધુર ધ્વનિ કરીને ધીમે રહીને યોગ નિંદ્રામાંથી બહાર આવીશું.
સ્ટેપ 1: સવાસન
કોઈપણ એક ખુલ્લી જગ્યા પસંદ કરો અથવા તો તમારો બેડરૂમ કે જ્યાં હવાની અવરજવર બરોબર હોય.આજુબાજુમાંથી બહુ અવાજ આવતો ન હોય. યોગ નિંદ્રા સુતા સુતા કરવાની હોય છે. તમે તમારા બેડરૂમમાં કે બગીચામાં ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરીને પીઠ ના બળે સુઈ જાવ. બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખો. બંને પગના પંજા બહારની તરફ ઢળેલા. બંને હાથ તમારા શરીરની આજુબાજુ બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહીં. હથેળી નું રૂખ આકાશ તરફ. તમારા પાર્ટનરને કે બીજી વ્યક્તિને તમારા શરીરનો સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું. આંખો બંધ, તમારું ટોટલ ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર, શરીરમાં કોઈ પણ જગ્યાએ તણાવ હોય તેને હલાવી ડુલાવીને ઠીક કરી દો. શરીર એકદમ કમ્ફર્ટેબલ સ્થિતિમાં હોવું જોઈએ. હવે હું જ્યારે શ્વાસ લઈ રહ્યો છું ત્યારે પગના પંજાથી મસ્તિક સુધીના તમામ મસલ્સ તથા અવયવોને ઢીલા છોડતા જાવ, જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે મસ્તિકથી પગના પંજા સુધીના તમામ અવયવો તથા મસલ્સને ઢીલા છોડતા જાવ. હવે મનોમન આપણા શરીરનું દર્શન કરીશું, તમે નીચે સૂઈ ગયા હોય અને કોઈ વ્યક્તિ તમને સૂચનો આપી રહ્યું છે તેવા ભાવ સાથે.
મારા બંને પગના મસલ્સ રિલેક્સ.મારા બંને પગની ઘૂંટીના તમામ મસલ્સ રિલેક્સ. મારા બંને પગની પિંડીના તમામ મસલ્સ રીલેક્સ. મારા ઢીચણના તમામ મસલ્સ રીલેક્સ. મારી બંને સાથળના તમામ મસલ્સ રીલેક્સ. મારા કમરના તમામ મસલ્સ રીલેક્ષ. મારા પેટના તમામ મસલ્સ તથા અવયવો રિલેક્સ. મારા છાતીના તમામ મસલ્સ તથા અવયવો રિલેક્સ. મારું હૃદય એકદમ શાંતિથી ધબકી રહ્યું છે. એક ધબકારા અને બીજા ધબકારા વચ્ચે સરસ મજાનો લોહીનો સપ્લાય મેળવી રહ્યું છે.મારા ખભા ના તમામ મસલ્સ રિલેક્સ. ખભાથી હાથની આંગળીના ટેરવા સુધીના તમામ મસલ્સ રિલેક્સ. ગરદન ની આજુબાજુના તમામ મસલ્સ રિલેક્સ. માથા તથા કપાળના તમામ સ્નાયુ રિલેક્સ. મુખમુદ્રા ના તમામ સ્નાયુ રિલેક્સ. ચહેરો પ્રસન્ન મુદ્રામાં. પીઠ પાછળના તથા નિતંબ પાછળના તમામ મસલ્સ રિલેક્સ. કરોડરજ્જુની આજુબાજુના તમામ મસલ્સ રિલેક્સ. મારું સંપૂર્ણ શરીર રિલેક્સ છે. આંખોને બંધજ રાખો, શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ. વિચાર આવે તો આવવા દેવો જાય તો જવા દેવો તેની જોડે કનેક્ટ થાવ આ સ્થિતિમાં 5 થી 10 મિનિટ રહેવું. અત્યાર સુધીમાં આપણે જે કંઈ પ્રોસેસ કરી તેનું આખું નામ એટલે શવાસન. શવાસન નો મતલબ શવ જેવું આસન. કોઈ મૃત વ્યક્તિ પથારીમાં પડ્યો હોય જે જરાય પણ હલનચલન ન કરતો હોય તેવી સ્થિતિને શવાસન કહેવાય.
સ્ટેપ 2: પંચમહાભૂત તત્વોનું દર્શન.
સ્ટેપ ટુ માં આપણે સવાસનની સ્થિતિમાં જ રહેવાનું છે. આપનું સ્થૂળ શરીર તે પંચ મહાભૂત તત્વોનું બનેલું છે. તે પંચમહાભુત તત્વો એટલે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, અને આકાશ.આ પંચ મહાભૂત તત્વોનું આપણે મનોમન દર્શન કરીશું.
પ્રથમ તત્વ છે પૃથ્વી તત્વ. આપણું શરીર આહાર માંથી બનેલું છે તે આહાર એટલે જ પૃથ્વી તત્વ. આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ તે દ્વારા આપણી ત્વચા મસલ્સ, ચરબી, હાડકા તથા તમામ અવયવો બનેલા છે. તે તત્વ અને બહારના પૃથ્વી તત્વ વચ્ચે તાત્વિક રીતે કોઈ ફરક નથી. ભગવાને પૃથ્વી તત્વ દ્વારા મારા શરીરનો ઢાંચો બનાવ્યો તે બદલ ભગવાનનો હું મનોમન આભાર માનું છું.
બીજું તત્વ છે પાણી.
ભગવાને આપણા શરીરમાં પાણી તત્વ માંથી આપણા શરીરનું લોહી બનાવ્યું, શરીરના અન્ય સ્ત્રાવો બનાવ્યા છે, જઠર તથા આંતરડાના રસ બનાવ્યા જેના દ્વારા મારા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. તે જલ તત્વ દ્વારા આપણા તમામ તત્વોનું પરિભ્રમણ થઈ રહ્યું છે. તે જલ તત્વ આપીને ભગવાને મારા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે તેના માટે ભગવાનનો હું મનોમન આભાર મારું છું.
ત્રીજું તત્વ છે અગ્નિ
ભગવાને આપણા જઠરમાં પાણી અને અગ્નિના મિશ્રણ દ્વારા જઠરાગની બનાવ્યો છે. જેના દ્વારા આપણા ખોરાકનું પાચન થાય છે. આપણા શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે છે. તે અગ્નિ તત્વ આપવા બદલ ભગવાનનો હું મનોમન આભાર માનું છું.
ચોથું તત્વ છે વાયુ. તમારા નાકની બહાર વાતાવરણમાં જે વાયુ તત્વ છે તેને વાયુ કહેવાય. જ્યારે તે વાયુ તત્વ આપણા નાક દ્વારા આપણામાં ફેફસામાં જાય છે તેને શ્વાસ કહેવાય. આપણા ફેફસામાંથી આપણા કોષ સુધી પહોંચે છે તેને પ્રાણ વાયુ કહેવાય. તે પ્રાણ વાયુ જ્યારે કોષમાં પહોંચીને ગ્લુકોઝનું દહન કરે છે અને જે ઊર્જા પેદા થાય તેના દ્વારા મારા શરીરના તમામ કોષો તથા અવયવો બરોબર રીતના કામ કરી રહ્યા છે તે બદલ હું ભગવાનનો ખુબ ખુબ આભાર માનું છું.
પાંચમું તત્વ છે આકાશ.
આકાશ તત્વ એટલે કે ખાલી જગ્યા. ભગવાને મને ફેફસા અને છાતીના પાંજડા વચ્ચે જગ્યા આપી છે જેના કારણે મારા ફેફસા શ્વાસ લેવા દરમિયાન ખુલે છે અને શ્વાસ કાઢવા દરમિયાન સંકોચાય છે. હૃદય અને છાતીની વચ્ચે પોલાણ આપ્યું છે જેના કારણે મારું હૃદય ધબકી રહ્યું છે. ભગવાને આપણા આતરડા અને પેટની દિવાલ વચ્ચે પોલાણ આપ્યું છે. જેના દ્વારા મારા આંતરડા વિસ્તરણ પામે છે અને સંકોચન પામે છે. ભગવાનને આપણા મસ્તીક્ષમાં પણ પોલાણો આપ્યા છે જેને આપણે સાઇનસ કહીએ છીએ. તો ભગવાને મને આ ખાલી જગ્યા આપીને મારા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે તે એ બદલ હું ભગવાનનો મનોમન આભાર માનું છું. આમાંથી એક પણ તત્વ જો ભગવાન કાઢી લે તો મારું અસ્તિત્વ શક્ય નથી તે તમામ પાંચે પાંચ તત્વો આપવા બદલ હું ભગવાનનો મનોમન આભાર માનું છું.
સ્ટેપ 3: સૂક્ષ્મ શરીરનું અવલોકન.
મારા સ્થૂળ શરીરને પરમાત્મા મન, બુદ્ધિ તથા સ્મૃતિનો સહારો લઈને મારા શરીરને સુચારુ રૂપે ચલાવી રહ્યા છે તે બદલ તે આત્મા તથા પરમાત્માનો હું મનોમન આભાર માનું છું.
સ્ટેપ 4: શુભ સંકલ્પ.
સ્ટેપ ચાર માં આપણે મનોમન સંકલ્પ કરવાનો છે. તે સંકલ્પ એવો કરવાનો છે કે જેનો આપણે રૂટિન લાઇફમાં તેનો અમલ કરી શકીએ. તે સ્પષ્ટ હોવો જોઈએ. સરળ હોવો જોઈએ. જેનું તમે પાલન કરી શકો તેવો હોવો જોઈએ. જેમ કે હું મારા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે નિયમિત યોગ કે કસરત કરીશ. નિયમિત સવાસન કે મેડીટેશન કરીશ. હું શુદ્ધ અને સાત્વિક ખોરાક લઈશ. મારી ખરાબ આદતોને સુધારીશ. તેવો કોઈ પણ સંકલ્પ હોઈ શકે. તે સંકલ્પને મનોમન ત્રણથી ચાર વખત દોહરાવો. પછી તેના તે સ્થિતિમાં આંખો બંધ કરીને સૂતા જ રહેવાનું છે. આ સ્થિતિમાં કરેલો સંકલ્પ હંમેશા જ જીવનમાં ફરીભૂત થાય છે.
સ્ટેપ 5: ઓમના ત્રણ મધુર ધ્વનિ.
સંકલ્પને મનોમન દોહરાવ્યા પછી તેના તે સ્થિતિમાં બે થી પાંચ મિનિટ સુતા જ રહેવાનું છે. પછી ઓમના ત્રણ મનોમન ઉચ્ચાર કરવાના છે. પછી ધીમે રહીને જમણું પડખું ફરીને આંખો બંધ જ રાખીને પોતાની જગ્યાએ બેસવાનું છે. પછી ધીરે રહીને આંખોને ખોલવાની છે.
આ આખી યોગ નિંદ્રા ની પ્રોસેસ પતી જશે ત્યારે તમારું મન એકદમ શાંત થઈ ગયું હશે. તમે સ્ફૂર્તિનો અનુભવ કરતા હશો. થાક દૂર થઈ ગયો હશે.
નિયમિત યોગ નિંદ્રા કરવાના ફાયદા.
- જે લોકો પૂરતી ઊંઘ લઈ નથી શકતા તેના માટે યોગ નિંદ્રા નિયમિત કરવાથી તે ઊંઘની કમી પૂરી થઈ જાય છે.યોગ નિંદ્રા કરતા સમય લગભગ 20 થી 40 મિનિટનો લાગે. પરંતુ તે 20 થી 40 મિનિટ દરમિયાન તમારી બોડી સરસ રીતે ચાર્જ થઈ જાય.
- આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોડી ઊંઘ લે છે તેમ છતાં પણ તેઓ ફ્રેશ રહે છે. તેમને વિદેશોમાં પ્રવાસ કરવાના હોય છે.ત્યારે ગમે ત્યારે ઊંઘ લેવું હોય ત્યારે તે યોગ નિંદ્રા નો ઉપયોગ કરે છે.
- યોગ નિંદ્રા તે કુદરતી નિંદ્રા નો પર્યાય નથી. પરંતુ જે વ્યક્તિને બરોબર ઊંઘ ના આવતી હોય તો તે ઊંઘની કમી પૂરી કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે. ઊંઘ ના આવતી હોય તો ઊંઘમાં જવા માટે પણ સવાસનનો અથવા તો યોગ નિંદ્રા નો ઉપયોગ થઈ શકે. શવાસન કર્યા પછી સરસ મજાની ઊંઘ આવી જાય. મન તમારું શાંત થઈ જાય. મનમાં ચાલતા આડાઅવળા વિચારો તમને ઊંઘ આવવા દેતા નથી. અહીં આપણે જે વિચાર કરીએ છીએ તે ઓર્ગેનાઈઝ સ્વરૂપમાં હોય છે.
- યોગ નિંદ્રા નિયમિત કરવા છે તમારું બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ, એસિડિટી, તણાવ, માનસિક રોગ, પેટની સમસ્યાઓ, સાંધાના દુખાવા, માથાનો દુખાવો તથા માઈગ્રેનમાં ખૂબ જ ફાયદો થાય.
મારી જોડે જે યોગ નિંદ્રા વિષે માહિતી હતી અને મારા જે અનુભવો યોગ નિંદ્રા વિષે તથા શવાસન વિષે હતાં તે મેં તમારી સમક્ષ રજૂ કર્યા. હું રાત્રે સુવુ ત્યારે શવાસન કરીને સુવુ છું. ઊંઘ સરસ આવે છે. આપ પણ શવાસન તથા યોગ નિંદ્રા નો ઉપયોગ કરી શકો છો. ઉપરના સ્ટેપ બાય સ્ટેપ સૂચનો તમારે તમારી જાતને આપવાના છે અથવા તો કોઈ ઓડિયો ક્લિપનો પણ તમે સહારો લઈ શકો છો. બીજા સાધનો ઉપર ડિપેન્ડન્ટ રહેવા કરતાં પોતાની જાત ઉપર ડીપેન્ડન્ટ રહેવું સારું.
અહીં ધ્યાન તે રાખવાનું છે કે પૂરી પ્રોસેસ દરમિયાન તમારે ઊંઘી જવાનું નથી. પરંતુ યોગ નિંદ્રા કરતા કરતા ઘણા બધા લોકો ઊંઘી પણ જાય છે. ઊંઘી જાય તો કંઈ વાંધો નથી તેની ઊંઘ પણ પૂરી થઈ જશે એમાં કોઈ નુકસાન નથી.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. લેખ પસંદ આવ્યો હોય તો લેખના અંતે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ, લાઈક અને શેર કરવા વિનંતી છે.
તમારી કોમેન્ટ જોઈને બીજા લોકો પણ લેખ વાંચવા માટે ઇન્સ્પાયર થશે અને મને પણ નવા નવા લેખ લખવાની તથા ક્યાંય ભૂલ કરતો હોય તો સુધારવાની તક મળશે.
સારી ઊંઘ, સાત્વિક ખોરાક, નિયમિત એક્સરસાઇઝ અને હાસ્ય તે દવાનું કામ કરે છે.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.
જેને ઓડિયો ટેપ નો સહારો લઈને યોગ નિંદ્રા કરવી હોય તો નીચે લિંક આપવામાં આવી છે.




Leave a comment