આજકાલ નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવે છે. કોઈપણ વ્યક્તિની એનજીઓગ્રાફી કરાવો તો 60 થી 80 ટકા બ્લોકજ તો કોમન આવે છે. ઘણીવાર તો એનજીઓપ્લાસ્ટિ કર્યા પછી વર્ષ બે વર્ષ પછી તે એનજીઓપ્લાસ્ટિ ની જગ્યાએ અથવા તો બીજી જગ્યાએ નવા બ્લોકજ પેદા થઈ જાય છે. શું ડોક્ટરો એનજીઓપ્લાસ્ટિ કે બાયપાસ કરીને હૃદય રોગને કાયમી ધોરણે મટાડી શકે છે? આટલી બધી સારી દવાઓ સારા ડોક્ટરો હોવા છતાં આપણે હૃદય રોગ ને કંટ્રોલ કેમ નથી કરી શકતા? આ બધા પ્રશ્નો ઉપર વિચાર કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. મારા લેખ શાંતિથી વાંચવા વિનંતી છે. આ કોઈ instagram ની રીલ નથી કે ઝડપથી પતી જાય. આપણે એટલી ઝડપ કરીને જવું છે ક્યાં. જીવનને થોડું ધીમું પાડતા શીખો નહિતર વહેલા સ્મશાને પહોંચી જશો.
સૌપ્રથમ હૃદય રોગમાં આપણે અને ડોક્ટરો શું કરીએ છીએ તે જાણી લઈએ.
સૌપ્રથમ દર્દીની વાત કરીએ તો તમને જે હાર્ટ એટેક આવે છે તે એક દિવસમાં નથી આવતો.તે હાર્ટ એટેક લાવવા માટે વ્યક્તિ ઘણા બધા વર્ષોથી તૈયારી કરતો હોય છે. હાર્ટ એટેક એ તો તમારા રોગનું છેલ્લું લક્ષણ છે. ઉંમર સાથે નળીની અંદર કોલેસ્ટ્રોલ જામે તે વાત સાચી છે. તેથી પહેલા મોટાભાગે હાર્ટ એટેક 60 70 વર્ષે આવતા હતા. પરંતુ હવે તે ઉંમર 30 40 વર્ષની થઈ ગઈ છે. તેનો મતલબ આપણે ક્યાંક એવું કંઇક ખોટું કરી રહ્યા છીએ જે આપણી જાણ બહાર છે અથવા તો આપણે જાણી જોઈને તે કરી રહ્યા છીએ. તે ખોટો ખોરાક હોય, એક્સરસાઇઝનો અભાવ હોય, વધુ પડતો તણાવ હોય, નિયમિત આપણે આપણા કોલેસ્ટ્રોલ ને ચેક ન કરાવતા હોય અથવા બોડી ચેક અપ ન કરાવતા હોય તેમાંથી કોઈ પણ હોઈ શકે.
બીજું ડોક્ટરોની બાબતમાં આપણી તથા દુનિયાની ટોટલ હેલ્થ સિસ્ટમ જ્યારે રોગ થાય ત્યારે તેને મટાડવા માટે ઊભી થયેલી સિસ્ટમ છે. તે દર્દીને રોગ કેમ થયો તેના કારણો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ તે રોગને ઠીક કરવા માટે પોતાની તમામ એનર્જી ખર્ચી નાખે છે. હાર્ટ એટેક આવ્યો તો એનજીઓપ્લાસ્ટિ કરી અથવા તો બાયપાસ કરી અને વાતને પૂરી કરી નાખે છે. પરંતુ તે રોગ શા માટે થયો તેને રોકવાના શું ઉપાયો છે તેના ઉપર ડોક્ટરોનું તથા દર્દીઓનું ધ્યાન બહુ ઓછું જાય છે. પૂરી દુનિયાની હેલ્થ સિસ્ટમ તે રોગોની સારવાર માટે ઊભી થઈ છે તે રોગોને થતા અટકાવવા માટે ઊભી થઈ નથી. Prevention is better than cure. આપણે પ્રિવેશન ઉપર ઓછું બજેટ ફાળવીએ છીએ. રોગ થયા પછી તેની સારવારમાં વધુ બજેટ ફાળવતા હોઈએ છીએ. આમ કરવામાં ને કરવામાં બધા જ દેશોની સરકાર ખાલી થઈ ગઈ. આટલા બધા ડોક્ટરો હોવા છતાં આટલી બધી સારવાર ઉપલબ્ધ હોવા છતાં હૃદય રોગના દર્દીની સંખ્યા વધતા જ જાય છે. એનો મતલબ કે આપણે તેના પ્રિવેન્શન ઉપર ધ્યાન આપવું પડશે.
હૃદય રોગ આવતો અટકાવી કેવી રીતના શકાય.
આ બાબત ઉપર વિચારતા મારી સમક્ષ જે કઈ પોઇન્ટ આવ્યા છે તે તમારી સમક્ષ મુકવા પ્રયત્ન કરું છું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ડેફીનેશન પ્રમાણે વ્યક્તિની અંદર રોગ ના હોય તે સ્વસ્થ કહેવાય તેવું નહીં. પરંતુ વ્યક્તિ શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. ઘણીવાર વ્યક્તિમાં રોગ ન હોવા છતાં પણ તે શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે પીડાતો હોય છે. તેથી ટોટલ હેલ્થ માટે એકલું રોગ પર જ નહીં પરંતુ આ ચારે પાસાઓ ઉપર ધ્યાન આપવું પડશે.
વ્યક્તિ શારીરિક રીતે કેવી રીતના સ્વસ્થ રહી શકે?
શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે બે વસ્તુ પર ખાસ ધ્યાન લઈ જવું પડશે. એક છે તમારો આહાર. તમારું સંપૂર્ણ શરીર તમે જે પણ ખાવ છો તેમાંથી બન્યુ છે. જો આપણને ભૂખ લાગે ત્યારે જ ખાઈએ, શરીરને જેટલી કેલરી જરૂર છે તેટલી જ આપીએ, ભૂખથી થોડું ઓછું ખાઈએ, પેટમાં જ્યારે થોડો ભાર લાગે ત્યારે ખાવાનું બંધ કરીએ, શાંતિથી ખાઈએ, ચાવી ચાવીને ખાઈએ, ભગવાનને યાદ કરી કરીને ખાઈએ, 50% રાંધેલું અને 50% ફળફળાદી અને સલાડ ખાઈએ. તો હું માનું છું કે મોટાભાગે કંઈ વાંધો આવે તેમ નથી. જેટલો ખોરાક તમે જીવંત લો એટલું વધું સારું. જીવંત ખોરાકનો મતલબ ફળ ફરાળી, ફણગાવેલા કઠોળ, દૂધ, દહીં, છાશ, સૂકો મેવો વગેરે. રાંધેલો ખોરાક શક્ય હોય ત્યાં સુધી 50% જ લેવો. ફરફળાદી અને સલાડમાંથી આપણને રેશા મળે. તે રેશા તમારા આતરડામાં જઈને પાણીને શોખે, આંતરડાને સાફ કરવામાં મદદ કરે. ચરબી તથા ગ્લુકોઝનું શોષણ અટકાવે. ભરપૂર વિટામિન અને ખનીજ તત્વો મળી રહે. તમારું વજન ઓછું થાય,કોલેસ્ટ્રોલ ઓછો થાય, તમારી નસ નાડીઓ સ્વસ્થ થાય.
બીજો પોઇન્ટ છે વિહાર એટલે કે વ્યાયામ. નિયમિત પોતાની જાત માટે એક કલાક કાઢો. એ એક કલાક દરમિયાન તમને પસંદ પડે તેવી એક્સરસાઇઝ કરો. એક કલાક ખુલ્લી હવામાં ઓટો મારવાથી તમારા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ ઓછો થાય, સારો કોલેસ્ટ્રોલ વધે, તમારા મગજમાંથી હેપ્પી કેમિકલ રિલીઝ થાય, જેવા કે serotonin, dopamine endorphin વગેરે. જે તમાર મૂડને ઠીક કરે, શરીરમાં દુખાવો ઓછો કરે, તમને સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ કરાવે.
ત્રીજું આપણા શરીરને નુકસાન કરતા તમામ પદાર્થો ન ખાવા, જેમકે વ્યસન ન કરવા, મેદાની આઈટમ કે ફાસ્ટ ફૂડ ન ખાવા, ઠંડા પીણા ન લેવા, રાત્રે મોડા સૂવું નહીં, સૂર્યાસ્ત પછી જમવું નહીં વગેરે વગેરે. ઉપરની તમામ બાબતો પર ધ્યાન રાખીએ તો આપનું સ્થૂળ શરીર બરોબર રહે શકે.
આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતના જાળવી શકીએ?
આપણા શરીરમાં આવતા મોટાભાગના નોન ચેપી રોગો ની પાછળ નું મૂળ કારણ આપનું અશાંત મન છે. નોન ચેપી રોગ રોગનો મતલબ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઓબીસીટી, પેટની બીમારીઓ, થાઇરોડ, કેન્સર, જોઇન્ટ પેઈન વગેરે વગેરે. આપણા શરીરના લગભગ 95% રોગોનું કારણ આપણું અશાંત મન છે. જેને આપણે psychosomatic disease કહીએ છીએ. મોટાભાગના ચેપી રોગોની પાછળનું કારણ પણ મન જ હોય છે. અશાંત મનના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેના કારણે આપણને વારંવાર ચેપ લાગે છે. જો આપને આપણું મન શાંત રાખી શકતા હોય તો મોટાભાગના રોગોનું નિરાકરણ આવી શકે તેમ છે. આપણે આખો દિવસ મન અશાંત થાય તેવી જ પ્રવૃત્તિ કરવા માટે ટેવાઇ ગયેલા છીએ. સતત તાણનો અનુભવ કરીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, ગુસ્સો કરીએ છીએ, ચિંતા કરીએ છીએ, નફરત કરીએ છીએ, નાની નાની વાતમા નારાજ થઈ જઈએ છીએ, નાની નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ, લોકોને માફ નથી કરી શકતા, કમ્પેરીઝન કરીએ છીએ, કોમ્પિટિશન કરીએ છીએ, દરેક કામમાં ઉતાવળ કરીએ છીએ, દરેક કામમાં પરફેક્શન જોઈએ છે, ટાઈમ પ્રેશર માં કામ કરીએ છીએ. ટૂંકમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર વિગેરે કરીએ છીએ. જેના કારણે આપણું મન અશાંત રહ્યા કરે છે. આ બધાના કારણ સ્વરૂપ આપણે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય રોગ અને માનસિક સમસ્યાઓ થાય છે. જો આપણે આપણું મન શાંત રાખીએ તો ઉપરની તમામ સમસ્યાઓમાં થી મુક્તિ મળી શકે તેમ છે.
મનને શાંત રાખવાથી માનસિક બીમારી જેવી કે એન્ઝાઈટી, ડિપ્રેશન,OCD વગેરે રોગોમાં પણ ઘણો ફાયદો થાય. જ્યારે તમે કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરો છો, નફરત કરો છો, તે ગુસ્સાને દબાવી રાખો છો ત્યારે તમારી ધમનીની અંદર એક રિએક્શન પેદા થાય તે તમારી ધમની ની અંદર ની દીવાલને નુકસાન કરે છે. જેના કારણે ત્યાં કોલેસ્ટ્રોલ જામી જાય છે,તમારી નસનાડી સાંકળી થઈ જાય, તેની અંદર લોહીનો ગઠ્ઠો જામી જાય છે. જેના કારણે તમને હાર્ટ અટેક આવે છે. સતત તણાવ ના કારણે તમારી અંદર એક ખરાબ હોર્મોન પેદા થાય છે જેનું નામ છે cortisol. આ cortisol તમારા શરીરના તમામ સેલને નુકસાન કરે છે. તે જ્યારે તમારા સ્વાદુપિંડના બીટા સેલને નુકસાન કરે ત્યારે ડાયાબિટીસ થાય, તમારા થાઇરોડના સેલને નુકસાન કરે ત્યારે થાઇરોડનો રોગ થાય, તમારા બ્રેઇનના સેલ ને નુકસાન કરે ત્યારે યાદશક્તિ ઘટી જાય, તમારી ધમનીની દીવાલને નુકસાન કરે ત્યારે તેમાં કોલેસ્ટ્રોલ જામી જાય. શરીરનો એક પણ સેલ તેવો નથી કે જેને તે નુકસાન ન કરે. જો આપણે તણાવ ઓછો કરીએ તો ઉપરના રોગોથી બચી શકીએ તેમ છીએ..
સામાજિક રીતે સ્વસ્થ કેવી રીતના રહેવું.
સામાજિક રીતે સ્વસ્થ રહેવા માટે એક જ મંત્ર છે તમારી આજુબાજુ રહેતા તમામ લોકોને પ્રેમ કરો. તે જેવા છે તેવા સ્વીકાર કરો. તેમને બહુ બદલવાની કોશિશ ન કરો. ના બદલાય તો ચિંતા અને તણાવ ના કરો. તમે તેના તરફ હંમેશા સારો ભાવ રાખો. તમારા સગા સંબંધીઓ તેમનું કારમિક એકાઉન્ટ પૂરું કરવા માટે તમારી સમક્ષ તમારા ફેમિલી ના મેમ્બર થઈને આવ્યા છે. તે તમારા કારમિક એકાઉન્ટ પ્રમાણે તમને સુખ અને દુઃખ આપે છે. તે તમે આ જન્મમાં તથા અગાઉના જન્મમાં કરેલા કર્મોનું જ પરિણામ છે. કોઈ તમારી જોડે ખરાબ વ્યવહાર કરે તો પણ તેના તરફ શુભકામનાઓ પાઠવો.જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો ત્યારે ઓટોમેટીક તેને સહયોગ કરવા માંડો છો. યોગ નો મતલબ એવો નહીં કે એક કલાક બગીચામાં જઈને યોગાસનો કરવા, પ્રાણાયામ કરવા. તે તો એક જાતની કસરત છે. પરંતુ યોગ નો સાચો મતલબ છે જોડાવું. યોગ નો મતલબ ભગવાન તથા ભગવાને બનાવેલી દુનિયા સાથે જોડાવું. જેની અંદર મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી, સજીવ, નિર્જીવ બધા જ આવી જાય. આજે પતિ-પત્ની વચ્ચે ઝઘડા છે, બાપ દીકરા વચ્ચે ઝઘડા છે, ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા છે, અલગ અલગ ધર્મના લોકો જોડે ઝઘડા છે, દેશ દેશ વચ્ચે ઝઘડા છે, માલિક અને નોકર વચ્ચે ઝઘડા છે, ગ્રાહક અને વેપારી વચ્ચે ઝગડા છે. તેનું એક જ કારણ છે કે આપણે માણસ માણસ જોડે જોડાઇ શકતા નથી. જ્યારે માણસ માણસ જોડે જોડાય તેને સાચા અર્થમાં યોગ કહેવાય. યોગ નો મતલબ આ ઈશ્વરે બનાવેલી તમામ વ્યક્તિઓ જોડે જોડાવું અને તેમને સહયોગ કરવો તેવો થાય. જો આપણે એકબીજા જોડે પ્રેમભાવથી જોડાઇશું તો તમારા સંબંધો એટલા સરસ બનશે કે જે તમને સુખનો અનુભવ કરાવશે. કારણ કે મોટાભાગના લોકો આજુબાજુના લોકોથી પરેશાન છે.
ચોથો અને મહત્વનો મુદ્દો આધ્યાત્મિક રીતે સ્વસ્થ કેવી રીતના રહેવું?
આધ્યાત્મિક રીતે સ્વસ્થનો મતલબ મંદિર જવું, ટીલા ટપકા કરવા, જનોઈ ધારણ કરવી,માળા પહેરવી, કર્મકાંડ કરવા તેવો નહીં. પરંતુ ભગવાનના સાતે સાત ગુણો ધારણ કરવા તેવો છે. તે ગુણો પ્રમાણે આખો દિવસ આખી જિંદગી જીવવી. તે ગુણોને આપણા સંસ્કારનો ભાગ બનાવવો.તે સાત ગુણ એટલે પ્રેમ, શાંતિ, પવિત્રતા, જ્ઞાન, શક્તિ, સુખ તથા આનંદ.જો આપણે સાચા અર્થમાં ભગવાનના સાતે સાત ગુણ ધારણ કરીએ અને તે પ્રમાણે જીવીએ તો કોઈ નેગેટિવ વિચાર, કામ, લોભ,મોહ, ઈર્ષા, અહંકાર આપણું કંઈ ન બગાડી શકે. ઉપરના નકારાત્મક ગુણો આપણી અંદર ન આવે તો ઓટોમેટિક આપણા રોગોનું પણ સોલ્યુશન આવી જાય. તે ભગવાનના ગુણો ધારણ કરવાથી શારીરિક, માનસિક તથા સામાજિક તંદુરસ્તી પણ ઓટોમેટિક આવી જાય. આપણી તમામ સમસ્યાઓનું મૂળ આપણે સાચા અર્થમાં આધ્યાત્મિક નથી તે છે. પરમાત્મા ના સાતે સાત ગુણોનું વર્ણન આપણે અગાઉના લેખમાં કરી ચૂક્યા છીએ. ઉપરના સાતે સાત ગુણમાંથી બે મહત્વના ગુણ જો વ્યક્તિ ઉતારી દે તો મોટાભાગના પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી શકે તેમ છે. તે છે પ્રેમ અને શાંતિ. તમે લોકોને અન કન્ડિશનલ પ્રેમ કરો, જેવા છે તેવા સ્વીકારો, તેમને સહયોગ કરો. તમારા કુટુંબીજનો થી માંડીને ગ્રાહકને પૂરેપૂરો સંતોષ આપો. ધંધામાં પવિત્રતા રાખો.
જ્યારે આપણે વ્યક્તિને વ્યક્તિ તરીકે ન જોતા દરેક વ્યક્તિમાં પરમાત્મા બિરાજમાન છે તે રીતના આત્મ ભાવે જોવાનું શરૂ કરીએ અને બધા જ લોકો જોડે પ્રેમ પ્રેમપૂર્વક વર્તાવ કરીએ તો મોટાભાગના પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી શકે તેમ છે. .
તો જો વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહી શકે, માનસિક રીતે સ્વસ્થ રહી શકે, સામાજિક રીતે સ્વસ્થ રહી શકે, આધ્યાત્મક રીતે સ્વસ્થ રહી શકે, વ્યસન ન કરે, નિયમિત મેડીટેશન કરે, નિયમિત મેડિસિન છે તે લે તો તેના મોટાભાગના રોગ રિવર્સ થઈ શકે તેમ છે. ઉપર મુજબની ભેગી સારવારને થ્રી ડાયમેન્શન હેલ્થ કહેવાય. નિયમિત મેડીટેશન કરવાનો મતલબ ભગવાન જોડે જોડાઈને મનના વિચારોની ગતિને ઓછી કરવી, ભગવાનના સાતે સાત ગુણો ધારણ કરવા અને તે પ્રમાણે આખો દિવસ જીવવું તેવો થાય.
ઉપર મુજબ જો આપણે આપણી લાઇફ સ્ટાઇલને બદલીએ તો એકલો હૃદય રોગ જ રિવર્સ થઈ શકે તેવું નથી સાથે બીજા ઘણા બધા જે રોગ જેવાકે ઓબેસિટી, હાઇપર કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઈરોડ, પેટના પ્રોબ્લેમ વગેરે પણ રિવર્સ કરી શકીએ તેમ છે.
તમને વિશ્વાસ ન આવતો હોય તો બ્રહ્માકુરમારીમાં ડોક્ટર સતીશ ગુપ્તા જે પોતે હૃદય રોગના નિષ્ણાત છે. તેમને ઉપર મુજબની લાઈફ સ્ટાઈલ દર્દીઓમાં શરૂ કરીને તેમને તેમના ઉપર સ્ટડી કર્યો. પહેલા જે એનજીઓગ્રાફી નો રિપોર્ટ હતો પછી ઉપર મુજબની લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને એક બે વર્ષ પછી ફરિવાર એનજીઓગ્રાફી કરવામાં આવી તો મોટાભાગના બ્લોક રિવર્સ થયા હતા. આપ તેમને youtube ઉપર પણ સાંભળી શકો છો. તેમના આ પ્રોજેક્ટમાં એપી જે અબ્દુલ કલામે પણ સપોર્ટ કર્યો હતો.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ.
આપને લેખ સારો લાગે ત્યારે કોમેન્ટ જરૂર કરો. લેખના અંતમાં આપેલી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી છે. એકલા whatsapp ઉપર નહીં. જેના કારણે તે કોમેન્ટ બધા લોકો વાંચી શકે. તેનાથી લોકો ને પ્રેરણા મળે. મારા માટે નહીં પરંતુ લોકો માટે તમારે આ લેખને વધુને વધુ શેર કરવાનો છે. લાઈક કરવાનો છે અને કોમેન્ટ કરવાનો છે. મને તો જ્યારે પણ હું લેખ લખું ત્યારે આનંદ મળીજ જાય છે.
સુવિચાર: જ્યોતિષ તમારો હાથ જોઈને તમારી કુંડળી બતાવી શકે છે. તેમ કાર્ડિયોલોજિસ્ટ પણ તમારી એનજીઓગ્રાફી જોઈને તમારો ભૂતકાળ અને ભવિષ્યકાળ બતાવી શકે છે.
દબાઈ ગયેલી ખરાબ લાગણીઓ રોગ થઈને બહાર આવે. તમારી લાગણીઓને કોઈની સમક્ષ રજૂ કરી દો અથવા લખી દો.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a reply to Anonymous Cancel reply