હમણાં થોડા દિવસ અગાઉ આપણે મહા શિવરાત્રીનો તહેવાર ઉજવ્યો. તો શિવરાત્રી શું છે એ જાણવાથી તમને મોટા ભાગનું આધ્યાત્મ સમજાઈ જશે.

શિવરાત્રી તે શિવ અને રાત્રી શબ્દ મળીને બનેલો શબ્દ છે.

શિવ એટલે શું તે સમજાઈ જાય તો આખું આધ્યાત્મ સમજાઈ જાય. મેં અત્યાર સુધી જે અધ્યયન કર્યું છે તે આ લેખ દ્વારા તમારી સમક્ષ રજુ કરું છું. આશા રાખું છું કે તમને આ લેખ પસંદ આવશે.

હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે શિવ, સદાશિવ, અંબિકા માતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને રુદ્ર એટલે શું?

ઉપરના પ્રશ્નનો જવાબ આપતા પહેલા ઉપરના તમામ ભગવાનો કેવી રીતના થયા તેની વાત કરીએ.

તો સૌથી પ્રથમ શિવ એટલે શું તે જાણી લઈએ .

શિવ એટલે કલ્યાણકારી તત્વ. શિવ એટલે જ પરમાત્મા, પરમાત્મા એટલે પરમ આત્મા. તેનેજ બ્રહ્મ, પરમેશ્વર, સર્વોચ્ચ સત્તા કહેવાય. સર્વોચ્ચ ચેતન તત્વ વ જે કહો તે. ચેતન તત્વ નો મતલબ એવું કોઈ જાગરૂક તત્વ અથવા બુદ્ધિ જે પુરા બ્રહ્માંડ અને તમને ચલાવી રહી છે. જેને ચેતના અથવા consciousness પણ કહેવાય. તેને ધ્યાન પૂર્ણ તત્વ, ઈન્ટેલિજન્સ કે બ્રહ્માંડય શક્તિ યા કોસ્મિક પાવર પણ કહેવાય. જેમ કે આપણા શરીરનું તંત્ર એકદમ જાગૃત પણે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. મારું માનવું છે કે મન એ પણ આત્માનું જ રૂપ છે. જે દેખાતું નથી પરંતુ તમારા શરીરને નિયંત્રિત કરે છે. જે તમારા મગજનો ઉપયોગ કરીને આ દુનિયાથી તમને રૂબરૂ કરાવે છે. જે તમારા શરીરને અને તમારી ઊર્જાને નિયંત્રિત કરી રહ્યું છે. આ ચેતન તત્વ એટલે કે શિવ એક્ઝેટલી  છે શું તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.આ પૂરું બ્રહ્માંડ કેવી રીતના સંચાલિત થાય છે તે હજુ એક કોયડો જ છે.

આપણા વિજ્ઞાનિકો હજુ જડ તત્વ એટલે કે પદાર્થનું જ એનાલિસિસ કરી શક્યા છે. હજુ કોન્સિયસ શું છે ચેતના શું છે તેનો પત્તો લાગ્યો નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ આ ચેતન તત્વ શું છે તેનો આપણે કેવી રીતના ઉપયોગ કરી શકીએ તેની મથામણમાં છે.

હવે આપણા બધા ભગવાન શું છે તે જાણી લઈએ.

તે પરમાત્મા એટલે કે શિવને એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે તે પરમાત્માએ પોતાના શ્રી અંગમાંથી અંબિકા માતાની ઉત્પતિ કરી. અંબિકા માતાનું બીજું નામ એટલે જ પ્રકૃતિ એટલે જ જડ તત્વ. જડ એટલે ઠોશ પદાર્થ. જેને શિવની શક્તિ પણ કહેવાય. એટલે શક્તિ વિના શિવ પણ શવ છે તેમ કહેવાય.તે અંબિકા માતા જોડે જોડાયેલું ચેતન તત્વ એટલે કે આત્મા એનું બીજું નામ એટલે  સદાશિવ. એટલે આપણા બધાના પ્રથમ માતા પિતા એટલે સદાશિવ અને અંબિકા માતા. અને તેમના પિતા એટલે શિવ. એટલે આ બ્રહ્માંડની શરૂઆતમાં ચેતન તત્વ જ હતું જેને આપણે શિવ કહીએ છીએ. શિવ ના કોઈ  માતા કે પિતા નથી તે અજન્મા છે. એટલે આ પુરા બ્રહ્માંડની શરૂઆતમાં ચેતન તત્વ હતું. તે ચેતન તત્વ માંથી પ્રકૃતિ એટલે કે જડ તત્વ પેદા થયું. તે ચેતન તત્વ અને પ્રકૃતિનું ભેગું નામ એટલે જ સદાશિવ અને અંબિકા.

સદાશિવ અને અંબિકા માતા માંથી ત્રણ પુત્રો પેદા થયા એકનું નામ બ્રહ્મા બીજાનું નામ વિષ્ણુ અને ત્રીજા નું નામ શંકર.

બ્રહ્માજી ની પત્નીનું નામ સરસ્વતી. બ્રહ્માજીના બીજા પત્ની એટલે ગાયત્રી. વિષ્ણુ ભગવાનની પત્ની નું નામ લક્ષ્મી. શંકર ભગવાનની પ્રથમ પત્ની નું નામ સતી બીજી વખતના પત્ની નું નામ પાર્વતી માતા.

બ્રહ્માજીએ પ્રથમ પુરુષ અને સ્ત્રી પેદા કર્યા તે પ્રથમ પુરુષનું નામ એટલે મનુ અને પ્રથમ સ્ત્રીનું નામ એટલે  સતરૂપા. મનુ ઉપરથી માનવ નામ આવ્યું  અને સતરૂપા નું અપભ્રંશ થતાં સ્ત્રી શબ્દ આવ્યો. 

તે મનુ અને સત રૂપાનો આગળ ચાલતો વંશવેલો જે અત્યારે હાલ તમારા સુધી  પહોંચ્યો છે.

બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. વિષ્ણુ દ્વારા તેનું પાલનપોષણ થયું અને શંકર દ્વારા સ્થિર થઈ અને તેનો વિનાશ થયો. આપણા શરીરમાં પણ આ ત્રણ શક્તિઓ કામ કરી રહ્યું છે જેને વિજ્ઞાનની ભાષામાં anabolism  metabolism and catabolism કહેવાય.

શંકરનું નિવાસસ્થાન કૈલાશ પર્વત છે. તે હંમેશા ધ્યાનસ્થ સ્થિતિમાં હોય છે. તે તેનું સૌમ્ય સ્વરૂપ છે. તેનું ક્રિયાશીલ કે રુદ્ર સ્વરૂપ એટલે રુદ્ર.

પરમાત્મા ના પાંચ કર્તવ્ય છે. એક પેદા કરવું તે બ્રહ્માનું કર્તવ્ય છે. બીજું સ્થિતિ યાની કી પાલનપોષણ કરવું એ વિષ્ણુનું કર્તવ્ય છે. ત્રીજું સંહાર કરવો તે રુદ્રનું કર્તવ્ય છે. ચોથું સ્થિર થવું. પાંચમું કૃપાદ્રષ્ટિ બનાવી રાખવી. ચોથું અને પાંચમું તે શંકરનું કર્તવ્ય છે. શંકર ભગવાન બધા ઉપર કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે. તેને ભજવા સહેલા છે. ભોળાનાથ છે જલ્દી ખુશ થઈ જાય છે.

શંકર ભગવાન શિવલિંગની પૂજા કરે છે. એટલે શિવ તેમના પિતા થયા. શિવ એટલે ચેતન તત્વનું એક્સટેન્શન તે ચેતન તત્વ તે  સદાશિવમાં પણ છે. શંકરમાં પણ છે. બ્રહ્મામાં પણ છે. વિષ્ણુમાં પણ છે. ઉપરનું વિશ્લેષણ પુરાણો ની દ્રષ્ટિએ આપણે જોયું કેટલું સાચું છે કેટલું ખોટું છે મને ખબર નથી. પરંતુ મારી જોડે જે માહિતી હતી તે મેં તમને આપી. ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે.

હવે પ્રકૃતિ અને પુરુષ એટલે કે જડ તત્વ અને ચેતન તત્વનો આધ્યાત્મિક અર્થ સમજીએ.

અગાઉના લેખોમાં આપણે જોયું કે આ પૂરી સૃષ્ટિ બે તત્વોની બનેલી છે. એક જડ તત્વ એટલે કે પ્રકૃતિ અને બીજું ચેતન તત્વ એટલે કે આત્મા યા પરમાત્મા.

એવું માનવામાં આવે છે કે પ્રકૃતિ એટલે કે જડ તત્વ તે ચેતન તત્વ માંથી પેદા થયું છે. એટલે કે પ્રકૃતિના કણ કણમાં ચેતન તત્વ છે. કણ કણમાં ભગવાન શબ્દ કદાચ ત્યાંથી આવ્યો હશે. આપણે ભગવાન, ઈશ્વર, પરમાત્મા,શિવ બધાને એક જ નામથી પોકારીએ છીએ. તે બધાનો અર્થ એક જ થાય ચેતન તત્વ. આપણું વિજ્ઞાન તે જડ તત્વનું એનાલિસિસ કરવા પૂરતું જ સીમિત છે. તે જડ તત્વ એ પાંચ તત્વોનું બનેલું છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. તે પાંચ તત્વો એકબીજામાં રૂપાંતરિત થઈને ઉર્જા પેદા કરે. જેમ કે આપણે ગ્લુકોઝના દહન દ્વારા આપણું શરીર ચલાવીએ છીએ. પરંતુ ઉપરના પાંચ તત્વોને કોઈ જાગૃત તત્વ નિયંત્રિત કરી રહ્યું છે.પ્રત્યેક કણ કણમાં ભગવાન છે એનો મતલબ દરેક ઠોશ પદાર્થમાં ચેતન તત્વ  સમાયેલું છે.

આત્મા પરમાત્મા કે ચેતન તત્વ વિશે જેટલી પણ ધારણાઓ લગાવશો તેટલી ઓછી જ પડવાની છે કારણ કે તે અદ્રશ્ય છે જેને આપણે જાણવું બહુ મુશ્કેલ છે. હજુ આત્મા એટલે કે ચેતન તત્વ શું છે તે કોઈ નિશ્ચિતપણે નક્કી કરી શક્યું નથી. આ પૂરી સૃષ્ટિને પરમાત્મા કેવી રીતના ચલાવી રહ્યો છે તે એક અજબ કોયડો છે.

જે દેખાય છે તે પ્રકૃતિને જાણવી સહેલી છે. અત્યાર સુધીના તમામ વૈજ્ઞાનિકોએ પદાર્થ એટલે પ્રકૃતિ માંથી શોધો કરવાનો પ્રયત્ન કર્યો છે.

પરંતુ પૂરી સૃષ્ટિ તરફ નજર કરતા બે વસ્તુ ચોક્કસ તરી આવે છે કે આ પૂરી સૃષ્ટિમાં બે વસ્તુ છે. એક તો પ્રકૃતિ જે પાંચ તત્વોની બનેલી છે. જે આપણને દેખાય છે તે અલગ અલગ રૂપમાં પ્રસ્તુત થાય છે જેમકે મનુષ્ય, પક્ષી, પ્રાણી, જીવ જંતુ સજીવ, નિર્જીવ, સુરજ, ચંદ્ર, તારા, ગ્રહ વગેરે વગેરે. પરંતુ આ તમામ સૃષ્ટિને ચલાવનારું તો કોઈ એક તત્વ હશે જ તે તત્વનું નામ એટલે જ આત્મા અથવા પરમાત્મા. તેના કારણે તો આ પૂરી સૃષ્ટિ સુચારૂ રૂપે ચાલી રહી છે. તો આત્મા યા પરમાત્મા વિશે કંઈ ખબર ન પડે તો ખાલી એટલી મનમાં ધારણા બનાવો કે આ પૂરી સૃષ્ટિનું કોઈ શક્તિ સંચાલન કરી રહી છે તે શક્તિનું નામ એટલે જ આત્મા કે પરમાત્મા. તે આ પૂરી સૃષ્ટિનું બીજ છે. તેમાંથી જ આ પૂરી સૃષ્ટિનું સર્જન થયું છે.

હવે આપણે રાત્રિ એટલે કે અંધકારનો મતલબ શું છે તે સમજીએ.

રાત્રી નો મતલબ વિશ્રાંતિ. પુરા દિવસ દરમિયાન બહુ મન ચલાવી ચલાવીને થાકેલો માણસ જ્યારે રાત્રે ગાઢ નિંદ્રામાં સુઈ જાય ત્યારે તે પરમાત્મા ની વધુ નજીક હોય છે.એટલે કે વિચારોની ગતિ બહુ જ ઓછી હોય કાં તો અમનની સ્થિતિમાં હોય એટલે કે તે આધ્યાત્મિક મોડમાં હોય. એટલે કે તે પરમાત્માની ગોદમાં આવી જાય છે. એનો મતલબ પરમાત્મા જોડે એકાકાર થઈ જાય. અને જ્યારે મન અમન ની સ્થિતિમાં જતું રહે ત્યારે મન દ્વારા બહાર ફેંકતી ઊર્જા બંધ થઈ જાય. તે ઊર્જા શરીર ની અંદર રહે. ત્યારે ગાઢ નિંદ્રા લઈને ઊઠેલો માણસ ઊર્જાવવાન લાગે. મન એનું શાંત હોય તેના શરીરનું હીલિંગ થાય. આનંદનો અનુભવ થાય.

મહા શિવરાત્રીનું મહત્વ

શિવરાત્રીના દિવસે પ્રકૃતિ વધુને વધુ ચેતન તત્વની તરફ આકર્ષાય છે. એટલે તે રાત્રે ધ્યાન કરવું બહુ સરળ હોય છે. તે પરમાત્માને મળવા માટેનો સારામાં સારો સમય છે. સાયન્ટિફિક રીતે તે વખતે સૃષ્ટિમાં ઉત્તરાર્ધ ભાગમાં તેવા ફેરફાર થાય જેના કારણે પ્રકૃતિ વધુને વધુ પરમ તત્વ જોડે એકાત્મનો અનુભવ કરે. એટલે ફાગણ મહિના ની ચૌદશે કૃષ્ણ પક્ષ માં  શિવરાત્રી આવતી હોય છે. એ દિવસે રાત્રે ધ્યાન કરવાથી, વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી, યજ્ઞ કરવાથી વધુને વધુ ચેતન તત્વની નજીક જઈ શકાય. તે અર્થમાં શિવરાત્રીનું મહત્વ છે. આપણે ભજન, આરતી, મંત્રો ઉપચાર, યજ્ઞ, વ્રત, ઉપવાસ તમામ સાધનો દ્વારા તે પરમાત્માની નજીક જવા માટે પ્રયત્ન કરીએ છીએ.

આપણે પરમાત્માને મળવા માટે સતત હોશમાં રહેવું પડે જરા બેહોશી કરી તો પ્રકૃતિ તરફ ખેંચાઈ જશો. સંસાર તરફ ખેંચાઈ જશો. તો સતત  જાગૃત રહેવું તેનું નામ જાગરણ કહેવાય. રાત્રે ખાલી જાગવું તેનું નામ જાગરણ ના કહેવાય તેને ઉજાગરો કહેવાય. એટલા માટે શિવરાત્રીના દિવસે જાગરણ અને ઉપવાસ કરીએ છીએ ઉપવાસ નો મતલબ ઈશ્વરની નજીક વાસ.

અંધકાર એટલે શું?

ના સમજ લોકોએ અંધકારને ખરાબ ચીતર્યો છે. વાસ્તવમાં તે અંધકાર એટલે જ પરમાત્મા. અમુક લોકો પરમાત્માને સ્વયં પ્રકાશિત કહે છે પરંતુ અહીંયા સ્વયં પ્રકાશિત અથવા તો પ્રકાશમાન નો મતલબ તે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનનો મતલબ પ્રકાશ તેઓ થાય છે. પરંતુ આ સૃષ્ટિમાં નજર કરશો તો પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે હંમેશા પૂરી સૃષ્ટિ અંધકારથી ભરાઈ જાય છે. તમારી આજુબાજુ સૂર્યનો, ચંદ્રનો કે તારાનો જે કઈ પ્રકાશ દેખાય છે તે પ્રકૃતિ માંથી બનેલા સુરજ, ચંદ્ર અથવા તો તારા નો પ્રકાશ છે. સૂર્ય પ્રકાશ શાશ્વત નથી. તે સૂરજનો નાશ થતાં તે પણ નષ્ટ થાય છે. તમે સૂરજના પ્રકાશને એક હાથ વચ્ચે રાખીને રોકી પણ શકો છો.  તે સૂર્યનો ગોળો તપે છે ત્યાં સુધી તે પ્રકાશ તમને આપશે એનો મતલબ કે તે પરમેનેન્ટ વસ્તુ નથી ટેમ્પરરી છે. પ્રકાશ ના હોય ત્યારે આ દુનિયામાં એક અંધકાર જ બચે છે.તે શાશ્વત છે. અને તે અંધકાર એટલે જ પરમાત્માનું સ્વરૂપ. તો પરમાત્મા એ સ્વયં પ્રકાશિત છે અથવા તો પ્રકાશમાન છે તે ધારણા ક્યાંથી આવી તે મને ખબર નથી.અહી પ્રકાશ નો મતલબ જ્ઞાન શબ્દ લેવાનો છે. પરમાત્મા પરમજ્ઞાનની છે.

પરંતુ આ સૃષ્ટિમાં તમે ઓબ્ઝર્વ કરશો તો પ્રકાશ એ ટેમ્પરરી વસ્તુ છે. જ્યારે અંધકાર એ પરમેનેન્ટ વસ્તુ છે. વૈજ્ઞાનિકોએ ગોતેલી બ્લેક હોલ થિયરી પણ આ વાતની પુષ્ટિ કરે છે. અંધકારમાંથી જ પૂરી પ્રકૃતિ યાની કી સૃષ્ટિનું સર્જન થયું છે. તે અંધકાર એટલે જ શિવ. એ અંધકારનો નો ભાગ તમારા શરીરની અંદર પણ આત્મા રૂપે છે. એટલે શિવો અહમ શિવો અહમ શબ્દ વાપરવામાં આવે છે. તેનો અર્થ હું શિવ સ્વરૂપ છું. અહમ બ્રહ્મસ્મિ નો મતલબ હું બ્રહ્મ સ્વરૂપ છું. બ્રહ્મ એટલે પણ શિવ થાય.

આ શિવ તત્વને  જ્યારે આપણે ગોતાતા ગોતાતા ત્યાં પહોંચીશું ત્યારે તમારા હાથમાં કંઈ પણ નહીં આવે એટલે તેને શૂન્ય પણ કહેવાય.  નથીંગનેસ પણ કહેવાય. ખાલી જગ્યા પણ કહેવાય. તમારું બીજ અને પૂરી સૃષ્ટિનું બીજ પણ તે કહેવાય. પ્રકૃતિ તે પરમાત્માની ગર્ભાધાનની જગ્યા છે. એનો મતલબ પરમાત્મા એ એક બીજ છે અને પ્રકૃતિ તે ગર્ભાધાનની જગ્યા છે. તેના દ્વારા પૂરી સૃષ્ટિ પેદા થાય છે. એટલે પરમાત્મા ભોગતા છે પ્રકૃતિ ભોગ્ય છે.  જ્યારે તમે મહાદેવમાં દર્શન કરવા જાવ છો ત્યારે નીચે પ્રકૃતિ એટલે કે સ્ત્રીના ગર્ભાશય અને યોની માર્ગને બતાવવામાં આવ્યો છે અને તેમાં કાળા કલરનું શિવલિંગ જે પરમાત્માનું પ્રતીક છે. તે બીજ નું પ્રતીક છે. તે આખી ભેગી આકૃતિ તે સૃષ્ટિના ઉદગમનું પ્રતીક છે. તેથી કદાચ શ્રીકૃષ્ણ ભગવાનનો કલર પણ કાળો હતો. નવરાત્રીને પણ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. શિવરાત્રીને પણ ધામધૂમથી ઉજવીએ છીએ. તે અંધકારનું પ્રતીક એટલે કે પરમાત્મા ના પ્રતિક તરીકે તેનો ઉત્સવ ઉજવીએ છીએ. આ પૂરી સૃષ્ટિના બીજ રૂપે પરમાત્મા સર્વમાં બિરાજમાન છે. તમારી અંદર પણ પરમાત્મા બીજ સ્વરૂપે બિરાજમાન છે. તમારા શરીરના દરેક કણ કણમાં પરમાત્મા છે. કોઈપણ વસ્તુના બીજને જોઈને  તેની અંદર શું છુપાયેલું છે તેનો અંદાજ ના આવે.

પરંતુ તે બીજ ઉગે ત્યારે ખબર પડે કે તેમાં કેવડું મોટું ઝાડ કે મનુષ્ય સમાયેલો છે કે આખી સૃષ્ટિ સમાયેલી છે. તો તમારું સ્થૂળ શરીર તથા સૂક્ષ્મ શરીર તે કારણ શરીરમાંથી પેદા થયું છે તે કારણ શરીર એટલે જ બીજ. એ બીજ એટલે જ પરમાત્મા શિવ.

આ પૂરી સૃષ્ટિમાં પાંચ ટકા જ પ્રકૃતિ એટલે કે ઠોશ પદાર્થ છે જેને એસ્ટ્રલ બોડી કહેવાય. 95% અંધકાર છે તે અંધકાર એટલે જ શિવ તત્ત્વ એટલે જ પરમાત્મા.

શિવરાત્રી નું બીજું મહત્વ છે તે દરમિયાન પાર્વતી માતાએ શંકર જોડે લગ્ન કરેલા.

એનો મતલબ પ્રકૃતિનું ચેતન તત્વ તરફનું ખેંચાણ કે જે લગ્નમાં પરિણમ્યું. આપણે રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ કે જ્યારે સ્ત્રી અને પુરુષ  વચ્ચે જ્યારે એક આકર્ષણ પેદા થાય પછી તે લગ્નમાં પરિણમે અને લગ્ન પછી તે જાતીય સુખ દ્વારા એકરૂપતા નો અનુભવ કરે છે. ને તે જાતીય સુખ એટલે કે સેક્સમાંથી બાળક પેદા થાય છે. તેમ આ સૃષ્ટિ પણ પેદા થાય છે. શિવરાત્રીના દિવસે મા પાર્વતીનું શંકર ભગવાન તરફનું ખેચાણ તીવ્ર હતું તે લગ્નમાં પરિણામ્યું. બીજા અર્થમાં કહીએ તો અંબિકા, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી માતા તે બધા પ્રકૃતિના સ્વરૂપ છે. તેને સ્ત્રીલિંગમાં બતાવ્યા છે અને પુરુષ જે ચેતન તત્વનું પ્રતીક છે તેને પુરુષ બતાવ્યા છે. એટલે કદાચ આત્મા કે ચેતન તત્વને પુરુષ નામ આ પ્રમાણે પણ આપ્યું હોવું જોઈએ. એટલે શંકરનું અર્ધનારેશ્વર રૂપ પણ એ કહી રહ્યું છે કે પ્રકૃતિ અને ચેતન તત્વ એક યુનિટ છે. જે કદાપી એકબીજાથી અલગ થવાના નથી. પ્રકૃતિ જે ઉર્જા સ્વરૂપે છે તે શિવની શક્તિ છે. કદાચ સ્ત્રી અને પુરુષને સરખું મહત્વ આપવા માટે પણ તે સિમ્બોલ પસંદ કરવામાં આવ્યો હોય તે પણ શક્ય છે. ઘણા બધાનું માનવું છે કે પ્રકૃતિ અને ચેતન તત્વ શરૂઆતથી જ હતા. પ્રકૃતિ ચેતન તત્વ માંથી નથી આવી તેવું પણ ઘણા લોકોનું માનવું છે. પ્રકૃતિ અને ચેતન તત્વ શરૂઆતથી છે. અનાદિ છે.

આ રીતના શિવ એટલે કે પરમાત્મા તે પૂરી સૃષ્ટિના જન્મદાતા છે. તે પૂરી સૃષ્ટિમાં  વિરાજમાન છે. જેના દ્વારા પૂરી સૃષ્ટિ સંચાલિત છે. તેમાં સજીવ નિર્જીવ બધા જ આવી જાય.

આપણને આત્મા પરમાત્મા વિશે બહુ ખબર ના પડે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે જ્યારે પણ તમારા આત્મા કે પરમાત્માને મળવું હોય ત્યારે મનને અમનની સ્થિતિમાં લઈ જાવ એટલે ગાઢ નિંદ્રામાં કે તુરીયા અવસ્થામાં કે સાક્ષી ભાવમાં કે સમર્પણભાવમાં પોતાની જાતને લઈ જાઓ એટલે પરમાત્માને મળ્યા બરોબર કહેવાય. તમને એકદમ શાંતિનો, આનંદનો અને ઊર્જાનો અનુભવ થશે. આપણા માટે શાંતિ, ઉર્જા અને આનંદ એ જ પરમાત્મા.

આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ એવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આમ પણ આધ્યાત્મ એ બહુ કોમ્પ્લીકેટેડ વિષય છે. કંઈ ભૂલ ચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે. તમારી જોડે વધારે માહિતી હોય તો મને મોકલજો.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

One response to “મહાશિવરાત્રી એટલે શું?”

  1. om namo narayan…..

    Like

Leave a reply to Anonymous Cancel reply

Trending