PCOD means polycystic ovarian disease.

આ સ્ત્રીઓમાં અંડાશય એટલે કે ઓવરી માં જોવા મળતો રોગ છે. તો આ પીસીઓડી નામનો રોગ શું છે? તે શાના કારણે થાય છે? તેનાથી શરીર ઉપર શું શું અસરો થાય? તેની એલોપેથિક, આયુર્વેદિક તથા કુદરતી ઉપચાર શું છે? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. 

PCOD એટલે શું? 

અગાઉ જોઈ ગયા તેમ પીસીઓડી એટલે Polycystic Ovarian disease. આ રોગ સ્ત્રીઓમાં જોવા મળતો હોય છે. તે ખાસ કરીને જ્યારથી માસિક શરૂ થાય ત્યાંથી માસિક પૂરું થાય તે દરમિયાન આ રોગ જોવા મળતો હોય છે. આ રોગની અંદર સ્ત્રીના બંને બાજુના અંડાશયની સાઈઝની અંદર વધારો થાય તથા અંડાશયની અંદર 2 થી 9 mm ની નાની નાની સીસ્ટ એટલે કે પાણી ભરેલી નાની થેલીઓ પેદા થાય. તે નાની નાની સીસ્ટ એટલા માટે પેદા થાય કે આ રોગની અંદર જે અંડાશય માંથી અંડ નીકળવું જોઈએ તે નીકળે નહીં તે અંદરના અંદર રહે જેના કારણે અંડાશયની અંદર નાની નાની ગાંઠો થઈ જાય. તે ઓવારીને કટ કરીને જોઈએ તો આપણા ગળામાં હાર પહેરતા હોય તેવી નેકલેસ પેટર્ન દેખાય. મોટાભાગની સિસ્ટ અંડાશયની અંદર બહારના ભાગમાં ગોઠવાયેલી હોય. જે નીચે મુજબની આકૃતિમાં જોઈ શકાય છે. 

2 થી 10% સ્ત્રીઓમાં આ રોગ જોવા મળતો હોય છે. 

PCOD માં લક્ષણો કયા કયા હોય? 

આ રોગ મોટા ભાગે જે કોઈ કિશોરીઓનું વજન વધારે હોય તેની અંદર જોવા મળે. કોઈ વખત વજન ઓછું હોય તો પણ જોવા મળે. આની અંદર માસિક માં અનિયમિતતા થાય. માસિક ઓછું આવે અથવા તો લાંબા અંતરે આવે. આ ઉપરાંત જેને આ રોગ હોય તેનું વજન વધારે હોય, તેને ડાયાબિટીસ, હાયપરટેન્શન તથા કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા વધારે હોય. આ ઉપરાંત આ રોગની અંદર પુરુષના હોર્મોન (એન્ડ્રોજન) અંડાશય માંથી વધારે પ્રમાણમાં ઝરતા  હોવાથી સ્ત્રીની અંદર પુરુષના લક્ષણો જોવા મળે. જેમકે મોઢા ઉપર દાઢી આવવી, સામાન્ય મૂછો આવવી, છાતી થા પેટ ઉપર વાળ ઉગવા, માથાના આગળના વાળ થોડા ગળી પડવા વગેરે સમસ્યા ઊભી થાય. ગળાની ચામડીની અંદર કાળા લીસોટા પડવા. ખીલ વધારે થવા વગેરે લક્ષણો જોવા મળે જે નીચેની આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. 

આ ઉપરાંત પીસીઓડી વાળી સ્ત્રીઓને બાળક રહેવામાં તકલીફ પડે. 

PCOD થવાના કારણો? 

આ રોગ શા માટે થાય છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નોર્મલી સ્ત્રીની અંદર દર મહિને માસિક પછીના 12માંથી 14માં દિવસે  અંડાશયમાંથી અંડ છુટું પડે અને માસિક નિયમિત આવે પરંતુ આ રોગ ની અંદર અંડાશયમાંથી અંડ નિયમિત છૂટું ન પડે અને તે અંડ અંડાશયની અંદર જ રહે જેના કારણે નાની નાની સીસ્ટ પેદા થાય. જેના કારણે માસિક  નિયમિત ન આવે બે ત્રણ મહિના ચઢીને આવે. 

આ રોગની અંદર અંડાશય માંથી પુરુષનો હોર્મોન એન્ડ્રોજન વધારે સિક્રેટ થાય. જેના કારણે તેને મોઢા ઉપર વાળ ઉગે અને ખીલ થાય. આ રોગ તેની માતાને હોય તો તેની દીકરીને આવવાની સંભાવના રહે. મતલબ જીનેટીક કારણોથી પણ થઈ શકે.આયુર્વેદિકના મત અનુસાર ગર્ભાશયની અંદર વાત તત્વનું બરોબર વહન ના થાય ત્યારે આ રોગ પેદા થાય. તે વાત તત્વના વહનમાં દૂષિત કફ અવરોધ પેદા કરે જેના કારણે માસિક  નિયમિત ન આવે. તેથી મોટાભાગની આયુર્વેદિક થેરાપી દૂષિત કફને સંતુલિત કરવા માટે પ્રયત્ન કરે. 

આ રોગની સારવાર શું કરી શકાય? 

આ રોગની અંદર સૌ પ્રથમ તમારે તમારું વજન ઘટાડવા ઉપર ધ્યાન આપવું પડે. તમારું જે કંઈ વજન છે તે વજનના પાંચ ટકા પણ વજન ઘટાડવાથી આ રોગની અંદર ઘણો ફાયદો થાય. આ માટે નિયમિત તમારી પોતાની જાત માટે એક કલાક કાઢવો જોઈએ તેની અંદર તમને પસંદ પડતી એક્સરસાઇઝ કરવી જોઈએ અથવા તો યોગ, પ્રાણાયામ કરવા જોઈએ અને લો કાર્બોહાઇડ્રેટ, લો ફેટ, હાઈ પ્રોટીન હાઈ ફાઇબર વાળો ખોરાક લેવો જોઈએ.

પીસીઓડી માટે આહાર (ડાયટ)

પીસીઓડી માટેના આયુર્વેદિક આહારમાં ગળ્યું અને ખારો સ્વાદ ધરાવતા ખોરાકને ટાળવો કે ઓછી માત્રામાં લેવો જોઈએ. જેટલું ગળ્યું તથા ખારું લેવામાં આવે તો તે તમારી કફ પ્રકૃતિને દૂષિત કરે છે. જે શરીરમાં અવરોધો પેદા કરે છે. તેથી મીઠાઈઓ, સ્ટાર્ચવાળા અનાજો, રિફાઇન અનાજ, સ્ટાર્ચવાળી શાકભાજી, દુધમાંથી બનેલા પદાર્થો અને વધારે મીઠું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

એના બદલે મિલેટ્સ બાજરી, જુવાર, રાગી તથા રાજગરો તમારા આહારમાં ઉમેરો. એમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે અને તેઓ ઊર્જા પૂરી પાડે છે. ઘઉં તથા ગળ્યા પદાર્થોમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય તે તમારી કફ પ્રકૃતિ એટલે કે વજનને વધારે. કફ નો મતલબ શરદી કફ નહીં પરંતુ વજનનું વધવું તે કફ કહેવાય. છાશ પણ આ આહારમાં લાભદાયક માનવામાં આવે છે. સવા તથા વરીયાળી  રસોડામાં મળતી ઔષધી છે જે પીસીઓડીમાં મદદરૂપ થાય છે. તે ડાયરેક્ટ અથવા તેનું પાણી બનાવીને પી શકાય. તે નિયમિત અંડાશયમાંથી અંડ છુટું પડવામાં સહાય કરે છે અને ફર્ટિલિટી સુધારે છે. રાત્રે સૂતાં પહેલા ત્રિફળા ચૂર્ણ લેવું પણ લાભદાયક છે.

બીજા લાભદાયક ખોરાકમાં પાંદડાવાળી શાકભાજી અને ગ્રીન ટી શામેલ છે. આહાર સાથે નિયમિત વ્યાયામ પણ પીસીઓડીના ઉપચારમાં અનિવાર્ય છે. એવું શારીરિક પરિશ્રમ જેનાથી શરીરમાંથી પરસેવો નીકળે, વજન ઘટવાથી ઇન્સુલિનની  સેન્સિટિવિટી વધે અને શરીરના અવરોધો દૂર કરવામાં મદદરૂપ થાય છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ઇન્સ્યુલિનની સેન્સિટી વધે તેથી શરીરમાં ગ્લુકોઝ તથા ઇન્સ્યુલિનનું લેવલ ઘટે ઇન્સ્યુલિનનું લેવલ ઘટે તો પુરુષના હોર્મોન્સ પણ ઘટે જેના કારણે તમને ખીલ તથા વાળની સમસ્યાની અંદર પણ સુધારો થાય.

આ ઉપરાંત ડોક્ટરો દર્દીની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે દવા કરે જેમ કે જેને માસિક નિયમિત કરવું હોય તો ડોક્ટરો ગર્ભનિરોધક  ગોળી નો કોર્સ કરાવે. તેનાથી ઘણા લોકોને માસિક નિયમિત થતું હોય છે અને ઘણાને નથી થતું હોતું. જેને બાળક રાખવાનું હોય તેને બાળક રહે તેવી ગોળી આપવામાં આવે. 

જેના મોઢા ઉપર  વાળ ઉગ્યા હોય તો તે વાળને ઓછા કરવા માટેની ગોળી આપવામાં આવે અથવા  ચામડીના કે કોસ્મેટિક સ્પેશલિસ્ટ જોડે તે વધારાના મોઢા ઉપરના વાળને દૂર કરવાની સારવાર કરાવવામાં આવે.વજન ઓછું કરવા તથા ઇન્સ્યુલિનની સનસીટીવીટી વધારવા માટે  ડાયાબિટીસમાં વપરાતી Metformin નામની ગોળી પણ આપવામાં આવે. તેનાથી ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય તથા વજન પણ ઘટે અને હોર્મોન્સ પણ નોર્મલ થાય. 

આયુર્વેદિકના મત અનુસાર PCOD શાના કારણે થાય?

આયુર્વેદ અનુસાર, પીસીઓડી (પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ)નું મૂળ કારણ બાળપણની આદતોમાં છુપાયેલું હોઈ શકે છે, જેમ કે ડાયપર પહેરવું અને ચુસ્ત કપડાં પહેરવા, તેમજ પુખ્ત વયે કુદરતી આવેગોને રોકવા જેમ કે પેશાબ આવ્યો હોય ને રોકી રાખવાની ટેવ. અન્ય કારણોમાં વિરુદ્ધ આહારનું સેવન અને પૂરતું પાણી ન પીવું શામેલ છે. આ તમામ બાબતો વાત ઉર્જાના નીચે જવા માટેના માર્ગને અવરોધે છે, જેને આયુર્વેદમાં “ઉદાવર્ત” કહે છે.

આ ઉપરાંત દૂષિત કફ હોર્મોન્સના સંતુલનને બગાડે છે. આ દૂષિત કફ અવરોધ ઊભો કરે છે. ગર્ભાશય એ વાતનું નિવાસસ્થાન છે અને આ અવરોધો વાત ઉર્જાને અસર કરે છે. આ રોગમાં પુરુષ હોર્મોન ફ્રી ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે, જેના કારણે આંતરિક અને બાહ્ય રીતે પુરુષ સમાન લક્ષણો દેખાવા લાગે છે.

આયુર્વેદ અનુસાર, અગ્નિ તત્વ સ્ત્રી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે જળ તત્વ (સૌમ્ય) પુરુષ ઉર્જાનું. તેથી, ઉપચારનો મુખ્ય ઉદ્દેશ રોગીમાં અગ્નિ તત્વમાં વૃદ્ધિ લાવવાનો હોય છે,  જેના કારણે ઇસટ્રોજન તત્વ નું નોર્મલ બેલેન્સ જળવાઈ રહે. સ્ત્રી તથા પુરુષના હોર્મોનનું imbalance દૂર થાય.

પીસીઓડીનો આયુર્વેદિક ઉપચાર

પીસીઓડી (પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) માટે આયુર્વેદિક ઉપચારનો મુખ્ય હેતુ અવરોધિત ઉર્જાને દૂર કરીને વાત ઉર્જાના કાર્યને સુધારવાનો છે. પંચકર્મ સારવાર પીસીઓડી માટે ખાસ કરીને ઉપયોગી છે, કારણ કે તે અવરોધિત ઉર્જાને(કફ) દૂર કરીને વાતને સંતુલિત કરવામાં મદદરૂપ છે.

ઉપચારની શરૂઆત શુષ્ક મસાજથી થાય છે, જેમ કે ઉદ્વર્તનમ અથવા પોટ્ટલી પાવડર મસાજ. આ મસાજ લિંફેટિક સિસ્ટમને ક્લીન કરવામાં મદદ કરે અને શરીરમાંથી વધારાની ચરબીરૂપ કફને દૂર કરે છે. ચેનલો સાફ થયા પછી દર્દીને ચારથી પાંચ દિવસ સુધી ઔષધિય ઘી આપવામાં આવે છે, જે ચરબીમાં વિસર્જિત થનારા જહેરી તત્વોને બાંધે છે. ત્યારબાદ વમન (ઉલ્ટીથી શરીરશુદ્ધિ) કરાવવામાં આવે છે.

વમન ક્રિયા કફના મુખ્ય કેન્દ્રમાંથી કફને દૂર કરે છે, એના કારણે ના શરીરના અન્ય ભાગોમાં, ખાસ કરીને ગર્ભાશયમાં રહેલા કફ અવરોધોને નરમ કરે છે. વિરેચન (ડાયરિયા થી શરીરશુદ્ધિ) પણ કરાવી શકાય છે, પરંતુ તે પીસીઓડી માટે પ્રથમ પસંદગી નથી, કારણ કે તે પિત્ત દૂર કરે છે, જે પીસીઓડીમાં મુખ્ય સમસ્યા નથી.

વમન પછી બસ્તિ (એનિમા) થેરાપી કરાવવામાં આવે છે. જો દર્દી વમન માટે યોગ્ય ન હોય કે તેને વમન કરાવવામાં અનિચ્છા હોય, તો સીધો બસ્તિ ઉપચાર અપાય છે. બસ્તિ સીધો પીસીઓડીમાં અવરોધિત થયેલા વિસ્તારમાં કાર્ય કરે છે. વમનથી કફ નબળો પડી ગયેલો હોય છે, ત્યારે બસ્તિ તેને સંપૂર્ણ રીતે દૂર કરે છે. બસ્તિ સારવાર સામાન્ય રીતે 7-10 દિવસ સુધી ચાલે છે.

અંતે નસ્ય ઉપચાર કરવામાં આવે છે, જેમાં નાકમાં તેલના ટીપાં નાખીને હોર્મોનલ સ્રાવોને સંતુલિત કરવામાં આવે છે. સમગ્ર ઉપચાર પ્રક્રિયા લગભગ 3-4 અઠવાડિયા સુધી ચાલે છે અને તેના પરિણામોને મજબૂત બનાવવા માટે થોડા મહિનાં સુધી મૌખિક ઔષધિઓ આપવામાં આવે છે.

જે દર્દી પંચકર્મ માટે યોગ્ય ન હોય, તેને માત્ર મૌખિક ઔષધિઓ દ્વારા જ ઉપચાર આપવામાં આવે.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

લેખક: ડો ચીમનભાઈ પટેલ 🙏 

વધુ આયુર્વેદિક જાણકારી માટે નીચેનો લેખ જોઈ જવા વિનંતી છે.

પીસીઓડી માં શું આયુર્વેદિક સારવાર કરવી તે માટે નીચેનો વિડીયો જોઈ જવા વિનંતી છે. 

Leave a comment

Trending