ઘણી બધી કિશોરીઓ તથા બહેનોને માસિક દરમિયાન સારો એવો દુખાવો થતો હોય છે. જેના કારણે કામકાજની અંદર પણ મન ચોટતું નથી અને તે દરમિયાન પરેશાન રહ્યા કરે છે. તો આ માસિક દરમિયાન દુખાવો શા માટે થાય છે? તેના શું કારણો છે? તેના પ્રકાર કયા કયા છે? તેનો આયુર્વેદિક, એલોપેથી તથા ઘરેલુ ઉપચાર કેવી રીતના કરી શકાય? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

માસિક દરમિયાન દુખાવો શા માટે થાય છે? 

માસિક દરમિયાન દુખાવો એટલા માટે થાય કે માસિક દરમિયાન ગર્ભાશયની અંદરનું લેયર છૂટું પડે અને યોની માર્ગમાંથી બહાર આવે જેને આપણે માસિક કહીએ છીએ. તે લેયરને અંગ્રેજીમાં endometrial lining કહેવાય. જે નીચેની આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. 

કુદરતના નિયમ પ્રમાણે દર મહિને તે લેયર ગર્ભાશયમાંથી છૂટું પડે. ગર્ભાશય તે લેયરને છૂટું પાડે ત્યારે ગર્ભાશયનું સંકોચન થાય ત્યારે દુખાવો થાય. તે દુખાવાને માસિક નો દુખાવો કહેવાય. ગર્ભાશયના સંકોચનમાં જે તત્વ મદદ કરે છે તે તત્વનું નામ છે prostaglandin. આ તત્વના કારણે ગર્ભાશયનું સંકોચન પણ થાય અને દુખાવો પણ થાય. Allopathy ની તમામ દવાઓ આ તત્વને ઓછું કરવામાં મદદ કરે જેથી કરીને તમને માસિક દરમિયાન દુખાવો ઓછો થાય. માસિક દરમિયાન સામાન્ય દુખાવો થવો તે નોર્મલ છે.પરંતુ prostaglandin નામનું તત્વ વધી જાય ત્યારે માસિક દરમિયાન વધારે દુખાવો થાય તેથી તે તત્વને થોડું ઘટાડવું પડે.મોટાભાગની આયુર્વેદિક દવાઓ પણ આ તત્વને સપ્રમાણ રાખવા માટે પ્રયત્ન કરે.

માસિક દરમિયાન દુખાવા ના પ્રકારો કયા કયા છે? 

માસિક દરમિયાન થતા દુખાવાને બે પ્રકારમાં વહેંચી શકાય. જેને અંગ્રેજીમાં primary dysmenorrhea  અને secondary dysmenorrhea કહેવાય. Primary dysmenorrhea તે નોર્મલી જે માસિક દરમિયાન દુખાવો હોય છે તેને કહેવાય. આ દુખાવો જે ઉંમરથી માસિક શરૂ થાય ત્યારથી જ હોય.

Secondary dysmenorrhea તે દુખાવાની અંદર માસિક દરમિયાન વધારે દુખાવો થાય. એક માસિક અને બીજા માસિક વચ્ચે પણ  દુખાવો થાય. માસિક પ્રમાણ માં વધારે આવે. તેના ઘણા બધા કારણો હોઈ શકે. ઘણીવાર ગર્ભાશયની અંદર ગાંઠ(Fibroid) હોય. ગર્ભાશયની અંદર ચેપ લાગ્યો હોય. અથવા તો જ્યારે માસિક આવે ત્યારે તે માસિકનો અમુક ભાગ ગર્ભાશયની નળી દ્વારા પેટની અંદર પણ જતો રહે અને પેટની અંદર ગર્ભાશયની દીવાલ ઉપર તથા ગર્ભાશયની નળી તથા અંડાશય ઉપર તે માંસ પેશીઓ ચોંટી જાય અને ત્યાં દુખાવો કરે. જેને અંગ્રેજીમાં endometriosis કહેવાય.

Secondary dysmenorrhea ના દુખાવામાં તેના કારણો ને દૂર કરીએ ત્યારે તે દુખાવો જતો રહે.

Primary dysmenorrhea માં દુખાવો  બહેનોને માસિક શરૂ થાય ત્યારથી થતો હોય છે. તે દુખાવો શરૂઆતના વર્ષોમાં વધારે હોય પછી ધીમે ધીમે ઉંમર થતા તેમ દુખાવો ઘટતો જાય અથવા તો લગ્ન થયા પછી એક બાળક થયા પછી મોટાભાગે આ દુખાવો જતો રહેતો હોય છે. 

માસિક દરમિયાન કેવો દુખાવો થાય? 

માસિક આવવાનું હોય તેના એક બે દિવસ પહેલા થોડો દુખાવો થાય પછી જ્યારે માસિક આવવાનું શરૂ થાય ત્યારે  દુખાવો વધારે થાય. પછી માસિકના એક બે દિવસ પછી તે દુખાવો ઓછો થઈ જાય. 

માસિક નો દુખાવો ડુંટીથી નીચે પેડુમાં થાય તે દુખાવો પાછળ કમળમાં પણ થાય અને તે દુખાવો ઘણીવાર સાથળના ભાગમાં પણ થાય. આ દુખાવા સાથે સ્ત્રીઓને કોઈક વખત ઉલટી પણ થાય, ચક્કર પણ આવે, થાક પણ લાગે  અને કોઈક વખત માથું પણ દુખે, તેમનો મૂડ ખરાબ થઈ જાય. ઘણીવાર દુખાવો એટલો બધો હોય કે તેના રૂટિન કામકાજની અંદર પણ તેમને તકલીફ પડે. 

માસિક દરમિયાન થતા દુખાવાની સારવાર કેવી રીતના કરી શકાય?

માસિક દરમિયાન સામાન્ય દુખાવો થાય તો કોઈ ગોળી લેવાની જરૂર ન પડે પરંતુ માસિક દરમિયાન વધારે દુખાવો થાય તો એલોપેથિક દવાની અંદર prostaglandin ની અસરને નાબૂદ કરતી દવાઓ આપવામાં આવતી હોય છે. જેવી કે brufen, paracetamol, diclofenac sodium, naproxen, mefenamic acid  વગેરે દવાઓ. જેથી કરીને માસિક દરમિયાન થતો દુખાવો ઓછો થઈ જાય. કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહીં. ડોક્ટરો ખાસ કરીને  Dysmen નામની ગોળી આપે આ ગોળી માસિક શરૂ થાય ત્યારે લેવાની બંધ થઈ જાય ત્યારે બંધ કરી દેવાની. તે ત્રણ ટાઈમ લેવાની હોય છે તેની અંદર 

Dicyclomine + Mefenamic Acid નું કોમ્બિનેશન હોય. Dicyclomine તે ગર્ભાશયને રિલેક્સ કરવાનું કામ કરે Mefenamic Acid તે prostaglandin ને ઓછું કરવાનું કામ કરે તેથી માસિક દરમિયાન દુખાવો ઓછો થાય.તે માસિક શરૂ થવાનું હોય તેના એક દિવસ પહેલા અથવા તો જ્યારે માસિક શરૂ થાય ત્યારે તરત શરૂ કરી દેવી અને એક બે દિવસ લેવાથી મોટાભાગે દુખાવો ઓછો થઈ જતો હોય છે. મહિનામાં ચારથી પાંચ દિવસ જ લેવાની હોય છે. જે લોકોને એસીડીટી થતી હોય તો આ દવાઓ ઓછી વાપરવી. 

આયુર્વેદિક ની અંદર માસિક દરમિયાન થતા દુખાવાને ઓછું કરવા માટે અલગ અલગ ટોનિક આવે છે. હિમાલયાનું Evacare  ટોનિક આવે છે તે સૌથી સારું આવે છે. તેની અંદર કયા કયા ઘટકો છે અને તે કેવી રીતના કામ કરે છે તેની ડિટેલ નીચેની લીંકમાં આપેલ છે. ડાબર નું અશોકારિષ્ટ  ટોનિક પણ સારું આવે છે. વાસુ હેલ્થ કેરનું મેરીટોન સીરપ પણ સારું આવે છે.આ ઉપરાંત સચ્ચી સહેલી તે પણ લઈ શકાય. આ દવા બે ચમચી બે   ટાઈમ લઈ શકાય. કેટલા ડોઝમાં લેવી તે તે બોટલ ઉપર લખેલું હોય છે. આ દવા તમને કોઈપણ સ્ટોરમાં વગર priscription ને મળી શકે.આયુર્વેદિકના મત પ્રમાણે આ રોગ તે અપાન વાયુ બગડવાના કારણે થાય. સાત ધાતુઓમાં રસધાતુ દૂષિત થાય ત્યારે આ રોગ થાય.  કફ પિત્ત અને વાતની અંદર આ રોગ વાત રોગની અંદર આવે. તમારું વાત તત્વ વધી જાય એટલે કે દૂષિત થઈ જાય તો આ રોગ થવાની શક્યતા વધી જાય. તો તે વાત તત્વને મૂળભૂત સ્થિતિમાં લાવવા માટે ની દવાઓ આયુર્વેદિક ની અંદર વાપરવામાં આવે છે. મોટાભાગની આયુર્વેદિક ની દવાઓની અંદર અશોકા લોધરા,સતાવરી, આમલા, બહેડા, હરડ, નાગર મોથા, ગિલોઇ, સૂંઠ, એલોવેરા વગેરે દવાઓનો ઉપયોગ થતો હોય છે. તે દવાઓ તમારા માસિકની ને નિયમિત કરવાનું કામ પણ કરે, માસિક દરમિયાન જે દુખાવો થતો હોય તે દુખાવો પણ ઓછો કરે, માસિક ને માપનું કરે, માસિક દરમિયાન તમને જે થાક લાગતો હોય તે ઓછો કરે, તમારા મૂડને ઠીક કરે, તમારી લોહીની ટકાવારીને નોર્મલ કરવા પ્રયત્ન કરે તથા માસિકના પહેલા જે મૂડની અંદર ચેન્જ થાય છે (premastral syndrome) ને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય તથા તમારે પ્રેગ્નન્સી રાખવાની હોય તો તેના માટે અનુકૂળ વાતાવરણ પણ ઊભું કરે. આ બધા સીરપ આખો મહિનો લેવાથી વધારે ફાયદો થાય. 

આ ઉપરાંત ઘર ગથ્થુ ઉપચારમાં તમે ગરમ પાણીનો શેક પણ કરી શકો. તમને જ્યારે માસિક આવે ત્યારે દુખાવો થાય તો ગરમ પાણીની થેલી અથવા બોટલ નાભિથી નીચેના ભાગમાં મૂકવાથી પણ ફાયદો થાય. 

માસિક દરમિયાન બહુ ઉછળ કૂદ કરવી નહીં. થોડો આરામ કરવો. બહુ શ્રમ પડે તેવું કોઈ કામ કરવું નહીં. માસિક દરમિયાન યોગ કે એક્સરસાઇઝ બને ત્યાં સુધી ન કરવી. તે દરમિયાન તમે તલ ગોળ તથા અજમો મિક્સ કરીને ખાવો તો તમારો દુખાવો ઓછો થાય. આ ઉપરાંત કપૂર અજમો ફુદીનો મિક્સ વાળી સુગંધિત સુંઘવાની અમૃત ધારા નામના દવા તમને કોઈપણ ફાર્મસીમાં મળી જાય. તે દવાને નાક નજીક રાખીને સૂંઘી પણ શકો અથવા તેના ટીપા રૂમાલમાં નાખીને પણ સૂંઘી શકો જેનાથી દુખાવો ઓછો થાય. તમે તલના તેલની એકલી માલિશ કરી શકો અથવા તલના તેલની અંદર લસણ કકડાવીને ગરમ કરીને ઠંડુ કરીને પણ તેલની માલિશ કરી શકાય. માલિશ ડૂંટી તથા ડુંટીના નીચેના ભાગ ઉપર કરવી. કમર ની પાછળ ના ભાગે તથા સાથળ ઉપર પણ માલિશ કરી શકાય. ડોક્ટરની સલાહ અનુસાર તલના તેલની બસ્તી એટલે કે એનેમા પણ લઈ શકો. આ ઉપરાંત જ્યારે માસિક ન આવતું હોય ત્યારે તમારે નિયમિત યોગા, પ્રાણાયામ કે એક્સરસાઇઝ ખાસ કરવી જોઇએ. નિયમિત એક્સરસાઇઝ તથા યોગ કરવાથી તમારા શરીરની અંદર જે કંઈ  ટોક્સિન ઘૂસી ગયા છે તે બહાર નીકળી જાય. ગર્ભાશયનું સર્ક્યુલેશન બરોબર થાય.ગર્ભાશય મજબૂત બને. કબજિયાત દૂર થાય. કપ પિત્ત વાતનું સમન થાય.માસિક દરમિયાન જેને દુખાવો થતો હોય તે લોકોએ ઠંડા પીણા કે ઠંડી વસ્તુ કે વાસી ખોરાક લેવો નહીં. જે ખોરાક ઈઝીલી પચી શકે તેવો સાત્વિક ખોરાક લેવો. રાત્રે વહેલા સુઈ જવું, વધારે ટેન્શન લેવુ નહીં. નિયમિત એક્સરસાઇઝ કરવાની ટેવ પાડવી પોતાની જાત માટે એક કલાક કાઢવો. આ ઉપરાંત તમે ગરમ પાણીની અંદર ઘી નાખીને પણ પી શકો.  

માસિક દરમિયાન દુખાવો ઓછો થાય તેના માટે શું શું કરવું તેના માટેનો સરસ મજાનો વિડીયો  આયુર્વેદિક ડોક્ટર દ્વારા રજુ કરવામાં આવ્યો છે તેને પણ શાંતિથી જોઈ લેવા વિનંતી છે.

હિમાલયા  Evecare સીરપના ઘટકો

  • અશોકા (સારાકા એસોકા અથવા સારાકા ઇન્ડિકા) 50 મિલિગ્રામ
  • દશામૂલા – ૩૩ મિલિગ્રામ
  • લોધ્રા – સિમ્પ્લોકોસ રેસમોસા – 33 મિલિગ્રામ
  • ગુડુચી (ગિલોય) – ટીનોસ્પોરા કોર્ડિફોલિયા -33 મિલિગ્રામ
  • કાકમાચી – સોલેનમ નિગ્રમ -33 મિલિગ્રામ
  • પુનર્નવા – બોરહાવિયા ડિફ્યુસા -32 મિલિગ્રામ
  • શતાવરી – શતાવરીનો છોડ રેસમોસસ – 32 મિલિગ્રામ
  • નારિયેળ (નારિકેલા) – કોકોસ ન્યુસિફેરા -32 મિલિગ્રામ
  • ઘૃતા કુમારી – એલોવેરા – 25 મિલિગ્રામ
  • અને અન્ય સંબંધિત ઘટકો

જેને ડિટેલમાં આ સીરપ વિશે જાણવું હોય તો નીચેની લીંક ઓપન કરીને જાણી શકે છે. 

https://pharmeasy.in/health-care/products/himalaya-evecare-syrup—400ml-46260

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ સ્ત્રીઓને ફોરવર્ડ કરીને લોકકલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આ લેખ ખાસ કરીને તમારી દીકરીઓને, પત્ની, માતા વગેરેને ફોરવર્ડ કરવા વિનંતી છે. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.

One response to “માસિક દરમિયાન દુખાવો શા માટે થાય છે? તેના ઉપાયો. ”

  1. Excellent explanation,Sir

    Like

Leave a comment

Trending