આપણે ઘી ઉધાર લઈને પણ ખાવું જોઈએ તેવી વાત ઘણી વખત સાંભળી છે. તો ઘી ખાવાથી શું ફાયદા થાય? કયા વ્યક્તિએ ઘી ખાવું જોઈએ? કયા વ્યક્તિએ ઘી ન ખાવું જોઈએ? ઘી તો ખાવું છે  પરંતુ ના પચે તો શું કરવું જોઈએ? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

ઘી ખાવાના તો હજારો ફાયદા છે. પરંતુ કઈ પ્રકૃતિ વાળાએ કેવી રીતના ઘી ખાવું જોઈએ તેનું સાયન્સ જાણી લેવું જરૂરી છે. આયુર્વેદિક ની અંદર ચરક સંહિતા તથા વાઘભટ્ટ ઋષિએ ઘી કોને ખવાય કેટલું ખવાય કયું ખવાય તેનું સંપૂર્ણ સાયન્સ રજૂ કર્યું છે. પરંતુ આપણે સંસ્કૃત જાણતા નથી તેથી તેના ફાયદાથી વંચિત રહી જઈએ છીએ. તેવું ન થાય તે માટે આજે આ લેખ લખવામાં આવ્યો છે. જેની વાત પ્રકૃતિ છે તે વ્યક્તિએ તો  ઘી ખાસ ખાવું જોઈએ કારણ કે વાત પ્રકૃતિનો સ્વભાવ છે શરીરને સુકવી નાખવાનો. તો શરીર સુકાઈ ના જાય તે માટે સ્નેહન એટલે કે ચિકાશની ખૂબ જ જરૂર હોય છે. જે લોકોને વાત પ્રકૃતિ છે તે લોકોએ ઘી ડાયરેક્ટ અથવા સેધા નમક જોડે ખાવાથી વધારે ફાયદો થાય. ઘી, તેલ તથા અન્ય ની અંદર ચીકાશ હોય પરંતુ ઘીની ચિકાસ તે બહુ જ મહત્વની છે. વાત પ્રકૃતિવાળા વ્યક્તિ એ ઘી ખાવાથી તેનું વજન વધે. તેના આંતરડાની અંદર ચીકાશ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તેથી તેની નિષ્કાસન ક્રિયા પણ સરળ બને. વાત પ્રકૃતિ વાળા વ્યક્તિના સાંધાની અંદરનું પ્રવાહી સુકાઈ જતું હોય છે તેવું ન થાય તે માટે પણ ઘી જરૂરી છે. આપણે તે માટે ઢીંચણ ઉપર તેલ તથા ઘીની માલિશ પણ કરીએ છીએ. ઘી ખાવાથી વાત પકૃતિ વાળા વ્યક્તિની માંસ પેશીઓ મજબૂત થાય. થાક ઓછો લાગે.

જે લોકોની પિત્ત પ્રકૃતિ છે તે લોકોએ પણ ઘી ખાવું જોઈએ તે તમારા શરીરની ગરમીને ઓછી કરે કારણ કે ઘી પ્રકૃતિમાં ઠંડુ છે. જે લોકોની કફ પ્રકૃતિ છે તે લોકોએ ઘી માપસર નું ખાવું જોઇએ તથા ખાવું હોય તો તેની જોડે સૂંઠ, આદુ, લીંબુ, મધ નો ઉપયોગ કરવો. કફ પ્રકૃતિવાળાની જઠરાગની મંદ હોય તેથી પહેલા જઠરાગની તેજ કરવી પડે પછી ઘી ખવાય. જઠરાગની તેજ કરવા માટે આપ સૂંઠ આદુ સંચળ લીંબુ ફુદીનો વગેરેનો ઉપયોગ કરી શકો છો. ઘી ખાધા પછી હંમેશા ગરમ પાણી પીવું માટલાનું કે ફ્રીજનું  પાણી ન પીવું. ઠંડુ પાણી પીવાથી તે ઘીનું બરોબર પાચન ન થાય . ઘી ખાવાથી વાત રોગના 80, પિત્ત રોગના 40 તથા કફ રોગના 20 રોગોની અંદર ફાયદો થાય. ઘી ખાવાથી મન શાંત રહે, ઘી ખાવાથી ઊંઘ પણ સરસ આવે એટલે આપણે શીરો તથા લાડવા ખાધા પછી ઊંઘ આવે છે. યાદશક્તિમાં વધારો થાય. બુદ્ધિ વધે કારણ કે આપણા મગજનો 20 થી 25 ટકા ભાગ તે કોલેસ્ટ્રોલ નો બનેલો છે. મતલબ કે ચરબીનો બનેલો છે.

આયુર્વેદિક ની અંદર પંચકર્મની સારવારમાં ઘીને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં ઔષધી નાખીને ઘી આપવામાં આવે તેમાં ખાસ કરીને ગાયનું ઘી પસંદ કરવામાં આવે છે. પંચ કર્મ ક્રિયા કરતા પહેલા વ્યક્તિને ઘી પીવડાવવામાં આવે છે તે ઘી તમારા શરીરની અંદર જઈને તમારા શરીરમાં જે પણ ટોક્સિન ઘૂસી ગયા છે તે ટોક્સિનને ત્યાંથી છૂટા પાડવાનું કામ કરે છે.પછી તેને વિરેચન દ્વારા એટલે કે ઝાડા કરાવીને  બહાર ફેંકી દેવામાં આવે છે. ટોક્સિન્સ આપણા શરીરમાં અલગ અલગ રીતના ઘૂસી જતા હોય છે. તમે જે કંઈ પણ ખોરાક ખાવ છો તેની અંદર પેસ્ટીસાઈડ નાખેલા હોય છે. તમારો દરેક ખોરાક પ્રોસેસ કરેલા હોય છે. આ ઉપરાંત જે કંઈ ખોરાક પચ્યો નથી તે કાચો આમ થઈને શરીરને નુકસાન કરે છે.

હું મારો ખુદનો અનુભવ કહું તો મારી વાત પ્રકૃતિ છે હું જ્યારે સલાડ અને ફ્રુટ વધારે ખાવ તો  મારું વજન ખૂબ જ ઘટી જાય છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી મેં એક ચમચી ગાયનું ઘી ખાવાનું શરૂ કર્યું છે તો મારું વજન બે કિલો વધ્યું છે. મારી ચામડી  સ્મુધ થઈ  જે પહેલા રૂક્ષ હતી. મારી યાદશક્તિમાં વધારો થયો છે. મને અશક્તિ લાગતી તેમાં ઘણો બધો ફાયદો થયો છે. અત્યારે હું ગમે તેટલું કામ કરું તો પણ થાક લાગતો નથી.

ગાયના ઘીના રોજ બે ટીપાં નાકમાં નાખવાથી ઘણા બધા ફાયદા થાય તેની વાત હવે પછીના લેખમાં કરીશું.

આયુર્વેદિકના મત પ્રમાણે મોટાભાગે ગાય અથવા બકરી ના ઘી નો ઉપયોગ કરવો જોઈએ. જેની જઠરરાગની તેજ હોય તે ભેસના ઘીનો પણ ઉપયોગ કરી શકે. દરેક વ્યક્તિના પોતાના અનુભવ અલગ અલગ હોય પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધવું.

અહીં  જે વિડીયો રજૂ કર્યો છે તે વિડિયો ઘી વિશેની તમામ માહિતી આપતો વિડિયો છે. આ વીડિયોમાં જે સ્પીકર છે તે અરુણભાઈ મિશ્રા પોતે આયુર્વેદિક ડોક્ટર છે. એમડી ની ડિગ્રી ધરાવે છે. તે વ્યક્તિનો શુદ્ધ આશય આયુર્વેદિકના સાયન્સને ઘરે ઘરે પહોંચાડવાનો છે. જેથી કરીને વધુને વધુ લોકો આયુર્વેદિકનો લાભ લઈ શકે. તેમના તમામ વિડિયો ચરક સંહિતા તથા વાઘભટ્ટ ઋષિ તથા તેમના પ્રેક્ટિસ દરમિયાન પોતે કરેલા અનુભવો ઉપરથી રજૂ કરવામાં આવ્યા છે. Mishra Veda તેમની ચેનલ છે. તેમાં બીજા વિડીયો પણ ઉપલબ્ધ છે.

લેખક ડોક્ટર ચીમનભાઈ પટેલ.

Leave a comment

Trending