આપણે આ શબ્દો વારંવાર સાંભળ્યા છે ઘણી વખત કન્ફ્યુઝન થાય કે આ શબ્દો શું કહેવા માંગે છે. તો આ મસા,ફીસર અને ભગંદર શું છે? તે કેવી રીતના થાય? તેને રોકવાના ઉપાયો શું છે? એ ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. 

સૌપ્રથમ આપણે મસા ફીસર અને ભગંદર શું છે તે જાણી લઈએ. 

મસા એટલે શું? 

ગુજરાતીમાં મસાને મસા કહેવાય. ગુજરાતીમાં હરસ ને પણ મસા કહેવાય. હિન્દીમાં મસાને બબાસીર કહેવાય. આયુર્વેદિકની સંસ્કૃત ભાષામાં તેને અર્શ કહેવાય. અર્શ નો મતલબ જે રોગ તમને કષ્ટ આપીને  હેરાન કરે. અંગ્રેજીમાં મસા ને પાઈલ્સ અથવા તો હેમ્બ્રોઇડ કહેવાય.

મસા આપણા શરીરમાં જન્મથી હોય પરંતુ તે મસા મોટા થાય ત્યારે આપણે તેને મસા થયા કહીએ છીએ. મસા તે બીજું કાંઈ નથી પરંતુ આપણા આંતરડાનો અંતિમ ભાગ એટલે કે rectum ની અંદર ની બાજુમાં આવેલી નસો એટલે કે શીરા(Vain) ફુલી જવાના કારણે થાય. તેની અંદર લોહી જમા થાય. રેકટમ ની અંદર થતા મસા ને ઇન્ટર્નલ મસા કહેવાય.   ગુદા માર્ગ  એટલે કે Anus ના અંતિમ ભાગમાં જ્યાં ચામડી અને ગુદા માર્ગ મળે છે તે જગ્યાની નસો ખુલી જાય તેને બહારના મસા એટલે કે એક્સ્ટર્નલ પાઇલ્સ કહેવાય. સાદા અર્થમાં કહીએ તો લોહીથી ભરાયેલી શિરા. ઘણી વખત તમારા પગની આજુબાજુ પણ નસો ફુલી  જતી હોય છે. બસ તેના જેવું જ આંતરડાની અંદરની નસો ફૂલે તેને મસા કહેવાય. બહારના મસા અને અંદરના મસા કોને કહેવાય તે નીચેની આકૃતિમાં સ્પષ્ટ રીતે સમજાઈ જશે. 

મસા નાના હોય ત્યારે આપણને ખબર પણ ન પડે પરંતુ તે મસા મોટા થાય તેમાંથી ખૂન પડે. તે મસા  ગુદા માર્ગમાંથી બહાર દેખાવા માંડે ત્યારે તે તમારા શરીરને અસર કરે.

તે ગુદા માર્ગમાંથી કેટલી લંબાઈમાં બહાર આવે છે તેના ઉપરથી તેનું ગ્રેડિંગ નક્કી થાય. ગ્રેડ વન અને ગ્રેડ ટુ મસા બહુ હેરાન ન કરે.જો તમે તમારી લાઇફસ્ટાઇલને સુધારો તો તે મસા મોટાભાગે તે તમને હેરાન ન કરે. ગ્રેડ 3 અને ગ્રેડ 4 ની અંદર મસા તમને બહાર ફીલ થાય અથવા તો તે બહારના બહાર રહે. અંદર મૂકવા છતાં પણ અંદર ન જાય ત્યારે ખાસ ડોક્ટરને બતાવવું પડે અને તેની ટ્રીટમેન્ટ કરાવી પડે.

મસા ન ગ્રેડિંગ નીચે મુજબ છે.

નીચેની આકૃતિમાં મોટા આંતરડાનો અંતિમ ભાગ એટલે કે Rectum ની અંદર જે ઉભા કોલમમાં જે નસો ફૂલેલી દેખાય છે તે મસા છે.

મસા

 ફીસર એટલે શું? 

ફીસર એટલે ગુદા માર્ગ (Anus) ની અંદરની ત્વચા ઉપર વાઢીયો પડવો કે કાપો પડવો કે ચીરો પડવો તેને ફીસર કહેવાય. આયુર્વેદમાં આ રોગને ‘પરિકર્તિકા’ કહેવાય. મોર્ડન સાયન્સમાં ‘Anal Fissure’  કહેવાય.

ગુદા માર્ગની અંદરની ત્વચા બહારની ચામડીની ત્વચાની સરખામણીમાં થોડી નાજુક હોય. જ્યારે કઠણ મળ ત્યાંથી પસાર થાય અથવા તો કઈ વાગે  એટલે  અંદરની ત્વચા ઉપર ચીરો પડી જાય જેને આપણે એનાલ ફિસર કહીએ છીએ.

એનલ ફિસર ની અંદર જ્યારે વ્યક્તિ સંડાસ કરવા જાય ત્યારે તેને સંડાશ કરતી વખતે દુખે. કોઈક વાર સંડાશ પહેલા અથવા સંડાશ વખતે થોડું ખૂન પણ પડે. મળ ત્યાગ કરતી વખતે દુખાવો થતો હોવાથી વ્યક્તિ સંડાસ જવાનું ટાળે. સંડાસ કર્યા પછી પણ અડધો કલાક કલાક વ્યક્તિને દુઃખે. સંડાસની જગ્યાએ જમજમ થાય. જ્યારે દુખાવો થાય ત્યારે સંડાસની આજુબાજુના મસલ્સ સ્પાજમ થાય તેથી વ્યક્તિ ફરી વખત સંડાસ જવા જાય ત્યારે વધારે જોર કરતું પડે તેથી કાપો મોટો થાય. ફિશર ની અંદર શરૂઆતમાં જો તમે ધ્યાન આપો. પાણી વધારે પીવો. વધારે ફાઇબર વાળો ખોરાક લો. બહુ દુખે તો દુખાવાની ગોળી લો. સંડાસ પતલુ થાય તેની દવા લો તો તે મોટાભાગે મટી જતું હોય છે. ના મટે તો જ ઓપરેશન કરાવવું પડે. 

ભગંદર એટલે શું? 

ભગંદર નું બીજું નામ એટલે anal fistula  નીચેની આકૃતિમાં anal fistula નો આખો ટ્રેક કેવી રીતના બને તે સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે. 

ભગંદર એટલે ગુદા માર્ગ ની અંદર આવેલી ગ્રંથિ (Anal  gland) ની અંદર ચેપ લાગવાના કારણે એમાં પરુ ભેગું થાય અથવા તો લોહી ભેગું થાય તે ગુદા માર્ગની બહાર રહેલી ચામડીમાં બીજું  કાણું કરીને તે બહાર આવે તેને ભગંદર કહેવાય. તે કેનાલનો એક છેડો ગુદા માર્ગની અંદર હોય અને બીજો છેડો ગુદા માર્ગની બહાર રહેલી ચામડીમાં કોઈપણ જગ્યાએ હોય. 

ભગંદરમાં ગુદા માર્ગની બહાર રહેલી ચામડીમાં વારંવાર ગુમડા થાય. તે ગુમડું ફૂટે તેમાંથી રસી અથવા તો લોહી નીકળે, વાસ મારતું પ્રવાહી નીકળે. સંડાશ જવામા તકલીફ પડે સંડાશ કરતી વખતે દુખાવો થાય.

સંડાશ કરતી વખતે જ્યારે પણ દુખે ત્યારે હંમેશા તે વાઢીયો  અથવા તો ભગંદર હોવાની શક્યતા વધારે હોય. મસાની અંદર દુખે નહીં પરંતુ ખૂન વધારે પડે. 

મસા, ફિસર, ભગંદર થવાના કારણો 

મોટાભાગે મસા ફીસર અને ભગંદર થવાના કારણો એકસરખા છે. મોટાભાગે જે લોકોને કબજિયાત રહેતી હોય તેને આ ત્રણે ત્રણ વસ્તુ થવાની સંભાવના વધારે છે. જ્યારે તમે સંડાશ જાઓ છો અને સંડાશ જલ્દી થતું નથી ત્યારે તમે જોર કરો છો જેના કારણે ગુદા માર્ગની અંદરની નસો ફૂલી જાય જેને આપણે મસા કહીએ છીએ. આ ઉપરાંત જેનો જાડો સૂકો અને કઠણ હોય તેવો ઝાડો ગુદા માર્ગમાંથી પસાર થાય ત્યારે ગુદા માર્ગની અંદરની ચામડીની અંદર ચીરો પેદા કરે જેને આપણે ફીશર કહીએ છીએ. કબજિયાતની અંદર ભગંદર થવાની શક્યતા વધારે હોય છે. કારણ કે તે કચરો ગુદામાર્ગની અંદર ગ્રંથિમાં ભરાવાના કારણે ત્યાં ચેપ લાગે અને તે ચેપ વધતો વધતો ચામડીની બહાર આવે. 

જે લોકોનું વજન વધારે હોય તે લોકોને પણ મસા થવાની શક્યતા વધારે રહે કારણ કે પેટનું પ્રેશર વધારે હોય. પ્રેગ્નન્સી ની અંદર મસા થવાની શક્યતા વધી જાય કારણ કે પ્રેગનેન્સી ની અંદર પેટનું પ્રેશર વધી જાય. લોબો ટાઈમ બેસી રહેવા થી  મસા થવાની શક્યતા વધી જાય છે. વધારે વજન ઉચકવુ કે વેઇટ લિફ્ટિંગ ની કસરતો માં પણ મસા વધારે થાય. 

મસાની સારવાર કેવી રીતના કરી શકાય. 

મસાની સાઈઝ પ્રમાણે તેને ગ્રેડ પાડવામાં આવે છે. ગ્રેડ વન અને ગ્રેડ ટુ ના મસા બહાર ગુદા માર્ગમાં દેખાય નહીં તે અંદરની સાઈડમાં જ હોય. આવા કેસમાં જો તમે વધારે પડતા ફાઇબર (રેશા) ડાયેટ લો, પાણી વધારે પીવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો તો ગ્રેડ વન અને ગ્રેડ ટુ ના મસા મોટાભાગે એટલા જ રહે અથવા વધતા અટકી જાય. ગ્રેડ ત્રણ અને ગ્રેડ-4 ના મસાને ઓપરેશન દ્વારા દૂર કરવા પડે કારણ કે તે વારંવાર ગુદા માર્ગની બહાર આવે અને ખૂન પડવાની શક્યતા વધારે રહે. મસાના ઓપરેશન અલગ અલગ રીતના કરી શકાય. એક રીતમાં મસાના મુળમાં  રીંગ પહેરાવીને તેનો લોહીનો સપ્લાય બંધ કરવાથી તે મસો આપોઆપ ખરી પડે.  જેને બેન્ડિંગ ટેકનિક કહેવાય. બીજી રીતની અંદર  મસાને ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવે અને મૂળમાંથી નસ બંધ કરવામાં આવે. ત્રીજી રીત છે સ્ટેપલર પદ્ધતિ. આ રીતની અંદર જે જગ્યાએથી મસા પેદા થાય છે તે ત્વચા ને કાઢી નાખવામાં આવે તેથી ભવિષ્યમાં મસા થવાની સંભાવના બહુ ઘટી જાય. 

ફીસર જો નાનું હોય અને જો તમે તમારી લાઈફ સ્ટાઈલમાં સુધારો કરો તો તે ઓટોમેટિક મટી જાય. પરંતુ લોબો ટાઈમ  કબજિયાત રહેતી હોય વારંવાર તેના ઉપર ઈજા થાય તો તેને ઓપરેશન દ્વારા ઠીક કરવા માં આવે. 

ભગંદર ને ઓપરેશન દ્વારા જ  ઠીક કરી શકાય કરી તેની અંદર આયુર્વેદિક ની અંદર ક્ષાર સૂત્ર સુવિધા છે. એલોપથીમાં  ક્ષાર સૂત્ર ઉપરાંત તે ટ્રેકને  ઓપરેશન દ્વારા ખુલ્લો કરી દેવામાં આવે અથવા તો આખો ટ્રેક કાઢી નાખવામાં આવે અથવા તો તે ટ્રેકની અંદર લેસર દ્વારા તે ટ્રેકને બાળી કાઢવામાં આવે. 

ક્ષાર સૂત્ર ઓપરેશન એટલે શું?

ક્ષાર સૂત્ર  એટલે દવા પાયેલો દોરો જે ચામડીના બહારના ઓપનિંગ થી અંદરના ઓપનિંગ સુધી પસાર કરવામાં આવે. પછી તેને બહાર બાંધી દેવામાં આવે. દર અઠવાડિયે તેને બદલવામાં આવે. આની અંદર ધીરે ધીરે ટ્રેક કપાતો જાય અને એની અંદર રૂઝ આવતી જાય. 

મસા ફીશર ભગંદર ના થાય તેના માટે શું સાવધાની રાખવી? 

દિવસ દરમિયાન વધુને વધુ પાણી પીવું. પ્રવાહી અને રસદાર ખોરાક લેવો. જે ખોરાકની અંદર વધુને વધુ ફાઇબર હોય તેવો ખોરાક પસંદ કરવો જેમ કે સલાડ, ભાજી, શાકભાજી, ફ્રુટ્સ વગેરે વગેરે. તે ફાઇબર આપણા શરીરમાં જઈને પાણીને શોખે અને ઝાડાને સોફ્ટ બનાવે. જે ખોરાક કબજિયાત કરે તેવો ખોરાક લેવો નહીં. તમારા ખોરાકની અંદર ઓછા ફાઇબર જતા હોય તો આપ ફાઇબર માટે ઇસબગુલ લઈ શકો. ઇસબગુલ લીધા પછી પાણી વધારે પીવું નહીંતર કબજિયાત થાય. ભારે વજન બહુ ઊંચકવું નહીં. રેગ્યુલર કસરત કરતા રહેવું ખાસ કરીને પેટના આસનો ખાસ કરવા. ફીસર કે ભગંદરની અંદર દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં બેસવું જેથી કરીને દુખાવો ઓછો થઈ જાય. જ્યારે તમને સંડાશ જવાની ઈચ્છા થાય ત્યારે ખાસ સંડાસ જઈ આવવુ. સંદાસના વેગને રોકવો નહીં. તેમ કરવાથી કબજિયાત થવાની સંભાવના વધી જાય. સંડાસ લાગે ત્યારે સંડાસ જવાથી સંડાસ તરત  ઉતરી જાય. પરંતુ આપણને સંડાસ લાગી પણ ના હોય અને ટાઈમ થઈ જાય એટલે આપણે ત્યાં જઈને બેસી જઈએ છીએ અને પછી જોર કરવા માંડીએ  તે રીત ખોટી છે. મસા મોટા ભાગે ટોયલેટમાં જઈને જોર કરવાથી થાય.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. 

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.

Leave a comment

Trending