જઠરા અગ્નિ એટલે શું?
જઠરા અગ્નિ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે. અમુક વ્યક્તિની જઠરાગની તેજ હોય. અમુક વ્યક્તિની જઠરાગની મંદ છે. તો આ જઠરા અગ્નિ છે શું? તે ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. અમુક લોકો થોડું ખાય તો પણ તેનું વજન વધી જાય. અમુક લોકો ઘણું બધું ખાય તો પણ વજન વધે નહીં બધું હજમ થઈ જાય. અમુક લોકો ને કોઈક વખત ભૂખ સારી લાગે કોઈક વખત ન પણ લાગે તો ઉપરની તમામ વસ્તુઓ ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. ઉપરની તમામ વસ્તુઓ આપણી જઠરાગની ઉપર આધાર રાખે છે. તો આ જઠરાગની શું છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું.
જઠરાગની એટલે શું?
શબ્દ ઉપરથી જ તેનો અર્થ નીકળી જાય છે જઠર અગ્નિ. મતલબ કે જઠરની અંદર રહેલો અગ્નિ. આપણે જે પણ ખોરાક ખાઈએ તે ખોરાક અન્નનળીમાં થઈને જઠરની અંદર ભેગો થાય. જઠર ની અંદર તે ચારથી છ કલાક રહે. જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ તથા અન્ય રસોની હાજરીમાં તે ખોરાક વલોવાય તથા ખદ ખદે. જઠર ની અંદર તે ખોરાક બરોબર એક રસ થઈ જાય પછી તે આગળ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે કે પકવાશય ની અંદર ધકેલાય. તો આપણા જઠરમાં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ તે અગ્નિનું કામ કરે. તેથી તેને જઠરાગની કહેવાય. આ અગ્નિ ખોરાકને પચાવવાનું તથા તેમાં રહેલા બેક્ટેરિયા તથા વાયરસને મારી નાખવાનું પણ કામ કરે. જઠર નું બીજું નામ એટલે આમાશય. આમાશય માંથી નીકળતો રસ એટલે આમરસ. જો તમારી જઠરાગની સમ અવસ્થામાં હોય તો તમારા જઠરમાં રહેલો ખોરાક તે બરોબર પચી જાય. જો તમારી જઠરા અગ્નિ મંદ હોય અથવા તો વિષમ સ્થિતિમાં હોય તો તે ખોરાક બરોબર પચે નહીં અને તે ન પચેલો ખોરાક સડે તે ટોક્સિન પેદા કરે અને તે ટોક્સિન શરીરમાં જે જગ્યાએ સ્થિર થાય ત્યાં દુખાવો પેદા કરે અને અન્ય રોગ પણ પેદા કરે. જેને આપણે કાચો આમ કહીએ છીએ.
ખોરાક સડવાથી સૌથી પહેલું ઝેર જે બને છે તે છે યુરિક એસિડ. યુરિક એસિડ વધવાથી જ ઘૂંટણ, ખભા, કમરમાં દુખાવો થાય છે. જ્યારે ખોરાક સડે છે, ત્યારે યુરિક એસિડ જેવું જ બીજું વિષ બને છે જેને આપણે એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) કહીએ છીએ. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી જ બ્લડ પ્રેશર વધે છે.ખોરાક પચવાથી કોઈપણ પ્રકારનું ઝેર બનતું નથી. ખોરાક પચવાથી જે બને છે તે છે માંસ, મજ્જા, રક્ત, વીર્ય, હાડકાં, મલ, મૂત્ર, અસ્થિ. ખોરાક ન પચવાથી બને છે યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ, એલડીએલ, વીએલડીએલ અને આ જ આપણા શરીરને રોગોનું ઘર બનાવે છે.
સરસ મજાનો એક રસ થયેલો ખોરાક આગળ નાના આંતરડાના શરૂઆતના ભાગ એટલે કે પકવાશયમાં ધકેલાય. પકવાશયમાં ખોરાક થોડો ટાઈમ રહે. સ્વાદુપિંડમાંથી નીકળતો અગ્નિરસ તથા લીવરમાંથી નીકળતો પિત્ત રસ તે બધા ભેગા મળીને પાચન નું અધૂરું કામ તે પૂરું કરે. ઉપરની તમામ ક્રિયાઓ પૂરી થાય ત્યારે તે ખોરાકનું પાચનનું કામ બરોબર થયું કહેવાય. ખોરાકનું પાચનનો મતલબ તમે જે આહાર લીધો છે તે આહાર ને તેના મૂળભૂત ઘટક ની અંદર ફેરવવાની ક્રિયા. પાચન એટલે તમે કાર્બોહાઇડ્રેટ ખાધો છે તો તેનો મૂળભૂત ઘટક એટલે ગ્લુકોઝ. તમે પ્રોટીન ખાધું છે તો તેનો મૂળભૂત ઘટક એટલે અમાઈનો એસિડ. તમે ચરબી વાળો ખોરાક ખાધો છે તો તેનો મૂળભૂત ઘટક એટલે ફેટી એસિડ. ઉપરના તમામ મૂળભૂત ઘટકો આપણા લોહીની અંદર ભળીને આપણને શક્તિ આપવાનું કામ કરે તથા શરીરના નિર્માણનું કામ કરે. આ તમામ ઘટકો છુટા પડ્યા પછી તેમાંથી એનર્જી પેદા કરવાની ક્રિયા ને ચયાપચયની ક્રિયા અથવા તો મેટાબોલિઝમ કહેવાય. જેના કારણે તમારું શરીર ગતિશીલ છે. જઠરમાં રહેલી અગ્નિની તીવ્રતા પ્રમાણે તેને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.
જઠરા અગ્નિ ના પ્રકાર.
1. સમ અગ્નિ કે જેની અગ્નિ સમ અવસ્થામાં છે. તે જે કંઈ ખોરાક ખાય તે ચાર છ કલાકની અંદર પચી જાય.
2. તીક્ષણ અગ્નિ. આ વ્યક્તિમાં અગ્નિ તીક્ષણ હોય એટલે કે વધારે હોય. તે જે કંઈ પણ ખાય તે જલ્દી પચી જાય. તેને ત્રણ ચાર કલાકે ભૂખ લાગ્યા કરે. તે ગમે તેવું હેવી ખાય તો પણ તેનો ખોરાક બરોબર પચી જાય. મોટાભાગે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિની અગ્નિ તીક્ષણ હોય. આ વ્યક્તિ ગમે તેટલું ખાય તો પણ તેનું વજન ન વધે.
3. મંદ અગ્નિ. આ વ્યક્તિએ એક વખત ખોરાક ખાધો હોય તો તેને પચતા છ થી આઠ કલાક લાગે. તેને જલ્દી ભૂખ ન લાગે તેના પેટમાં ગેસ તથા અપચો રહ્યા કરે. મોટાભાગે કફ પ્રકૃતિવાળા વ્યક્તિની જઠરાગની મંદ હોય.
4. વિસમ અગ્નિ. આની અંદર વ્યક્તિને કોઈકવાર સરસ ભૂખ લાગે અને કોઈક વખત ભૂખ ન લાગે. ખાસ કરીને જેની વાત પ્રકૃતિ હોય તેની અંદર વિષમ અગ્નિ વધારે હોય.
આયુર્વેદિકના મત અનુસાર આપણા શરીરની અંદર ટોટલ 13 પ્રકારની અગ્નિ હોય. પાંચ મહાભૂત તત્વોની અગ્નિ. સાત ધાતુઓની અગ્નિ અને એક જઠરાગની.
જઠરાગની મંદ થવાના કારણો?
જેની કફ પ્રકૃતિ તથા વાત પકૃતિ હોય તેની જઠરાગની મંદ અથવા વિષમ હોય. ઉંમર સાથે જઠરાગની મંદ પડે. ચોમાસામાં જઠરાગ ની મંદ પડે. ભય તથા શોકમાં જઠરાગ્નિને મંદ પાડે. તમે બેઠાડું જીવન જીવતા હોવ એક્સરસાઇઝ ન કરતા હોય તો તમારી જઠરાગની મંદ પડે. ખોરાક ખાધા પછી તરત ઠંડુ પાણી પીવો, ઠંડા પીણા પીવો તો પણ તમારી જઠરાગની મંદ થઈ જાય. ખાસ કરીને વ્યક્તિ જ્યારે બીમાર પડે ત્યારે તેની જઠરાગની મંદ થઈ જાય. ભૂખ તેની જતી રહે. તે દરમિયાન આપણું શરીર આપણા શરીરમાં ઘૂસી ગયેલા ટોક્સિનને ઠેકાણે પાડવાનું કામ કરતું હોય છે. તમે બીમાર હોવ અને તમને ભૂખ ન લાગી હોય અને જો તમે ખાવા જાઓ તો ફાયદાની જગ્યાએ નુકસાન થવાની સંભાવના વધી જાય.
જેની જઠરાગની મંદ અથવા તો વિષમ અવસ્થામાં છે તો તેના માટે શું કરવું?
જેની જઠરા અગ્નિ સમ અવસ્થામાં છે તેને કોઈ પ્રોબ્લેમ નથી. જેની જઠરાગની તીક્ષ્ણ અથવા વધારે છે તેને પણ કંઈ પ્રોબ્લેમ નથી. જેની જઠરાગની તીવ્ર હોય તેને થોડા થોડા અંતરે ખાતા રહેવું પડે જો તે ઉપવાસ કરે તો તેની જ અગ્નિ તેના શરીરની માસ પેશીઓ નો ઉપયોગ કરવા માંડે. શરીરને નુકસાન થાય. મોટાભાગે જેની જઠરા અગ્નિ મંદ હોય અથવા તો વિષમ હોય તે વ્યક્તિને રોગો થવાની સંભાવના વધારે હોય અથવા તો તે જે કંઈ ખોરાક ખાય તે બરોબર પચે નહીં અને તે ન પહોંચેલો ખોરાક સડે. તે ન પચેલો ખોરાક અંદર ટોક્સિન પેદા કરે જેને આપણે કાચો આમ પણ કહીએ છીએ. જેના કારણે તેને ગેસ, અપચો, શરીરના, સાધનો દુખાવો, માથાનો દુખાવો, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરેની બીમારી થાય.
આયુર્વેદિક નું આખું સાયન્સ જઠરાગની તથા કફ, પિત્ત અને વાતની સમ અવસ્થા ઉપર રચાયેલું છે.
જે વ્યક્તિની જઠરાગની ધીરે ધીરે મંદ થતી જાય તે વ્યક્તિ ધીરે ધીરે મૃત્યુ તરફ આગળ ધકેલાતો જાય.
જે વ્યક્તિની જઠરાગની મંદ છે અથવા તો વિષમ સ્થિતિમાં છે તે વ્યક્તિએ ખાસ કરીને એક ચપટી સૂંઠ તથા અડધી ચમચી ઘી મિક્સ કરીને ગરમ પાણીમાં નાખીને સવારે ભૂખ્યા પેટે પી જવાથી ફાયદો થાય. તે પીધા પછી ભૂખ લાગે ત્યારે ખાવું. આમ કરવા છતાં પણ જો કે અગ્નિ પ્રદિપ ના થાય તો તમે યવ ક્ષાર એડ કરી શકો છો. યવ ક્ષાર તે આલ્કલાઇન ગુણો ધરાવે છે. તે જઠરા અગ્નિ ને તેજ કરવાનું કામ કરે છે. પરંતુ તે બહુ લાંબો સમય સુધી લેવા નહીં. કારણ કે તે નપુંશકતા પેદા કરે.
આપણા ઘરમાં જ આપણા રસોડામાં ઘણી બધી વસ્તુ જે છે કે જે તમારા જઠરા અગ્નિ ને તેજ કરવાનું કામ કરે એટલે કે દીપન અથવા પાચનમાં વધારો કરે. દાખલા તરીકે આદુ, સૂંઢ, લસણ, અજમો, જીરું, ફુદીનો, ધાણા, કોથમી, ગરમ મસાલા, લીંબુ, મધ, મેથી, મરચું, સંચળ ઘી વગેરે વગેરે. આપણે જ્યારે લગ્ન સમારંભમાં જમવા જઈએ છીએ ત્યારે આપણને ભૂખ લાગે તે માટે પહેલા સૂપ પીરસવામાં આવે છે. તે સુપની અંદર ઉકાળેલા શાકભાજીની સાથે ઉપરના તમામ તત્વો હોય.
જેનો જઠરા અગ્નિ મંદ હોય તેવા વ્યક્તિને ઘી અને સૂંઠ લેવાથી ફાયદો થાય ઘી તમારી જઠરાગ્નિ ને પ્રદીપ કરવાનું કામ કરે તથા પિત્ત પ્રકૃતિને સમ અવસ્થામાં રાખવાનું કામ કરે. ઘી વાત અને પિત્ત બંને પ્રકૃતિ ઉપર કામ કરે. આ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ, મેડીટેશન, સવાસન કરો, મન શાંત રાખો, પૂર્તિ ઊંઘ લો તો તમારો જઠરા અગ્નિ બરોબર અવસ્થામાં રહે. જે વ્યક્તિની કફ પ્રકૃતિ હોય અને તેની જઠરાગની મંદ હોય તો તેને પંચકર્મની અંદર વમન ક્રિયા કરાવવામાં આવી. જે વ્યક્તિની જઠરાગની તેજ હોય તે વ્યક્તિને પંચકર્મની અંદર વિરેચન ક્રિયા કરાવવામાં આવે. જે વ્યક્તિની જઠરા અગ્નિ વિષમ અવસ્થામાં હોય તથા તેની વાત પ્રકૃતિ હોય તો તે વ્યક્તિને બસ્તી એટલે કે એનેમા આપવામાં આવે. પંચકર્મની તથા આયુર્વેદિકની તમામ સારવાર આયુર્વેદિક ડોક્ટરની દેખરેખ નીચે કરવી. કઈ વ્યક્તિને કયુ પંચકર્મ અનુકૂળ આવશે તે લોકો જ નક્કી કરે. ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
જઠરાગની કોને કહેવાય તેને સાચી રીતના સમજવું હોય તો નીચેનો વિડીયો જોઈ લેવા વિનંતી છે. અહીંયા જે વિડિયો રજૂ કરવામાં આવે છે તે ચરક સંહિતા તથા વાઘભટ્ટ ઋષિ જેમને આયુર્વેદિક ઉપર ઘણું સારું કામ કર્યું છે. તેના અનુસંધાનમાં આપવામાં આવે છે. તેમ છતાં દરેક વ્યક્તિએ લેખમાં આપેલી માહિતી કે વીડિયોમાં આપેલી માહિતી સાચી છે તેમ સમજીને કામ કરવું નહીં. પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો તથા પોતાની શરીરની તાસીર પ્રમાણે તેનો ઉપયોગ કરવો.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ
જઠરાગની વિડિયો મિશ્રવેદા:




Leave a comment