મેડીટેશન શબ્દ અથવા તો ધ્યાન શબ્દ આપણે વારંવાર સાંભળ્યો છે પરંતુ તે રિયલમાં શું છે તે આપણે બરોબર જાણતા નથી જેના કારણે તેનો જે ફાયદો લેવો જોઈએ તે આપણે લઈ શકતા નથી. તો મેડીટેશન કોને કહેવાય તેના વિશે જાણવા માટે પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
અંગ્રેજીમાં મેડીટેશન નો મતલબ ચિંતન કરવું. વિચારવું તેવો થાય જેને અંગ્રેજીમાં
contemplation કહેવાય. મતલબ તમે જે પણ કંઈ કરી રહ્યા છો તેના ઉપર મનન ચિંતન કરવું. ચિંતા અને ચિંતન વચ્ચે ફરક ચિંતાની અંદર એકના એક વિચાર વારંવાર આવે તે પણ ભવિષ્યની બાબતમાં. ચિંતનમાં તમારા મનના વિચારો તથા તમારી તમામ પ્રવૃત્તિ ને ઓબ્ઝર્વ કરવી એટલે કે તેનું એનાલિસિસ કરવું. તમારા મનમાં ચાલી રહેલા સારા વિચારો કે ખરાબ વિચારો ઉપર ચિંતન કરવું તેવો થાય. આપણને પહેલી નજરે એવું લાગે કે મેડીટેશન એટલે વિચાર શૂન્યતા પરંતુ તેવું નથી. આઈડિયલી મેડીટેશન માટે જે ગુજરાતી શબ્દ ધ્યાન છે તે બહુ યોગ્ય છે. ધ્યાનમાં નો મતલબ વિચાર શૂન્યતા કે થોટલેસ માઈન્ડ નહીં પરંતુ તમારા મનમાં ચાલતા તમામ વિચારોને ઓબ્ઝર્વ કરવા. ઓબ્ઝવ કરવા એટલું જ નહીં પરંતુ નોન જજમેન્ટલ ઓબ્ઝર્વેશન કરવું. આ વિચાર સાચો કે આ વિચાર ખોટો તેની ભાંજગડમાં પડ્યા વગર તેનું અવલોકન કરવું. જેને ગીતામાં સાક્ષી ભાવ કહ્યો છે. વિચાર એ માત્ર વિચાર છે તે પોઝિટિવ છે કે નેગેટિવ છે તેવા લેબલો ના લગાવો તે મને ઘડી કાઢેલી કલ્પના માત્ર છે. આપણે તે વિચારની જોડે જોડાઈ જઈએ છીએ અને તેને વાસ્તવિકતા માનીએ છીએ ત્યારે તકલીફ ઊભી થાય છે.ત્યારે મન અશાંત થાય છે.તમારા શરીરમાં ચાલતી તમામ પ્રક્રિયાઓ પછી તે વિચાર હોય, ઈમોશન હોય, ફીલિંગ્સ હોય, શ્વાસ હોય, શરીર મા થતા કોઈપણ ફેરફાર હોય કે કોઈ પણ જાતની ક્રિયા તેના ઉપર ધ્યાન લઈ જવું તેવો થાય. એટલા માટે જ્યારે કોઈ છોકરો સાયકલ ચલાવતો હોય ત્યારે તેની મમ્મી ખાસ કહે છે બેટા ધ્યાન રાખીને ચલાવજે એક્સિડન્ટ ન થાય. તો વિચારોનું પણ આવું જ છે તમારા વિચારો ઉપરથી ધ્યાન તમારું હટ્યું એટલે દુર્ઘટના ઘટી. બસ ધ્યાન નું પણ આવુજ છે જો તમે તમારા વિચારોને બરોબર ઓબ્ઝર્વ ન કરો તમારા શરીરનું બરોબર ધ્યાન ના રાખો તો ઘણીવાર નુકસાન થવાની શક્યતા વધી જાય.
મનને જોવું અથવા તો ઓબ્ઝર્વ કરવું એટલે શું?
મનની અંદર સતત વિચારો ચાલતા જ હોય છે જેના ઉપર આપણો કંટ્રોલ નથી. તે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આવ્યા જ કરતા હોય છે.જ્યારે તમે જાગો છો ત્યારે ઉપાધિ અને જ્યારે તમે સુવો છો ત્યારે સમાધિ. મન ચાલુ થયું એટલે સંસાર ચાલુ થયો તેમ માનવુ. રાત્રે તમે ગાઢ નિંદ્રામાં સુઈ જાવ છો ત્યારે તમારું મન નિષ્ક્રિય થઈ જાય છે. તમારી તમામ ઉપાધિઓ ટેમ્પરી ખતમ થઈ જાય છે. તો મનની સીધી વ્યાખ્યા કરીએ તો ગતિશીલ મગજ તેને મન કહેવાય. આપણા મનના વિચારો સતત આપણે ઇચ્છીએ કે ના ઇચ્છીએ ચાલુ જ રહ્યા કરે છે તે પોઝિટિવ પણ હોય નેગેટીવ પણ હોય વધારે સ્પીડમાં પણ હોય ઓછી સ્પીડમાં પણ હોય પણ ચાલુ તો હોય જ છે. પરંતુ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે આપણે આપણી આઇડેન્ટિટી તે મનના વિચારો જોડે જોડી દઈએ છીએ. આ સારું કહેવાય આ ખરાબ કહેવાય આ પોઝિટિવ વિચાર આ નેગેટીવ વિચાર કહેવાય. અમુક વિચારોના કારણે તમને ગિફ્ટ ફીલિંગ થવા માંડે, અમુક વિચારોના કારણે તમને હતાશાનો અનુભવ થાય, અમુક વિચારોને કારણે તમે ઉત્તેજનાનો અનુભવ થાય, અમુક વિચારોના કારણે તમને રાગનો અનુભવો, અમુક વિચારોના કારણે તમે દ્વેષ અનુભવો. અમુક વિચારોના કારણે તમને એન્જોયટી કે ચિંતા થવા માંડે. મતલબ આપણા મનમાં આવતા તમામ વિચારો જોડે આપણે કનેક્ટ થઈ જઈએ છીએ અને તે આપણા જીવનમાં સાચા જ બનશે તેવું આપણે માની લઈએ છીએ પરંતુ વાસ્તવમાં તેવું નથી. મન ગમે તેવા વિચાર કરે એટલા માટે તમારા વાસ્તવિક જીવનમાં થઈ જશે તેવું માનવાની જરૂર નથી. બારમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હંમેશા બારમા ધોરણમાં પાસ થવાના જ વિચારો કરે છે તેમ છતાં ઘણા બધા બાળકો નપાસ થાય છે. એટલે લો ઓફ એટ્રેક્શન બધી જ જગ્યાએ સાચો પડે તેવું જરૂરી હોતું નથી. ઘણા બધા લોકોને એટલા બધા ખરાબ વિચારો આવે કે જેના કારણે તેને ઊંઘ હરામ થઈ જાય છે. તો તમે તમારા વિચારો જોડે જોડાઈ જવાની જગ્યાએ જો તમે તે વિચારોને ઓબ્ઝર્વ કરો કે કયા વિચારો મારા માટે શુભ છે અને કયા વિચારો મારા માટે અશુભ છે બસ એટલું તમે ધ્યાન આપો તો તમને તે વિચારો પરેશાન નહીં કરે. વિચાર આવે તો આવવા દો જાય તો જવા દો તેની જોડે કનેક્ટ નહીં થાવ. આ એક દિવસની પ્રક્રિયા નથી તેના માટે રોજ પ્રેક્ટિસ કરવી પડે એક જ દિવસમાં સાક્ષી ભાવમાં આવી ન જવાય. આપણા માટે જરૂર ના વિચારો છે તે આપણે લેવાના બાકીના બધા જતા કરવાના. વિચાર તે માત્ર કલ્પના છે તેનાથી તમારા જીવનમાં કંઈ ઊંધું સીધું થઈ જવાનું નથી. તો જો તમે તમારા વિચાર ઉપર ધ્યાન આપશો તો તમે જીવનમાં જે પણ કામ કરશો તે પુરી એકાગ્રતા અને બરોબર કરશો. મનનો જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરવો જરૂર ના હોય ત્યાં મન નો ઉપયોગ કરવો નહીં. તો ધ્યાન નો મતલબ વિચારોને ઓબ્ઝર્વ કરવા. આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો. જે આપણા માટે સારું છે તેનો ઉપયોગ કરવો જે ખરાબ છે તેને છોડી દેવું. જો તમે તમારા વિચારોને ઓબ્ઝર્વ કરવાનું એટલે કે જોવાનું શરૂ કરશો ત્યારથી જ તમારા જીવનમાં મીરેકલ થવાના શરૂ થઈ જશે.
બીજો મેડીટેશન નો મતલબ છે કે વર્તમાનમાં જીવવું મતલબ વર્તમાનની ક્ષણમાં જેને માઈન્ડ ફુલનેસ મેડીટેશન કહેવાય.આપણે હંમેશા આપણા મન તરફ નજર કરીશું તો આપણું મન હંમેશા ભૂતકાળમાં હશે કાં તો ભવિષ્યકાળ માં રત હશે. પરંતુ વર્તમાનમાં હશે નહીં. જ્યારે તમે કંઈક નવી વસ્તુ શીખો છો ત્યારે તમારું મન હંમેશા વર્તમાનમાં હોય છે ત્યારે તે વસ્તુ તમે બરોબર શીખી જાવ છો. પરંતુ મનનો પ્રોબ્લેમ તે કે જ્યારે તમે કંઈક વસ્તુ શીખી ગયા પછી ત્યાં મન ને ત્યાં લઈ જવાની જરૂર ન પડે એટલે મન તમારું વર્તમાનમાં ન રહે. ઓટોમેટેડ મોડ ઉપર જતું રહે. એટલે આપણે જે કામ કરતા હોય તે કામ ઓટોમેટિક થઈ જતું હોય છે તમારું ધ્યાન ત્યાં હોય કે ન હોય તો પણ. તેને સંસ્કાર પણ કહેવાય. પરંતુ તેના કારણે અમુક વખતે આપણે ભૂલ પણ કરી બેસતા હોય છે જેમ કે બહેનો રોજ રસોઈ બનાવતી હોય પરંતુ રસોઈ ની અંદર થોડું ધ્યાન હટી જાય તો કોઈક વખત મીઠું કે મરચું વધારે પડી જાય. તો જેટલી તમે માઈન્ડ ફુલને મેડીટેશન ની પ્રેક્ટિસ કરશો એનો મતલબ કે મનને વર્તમાન સ્થિતિમાં રાખીને કામ કરવાનો પ્રયત્ન કરશો તો મનની સાઈડ ઈફેક્ટથી તમે બચી શકશો. આપણું મન મોટાભાગે ભૂતકાળની યાદો અથવા તો ભવિષ્યના કાલ્પનિક ડર પકડીને બેઢુ હોય છે અને ભવિષ્યની ચિંતા કરતું હોય છે. તો આ થઈ આપણા મનના વિચારોની વાત.
હવે આપણા મનમાં ચાલતા ઈમોશન ની વાત કરીએ ઇમોશન એટલે કે ભાવનાઓ. ભાવનાઓ ખરાબ પણ હોઈ શકે અને સારી પણ હોઈ શકે જેમ કે પ્રેમ, દયા, કરુણા, સેવા, સહયોગ, સમર્પણ વગેરેની ભાવના તે સારી ભાવના કહેવાય તેની જગ્યાએ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર વગેરેની ભાવનાને ખરાબ ભાવના કહેવાય. જો તમારા મનમાં સારી ભાવના જાગે તો તમારા હૃદયને સારું લાગે જો તમારા મનમાં ખરાબ ભાવના જાગે તો હૃદય પર ભાર પડે. તમારા મનમાં જાગતી ભાવના વખતે તમને તમારા મનમાં કેવી સારી કે ખરાબ અનુભૂતિ થાય છે તેને ફીલિંગ્સ કહેવાય. જો તમારા મનમાં નેગેટિવ વિચાર ચાલતા હશે તો તમને મજા નહીં આવે જો તમારા મનની અંદર પોઝિટિવ વિચાર ચાલતા હશે અથવા તો પોઝિટિવ ઈમોશન ચાલતા હશે તો તમને મજા આવશે. જ્યારે તમે કોઈના ઉપર દયા કરો છો, પ્રેમ કરો છો, કરુણા કરો છો ત્યારે તમારા હૃદયને હળવું લાગે છે તેનાથી તમને સારું ફીલિંગ થાય છે જ્યારે તમે કોઈના વિશે નેગેટિવ વિચાર કરો છો કામ કરો છો, ક્રોધ કરો છો, લોભ કરો છો હિંસા કરો છો ત્યારે તમારી અંદર નેગેટિવ ભાવના પેદા થાય છે તમને સારું નથી લાગતું. તમારું મન અશાંત થાય છે. તો જો તમે તમારી લાગણીઓને કે ભાવનાઓને ઓબ્ઝર્વ કરશો તો પણ તમને ખબર પડી જશે કે મારા માટે શું યોગ્ય છે ને શું અ યોગ્ય છે. આપણે દરેક વસ્તુમાં ઈમોશનલ થઈ જઈએ છીએ. આપણે આપણી દરેક ક્રિયાને ઈમોશન જોડે જોડી દીધી હોય છે. આમ કરવાના કારણે મોટાભાગના લોકો આખી જિંદગી ઈમોશનલી દુઃખી થાય છે. ત્યાં આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો છે.
તેવું જ આપણા શરીરનું પણ છે જે ખોરાક ખાવ ત્યારે તમારા શરીરમાં તમને ભારે લાગે, એસીડીટી થાય, અપચો થાય, તમને આળસ જેવું લાગે,ઊંઘ આવે, નેગેટીવ વિચારો આવે ત્યારે તમારે સમજવાનું કે તમે જરૂર કરતા વધારે ખોરાક ખાઈ ગયા છો અથવા તમારા શરીરને અનુકૂળ ન હતો તે ખોરાક ખાઈ ગયા છો. જો તમે ખાતી વખતે ધ્યાન રાખ્યું હોય તો આવું ન થાત. આપણા જીવનમાં લાઈફ સ્ટાઈલ રિલેટેડ જે પણ રોગ આવે છે તે આપણે ધ્યાન નથી રાખતા તેના કારણે આવે છે. જો તમે તમારા ખોરાક ઉપર ધ્યાન લઈ જશો તો તમને ખબર પડી જશે કે કઈ વસ્તુ મારા માટે યોગ્ય છે અને કઈ અયોગ્ય છે.
તેવું જ તમે કોઈપણ કામ કરો છો ત્યારે પૂરી એકાગ્રતાથી અથવા તો ધ્યાન સાથે કરવામાં આવે તો તે કામ સરસ રીતના પાર પડે છે. અને તે કામ કરવામાં તમને મજા પણ આવે છે. જો તમે કોઈપણ કામ સરસ રીતના પાર પાડશો તો તમને બીજું કામ પણ મળશે તમારો ધંધો પણ સરસ ચાલશે. જે લોકો નોકરી કરતા હશે તો શેઠ અને નોકર વચ્ચેનો સંબંધ પણ સુધરશે.તો આ દુનિયામાં તમારા માટે સારું શું છે તેને પકડતા જાઓ અને ખરાબ શું છે તે છોડતા જાવ અને આગળ વધતા જાવ.
ધર્મ અધર્મ, માન સન્માન, હિંસા અહિંસા, પાપ પુણ્ય, સાચું ખોટું વગેરે આપણા મને ઊભા કરેલા દ્વંદ માત્ર છે. ઉપરની તમામ વસ્તુ સાપેક્ષ છે.જેની ઈચ્છા થાય અથવા તો જરૂરિયાત પડે તે પ્રમાણે લોકો તેની વ્યાખ્યા કરે છે.
ધ્યાન નો બીજો મતલબ વિચાર શૂન્યતા એટલે શું?
મોટાભાગે તમે જે ધ્યાન વિશે વાતો સાંભળી છે તેની અંદર વિચારોની ગતિ ઓછી કરવી, વિચાર ન કરવા, પોઝિટિવ વિચારો કરવા, એક જગ્યાએ બેસી ને ધ્યાન કરવું,એક જગ્યાએ તાકી રહેવું, શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન લઈ જવું, તેના માટે ચોક્કસ એક્સપર્ટ ની જરૂર પડે, યોગ્ય વ્યક્તિ જ ધ્યાન કરી શકે વગેરે વગેરે વાતો તમે સાંભળી છે. વિચાર શૂન્યતા તે પણ ધ્યાન નો એક પ્રકાર જ છે પરંતુ તે આપણા માટે એટલું વ્યવહારિક નથી. કોઈ પણ માણસને અડધો કલાક કે કલાક વિચાર કર્યા વગર બેસાડી રાખો તે નાની મા ના ખેલ નથી. પોતાની જાત જોડે બેસવું કેટલું ડીફીકલ્ટ છે તે તો બેસે તેને ખબર પડે. આપણું મન તેવું છે કે જે વસ્તુનો વિચાર નહીં કરવાનો કહો તો તે વસ્તુનો વિચાર વારંવાર કરે અને એટલો ટાઈમ પણ લોકો જોડે હોતો નથી. જ્યારે તમે મનના વિચારોની ગતિને ઓછી કરો છો અથવા તો મનને ઝીરો કરો છો ત્યારે તમારું મન શાંત થાય છે. તમને શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે. ત્યારે તમારું શરીર રિલેક્સ ફીલ કરે છે. તમારા હૃદયની ગતિ ઓછી થાય છે. શ્વાસોશ્વાસની ગતિ ઓછી થાય છે. શરીરનું સર્ક્યુલેશન બરોબર થાય છે. બધા જ અંગો બરોબર રીતના કામ કરવા માંડે છે. તમારી યાદશક્તિમાં વધારો થાય છે. મન શાંત થાય છે તણાવ ઓછો થાય છે વગેરે ફાયદા થાય છે.
આ રીતના ધ્યાનમાં બેસવાની ઘણી બધી પદ્ધતિઓ હોય છે તમે એક કોઈપણ શાંત જગ્યા પસંદ કરો અને તમે કોઈપણ એક પદ્ધતિ પસંદ તેના વિશે અગાઉના લેખમાં ડિટેલમાં વાત કરેલ છે. આ પ્રકારના ધ્યાનમાં તમારે વધારે ફાયદો લેવો હોય તો જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે વિચાર આવે તો આવા દેવાનું જાય તો જવા દેવાનું તેની જોડે કનેક્ટ નહીં થવાનું બસ આવું તમે 10 થી 20 મિનિટ કરશો એટલે તમારું શરીર રિલેક્સ થઇ જશે. તમને જે ફાયદા મળવાના છે તે શરૂ થઈ જશે. જ્યારે તમે ગાઢ નિંદ્રામાં હોવ છો ત્યારે તમારું મન ઝીરો અવસ્થામાં હોય છે. ગાઢ નિંદ્રા લઈને ઉઠ્યા પછી તમને જે ફાયદા થાય છે તે તમામ ફાયદા તમને આ મેડીટેશનમાં થાય.
મેડીટેશનમાં સાક્ષી ભાવ કેળવવાનો મતલબ શું.
અધ્યાત્મ કે મેડીટેશનમાં સાક્ષી ભાવ શબ્દ ઉપર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ શબ્દ તમને વારંવાર સાંભળવા મળતો હશે. સાક્ષી ભાવ નો મતલબ તમે તમારા મનના વિચારોને ઓબ્ઝર્વ કરો તેની જોડે કનેક્ટ ન થાઓ. તમારા મનમાં ચાલતા તમામ વિચારોનું નોન જજમેન્ટલ ઓબ્ઝર્વેશન કરો. આ વિચાર ખરાબ કે આ વિચાર સારું તેવા લેબલ ના લગાવો. મનનો જરૂર હોય ત્યાં જ ઉપયોગ કરો બાકી તેને અભરાઈ ઉપર મૂકી દો. કારણ કે મનમાં ચાલતા તમામ વિચારો જોડે જો તમે કનેક્ટ થવા જશો તો તમારું મન હંમેશા અશાંત જ રહ્યા કરશે. તમને ઊંઘ નહીં આવે, તમને નિરાશા નો અનુભવ થશે, તમને ગિલ્ટ ફીલિંગ થશે, તમને ડરનો અનુભવ થશે, તમને એન્ઝાઈટી ના અનુભવ થશે તમને માનસિક રોગ થવાના શરૂ થઈ જશે. તમે અહંકારી બની જશો. તમે મહત્વકાંક્ષી બની જશો. તો મનની અંદર ચાલતા વિચારો એ કલ્પના માત્ર છે તે તમારા જીવનમાં સાચા જ પડશે તેવું માનવાની જરૂર નથી. આપણા માટે જે જરૂરી છે તે લેવાનું બાકીનું છોડી દેવાનું. વિચાર આવે તો આવા દેવાનો જાય તો જવા દેવાનું તેને બહુ ભાવ નહિ આપવાનો. સાક્ષીભાવે જોવાનું છે તેમાં રાગ પણ પેદા નથી કરવાનો અને દ્વેષ પણ પેદા નથી કરવાનો. રાગ અને દ્વેષથી પરેની સ્થિતિ જેને સાક્ષી ભાવ કહેવાય.
તો આ લેખ લખવાનો એક જ મતલબ હતો કે આપણે ધ્યાન એટલે કે વિચારશુન્યતા નહીં પરંતુ ધ્યાન એટલે તમારી તમામ ગતિવિધિ ઉપર ધ્યાન આપવાનો મતલબ છે. તો એક ધ્યાન માત્રથી તમારા જીવનની અંદર સારામાં સારું પરિવર્તન આવી શકે તેમ છે. જો તમારે શારીરિક ફાયદા લેવા હોય તો અમનની સ્થિતિ વાળું ધ્યાન કરવું.
જેની અંદર એક કહેવત છે જો તમારે નિયમિત ધ્યાન કરવું હોય તો 20 મિનિટ કરો. તમે વધારે વ્યસ્ત હોય તો એક કલાક કરો.
અગાઉ ઘણા બધા લેખોની અંદર ધ્યાન વિશે સરસ માહિતી આપવામાં આવી છે.
જો તમે તમારા મન ઉપર ધ્યાન રાખશો તો તમારું મન શાંત થઈ જશે. મનનો તમે વધુ ને વધુ સારું ઉપયોગ કરી શકશો.
જો તમે તમારી લાગણીઓ કે ફીલિંગ્સ ઉપર ધ્યાન આપશો તો તમે સમાજની અંદર એક સારા વ્યક્તિ તરીકે ઉભરી જશો.
જો તમે તમારા ખોરાક અને શરીર ઉપર ધ્યાન આપશો તો તમારું શરીર સ્વસ્થ અને નિરોગી થઈ જશે.
જો તમે તમારા ધંધા ઉપર ધ્યાન આપવા માંડશો તો તમારો ધંધો ધંધોકાર ચાલવા માંડશે.
જો તમે તમારા સંબંધો ઉપર ધ્યાન લઈ જશો તો તમારા સંબંધો ઘનિષ્ઠ બનશે પછી તે પતિ પત્ની ના હોય કુટુંબિક હોય કે બોસ અને નોકર ના હોય.
જો તમે ઉપરની તમામ વસ્તુ પર ધ્યાન રાખશો તો તમે દુનિયાને સહયોગ કરવા રીધમ ઉપર આવી જશો અને જ્યારે તમે દુનિયાને સહયોગ કરો છો ત્યારે તમે સાચા માણસ તરીકે આ દુનિયામાં જીવી રહ્યા છો તેમ માનવું.
તમારા મને ઘડી ઘડેલી કલ્પનાઓ તેને વાસ્તવિકતાના સમજો. જ્યારે આપણે તે કલ્પનાઓને વાસ્તવિકતા સમજીએ છીએ ત્યારે જ મુશ્કેલી ઊભી થાય છે. એક વિચાર માત્ર તમારા મૂડને ખરાબ કરી નાખે છે.
ધ્યાનના અલગ અલગ મતલબ પણ છે મેડીટેશન, ધ્યાન, સજગતા,હોશ, જ્ઞાન, સમજ, વિવેક, ત્રીજું નેત્ર.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમાતો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ
ડોક્ટર નિમિત્ત ઓઝાએ મેડીટેશન વિશે સુંદર સમજાવ્યું છે. જેને પણ વધારે ઇન્ટરેસ્ટ હોય તે આ વિડીયો જોઈ શકે છે.




Leave a comment