એક્સરસાઇઝ એટલે શું? શા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે? એક્સરસાઇઝના પ્રકાર કયા કયા? કઈ વ્યક્તિએ કઈ એક્સરસાઇઝ કરવી? કેટલી કરવી? વધારે કરવાથી શું તકલીફ થાય? ન કરીએ તો શું તકલીફ થાય? તેના ઉપર મનોચિંતન કરતાં આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

એક્સરસાઇઝ એટલે શું? 

એક્સરસાઇઝ એટલે કોઈપણ જાતની ફિઝિકલ એક્ટિવિટી જે નિયમિત કરવામાં આવે જેના કારણે તમારી શારીરિક અને માનસિક તાકાતમાં વધારો થાય તેને એક્સરસાઇઝ કહેવાય. એક્સરસાઇઝ એટલે વ્યાયામ.

એક્સરસાઇઝ કરવાથી શું શું ફાયદા થાય? 

એક્સરસાઇઝ કરવાથી શરીરના એક એક સેલ તથા શરીરના તમામ અંગોને ફાયદો થાય. આપણે ઉપરથી નીચે તરફ જઈએ.

એક્સરસાઇઝ કરવાથી મગજની અંદર લોહીનો સપ્લાય વધે, મગજને સારો ઓક્સિજન મળે. જેના કારણે તમારી યાદશક્તિમાં વધારો થાય. લર્નિંગ કેપેસિટી વધે. ઉંમર સાથે આવતો અલ્ઝાયમર નો રોગ થવાની શક્યતા ઘટી જાય. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી hippocampus ની સાઈઝમાં વધારો થાય. જે તમારી યાદશક્તિ માટે જવાબદાર છે. બ્રેઈન એટ્રોપી એટલે કે મગજ નું વોલ્યુમ ઘટતું અટકે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી મગજમાંથી એક કેમિકલ રિલીઝ થાય જેનું નામ છે endorphin તે પેઈન કિલર તરીકેનું કામ કરે. જેના કારણે તમારા શરીરમાંથી દુખાવો ઓછો થાય, તમને મજા આવે, તાજગીનો અનુભવ થાય. નિયમિત એક્સરસાઇઝ કરવાથી નાના નાના દુખાવા તો એમને એમ જતા રહે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી serotonin તથા  nor epinephrine નું લેવલ વધે અથવા તો તેનું લેવલ જળવાઈ રહે. જેના કારણે તમારો આખો દિવસ મૂડ સરસ રહે. કામ કરવાની ઈચ્છા થાય. આ બે કેમિકલ તમારા ડિપ્રેશન દૂર કરવામાં મદદ કરે. એક્સરસાઇઝ કરવાથી તમારી ચિંતા અને તણાવ ઓછો થાય. વધારે પડતી ચિંતા કરવાના કારણે, ઉતાવળ કરવાના કારણે, ગુસ્સો કરવાના કારણે તથા નેગેટિવ વિચારવાના કારણે તમારા હાથ પગ, મસ્તિષ્ક અને કમરના મસલ્સ જકડાઈ જાય. માથું દુખવા માંડે કમર જકડાઈ જાય. જો તમે નિયમિત એક્સરસાઇઝ કરો તો તે હાથ પગ કમર અને માથામાં જકડાઈ ગયેલી એનર્જી રિલીઝ થાય. જેના કારણે તમને સારું લાગે. તણાવ ઓછો થાય. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી તમારી આંખ આગળ પડતી જુરીઓ ઓછી થાય. તમારી એજિંગ પ્રોસેસ અટકે. તમારી સ્કિનની અંદર લોહીનો સપ્લાય વધવાથી તથા  ફ્રી રેડીકલ ઘટવાથી તમારી સ્કિન હેલ્ધી થાય. સ્કીન ચમકદાર બને. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ફેફસાની શ્વાસ ભરવાની કેપેસિટી વધે. ફેફસા મજબૂત થાય. ફેફસાની આજુબાજુના મસલ્સ મજબૂત થાય. ફેફસામાં ચેપ લાગવાની શક્યતા તથા શરદી કે સાઈન્યુસાયટીસ થવાની શક્યતા ઘટી જાય. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી હૃદયની પંપિંગ કરવાની ક્ષમતા વધી જાય. બ્લડ પ્રેશર ઘટે. સારો કોલેસ્ટ્રોલ વધે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે. શરીરની નસ નાડીઓ ચોખ્ખી થાય. હાર્ટ એટેકનું પ્રમાણ ઘટે.

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી પેટની ચરબી ઘટે. આપણું પાચનતંત્ર બરોબર કામ કરવા માંડે. ચયાપચયનો રેટ વધે. તમારું વજન કંટ્રોલમાં રહે. વજન ઘટે એનર્જી લેવલ વધે. 

એક્સરસાઇઝ કરવાથી વજન કેવી રીતના ઘટે?

કોઈપણ વ્યક્તિનું વજન ત્યારે વધે છે જ્યારે આપણે જરૂર છે તેના કરતાં વધારે કેલરી લઈએ ત્યારે તે કેલરી ચરબી રૂપે ખાસ કરીને પેટ ઉપર અને સાથળ ઉપર જમા થાય. તો વજન ઘટાડવું હોય તો આપણી જોડે બે રસ્તા છે કાં તો તમારા ખોરાકની અંદર કેલરી ઘટાડવી અથવા તો એક્સરસાઇઝ દ્વારા તમારી કેલરી નો વપરાશ વધારવો.

તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો ત્યારે તે મસલ્સને ચલાવવા માટે એનર્જી જોઈએ. એ એનર્જી આપણને ગ્લુકોઝમાંથી મળે. તમે કંઈ પણ ખાવ તો તેનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય. એ ગ્લુકોઝ આપણું ઇંધણ છે. જેમ કે સ્કૂટર કે કાર ચલાવવા માટે પેટ્રોલ જોઈએ તે ઇંધણ છે.તમારા મસલ્સ તમારા લોહીમાં રહેલો ગ્લુકોઝ વાપરી કાઢે છે. તે પછી તમારા લીવર અને મસલ્સમાં જે સ્ટોરેજ પડેલો તે ગ્લુકોઝ તે વાપરે. અને તે પતી જાય પછી તમારી ફેટને તે વાપરે. તમારા પેટ ઉપર તથા સાથળ ઉપર જામેલી ફેટને તે ગ્લુકોઝમાં કન્વર્ટ કરીને વાપરે. તમારા મસલ્સ એક આગની ભઠ્ઠી એટલે કે ઇન્સીનેરેટરનું કામ કરે. તમે તમારા મસલ્સનો જેટલો ઉપયોગ કરશો તો ઓટોમેટીક ગ્લુકોઝ બળી જશે. તમારે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવો હોય અને વજનને ઘટાડવું હોય તો વધુ ને વધુ એક્સરસાઇઝ કરો. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ડાયાબિટીસમાં ઘટાડો થાય. તે વધારાના ગ્લુકોઝને બાળી કાઢે તથા ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી ને વધારી દે. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી કિડનીનું ફિલ્ટરેશન વધે. કિડની મજબૂત થાય. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી માસિકની સમસ્યાઓ દૂર થાય. વંધ્યત્વ ની બીમારીમાં ફાયદો થાય. Polycystic ovarian  disease(PCOD) માં ખૂબ ફાયદો થાય. આ ડીઝીઝમાં જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને ખોરાક પર ધ્યાન રાખો અને તમારું વજન 5 થી 10% ઘટાડો તો  તમારું માસિક પણ નોર્મલ થાય અને ગર્ભ રહેવાની શક્યતા પણ વધી જાય.

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી તમારા મસલ્સ મજબૂત થાય. મસલ્સ શક્તિશાળી થાય. મસલ્સ નો ટોન વધે. મસલ્સ ની ફ્લેક્સિબિલિટી વધે. તમારી ચાલવાની કે દોડવાની ક્ષમતામાં વધારો થાય. તમારા જોઈન્ટ ની અંદર લુબ્રિકેશન વધે.

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ખાસ કરીને વેટ બિયરિંગ એક્સરસાઇઝ કરવાથી આપણા હાડકાની અંદર કેલ્શિયમની માત્રા વધે. હાડકાનું ધોવાણ અટકે. હાડકાનું ફેક્ચર થતા હાડકાનો દુખાવો ઓછો થાય. હાડકા મજબૂત બને. ઓસ્ટ્રિયોસ્પોરોસીસ (હાડકાનું પોલાણ હાટકું પોચું પડી જવું) તેમાં ફાયદો થાય. મોટી ઉંમરે થતા ફેક્ચર ઓછા થાય. 

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી સાંધાના તથા કમરના દુખાવા ઓછા થાય કારણ કે તેની આજુબાજુના મસલ્સ મજબૂત થાય હાડકા મજબૂત થાય, જોઈન્ટ નું લુંબ્રિકેશન બરોબર થાય. 

શું વધારે ચાલવાથી સાંધા ઘસાઈ જાય?

વધારે ચાલવાથી કે એક્સરસાઇઝ કરવાથી સાંધા ઘસાઈ ન જાય. એક્સરસાઇઝ કરવાથી સાંધા ની આજુબાજુના મસલ્સ તથા લીગામેન્ટ મજબૂત થાય અને સાંધાનું લુબ્રિકેશન સારું થાય. સાંધાની તકલીફ હોય તો પણ  થોડું ઘણું ચાલવાનું રાખવું જેથી કરીને તેની આજુબાજુના મસલ્સ અને લીગામેન્ટ મજબૂત રહે. સાંધાની તકલીફ હોય ત્યારે કુદા કૂદ ન કરવું, જર્ક આવે તેવું કામ નહિ કરવું. દુખે ત્યાં અટકી જવું.

તમારી રોગપ્રતિકારક શક્તિ વધે. નિયમિત એક્સરસાઇઝ કરવાવાળાઓ વર્ષમાં બહુ ઓછા બીમાર પડે.

ઓવરઓલ તમારી શારીરિક તથા માનસિક તાકાત વધે. જેના કારણે તમે વધારે તાકાતથી કામ કરી શકો. વધારે ઉત્સાહથી કામ કરી શકો. 

જો તમે તમારા મસલ્સ નો ઉપયોગ ન કરો તો તે મસલ્સમાં સેલ નાના થઈ જાય. તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. એટલા માટે બે કે ત્રણ મહિનાનું પ્લાસ્ટર માર્યા પછી તમારો હાથ અથવા તો પગ પતલો થઈ જાય છે. તેની કાર્ય ક્ષમતા ઘટી જાય છે. તો એક્સરસાઇઝ કરવાથી ફાયદા જ ફાયદા છે. જો નિયમિત એક્સરસાઇઝ ન કરવામાં આવે તો ઉપરના તમામ રોગ થવાની શક્યતા વધી જાય.

એક્સરસાઇઝના અલગ અલગ પ્રકાર કયા કયા? 

જ્યારે પણ એક્સરસાઇઝની વાત આવે ત્યારે મોટાભાગે અમુક અમુક શબ્દો આપણે સાંભળેલા હશે. કાર્ડિયો એક્સરસાઇઝ અથવા તો એરોબિક એક્સરસાઇઝ, streching exercise, waight bearing exercise, anaerobic exercise, static exercise, moving exercise વગેરે વગેરે.

એરોબિક એક્સરસાઇઝ અને એનોરિબીક એક્સરસાઇઝ એટલે શું?

સૌપ્રથમ આપણે એરોબિક એક્સરસાઇઝ અને એન એરોબિક એક્સરસાઇઝ વિશે જાણી લઈએ. 

એરોબિક એક્સરસાઇઝ નો મતલબ ઓક્સિજનની હાજરીમાં થતી મસલ્સની એક્ટિવિટી અથવા કસરત. એન એરોબિક એક્સરસાઇઝ મતલબ ઓક્સિજનની ગેરહાજરીમાં થતી મસલ્સની એક્ટિવિટી અથવા કસરત.

મોટાભાગની એક્સરસાઇઝ આપણે ઓક્સિજનની હાજરીમાં કરીએ છીએ જેને એરોબિક એક્સરસાઇઝ કહેવાય. અમુક અમુક કસરત કે જેની અંદર આપણે ઓક્સિજન સાવ લેતા જ નથી દાખલા તરીકે શ્વાસ બંધ કરીને કોઈ વજનને ઉચકવું વેટ લિફ્ટિંગ અથવા તો તમે એટલી તીવ્ર એક્સરસાઇઝ કરો છો કે જેની અંદર ઓક્સિજનનો સપ્લાય પૂરતા પ્રમાણમાં મળતો નથી. દાખલા તરીકે  તીવ્ર ઝડપથી દોડવું કે કસરત કરવી. જેમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળવા છતાં પણ તમારા મસલ્સ એક્ટિવિટી કરતા હોય છે.જે એક્સરસાઇઝમાં તમને સાવ ઓક્સિજન ન મળે અથવા તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તે એક્સરસાઇઝને એનરોબિક એક્સરસાઇઝ કહેવાય. કોઈપણ એક્સરસાઇઝની શરૂઆત કરો ત્યારે શરૂઆતમાં ઓક્સિજનની હાજરીમાં થાય. પછી તમે વધારે એક્સરસાઇઝ કરો તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે ત્યારે તે જ એક્સરસાઇઝ એનોરિક એક્સરસાઇઝ થઈ જાય. મેરેથોન રનર આ ટાઈપની એક્સરસાઇઝ કરતા હોય છે.

જ્યારે તમે એનેરોબીક એક્સરસાઇઝ કરો છો ત્યારે ઓક્સિજનની ગેરહાજરીના કારણે તમારા ગ્લુકોઝમાંથી જે એનર્જી પેદા થાય તેની બાય પ્રોડક્ટ તરીકે લેક્ટિક એસિડ પણ પેદા થાય. તે લેક્ટિક એસિડ તમારા મસલ્સને થકવાડી દે. જેથી કરીને તમે જ્યારે ઝડપથી એક્સરસાઇઝ કરો છો ત્યારે તમે થાકી જાવ છો. 

બાકી મોટા ભાગની એક્સરસાઇઝ એરોબિક હોય છે જે ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવતી હોય. જેમ જેમ મસલ્સની એક્ટિવિટી વધતી જાય તેમ તેમ તમારા શ્વાસોશ્વાસની ગતિ અને તમારા હૃદયના ધબકારા વધતા જાય. તે વધુને વધુ ઓક્સિજન મસલ્સને સપ્લાય કરવા માટે પ્રયત્ન કરે. 

એરોબિક એક્સરસાઇઝમાં મોટાભાગે ચાલવું, ઝડપથી ચાલવું, દોડવું , પોતાની જગ્યાએ ઉભા રહીને ઝડપથી ચાલવું, ડાન્સ કરવો,સ્વિમિંગ કરવું, સાયક્લિંગ કરવું, ધીમા દોરડા કૂદવા, તથા ઘરમાં અન્ય એક્ટિવિટી કરવી, ગાર્ડનિંગ કરવું, સીડી ચડવી વગેરેનો સમાવેશ થાય. તેનાથી તમારું હૃદય મજબૂત થાય. બ્લડ પ્રેસર ઘટે. કોલેસ્ટ્રોલ ઘટે. તેથી તેને એરોબિક એક્સરસાઇઝ કે કાર્ડિયો એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે.

આપણા હાડકાને મજબૂત કરવા માટે મોટાભાગે વેટ લિફ્ટિંગ વાળી કસરતો કરવાથી વધારે ફાયદો થાય જેવી કે વજન ઉચકવું, અથવા તો જીમને અંદર રજીસ્ટન્ટ એક્સરસાઇઝ કરવી, આપણે જ્યારે ઝડપથી ચાલીએ અથવા તો દોડીએ ત્યારે તે પણ વેટ બીયરિંગ એક્સરસાઇઝનું કામ કરે. આપણું વજન લગભગ 60 થી 80 કિલો વજન હોય છે તે વજન લઈને તમે જ્યારે ચાલો છો ત્યારે તમારા શરીરના તમામ મસલ્સ તથા હાડકા મજબૂત થાય છે. વેટ બીયરિંગ એક્સરસાઇઝને કારણે તમારા હાડકા ની અંદર વધારે કેલ્શિયમ જમા થાય તથા કેલ્શિયમ જમા કરતી જે સિસ્ટમ જે છે તે વધારે એક્ટિવ થાય.

સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એટલે શરીરને સ્ટ્રેચ કરવું મતલબ કે મસલ્સને સંકોચન કરવું અને વિસ્તરણ કરવું. જ્યારે આપણે પથારીમાંથી ઉઠીએ છીએ ત્યારે આપણે આળસ મરડીને ઉઠીએ છીએ તે સ્ટ્રેચિંગ કહેવાય. કોઈપણ પ્રાણી જ્યારે આરામ કરીને ઊભું થાય ત્યારે હંમેશા આળસ મરડીને ઊભું થાય છે. અથવા થોડી થોડી વારે આળસ મરડે છે. યોગની તમામ કસરતો તે સ્ટ્રેચિંગની કસરતો છે. તેનાથી તમારા મસલ્સ મજબૂત થાય. તેની ફ્લેક્સિબિલિટી વધે. તેનો પાવર વધે. તેનો ટોન વધે. યોગની અંદર મોટાભાગે સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ અને વેટ બિયરિંગ પણ હોય.  અમુક પોઝીશનમાં આપણે રોકાવાનું હોય ત્યારે તે વેઇટ બીયરિંગ એક્સરસાઇઝ થઈ જાય. જો તમને યોગ ન આવડતા હોય તો ખાલી સૂર્ય નમસ્કાર 5 થી 10 કરો તો પણ તમારી પૂરેપૂરી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તથા વેટ બિયરિંગ એક્સરસાઇઝ થઈ જાય. તમે ચાલી ના શકતા હોય તો સૂક્ષ્મ કસરતો, યોગ તથા સ્વિમિંગ પણ તમે કરી શકો.

કેટલી કસરત કરવી જોઈએ? 

દરેક વ્યક્તિએ કેટલી કસરત કરવી તે વ્યક્તિની હેલ્થ ઉપર ડિપેન્ડ કરે છે. કસરત કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. તમારું બ્લડપ્રેશર, તમારા ફેફસા તથા તમારા હૃદયની તપાસ જરૂર કરાવો. કસરત હંમેશા ધીરે-ધીરે શરૂ કરો અને પછી ધીમે ધીમે તેનો ટાઈમ અને તીવ્રતા વધારો. 

અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેઝિનાઈઝેશન પ્રમાણે એક અઠવાડિયામાં 150 મિનિટ એટલે કે દિવસની 30 મિનિટ રેગ્યુલર મોડરેટ એક્સરસાઇઝ પાંચ દિવસ માટે કરવી. જો તમારે તીવ્ર એક્સરસાઇઝ કરવી હોય તો રોજની 20 થી 25 મિનિટ. એવા ત્રણ દિવસ અઠવાડિયામાં તમે કરો તો સરખો જ લાભ મળે.

તમે કોઈપણ એક્સરસાઇઝ કરતા હોવ ત્યારે તમારો હૃદયના ધબકવાનો રેટ 220 માઇનસ તમારી ઉંમર થી વધારે હોવો ન જોઈએ. તેનાથી વધારે હાર્ટ રેટ ના થાય તેનું ધ્યાન રાખવું. દાખલા તરીકે મારી ઉંમર 60 વર્ષ છે 220 માંથી 60 બાદ કરો તો તો મારા ધબકારા 160 થી ઉપર ન જવા જોઈએ. આ તમારા હૃદયના ધબકારા ની મેક્સિમમ લિમિટ છે. તેનાથી વધારે જાઓ તો નુકસાન થાય. જો તમારે મેક્સિમમ કસરત કરવી હોય તો વધુને વધુ દિવસની એક કલાક અથવા તો પૂરા અઠવાડિયામાં 300 મિનિટથી વધારે કરવી ન જોઈએ. એક સર્વે મુજબ પુરા અઠવાડિયામાં 450 મિનિટથી વધારે કસરત કરો તો પછી તેનો કોઈ ફાયદો ન મળે પરંતુ નુકસાન થવાનું શરૂ થઈ જાય.

જો તમારે મોડરેટ એક્સરસાઇઝ કરવી હોય તો તમારા પલ્સ નો મેક્સિમમ રેટ(160) આવ્યો છે તેના 50%(80 પલ્સ) થી 70%(112)  પલ્સ હોય તો ચાલે. અને vigorous એક્સરસાઇઝ કરો કરો મેક્સિમમ રેટના 70% થી 85 % પલ્સ હોય તો ચાલે.

સૌપ્રથમ એરોબિક એક્સરસાઇઝ થી શરૂ કરવી. પછી તમારું શરીર ટેવાઈ જાય પછી તેમાં તમે અઠવાડિયામાં એક બે દિવસ એન એરોબિક કસરત એડ કરી શકો છો. જે લોકો યુવાન છે તેમનું હૃદય બરોબર હોય તો તે લોકો વધારે તીવ્રતાથી કે  એનેરોબીક કસરત કરી શકે છે. તેનાથી તેમને વધારે ફાયદો થાય. તેનાથી તેના હાડકા મજબૂત થાય તથા વજન ઘટે. હૃદયના જોખમો ઘટે.

આપણા મસલ્સ દોડવા માટે કે કસરત કરવા માટે એનર્જી ક્યાંથી લાવે?

આપણા શરીરમાં કોઈપણ એક્ટિવિટી કરવા માટે એનર્જી જોઈએ પછી તે એક્ટિવિટી કસરત માટેની હોય કે કોઈપણ અંગને કાર્ય કરવા માટે હોય. આપણા શરીરને તે એનર્જી એટીપી(adenosine triphosphate) ના સ્વરૂપમાં મળે. આ એનર્જી મેળવવા માટે આપણું શરીર ઇંધણનો ઉપયોગ કરે. તે ઇંધણ ના રૂપમાં પ્રથમ કાર્બોહાઇડ્રેટ એટલે કે ગ્લુકોઝ નો ઉપયોગ કરે પછી તે પતી જાય એટલે ચરબીનો ઉપયોગ કરે અને તે પતી જાય ત્યારે જરૂર પડે તોજ પ્રોટીન નો ઉપયોગ કરે. એટલે આપણી એનર્જીના ત્રણ ત્રણ મેઇન સોર્સ છે. કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન્સ. ઉપરના ત્રણે ત્રણમાં આપણું શરીર પ્રથમ ગ્લુકોઝને ઇંધણ તરીકે ઉપયોગ કરે. ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન થાય અને ATP પેદા થાય. આ એટીપી   આપણે આપણા શરીરમાં બહુ સંગ્રહિત કરી શકતા નથી. જરૂર પડે ત્યારે તેને પેદા જરૂર કરી શકીએ. 

હવે આપણને કસરત દરમિયાન એનર્જી કેવી રીતના મળે તેની વાત કરીએ. કોઈપણ કસરત શરૂ કરો ત્યારે શરૂઆતની ત્રણ સેકન્ડ માટે તમને એનર્જી જે તમારી અંદર ATP સ્ટોર રૂપે હોય તેમાંથી મળે.

પછીની 8 થી 10 સેકન્ડ એનર્જી તમને criatine phoshete માં થી મળે.તે પછી લગભગ દોઢ મિનિટ એટલે કે 90 સેકન્ડ માટે માટે એનર્જી તમને ગ્લાયકોજન સ્વરૂપે જે આપણી અંદર સંગ્રહિત થઈ છે તેમાંથી મળે. અહીંયા સુધી તમારે એનર્જી મેળવવા માટે ઓક્સિજનની જરૂર ન પડે. પરંતુ જો તમે વધારે એક્ટિવિટી એટલે કે કસરત ચાલુ રાખો તો તમારા ગ્લુકોઝના દહન માટે ઓક્સિજનની જરૂર પડે. તે ઓક્સિજન તમને તમારા શ્વાસોશ્વાસ દ્વારા મળે એટલે જ્યારે પણ આપણે કોઈ એક્સરસાઇઝ શરૂ કરીએ છીએ તો લગભગ બે મિનિટ પછી તમારા શ્વાસોશ્વાસની ગતિ વધી જાય છે. અને હૃદયના ધબકારા પણ વધે છે. તે એટલા માટે વધે છે કે તમારા શરીરને ઇંધણને બાળવા માટે ઓક્સિજનની જરૂર પડે. જેટલી તમે એક્સરસાઇઝ કરો ત્યાં સુધી તે ઓક્સિજન તમને મળતો રહે અને તે ગ્લુકોઝ બળતો રહે. આ ક્રિયાને એરોબિક રેસ્પિરેશન કહેવાય.પરંતુ તેનાથી પણ તમે વધારે એક્સરસાઇઝ કરો તો તમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે ત્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું દહન થાય. પરંતુ તેની બાય પ્રોડક્ટ તરીકે લેક્ટિક એસિડ પેદા થાય. તે લેક્ટિક એસિડ તમારી અંદર થાક પેદા કરે. તેથી તમે વધારે તીવ્રતાથી એક્સરસાઇઝ કરો છો ત્યારે તમે થાકી જાઓ છો. જેથી કરીને તે એક્સરસાઇઝ તમે કરતા અટકી જાઓ છો. પછી થોડો આરામ કરીને શ્વાસોશ્વાસ ઊંડા લઈને ફરી તમે એક્સરસાઇઝ કરવા માટે સક્ષમ થઈ જાઓ છો.

જરૂર કરતાં વધારે કસરત કરવાથી શું નુકસાન થાય?

કોઈપણ વસ્તુની અતિ સારી નહીં. મધ્યમાં જીવન છે. આઈડિયલી રોજનું અડધો કલાક ઝડપથી ચાલવું અથવા કોઈપણ જાતની મોડરેટ એક્સરસાઇઝ કરવી તે બરોબર છે. રોજની ધીરે ધીરે અડધો કલાકની કસરત વધારીને તમે વધુ ને વધુ એક કલાક સુધી લઈ જઈ શકો છો. અમુક કસરતથી વધારે કસરત કરવામાં આવે તો તે કસરત ના ફાયદા થતા બંધ થઈ જાય અને નુકસાન થવાની સંભાવના વધી જાય. 

અમુક હદ થી વધારે તીવ્ર કસરત કરવામાં આવે તો તમારા હૃદય ની સાઈઝ મોટી થઈ જાય. તમારા હૃદયની દીવાલ જાડી થઈ જાય. તમારા રેસ્ટિંગ પલ્સ ઓછા થતા જાય. તમારી કસરત કરવાની ક્ષમતા માં  ઘટાડો થાય. તમને આખો દિવસ થાક લાગે. તમારા મસલ્સને નુકસાન થવાની સંભાવના વધી જાય. જેને એથલેટિક્સ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. એટલેટીક્સ લોકો બહુ જ દોડે તેથી તેના હૃદયને પણ તેમની દોડ સાથે તાલ મિલાવવો પડે. વધારે પડતા ઓક્સિજનની જરૂર પડવાના કારણે હૃદયને શરૂઆતમાં વધારે ધબકવું પડે તેથી હૃદય ની દિવાલ  જાડી થતી જાય અને હૃદય પણ મોટું થતું જાય. તમે બે થી ત્રણ મહિના આરામ આપો એટલે પછી તે નોર્મલ થઈ જાય. એટલેટિકસ લોકોના પલ્સ નોર્મલી 40 થી 60 ની વચ્ચે હોય તે એટલા ઓછા પલ્સમાં પણ હૃદય વધારે લોહી પંપ કરી શકે એટલા માટે તેમના પલ્સ ઓછા હોય છે. કોઈપણ દિવસ એકદમ તીવ્રતાથી એક્સરસાઇઝ શરૂ કરવી નહીં. એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા તમારા હૃદય તથા ફેફસા ની તપાસ કરાવવી  તથા તમારું બ્લડપ્રેશર તથા તમારી કોરોનરી તમારા હૃદયને કેટલો સપ્લાય કરે છે તથા તમને કોઈ જન્મજાત હૃદયની બીમારી નથી તે ચેક કરાવી લેવું. મોટાભાગે લોકો મેરેથોનમાં કે જીમ કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવવાનું આ જ કારણ છે. જે લોકો સેલિબ્રિટી છે તે લોકો જ્યારે જીમ કરતા હોય છે ત્યારે પણ તણાવમાં હોય છે. સતત તણાવને કારણે તમારી નસનળીઓની અંદરની ત્વચાને નુકસાન થાય છે. તેના ઉપર કોલેસ્ટ્રોલ અથવા તો clot જામી જાય છે તેથી હાર્ટ એટેક આવે છે. સફળતા અને સેલિબ્રિટી એક અભિશાપ છે.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુની વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે.

સુવિચાર: તમારા મસલ્સ એ આગની ભઠ્ઠી છે. તેમાં જેટલું નાખશો તેટલું બધું સ્વાહા થઈ જશે. તેનો જેટલો ઉપયોગ વધારે કરશો તેટલો તમારો ગ્લુકોઝ વધારે વપરાશે. 

તમારા બંને પગ તમારા માટે ડોક્ટરની ગરજ સારે છે. 

Leave a comment

Trending