આજકાલ 40 વર્ષથી નીચેના લોકોને પણ બ્લડ પ્રેશર જોવા મળે છે તથા 40 વર્ષથી નીચેના લોકોને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા વધી ગયા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. સૌપ્રથમ બ્લડપ્રેશર એટલે શું? તે આપણે જાણી લઈએ.
બ્લડ પ્રેશર એટલે શું?
બ્લડ પ્રેશર નો સીધો મતલબ થાય નસનાડી ઉપર અનુભવાતું પ્રેશર. આપણા શરીરમાં બે મહત્વની નાડીઓ હોય. એક નાડી હૃદયમાંથી શુદ્ધ લોહી માંસપેશીઓ સુધી લઈ જાય તેને આપણે ધમની અથવા આર્ટરી કહીએ છીએ. બીજી નસનાડી માંસપેશીઓ માંથી અશુદ્ધ લોહી હૃદય તરફ લાવતી હોય જેને આપણે શિરા અથવા vein કહીએ છીએ. અહીંયા આપણે ધમની ઉપર અનુભવાતા પ્રેશર ની વાત કરીશું.
જ્યારે હૃદય લોહીને પંપ કરીને ધમનીમાં ધકેલે ત્યારે જે બ્લડપ્રેશર અનુભવાય તેને સિસ્ટોલિક બ્લડપ્રેશર કહેવાય અથવા તો ઉપરનું બ્લડપ્રેશર કહેવાય. જે નોર્મલી 120 ની આજુબાજુ હોવું જોઈએ. જ્યારે હૃદય રિલેક્સ થાય ત્યારે ધમનીમાં અનુભવાતું પ્રેશર જેને આપણે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહીએ છીએ અથવા તો નીચેનું બ્લડપ્રેશર કહીએ છીએ. તે લગભગ 80 ની આજુબાજુ હોવું જોઈએ. તેથી આપણે કહીએ છીએ કે મારું નોર્મલ બ્લડપ્રેશર 120/80 છે.
જો તમારું ઉપર બ્લડપ્રેશર 140 થી ઉપર જાય અને નીચેનું બ્લડપ્રેશર 90 થી ઉપર જાય ત્યારે તમને બ્લડ પ્રેશર ની બીમારી છે તેમ કહેવાય. જો તમારું હૃદય બરોબર કામ કરતું હોય અને તમારી નસ નાડીઓ એકદમ ખુલ્લી અને ફ્લેક્સિબલ હોય તો કોઈ દિવસ બ્લડપ્રેશર વધે નહીં.
બ્લડ પ્રેશર થવાના કારણો.
- હાઈ કોલેસ્ટ્રોલ: બ્લડ પ્રેશર થવાનું મેઈન કારણ તમારી ધમની સાંકળી થઈ જવી તે છે. આપણી ધમની માં રૂકાવટ મોટાભાગે કોલેસ્ટ્રોલ જામવાના કારણે થાય છે. ઉંમર સાથે થોડી નસનાડી સાંકડી થાય છે તે નોર્મલ છે. પરંતુ વધુ પડતો ખરાબ કોલેસ્ટ્રોલ જ્યારે વધી જાય ત્યારે તે ધમનીની દીવાલમાં જઈને ચોંટી જાય. તેથી ધમનીને અંદરથી સાંકળી કરી નાખે. ગુજરાતી ભાષામાં કહીએ તો એકની પાઈપ અડધાની અથવા પુણાની થઈ જાય છે. સાંકળી પાઇપ માં હૃદયને લોહી પંપ કરવામાં તકલીફ પડે. જો ધમની ની અંદર કોલેસ્ટ્રોલ જામી જાય અને તે પાઇપ અડધાની કે પોણા ની થઈ જાય તો હૃદય પંપ કરે ત્યારે તે ધમની ની દિવાલ ઉપર વધુ પ્રેશર અનુભવાય જેને આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. અને આ સ્થિતિ લોબો ટાઈમ ચાલે તો હૃદય ને વધારે જોરથી કામ કરવું પડે તેથી હૃદય થાકે તેથી હૃદય કામ કરતું ઓછું થઈ જાય જેને આપણે heart failure કહીએ છીએ. આ ધમનીઓ હૃદયની અંદર પણ હોય જે હૃદયને લોહી તથા ઓક્સિજન નો સપ્લાય કરે. જ્યારે હૃદયની ધમની સાંકડી થઈ જાય ત્યારે હૃદયને લોહીનો સપ્લાય ઓછો મળે જ્યારે હૃદયને લોહીનો સપ્લાય ઓછો મળે અને કામ વધારે કરવું પડે ત્યારે સ્વાભાવિક છે કે હાર્ટ એટેક આવે. તો હાર્ટ એટેક આવવાનું મેઈન કારણ આપણી ધમની અંદરથી સાંકળી થઈ જવી તે છે.
જો તમારે તેને સાંકળી થતી અટકાવવી હોય તો તમારે તમારા કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખવું પડે. કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે વધારે ખરાબ ચરબી વાળા પદાર્થો ઓછા લેવા જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ. જે તેલ ઠંડીમાં થીજી જાય તેવા તેલ કે પદાર્થ બને ત્યાં સુધી ઓછા લેવા કારણ કે તેમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય. ખરાબ કોલેસ્ટ્રોલ નો મતલબ તે છે કે જે કોલેસ્ટ્રોલ લીવરમાંથી પેદા થાય અને આપણી ધમની ઉપર જઈને ચોંટી જાય તેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય જેને ડોક્ટરો એલ ડી એલ(Low density lipoprotein) કહે છે.
સારો કોલેસ્ટ્રોલ એટલે ધમનીમાં ચોટેલો કોલેસ્ટ્રોલ તે લીવરમાં લાવીને ડાયજેસ્ટ કરી નાખે તેને સારો કોલેસ્ટ્રોલ કહેવાય. એચ ડી એલ કહેવાય.(high density lipoproteins). સારો કોલેસ્ટ્રોલ વધારવા માટે આપણી જોડે એક જ હથિયાર છે તે છે એક્સરસાઇઝ. જેટલી વધુ એક્સરસાઇઝ કરો તેટલો સારો કોલેસ્ટ્રોલ વધે. બીજું સારો કોલેસ્ટ્રોલ તમને ડ્રાયફ્રુટ એટલે કે બદામ અખરોટ માંથી મળે પરંતુ તેની અંદર કેલરી વધારે હોય. તેથી એકદમ ઓછી માત્રામાં લેવું.
તમે ઘરમાં કોઈપણ તેલ વાપરો તે બધા જ તેલ સારા જ છે. જે તેલ વનસ્પતિજન્ય પદાર્થ માંથી મળે તે સારું. તે તેલમાં કોલેસ્ટ્રોલ ની માત્રા ખૂબ જ ઓછી હોય છે અથવા નથી હોતી. એટલે આપણે ઝીરો કોલેસ્ટ્રોલ તેલ કહીએ છીએ. પરંતુ લીવર તે તેલમાંથી જરૂર પ્રમાણે કોલેસ્ટ્રોલ બનાવી દે. પ્રાણીજન્ય તેલ કે પદાર્થ ખરાબ. જેમકે દૂધ, ઘી, ચીઝ, પનીર mutton talo તે પ્રાણીઓમાંથી પેદા થાય. તેમાં કોલેસ્ટ્રોલ વધારે હોય. કોઈપણ વસ્તુ માંથી કોલેસ્ટ્રોલ સાવ જ ન મળવું જોઈએ તેવું વલણ રાખવું નહીં. કોલેસ્ટ્રોલ આપણું લીવર જરૂર પ્રમાણે બનાવે.કોલેસ્ટ્રોલમાંથી બીજા તમારા શરીરના હોર્મોન્સ અને વિટામિન ડી તથા તમારા સેલની દીવાલ બનતી હોય છે. એટલે કોલેસ્ટ્રોલ એટલે ખરાબ એવો વિચાર મનમાંથી કાઢી નાખવો.
બ્લડ પ્રેશર વાળા દર્દીએ બને ત્યાં સુધી ઘી, પનીર, ચીઝ, ડાલડા ઘી કે પામોલીન તેલનું નો વપરાશ ઓછો કરવો જોઈએ.મોટાભાગના બજારમાં મળતા ફરસાણ, મીઠાઈ તથા બિસ્કીટ ખરાબ કોલેસ્ટ્રોલ વાળા તેલમાંથી કે ઘી માંથી બનાવેલા હોય છે. - બ્લડ પ્રેશર નું બીજું કારણ છે કે તમારી ધમની બહારથી સાંકળી થઈ જવી. અમુક લોકોનો કોલેસ્ટ્રોલ નોર્મલ હોય તથા ધમનીની અંદરની દિવાલ નોર્મલ હોય પરંતુ ધમની બહારથી સાંકળી થઈ હોય. ધમની બહારથી સાંકળી થઈ જવાનું મેઇન કારણ તણાવ છે. જ્યારે વ્યક્તિ તણાવમાં હોય, ચિંતામાં હોય, ગુસ્સામાં હોય, વધારે નફરત કરતો હોય ત્યારે તેની ધમની અંદરથી ખુલ્લી હોય પરંતુ બહારથી સાંકળી થઈ જાય. આજકાલ મોટાભાગના લોકો ગુસ્સામાં, ચિંતામાં, નફરતમાં,અને તણાવમાં જીવતા હોય છે. તમારો કોઈપણ એક ખરાબ વિચાર સેલની અંદર સેકન્ડ થી પણ ઓછા સમયમાં લાખોની સંખ્યામાં રિએક્શન પેદા કરે. વ્યક્તિ ગુસ્સો કરે, નફરત કરે, તણાવ કરે, ચિંતા કરે તો આ રિએક્શનસ વધી જાય.ગુસ્સો, નફરત, ચિંતા, તણાવ તમારી નસનાળી ની અંદર ની દિવાલને પણ નુકસાન કરે. ધમની ની અંદર ની દિવાલને નુકસાન થાય ત્યારે ત્યાં કોલેસ્ટ્રોલ જઈને ચોંટી જાય અને તેના ઉપર લોહીનો ગઠ્ઠો જામી જાય જેના કારણે હાર્ટ એટેક આવે.
- ત્રીજું છે મીઠું એટલે કે salt નો વધુ પડતો ઉપયોગ. સોડિયમ આપણને મીઠા માંથી મળે. તે સોડિયમ ધમનીની સેન્સિટી ને વધારી દે. જેના કારણે ધમની બહારથી સાંકડી થઈ જાય. તેથી બ્લડ પ્રેશર વાળા દર્દીને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે. નોર્મલી તમે મીઠું 5 થી 10 ગ્રામ ની વચ્ચે લઈ શકો. બ્લડ પ્રેશર ના દર્દીએ દિવસ દરમિયાન બે ગ્રામથી પણ ઓછું મીઠું લેવું જોઈએ. ભગવાને લીલા શાકભાજી તથા તમારા ખોરાકમાં સપ્રમાણ મીઠું મૂકી જ દીધેલું છે. વધારે પડતું મીઠું જેમાં હોય જેવા કે વેફર, પાપડ, અથાણા વગેરે નો ઉપયોગ ઓછો કરવો.
દરિયાઈ મીઠું કે સંચળ કે સેંધા નમક દરેકની અંદર સોડિયમ હોય તેનો ઉપયોગ માપસર કરવો. સેધા નમક અને સંચળ માં થોડું પોટેશિયમનું પ્રમાણ વધારે હોય. પોટેશિયમ હૃદય માટે સારું. પરંતુ તેમાં પણ સોડિયમ તો હોય જ. - ચોથું બ્લડ પ્રેશર નું કારણ છે વારસાગત. જો તમારા મા બાપને કે તમારા બ્લડ રિલેશનમાં બ્લડ પ્રેશર હોય તો તમને બ્લડપ્રેશર આવવાની શક્યતા વધી જાય. આની અંદર તમારી ધમનીની સેન્સિટી વધારે હોય. સામાન્ય મીઠા વાળો ખોરાક લે અથવા તો સામાન્ય તણાવ લો તો પણ બ્લડપ્રેશર વધી જાય. જેમ આપણને વારસામાં સંપત્તિ મળે છે તેમ અમુક રોગ પણ આપણને વારસામાં મળે છે. આવા લોકોએ નિયમિત પોતાના ખોરાકમાં ધ્યાન રાખવું તથા રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહવું.
આ ઉપરાંત પણ અમુક વારસાગત કારણો હોય કે જેની અંદર આપણી નસ નાડીઓ કુદરતી રીતે સાંકળી હોય તો પણ બ્લડપ્રેશર વધે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાના ઉપાયો.
- નિયમિત એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે. નિયમિત અડધો કલાક કે કલાક એક્સરસાઇઝ કરવાથી તમારી અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જે જામતો હોય તે અટકી જાય અને એક્સરસાઇઝ કરવાથી સારો કોલેસ્ટ્રોલ વધે. તે સારો કોલેસ્ટ્રોલ ધમની ની અંદર ચોટેલા કોલેસ્ટ્રોલને લીવરમાં લાવીને તેને ડાયજેસ્ટ કરી દે. તમારી નસનળીઓને ખુલ્લી કરવામાં તે બહુ જ મદદરૂપ થાય.
તો દરેક વ્યક્તિએ પોતાની જાત માટે એક કલાક કાઢવો જોઈએ. તે દરમિયાન તમને પસંદ પડે તે એક્સરસાઇઝ કરો. ચાલો, દોડો, સાઇકલિંગ કરો, સ્વિમિંગ કરો, યોગ કરો, જીમ કરો જે કરવું હોય તે કરો પણ કરો. જે લોકોને ઓલરેડી બ્લડપ્રેશર હોય તેમને જીમ બહુ કરવું નહીં. કારણ કે તેમાં શ્વાસ રોકીને એક્સરસાઇઝ કરવાની હોય છે. તેથી હૃદયને ઓછો ઓક્સિજન મળવાથી તકલીફ પડે. મોટાભાગની સેલિબ્રિટી ને જીમ દરમિયાન હાર્ટ એટેક આવે છે તેનું કારણ એ છે કે તેઓ સતત તણાવમાં રહેતા હોય છે. જેટલો માણસ પોપ્યુલર તેટલો વધારે તણાવમાં. જીમ મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે જ છે. તેથી હીરો તથા યુવાન લોકો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિયમિત રોજ 30 મિનિટ ઝડપથી ચાલવાની સલાહ આપેલી છે. - બીજું બ્લડ પ્રેશર વાળા દર્દીએ તેલ અને ઘી ની બનાવટો ઓછી લેવી જોઈએ. ખાસ કરીને જે તેલ ઠંડીની સિઝનમાં થીજી જતા હોય તેને અવોઇડ કરવા જોઈએ. કારણ કે તેમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય. વારંવાર ઉકાળેલા તેલનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. બજારમાં મળતા તમામ ફરસાણ તે વારંવાર તેલમાં ઉકાળીને આપવામાં આવે છે. જેટલી વાર તેલને ઉકાળો એટલો ખરાબ કોલેસ્ટ્રોલ વધતો જાય.
- બ્લડ પ્રેશર એ આપણી ખરાબ લાઈફ સ્ટાઇલ ના કારણે આવતો રોગ છે તો તેનું નિરાકરણ પણ આપણી લાઇફ સ્ટાઇલ સુધારીને લાવી શકાય. તેમ કરવા છતાં પણ કંટ્રોલમાં ન રહે ત્યારે દવાનો ઉપયોગ કરવો જોઈએ. બ્લડ પ્રેશર ના દર્દીએ તણાવ ઓછો લેવો જોઈએ, ચિંતા, ગુસ્સો વગેરે ન કરવા જોઈએ.તેના માટે સવાસન, ધ્યાન, યોગ નિંદ્રા, પ્રાણાયામ વગેરે નિયમિત કરવા જોઈએ. દુનિયાને સુધારવાનો બહુ પ્રયત્ન કરવાનો નહીં. જાતે સુધરી જવું. પૂરી દુનિયાને સાક્ષી ભાવે જુઓ. સુખમાં શકી પણ ન જવું દુઃખમાં ડરી પણ ન જવું. નિયમિત બહાર પ્રવાસ કરવા, કુદરતી વાતાવરણ રહેવું, કુદરતી ખોરાક લેવો, મિત્રો જોડે તથા ફેમિલી જોડે ટાઇમપાસ કરવો વગેરે નાની નાની વસ્તુઓ ઉપર પણ ધ્યાન આપવું.
- ધુમ્રપાનથી દૂર રહેવું. સ્મોકિંગમાં થી કાર્બન મનોકસાઈડ નીકળે તે તમારી ધમનીની અંદરની દીવાલને નુકસાન કરે.
- વધુ પડતો તણાવ ચિંતા ગુસ્સો તમારા હૃદયની ગતિને વધારી દે તમારી નસનળીઓને સાંકળી કરી દે તથા તમારી ધમની અંદર દીવાલને નુકસાન કરે જેના કારણે તમને બ્લડપ્રેશર અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. એવું ન થાય એટલા માટે હંમેશા મનને શાંત રાખવું. જ્યારે તમે નિયમિત ધ્યાન, સવાસન, યોગ નિંદ્રા, પ્રાણાયામ કરો છો ત્યારે તમારું મન શાંત થાય છે. મન શાંત થાય ત્યારે તમારું હૃદય પણ એકદમ શાંતિથી ધબકે. હૃદય એક ધબકારા અને બીજા ધબકારા વચ્ચે પોતાનો બ્લડ સપ્લાય મેળવે છે. તમારા શ્વાસોશ્વાસ ધીમા હોય, તમારું હૃદય શાંતિથી ધબકતું હોય, શરીર એકદમ રિલેક્સ હોય, તો પ્રાણ વાયુ બધી જગ્યાએ સરળતાથી પહોંચી શકે. આ મોડ ને અંગ્રેજીમાં para sympathetic મોડ કહેવાય. તેને યોગીક મોડ પણ કહેવાય. તો હ્રદયનું ધ્યાન રાખવું. તેવું કોઈ પણ કામ ન કરો કે જેના કારણે હૃદય ઉપર ભાર લાગે, હૃદયના ધબકારા વધી જાય,બ્લડ પ્રેશર વધી જાય.
બ્લડ પ્રેશર ના લક્ષણો.
ઘણા બધા લોકોને બ્લડ પ્રેશર હોવા છતાં કોઈપણ લક્ષણ દેખાય નહીં. પરંતુ જેમ જેમ તમારું બ્લડપ્રેશર વધતું જાય તેમ તમે ચાલો ત્યારે તમને શ્વાસ ચડવાની શક્યતા વધી જાય. છાતીમાં દુખાવો થાય.
જ્યારે હૃદયની ધમની ની અંદર કોલેસ્ટ્રોલ જામે ત્યારે તમે જેમ વધારે શ્રમ કરો અથવા ચાલો ત્યારે તમારા છાતી ઉપર દબાણ આવતું હોય તેવું અથવા છાતીમાં દુખાવો થતો હોય તેવું લાગે જેને આપણે angina કહીએ છીએ.
બ્લડ પ્રેશરને કારણે થતા કોમ્પ્લિકેશન્સ.
- લોબો ટાઈમ અને વધારે બ્લડપ્રેશર રહે તેને હાર્ટ એટેક તથા heart failure થવાની શક્યતા વધી જાય.
- મગજ ની અંદર લોહીનો સપ્લાય ઓછો થઈ જવાથી અથવા લોહીનો ગઠ્ઠો જામી જવાથી તમને પેરાલીસીસ એટલે કે લકવો થવાની શક્યતા વધી જાય.
- કિડનીમાં લોહીનો સપ્લાય ઓછો હોવાથી કિડની ફેઇલ થવાની શક્યતા વધી જાય.
- પગની નસનાડીઓ સાંકડી થઈ જવાના કારણે પગને લોહીનો સપ્લાય ઓછો મળે અથવા ન મળે તો પગ એકદમ કાળા થઈ જાય. ચાલો ત્યારે પગમાં દુખે. પગમાં ગેંગરીન થઈ જાય.
અમુક લોકોને ધમનીમાં બ્લોકેજ હોય તો પણ હાર્ટ એટેક નથી આવતો અને અમુકને બ્લોકેજ ન હોય તો પણ હાર્ટ એટેક આવે છે તેનું કારણ શું?
તેનું કારણ તે છે કે જ્યારે તમારી હૃદયની ધમની ધીમે ધીમે પુરાય ત્યારે તે આજુબાજુથી સર્ક્યુલેશન લઈ લે છે. જેને કો લેટરલ સર્ક્યુલેશન કહેવાય. જેના કારણે અમુક લોકોને 70 થી 80% નળીમાં બ્લૉકેજ હોય તો પણ તેમને કોઈ લક્ષણો હોતા નથી. જ્યારે અમુક લોકો ની નળીમાં બ્લોકેજ ન હોવા છતાં તેમને હાર્ટ એટેક આવે છે તેનું કારણ તે છે કે ગુસ્સા કે તણાવવાના કારણો ધમનીની અંદરની દીવાલને નુકસાન પહોંચે છે. તે નુકસાન ની જગ્યાએ કોલેસ્ટ્રોલ અને લોહીનો ગઠ્ઠો જામી જાય છે તેથી હાર્ટ એટેક આવે છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment