આજકાલ થાઇરોડ ના પ્રોબ્લેમ્સ લોકોમાં વધતા જાય છે. તેની પાછળ કયા કારણો જવાબદાર છે? થાઈરોઈડ કોને કહેવાય? થાઇરોડ નો આપણા શરીરમાં શું રોલ છે? તે ઓછું હોય તો આપણા શરીરમાં શું થાય? તે વધી જાય તો આપણા શરીર પર શું અસર થાય? તેના ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
થાઇરોડ કોને કહેવાય?
થાઇરોડ એક હોર્મોન છે કે જે થાઇરોડ ગ્રંથિ માંથી નીકળે છે. તેના બે પ્રકાર હોય છે. એકનું નામ છે T4 અથવા તો thyroxine જેનું પ્રમાણ 80% હોય. બીજું છે T3. તે T4 કરતા વધારે એક્ટિવ છે. તેનું પ્રમાણ 20 ટકા હોય. થાઇરોડ ગ્રંથિમાંથી થાઈરોઈડ હોર્મોન્સ ને રિલીઝ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિ માંથી એક હોર્મન છૂટો પડે જેનું નામ છે થાઇરોડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન.(TSH ). જ્યારે લોહીમાં થાયરોડ નું પ્રમાણ ઘટે ત્યારે પિચ્યુટરી ગ્લેન્ડ થાઇરોડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન રિલીઝ કરે. જેના કારણે થાઇરોડ ગ્રંથિ થાયરોડ હોર્મોન બનાવે અને તેનું લેવલ નોર્મલ રાખે.
T3 તે વધારે એક્ટિવ ફોર્મ છે. તે T4 માંથી બને અથવા તો ડાયરેક્ટ થાઈરોઈડ ગ્રંથિ બનાવી. આ થાઇરોડ હોર્મોન બનાવવા માટે આયોડિન ની જરૂર પડે એટલે પર્યાપ્ત માત્ર માં આયોડિન લેવું જરૂરી છે. આયોડિન ઓછું પણ ખરાબ અને વધારે પણ ખરાબ. આયોડિન ઓછું હોય તો થાઇરોડ ઓછા પ્રમાણમાં બને તથા થાઇરોડ ગ્રંથિ ઉપર સોજો આવે જેને આપણે ગોઈટર કહીએ છીએ.આયોડિન વધારે હોય તો તે થાઇરોડ હોર્મન ની બનવાની પ્રક્રિયામાં પ્રોબ્લેમ ઊભો કરે જેના કારણે થાઇરોડ પૂરતા પ્રમાણમાં ન બને તેથી વધારે પડતું આયોડિન પણ ખરાબ. તથા જેની થાઇરોડ ગ્રંથિ વધારે થાઇરોડ હોર્મોન પેદા કરતી હોય અને જો તેને વધારે આયોડિન આપવામાં આવે તો તે વધુને વધુ થાઇરોડ હોર્મોન્સ નું પ્રોડક્શન કરે. તેથી આયોડિનનું પ્રમાણ ના વધારે હોવું જોઈએ ના ઓછું હોવું જોઈએ. આપણા આખા દિવસની આયોડિન ની જરૂરિયાત લગભગ 90 માઇક્રોગ્રામ થી 150 માઇક્રો ગામની વચ્ચે હોય. થાઇરોડ ગ્રંથિ તમારા ગળાના અગ્ર ભાગમાં વચ્ચે આવેલી હોય છે.
થાઇરોડ હોર્મોન આપણા શરીરમાંથી ઓછું નીકળે તો શરીર ઉપર શું શું અસર થાય?
આપણી થાઇરોડ ગ્રંથિમાંથી થાઇરોડ હોર્મોન ઓછો નીકળે તેને હાઇપોથાઈરોડીઝમ કહેવાય.
થાઇરોડ હોર્મોન નું મેઈન કામ છે ચયાપચયની ક્રિયાને જાળવી રાખવી. ચયાપચયની ક્રિયાને અંગ્રેજીમાં મેટાબોલિઝમ કહેવાય. મેટાબોલિઝમ નો મતલબ આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ તેને એનર્જીમાં રૂપાંતરિત કરવાની પ્રોસેસ. જેનું થાયરોડ ઓછું હોય તે જે કંઈ પણ ખાય તે એનર્જીમાં રૂપાંતરીત ન થાય તેથી તે વ્યક્તિને ખૂબ થાક લાગે.
તેનો મૂડ બરોબર ન રહે. તેને ડિપ્રેશન કે હતાશાની બીમારી થાય.
એના હૃદયની ગતિ ધીમી થઈ જાય
એને પગે સોજા આવે.
તેના આંતરડાની ગતિ ધીમી થઈ જાય જેના કારણે તેને કબજિયાત થાય.
તેનું કોન્સન્ટ્રેશન પણ ઓછું થઈ જાય.
તેની લોહીની ટકાવારી ઓછી થઈ જાય.
જો માતાની અંદર થાયરોડ બહુ જ ઓછું હોય અથવા તો જે પણ બાળક જન્મે તેની અંદર જન્મથી જ થાયરોડ હોર્મોન્સ ન હોય તો તે બાળકનો વિકાસ બહાર આવીને થઈ ન શકે. તે સારી રીતના જોઈ કે સાંભળી ન શકે. સારી રીતના હલનચલન ન કરી શકે. તેનો ગ્રોથ બરોબર ન થઈ શકે. તેથી જન્મ પછી બાળકના થાયરોડ નો રિપોર્ટ કઢાવવો બહુ જરૂરી છે. ખાસ કરીને જે બાળક નું વજન વધતું ન હોય અથવા તો વિકાસ બરોબર ન થતો હોય તેના માટે તો તે ફરજિયાત છે. તાજા જન્મેલા બાળકમાં જો થાયરોડ ઓછું હોય તો આગળ જતા તેનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય પછી તેને સુધારવો બહુ જ મુશ્કેલ છે.
થાઇરોડ ઓછો હોય તો વ્યક્તિને વંધ્યત્વની બીમારી પણ આવી શકે.
ઓછા થાઇરોડ વાળી વ્યક્તિની ચામડી જાડી થઈ જાય. ડ્રાય થઈ જાય. વાળ તથા નખનો વિકાસ પણ ઓછો થાય. તેને બહુ ઠંડી લાગે.
વધારે પડતો થાઇરોડ શરીરમાંથી નીકળે તો શું થાય?
આપણી થાઇરોઈડ ગ્રંથિ વધારે થાઇરોડ હોર્મન બનાવે તે કન્ડિશનને હાઇપર થાઈરોડિઝમ કહેવાય.
જેની અંદર વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય. તેનું બ્લડ પ્રેશર વધે. તેને ઠંડીની સિઝનમાં પણ પરસેવો થાય. તેનું મન અશાંત રહે. આંખ પાછળની માંસ પેશીઓમાં તથા ચરબીમાં સોજો આવે તેથી તેનો આંખનો ડોળો બહાર નીકળી આવે. તેને વારંવાર ડાયરિયા થાય. તેનું વજન ઘટે.
હાઈપર થાઇરોડિઝમની અમુક સ્થિતિમાં થાયરોડ ગ્રંથિ મોટી થાય થાયરોડ ગ્રંથિમાં ગાંઠો પણ થાય.
ઓછું થાયરોડ હોય ત્યારે શું સારવાર કરવી.
આપણું શરીર જ્યારે ઓછું થાઇરોડ બનાવે તેને આપણે હાઇપોથાઇરોડિઝમ કહીએ છીએ. જો આપણી થાઇરોડ ગ્રંથિ ઓછું આયોડિન મળવાના કારણે ઓછો થાઇરોડ બનાવતી હોય તો આયોડિનને પર્યાપ્ત માત્રા લેવાથી તે ગળાનો સોજો તથા થાઇરોડનો પ્રોબ્લેમ દૂર થઈ શકે. પરંતુ અમુક કન્ડિશનમાં આયોડિન બરોબર હોય તેમ છતાં પણ આપણી થાઇરોડ ગ્રંથિ થાઇરોડ ઓછું બનાવે તો તેવા કેસમાં બહારથી થાઇરોડ હોર્મોન્સ આપવો પડે. તેની ગોળી લેવી પડે તે ડોક્ટરની સલાહ મુજબ લેવી. તે સવારે ભૂખ્યા પેટે લેવાની હોય છે. નિયમિત થાઈરોડ નું ચેકિંગ કરાવવું. થાઇરોડ ઓછું થઈ જવાના અન્ય કોઈ કારણો હોય તો તેની સારવાર ડોક્ટરની દેખરેખ નીચે કરાવવી.
થાઇરોડ વધી જાય તો તેની સારવાર કેવી રીતના કરવી.
આપણા શરીરમાં થાઈરોડ વધે ત્યારે ડોક્ટર તે થાઇરોડ હોર્મોનને ઓછું કરવાની દવા આપે. અથવા તો તમારી થાઇરોડ ગ્રંથિ ની અંદર કોઈ ગાંઠ હોય અને તે ગાંઠમાંથી વધારે થાઇરોડ નીકળતો હોય તો ડોક્ટર તેને સર્જરી દ્વારા ઠીક કરે.
થાઇરોડ ગ્રંથિનો રોગ આવતો અટકાવવા માટે આપણે શું કરી શકીએ?
જો તમે નિયમિત ગળાની સૂક્ષ્મ કસરત કરો તથા પ્રાણાયામ કરો તથા રેગ્યુલર એક્સરસાઇઝ કરો તો થાઇરોડના રોગ બહુ જ ઓછા થાય. જો તમે તમારા જીવનમાં તણાવ ઓછો કરો તો તણાવના કારણે જે થાઇરોઇડને નુકસાન થાય છે તે ઓછું થાય. તે માટે નિયમિત સવાસન, યોગ નિંદ્રા, ધ્યાન કરવા તથા આયોડિન યુક્ત પદાર્થો લેવા. લોકોને માફ કરતા શીખવું.
થાઇરોડ નું નોર્મલ લેવલ એટલે શું?
TSH normal values are 0.5 to 5.0 mIU/L. FT4 (free T4)normal values are 0.7 to 1.9ng/dL.
Normal daily iodine requirement. બાળકો માટે આશરે 90 માઈક્રોગ્રામ પુખ્ત વયના વ્યક્તિ માટે 150 માઇક્રોગ્રામ.
થાઇરોડ નો રીપોર્ટ કઢાવો ત્યારે હંમેશા Free T4 તથા TSH નો રિપોર્ટ કઢાવવો. કારણકે Free T4 લોહીની અંદર લાંબો ટાઈમ રહે અને તેનું ચોક્કસ લેવલ માપી શકાય. થાઇરોડમાં કંઈ પણ ફેરફાર થાય તો તેની પ્રથમ અસર FreeT4 ઉપર થાય છે. તેને Thyroxine લેવલ પણ કહેવામાં આવે છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો નિરોગી રહો ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment