પુરા ભારતમાં અને દુનિયામાં દિવસે દિવસે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ઇન્ડિયા તો ડાયાબિટીસનું કેપિટલ થવા જઈ રહ્યું છે તો આવું કેમ થઈ થયું? તેની પાછળ કયા કારણો જવાબદાર છે? આ પરિસ્થિતિમાં આપણે આપણા લેવલે શું કરી શકીએ તેમ છીએ. તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. 

ડાયાબિટીસ ના પ્રકાર 

આપણી જાણ ખાતર ડાયાબિટીસના બે પ્રકાર છે જે આપણે જાણવા જોઈએ. 

  1. એક પ્રકાર જે નાના બાળકોમાં જોવા મળે છે જેને ટાઈપ વન ડાયાબિટીસ કહેવાય અથવા તો ચાઈલ્ડહુડ ડાયાબિટીસ કહેવાય.
    નાના બાળકોમાં જોવા મળતા ડાયાબિટીસમાં જન્મથી કે જન્મ પછી તરત જ તેમના બીટા સેલ ને નુકસાન પહોંચ્યું હોય અથવા તો બીટા સેલ હોય જ નહીં અથવા તો આપણા શરીરમાં એવા તત્વો પેદા થાય કે જે આપણા બીટા સેલ ને નુકસાન પહોંચાડે ત્યારે આ રોગ થાય. આ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન હોય જ નહીં અથવા તો બહુ જ ઓછી માત્રામાં હોય. ઇન્સ્યુલિન ન હોવાને કારણે ગ્લુકોઝ સેલમાં જઈ ન શકે. તે ગ્લુકોઝ લોહીની અંદર ભળે.બાળકોમાં જોવા મળતા ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની જરૂર પડે જ. તેમાં યોગ કે એક્સરસાઇઝ ઇન્સ્યુલિનની માત્રા ઘટાડી શકે પરંતુ ઇન્સ્યુલિન તો જોઈએ જ. તેથી તેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય.
  2. ઉંમર સાથે નો ડાયાબિટીસ એટલે શું?
    ઉંમર સાથે થતો ડાયાબિટીસ મોટાભાગે 35 થી 40 વર્ષ પછી દેખાય. તેને ટાઈપ ટુ ડાયાબિટીસ કહેવાય. આ ડાયાબિટીસમાં તમારી અંદર ઇન્સ્યુલિન તો હોય પરંતુ તે ઇન્સ્યુલિન બરોબર કામ કરી શકતું ન હોય અથવા ઓછી માત્રામાં હોય અથવા તેનું સ્વરૂપ બદલાઈ ગયું હોય તેથી તમને ડાયાબિટીસ થાય છે. આપણું વજન વધારે હોવાને કારણે તે વધારાની ચરબી તમારા સેલ ઉપર ચોંટી જાય છે. તેના કારણે તે સેલ ઇન્સ્યુલિનને ઓળખવાનું ઓછું કરી દે છે અથવા તો બંધ કરી દે છે જેના કારણે આ ડાયાબિટીસ થાય છે. જો તમે નિયમિત યોગ અને એક્સરસાઇઝ કરો અને ખોરાકમાં ધ્યાન રાખો અને તમારું વજન ઘટાડો તો આ ડાયાબિટીસ ટુ માં ચોક્કસ ફાયદો થાય. સેલ ઉપર ચોટેલી ચરબી ત્યાંથી હટી જાય અને તે જ ઇન્સ્યુલિન ગ્લુકોઝને સેલ ની અંદર ધકેલવામાં મદદ કરે. તેનો મતલબ એક્સરસાઇઝ કરવાથી ઇન્સ્યુલિનની સેન્સિટી વધે. તેથી ટાઈપ ટુ ડાયાબિટીસમાં યોગ, એક્સરસાઇઝ તથા દવાઓ જરૂરી છે. જો તમારું સ્વાદુપિંડ બહુ ઓછી માત્રામાં ઇન્સ્યુલિન પેદા કરતું હોય તો બહારથી ઇન્સ્યુલિન આપવું પડે નહિતર દવાઓથી ચાલે. તમને આપવામાં આવતી ગોળીઓ તે ઇન્સ્યુલિનની સેન્સિટી વધારે તથા સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને નીકળવામાં મદદરૂપ થાય તથા આંતરડામાં ગ્લુકોઝનું નું શોષણ અટકાવે. 

ઇન્સ્યુલિન શું છે તે ક્યાંથી રિલીઝ થાય તેનું શું કામ છે? 

ઇન્સ્યુલિન એ એક અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મેન્સ છે તે સ્વાદુપિંડ એટલે કે પેન્કરીયાજ ના બીટા સેલ માંથી પેદા થાય. આ ઇન્સ્યુલિનનું કામ ગ્લુકોઝને કંટ્રોલ કરવાનું છે. જ્યારે તમે કાર્બોદિત પદાર્થ મતલબ કે ગળ્યો પદાર્થ ખાવ ત્યારે ગ્લુકોઝ તમારા લોહીમાં વધે.  ત્યારે તે વધેલા ગ્લુકોઝને સેલમાં ધકેલવાનું કામ ઇન્સ્યુલિન દ્વારા થાય. ઇન્સ્યુલિનની ગેરહાજરીમાં ગ્લુકોઝ સેલમાં જઈ ન શકે. ઇન્સ્યુલિનની લાગવગ લગાવી પડે ત્યારે જ તે ગ્લુકોઝ સેલ ની અંદર જાય. એનો મતલબ ઇન્સ્યુલિન તમારા સેલ એટલે કે કોષનું તારું ખોલે ત્યારે ગ્લુકોઝ સેલની અંદર એન્ટર થાય. તે ગ્લુકોઝ સેલમાં જઈને એનર્જીમાં રૂપાંતર થાય. આપણું શરીર પ્રથમ એનર્જીના સોર્સ માટે ગ્લુકોઝ નો ઉપયોગ કરે તે ન મળે ત્યારે જ તે ચરબીમાંથી કે પ્રોટીનમાંથી એનર્જી મેળવે. સ્વાદુપિંડ નામની ગ્રંથિ તે આપણા પેટની ડાબી બાજુ ઉપરની જગ્યાએ જઠરની પાછળ આવેલી છે. જેનું વજન લગભગ 85 થી 90 ગ્રામ છે. તેની લંબાઈ 25 થી 30 cm છે. તેમાંથી બે hormones નીકળે એક બીટા સેલ માંથી ઇન્સ્યુલિન નીકળે જે વધારે ગ્લુકોઝને ઓછું કરવાનું કામ કરે. બીજો હોર્મોન્સ નીકળે જેને ગ્લૂકાગોન કહેવાય. તે જ્યારે તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે તે લીવર અને મસલ્સ માંથી ગ્લાયકોજન માંથી ગ્લુકોઝ બનાવે અને ગ્લુકોઝનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે. આ ઉપરાંત આપણા સ્વાદુપિંડમાં ત્રણ એન્જાઈમ આવેલા છે. તે એન્જાઈન તમારા ખોરાકના પાચન માટે બહુ જ જરૂરી છે. Amylase નામનો enzyme કાર્બોદિત પદાર્થને ગ્લુકોઝમાં કન્વર્ટ કરવાનું કામ કરે. Lypase નામનો એન્જાઈમ ચરબીને ફેટી એસિડ માં રૂપાંતર કરવાનું કામ કરે. Trypsin નામનો enzyme પ્રોટીનને amino acid ફેરવવાનું કામ કરે. આમ સ્વાદુપિંડ તે આપણા શરીરની અગત્યની ગ્રંથિ છે. 

ઉંમર સાથે થતા ડાયાબિટીસના લક્ષણો. 

મોટાભાગના ડાયાબિટીસ ના લક્ષણો આપણા લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાના કારણે થાય. આપણા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાના કારણે તે આપણા શરીરમાંથી પાણીને શોખે. જેથી કરીને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે. તે પેશાબમાં સુગર હોવાને કારણે તે પેશાબની આજુબાજુ કીડી અને મકોડા વધારે ભેગા થાય. વારંવાર પેશાબ જવાના કારણે તમારા શરીરનું પાણી ઓછું થઈ જાય એટલે તમને તરસ વધારે લાગે. તમારી અંદર ગ્લુકોઝ હોવા છતાં પરંતુ સેલ તેને વાપરી શકતો નથી તેથી તમને ભૂખ વારંવાર લાગ્યા કરે. પેશાબની અંદર ગ્લુકોઝ વધારે જવાના કારણે પેશાબની અંદર વારંવાર ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય. 

ગ્લુકોઝ સેલમાં જઈ શકતો ન હોવાને કારણે આપણું શરીર એનર્જી મેળવવા માટે તમારી પાસે જે રિઝર્વ ચરબી પડી છે તેનો ઉપયોગ કરે. તેથી તમારું વજન ઘટવા માંડે. જો તમારા શરીરમાં ઇન્સ્યુલિન ઓછું હોય તો તે ગ્લુકોઝને શરીરમાં ધકેલી શકતું નથી તેથી શરીર એનર્જી માટે ચરબીનો ઉપયોગ કરે. પરંતુ અમુક વ્યક્તિના શરીરની અંદર ઇન્સ્યુલિન હોય છે અને તે પણ વધારે માત્રામાં હોય છે પરંતુ તે ઇન્સ્યુલિન કામ કરી શકતું નથી તેવી વ્યક્તિ કાર્બોદિત પદાર્થ વધારે લે તો તેનું વજન વધી જાય કારણ કે તે કાર્બોદિત પદાર્થ ને તે ચરબીમાં રૂપાંતરિત કરી કાઢે. તેથી અમુક વ્યક્તિનું ડાયાબિટીસમાં વજન ઘટે છે અને અમુક વ્યક્તિનું ડાયાબિટીસમાં વજન વધે છે તેનું આ કારણ છે. 

ડાયાબિટીસ ના કારણે કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે? 

  1. ડાયાબિટીસની અંદર ગ્લુકોઝનું પ્રમાણ લોહીની અંદર વધી જવાના કારણે નાની-નાની નસો એટલે કે કેપીલરીને ઇજા પહોંચે છે જેના કારણે અલગ અલગ અંગોમાં તે નુકસાન પહોંચાડે છે. જેમ કે કિડની ની અંદર નાની-નાની નસનળીઓ તૂટે તો કિડનીને નુકસાન કરે. તે જ પ્રમાણે આંખની અંદર નાની-નાની નસનળીઓ તૂટે તો નવી નસનાડીઓ પેદા થાય જેના કારણે આંખની અંદર પ્રેશર વધી જાય. રટાઈના ડીટેચ થાય તો અંધાપો આવવાની શક્યતા રહે. આંખના લેન્સ માંથી પાણી ચૂષી કાઢવાના કારણે મોતિયો આવવાની શક્યતા વધી જાય. આંખની અંદર પાણીનું પ્રેશર વધી જવાના કારણે આંખની અંદર દુખાવો થવાની શક્યતા વધી જાય. માથું દુખે પણ દુખે.
  2. ગ્લુકોઝ વધી જવાના કારણે તથા ઇન્સ્યુલિન ન હોવાને કારણે ગ્લુકોઝ નો ઉપયોગ ન કરી શકવાના કારણે શરીરને એનર્જી માટે ચરબી ની જરૂર પડે તે ચરબી માંથી આડ પેદાશ તરીકે કીટોન બોડી પેદા થાય. શરીરમાં તે કીટોન બોડી નું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ બેભાન થઈ જાય. તેના શ્વાસોશ્વાસ માંથી ખટાશવાળી વાસ આવે. આવા વ્યક્તિને ગ્લુકોઝ આપવાથી ફાયદો ન થાય પરંતુ ઇન્સ્યુલિન આપીને તે વધારાના ગ્લુકોઝને ઠેકાણે પાડવો પડે. 
    અમુક દર્દી ઇન્સ્યુલિન કે ગોળી લેતા હોય અને વધારે એક્સરસાઇઝ કરે અથવા તો ટાઈમે ખાવાનું ન ખાય તો તેનું ગ્લુકોઝ ઘટી જાય ત્યારે પણ વ્યક્તિ બેભાન થઈ જાય. આ વ્યક્તિને ગ્લુકોઝ આપવાથી સારો થઈ જાય. એટલા માટે ડાયાબિટીસના દર્દીને કંઈક ગળી વસ્તુ પોતાની જોડે રાખવાની સલાહ આપવામાં આવે છે. કોઈક વખત સુગર ઓછું થઈ જાય તો તેને ચક્કર આવવાની શરૂઆત થાય ત્યારે તે ચોકલેટ કે સુગર લઈ લે જેથી કરીને તે બેભાન થતો અટકી જાય. ડાયાબિટીસના દર્દીએ પોતાના ખિસ્સામાં પોતાનું ઓળખ કાર્ડ રાખવું તેમાં તેને ડાયાબિટીસ છે તેવી માહિતી રાખવી જેથી કરીને તે બેભાન થઈ જાય ત્યારે તેમને તાત્કાલિક સારવાર પણ મળે અને તમારા ઘરે પણ કોઈ મૂકી જાય.
  3. ડાયાબિટીસના દર્દીને બ્લડ પ્રેસર તથા હૃદય રોગની શક્યતા વધી જાય. શરીર જ્યારે ગ્લુકોઝ નો ઉપયોગ એનર્જી સોર્સ તરીકે ન કરી શકે ત્યારે ચરબીનો ઉપયોગ કરી. તે ચરબી લોહીમાં ભરવાથી કોલેસ્ટ્રોલ થવાની શક્યતા વધી જાય. જેના કારણે બ્લડપ્રેશર પણ થાય અને હૃદયને ઓછો સપ્લાય મળે તો હાર્ટ એટેક આવવાની પણ શક્યતા વધી જાય. ઘણી વખતે વધારે પડતો ઇન્સ્યુલિન વધારે કોલેસ્ટ્રોલ પેદા કરે. ઘણીવાર લાંબા ટાઇમનો ડાયાબિટીસ હ્રદયની ચેતાને પણ નુકસાન પહોંચાડે જેના કારણે વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે તેને દુખાવો પણ ના થાય અને વ્યક્તિ મૃત્યુ પામે. 
  4. વધારે પડતો ગ્લુકોઝ આપણા ચેતાતંત્રને પણ નુકસાન કરે. ચેતા ની નાની નાની લોહીની નશો તૂટવાના કારણે તે ચેતાઓ બરોબર કામ ન કરે જેના કારણે તમને પગની અંદર જનજનાટી થાય કોઈ ચૂંટલી ભરે તો તમને ખબર ન પડે, પગમાં કાંટો વાગે તો પણ તમને ખબર ન પડે. તેથી ડાયાબિટીસના દર્દીએ ધ્યાન રાખીને ચાલવું તથા શરીરમાં ગ્લુકોઝ વધારે હોવાના કારણે તેને ચેપ પણ લાગવાની શક્યતા વધી જાય.ઘણી વખત આખો પગ પણ કપાવવો પડે. 
  5. ડાયાબિટીસના દર્દીને ચામડીના રોગ થવાની શક્યતા વધી જાય. ગ્લુકોઝ વધારે હોવાના કારણે તેને ચેપ  વારંવાર લાગે. તેને ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર વગેરે થવાની શક્યતા વધી જાય.
  6. ડાયાબિટીસ આંતરડાની ચેતાઓ  પણ નુકસાન કરે તેના કારણે તેના આંતરડા બરોબર કામ ન કરે તેથી તેમને કોન્સ્ટિપેશનની પણ સમસ્યા થઈ શકે. 
  7. ડાયાબિટીસના દર્દીને પ્રેગ્નન્સી રહે તો તેને કસુવાવડ થવાની શક્યતા, બાળક ખોડખાંપણ વાળું આવવાની શક્યતા, બાળક વધારે વજન વાળું આવવાની શક્યતા, જન્મ પછી બાળકની અંદર ગ્લુકોઝ ઓછું થઈ જવાની શક્યતા તથા અધૂરા મહીને સુવાવડ થવાની શક્યતા વધી જાય છે.

મોટી ઉંમરનો ડાયાબિટીસ થવાના કારણો.

  1. 35  40 વર્ષ પછી આવતા ડાયાબિટીસનું મહત્વનું કારણ તે એક્સરસાઇઝનો અભાવ છે. જો તમે નિયમિત એક્સરસાઇઝ કરો પોતાની જાત માટે એક કલાક કાઢો તે દરમિયાન ઝડપથી ચાલો અથવા તો યોગ કરો અથવા તો તમને ગમતી કોઈપણ એક્સરસાઇઝ કરો તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.અને તમને ડાયાબિટીસ થયો હોય તો તે સારી રીતના કંટ્રોલ થઈ શકે. નિયમિત એક્સરસાઇઝ કરવાથી તમારું વજન પણ ઘટે તેથી તમારા સેલ ઉપર જે ચરબી ચોંટી ગઈ છે તે ત્યાંથી દૂર થાય તેથી તમારી અંદરનો  જ ઇન્સ્યુલિન બરોબર કામ કરવા માંડે. ઇન્સ્યુલિનની સેન્સિટી વધી જાય. તેથી ડાયાબિટીસના દર્દી માટે એક્સરસાઇઝ કરવી તે ખૂબ જ જરૂરી છે. 
  2. બીજું વધુ પડતુ કાર્બોદિત પદાર્થ ખાવાના કારણે પણ ડાયાબિટીસ વધી જાય. આપણા શરીરને મહત્તમ એનર્જી કાર્બોદિત પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ માંથી મળે. પરંતુ ડાયાબિટીસના દર્દીએ જો કાર્બોહાઈડ્રેટ્સ લેવો જ હોય તો કોમ્પ્લેક્સ સ્વરૂપમાં લેવો. મતલબ કે જો તમારે ગળ્યું ખાવું જ હોય તો તમે તે ગળ પણ ફળફળાદી માંથી, આખા અનાજમાંથી, મધ, ખજૂર, સલાડ માંથી લઈ શકો કારણ કે તેની અંદર ગ્લુકોઝ તમારા લોહીમાં ધીરે ધીરે ભળે અને તે ગ્લુકોઝને ઠેકાણે પાડવા માટે ઇન્સ્યુલિનને પૂરેપૂરો ટાઈમ મળે. ડાયાબિટીસના દર્દી એ રિફાઇન સુગર એટલે કે ખાંડ માંથી બનેલી વસ્તુઓ લેવી જોઈએ નહીં. જેમકે ઠંડા પીણા, મીઠાઈ, આઈસ્ક્રીમ ન લેવા કારણકે તેની અંદર સુગર જે હોય તે વધારે કોન્ટીટીમાં હોય અને લોહીની અંદર તરત તેનું પ્રમાણ વધારી દે. તો તે વધેલા પ્રમાણને ઠેકાણે પાડવા માટે વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે. તમારી જોડે ઓછું ઇન્સ્યુલિન છે તેથી રિફાઇન સુગર આપણા ડાયાબિટીસના દર્દી માટે બહુ જ ખરાબ. જો તમારે ચા પીવી હોય તો સુગર ફ્રી વાળી ચા પીવી  જેની અંદર તમને કેલરી ન મળે ખાલી ગળપણ મળે. 
    ડાયાબિટીસના દર્દીએ ગળ્યા ફળો બને ત્યાં સુધી લેવા નહીં ખાટા ફળો તમે લઈ શકો. 
  3. અમુક લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે. ખોરાકમાં પણ ધ્યાન રાખે છે તેમ છતાં પણ ડાયાબિટીસ થાય છે તેનું મેઈન કારણ છે તણાવ. વ્યક્તિ બહુ તણાવ માં રહેતો હોય, બહુ ગુસ્સો કરતો હોય, નફરત કરતો હોય,બહુ ચિંતા કરતો હોય નેગેટિવ વિચારો કરતો હોય તો તે વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. કારણ કે જ્યારે પણ તમે ચિંતામાં હોવ છો, તણાવમાં હોવ છો, ગુસ્સામાં હોવ છો ત્યારે આપણા શરીરમાંથી કોર્ટિઝોલ નામનો અંતઃસ્ત્રાવ નીકળે જે ગ્લુકોઝનું લેવલ વધારી દે તથા તમારા પેન્ક્રીયાસના બીટા સેલ ને પણ નુકસાન કરે જેના કારણે તમને ડાયાબિટીસ થાય. તો ડાયાબિટીસના દર્દીએ હંમેશા તણાવ ઓછો કરવો. લાઇફ સ્ટાઇલ એવી રાખવી કે જેથી મન શાંત રહે. 
  4. ડાયાબિટીસના દર્દીએ વધારે રેશા વાળો એટલે કે ફાઇબર વાળો ખોરાક લેવો જોઈએ. રેશા આપણને લીલા શાકભાજી તથા સલાડ માંથી મળે. તે ઉપરાંત મેથી તથા ઇસબગુલ વગેરેમાંથી પણ મળે. તે રેશા આતરડામાં જઈને પાણીને શોખે અને તમારા આંતરડાને સાફ કરવામાં મદદરૂપ થાય તથા ચરબી અને ગ્લુકોઝનું શોષણ અટકાવે, કોલેસ્ટ્રોલ ઓછો કરે, વજન ઘટાડે. જે લોકોને મેથી કડવી લાગતી હોય તો રાત્રે તેને પાણીમાં પલાળી કાઢો તેથી તે કડવાશ પાણીમાં જતી રહેશે. પછી તે પલાળેલા દાણા ને ચાવીને ખાઓ તમને કડવી નહીં લાગે. મેથી નો પાવડર બનાવી દો  થોડા પાણીમાં તે પાઉડર નાખો અને એક ગુંટ સાથે પી જાઓ પછી તેના ઉપર પાણી પી જાઓ કડવી નહીં લાગે. તેમાં તમે જીરું કે અજમો પણ નાખી શકો છો.
    મેથી, લીમડાના પત્તા તથા કારેલામાં ઇન્સ્યુલિન જેવા થોડા પદાર્થો હોય છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ એકલા તેના ઉપર જ આધાર રાખવો નહીં.

તમે જો નિયમિત એક્સરસાઇઝ કરો અને જો તમારા ખોરાકમાં બરોબર ધ્યાન રાખો અને જો તમે તણાવ ન લો તો ડાયાબિટીસને સારી રીતના કંટ્રોલ કરી શકાય. જો તમે તમારા સુગરને બરોબર કંટ્રોલમાં રાખો તો ઉપરના મોટાભાગના કોમ્પ્લીકેશનથી તમે બચી શકો તેમ છો. ડાયાબિટીસ આપણી ખરાબ લાઇફ સ્ટાઇલને કારણે આવ્યો છે તો તેની સારવાર પણ લાઈફ સ્ટાઈલ સુધારીને જ કરવી પડે. ઉપરની તમામ વસ્તુઓ કરવા છતાં ડાયાબિટીસ કંટ્રોલ ન થાય ત્યારે દવાઓ તથા ઇન્સ્યુલિનનો સહારો લેવો જોઈએ. કોઈપણ દવાઓ કે અખતરા ડોક્ટરની સલાહ વગર કરવા નહીં. 

પોતાની જાત માટે એક કલાક કાઢો તે દરમિયાન તમને મન પસંદ એક્સરસાઇઝ કરો કઈ ન આવડે તો થોડું ઝડપથી ખુલ્લા બગીચામાં ચાલીને આવો. તેમ કરવાથી તમારી ઇન્સ્યુલિનની સેન્સિટી વધી જશે. ઘરના બધા જ કામ પોતાની જાતે કરવાની ટેવ પાડો, ઓફિસ નજીક હોય તો ચાલતા જાવ, શાકભાજી લેવા માટે પણ ચાલતા જાવ, જેથી કરીને તમને નિયમિત એક્સરસાઇઝ મળી રહે. 

બને ત્યાં સુધી ગળ્યા પદાર્થોથી દૂર રહો. 

તણાવ દૂર કરવા માટે નિયમિત સવાસન, મેડીટેશન, યોગ નિંદ્રા, પ્રાણાયામ કરો. 

નિયમિત તમારા ડાયાબિટીસની તપાસ કરાવતા રહો. જ્યારે પણ ડાયાબિટીસની તપાસ કરાવો ત્યારે ત્રણ મહિનાનો એવરેજ ગ્લુકોઝ એટલે કે ગ્લાયકોઝિલેટેડ હિમોગ્લોબીન(HBA1C) વાળો રિપોર્ટ કઢાવો. તે તમારો સાચો રિપોર્ટ છે. જેનું લેવલ 5.7 થી ઓછું હોય તેને ડાયાબિટીસ નથી તેમ કહી શકાય. 5.7 થી 6.4 ની વચ્ચે હોય તો તેને પ્રિ ડાયાબિટીસ કહેવાય. તેને ડાયાબિટીસ થવાની શક્યતા છે તેમ કહેવાય. એવા ઘણા બધા લોકો છે કે જેને ક્લિયર કટ ડાયાબિટીસ નથી પરંતુ પ્રિ ડાયાબિટીસની રેન્જમાં છે. જો પ્રિ ડાયાબિટીસવાળા વ્યક્તિને નિયમિત એક્સરસાઇઝ કરાવવામાં આવે અને ખોરાકમાં ધ્યાન આપવામાં આવે તો તે ડાયાબિટીસનો દર્દી થતા બચી જાય.

 6.5 અને તેનાથી ઉપર હોય તો તેમને ચોક્કસપણે ડાયાબિટીસ છે તેમ કહેવાય. જમ્યા પછી નો ડાયાબિટીસમાં તમે બધા  જે દિવસે ડાયાબિટીસનો રિપોર્ટ કઢાવવાનો હોય તે દિવસે તમે ઓછું ગળ્યું ખાઈને જાવ છો જેથી તમારો રિપોર્ટ ખોટો આવવાની શક્યતા વધી જાય છે. ભૂખ્યા પેટે તથા જમ્યા પછીનો ડાયાબિટીસનો રિપોર્ટ ડોક્ટર પોતાની દવાઓ તથા ઇન્સ્યુલિનને સેટ કરવા માટે વાપરતા હોય છે. ત્રણ મહિનાનો એવરેજ ગ્લુકોઝ વાળો રિપોર્ટ કઢાવો તેમાં ત્રણ મહિના દરમિયાન તમે જે પણ ગળ્યું ખાધું છે તેની એવરેજ તેની અંદર આવી જાય.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામનાઓ સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. જો તમને લેખ પસંદ પડે તો લાઈક શેર અને કોમેન્ટ નીચે આપેલી લિંકમાં અથવા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

3 responses to “ઉંમર સાથે આવતો ડાયાબિટીસ એટલે શું? તેનું નિરાકરણ કેવી રીતના કરી શકાય? ”

  1. Nice Knowledge

    Like

  2. very nnice information

    Like

  3. Good information .

    Anil patel

    Pramukh Rajdhani Tenaments

    Like

Leave a comment

Trending