પહેલાની સરખામણીમાં આજના યુવાનો જોડે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં સતત તણાવ ભરી સ્થિતિમાં કેમ રહે છે? ડિપ્રેશન તથા એંજાયટી(વધુ પડતી ચિંતા કે તણાવ) નો અનુભવ શા માટે કરે છે? અને ઘણી વખત તો સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કરે છે. તો આવી નાજુક પરિસ્થિતિ કેમ ઊભી થઇ એની પાછળ કયા પરિબળો જવાબદાર છે. તેના ઉપાયો શું છે. આપણે કેવા યુવાનો જોઈએ છે. તેના ઉપર મનન ચિંતન કરતાં આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

આ વિષય ઉપર મનન ચિંતન કરતા મારી સમક્ષ જે મુદ્દાઓ આવ્યા જે તમારી સમક્ષ રજૂ કરું છું. 

  1. પ્રથમ મુદ્દો એ છે કે આપણને દરેક વસ્તુમાં જીતવાની ટેવ પડી ગઈ છે. હંમેશા જીત જ જોઈએ છે. પરંતુ જિંદગી એ રીતના નથી ચાલતી. ઘણી વખત સફળતા મળે  અને ઘણી વખત મહેનત કરવા છતાં પણ નિષ્ફળતા મળે. કારણ કે સફળતાનો અને નિષ્ફળતાનો આધાર એકલો પોતાના ખુદના ઉપર ન રહેતા તેમાં બહારના પરિબળો  પણ જવાબદાર હોય છે. આ દુનિયામાં આવીને આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપના દ્વારા કઈ વસ્તુ કંટ્રોલ કરી શકાય તેમ છે અને કઈ વસ્તુ આપણા કંટ્રોલ બહારની છે. જે વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ તેના ઉપર કામ કરો અને જે વસ્તુ આપણે કંટ્રોલ કરી નથી શકતા તેનો સ્વીકાર કરો. જેમ કે સારું ભણીને ડિગ્રી મેળવવી તે આપણા હાથની વસ્તુ છે. પરંતુ ડિગ્રી મેળવ્યા પછી નોકરી જલ્દી મળે કે ન મળે તે આપણા હાથની વસ્તુ નથી. આપણું કામ તે દિશામાં પ્રયત્ન કરવાનું છે. બાકીનું ભગવાન ઉપર છોડીને આગળ વધતા જાઓ.જો આવો અભિગમ રાખશો તો ડિપ્રેશન નહીં આવે. 
  2. બીજો પોઇન્ટ તે છે કે આપણે આપણા બાળકોને તકલીફમાંથી પસાર થવા દીધા જ નથી. પાણી માગ્યું છે ત્યારે દૂધ આપ્યું છે. રસ્તાના પથ્થરો તેને જાતે હટાવવાના હતા પરંતુ તમે હટાવ્યા છે. જ્યારે પણ તકલીફ પડી છે ત્યારે મા બાપ આગળ આવી ગયા છે. તેથી આપણા બાળકો નાની સમસ્યાઓમાં પણ હતાશ થઈ જાય છે. મોટાભાગે અમીર કુટુંબમાંથી આવતા બાળકો વધારે આપઘાત કરે છે. પરંતુ જે બાળકો ગરીબ કુટુંબમાંથી આવતા હોય તે લોકો ઓછો આપઘાત કરે છે. કારણ કે તે ઘણી બધી તકલીફો સહન કરીને તે બહાર આવ્યા હોય છે. તેથી બાળકોને તેની જાતે કામ કરવા દો. જાતે નિર્ણય લેવા દો. ભલે કોઈક વખત નિષ્ફળ જાય કોઈક વખત થોડું નુકસાન થાય પરંતુ તે તેમાંથી શીખી લેશે. ખાલી તમે તેની સાથે રહો. સફળતા કરતાં નિષ્ફળતા માણસને વધુ શીખવી જાય છે. ખાલી તમે તેને અહેસાસ કરાવો કે તમે તેની સાથે છો.
  3. આપણે એકબીજા ના બાળકોની કમ્પેરીઝન બહુ કરીએ છીએ. કોમ્પિટિશન કરો તેમાં બહુ વાંધો નથી પરંતુ કમ્પેરીઝન કરવામાં ઘણીવાર અમુક બાળક બીજા બાળકથી ઇન્ફીરીયારીટી કોમ્પ્લેક્સ અનુભવતું હોય છે. ઘણીવાર આપણા જ ઘરમાં ભાઈ બેન વચ્ચે એક હોશિયાર હોય ને બીજું થોડું ઓછું હોશિયાર હોય ત્યારે આપણે જે હોશિયાર હોય તેને જ માન અને સન્માન આપતા હોઈએ છીએ. જેના કારણે બીજા બાળક ઉપર માનસિક અસર થાય છે. તે બાળક આગળ જતા કઈ કરી શકતું નથી. તેથી ડિપ્રેશન અને anxiety નો અનુભવ કરે છે. બંનેના અસ્તિત્વ તથા વ્યક્તિત્વ ને માન આપવું જોઈએ.
  4. અત્યારે આપણે આપણા સ્ટાન્ડર્ડ હાઇ કરી નાખ્યા છે. તમે તમારું જીવન ધોરણ જ એટલું કોમ્પ્લીકેટેડ બનાવ્યું છે કે ઓછા પગારમાં તે પહોંચી શકે તેમ નથી. તેથી યુવાનો તણાવનો અનુભવ કરે છે. આપણે આપણી બેઝિક જરૂરિયાતો કઈ છે અને આપણી ઈચ્છાઓ કઈ છે તે વચ્ચે ફરક પાડતા શીખવું પડશે. આપણી બેઝિક નીડ ખાવું પીવું અને શ્વાસ લેવો છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. આપણી બેઝિક જરૂરિયાતો ભગવાન ખૂબ જ સરળતાથી પૂરી કરી શકે  છે અને તમારી જોડે તથા તમારા માતા-પિતા જોડે એટલું તો છે કે તમે ભૂખ્યા નથી મરવાના. તો પછી ચિંતા શા માટે કરવાની. જે બાળકો અમીરીમાં ઉછળ્યા છે તેમને જ્યારે ગરીબી આવે ત્યારે તેમાંથી પસાર થવું થોડું મુશ્કેલ લાગે છે. વિદેશોમાં વસતા બાળકો માટે તેમની લાઇફસ્ટાઇલને વળગી રહેવા માટે બંને લોકોએ કામ કરવું પડે બેમાંથી એક પણ જો કામ ન કરે તો કદાચ તકલીફ ઊભી થાય.
  5. અત્યારના યુવાનો આળસુ બહુ છે પોતાની જાત માટે ટાઈમ કાઢતા નથી રેગ્યુલર એક્સરસાઇઝ કરતા નથી. ખોરાક પ્રત્યે બેધ્યાન છે. રાત્રે મોડા સુઈ જાય છે અને સવારે મોડા ઉઠે છે. જો તમે નિયમિત એક્સરસાઇઝ કરતા હોવ તો તમારા મગજની અંદર સારા હેપી કેમિકલ રિલીઝ થાય જેના કારણે તમારા મનને સારું લાગે તમારી અંદર સ્ફૂર્તિ નો અહેસાસ થાય. ડિપ્રેશન અને એન્જોયટી ન આવે. ડિપ્રેશન એન્ઝાઈટી અને આપઘાત નું મેઈન કારણ આ હેપ્પી કેમિકલ ઘટી જવું છે. જ્યારે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણા મગજમાંથી હેપ્પી કેમિકલ રિલીઝ થાય છે જેવા કે સેરોટોનિન એન્ડોરફીન, ડોપામીન વગેરે વગેરે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાવ ભૂખથી બે કોળિયા ઓછું ખાઓ. 50% રાંધેલું ખાઓ અને  50 ટકા ફળ ફરાળી અને સલાડ ખાઓ. તો તમને જરૂરી વિટામીન પણ મળી રહે અને આળસ પણ ઓછી આવે. રાત્રે વહેલા સુઈ જઈને સવારે ચાર વાગ્યે ઉઠવું જોઈએ. એ આપણી બાયોલોજીકલ ક્લોક છે. પરંતુ આપણે આપણી પ્રોફેશનલ કલોક પ્રમાણે જીવવા જઈએ છીએ તેમાં પ્રોબ્લેમ થાય છે. આપણા શરીરને જરૂર હોય તેટલો જ ખોરાક આપો. તેનાથી વધારે કેલરી ઓબેસિટી પેદા કરે. વધારે ખવડાવી દેવાનો કોન્સેપ્ટ બહુ ખરાબ છે.
  6. આજકાલના યુવાનોનું મોટાભાગે  કોન્સન્ટ્રેશન ભણવા ઉપર અને મોટો પગાર મેળવવામાં કે શોર્ટ ટાઈમમાં વધારે પૈસા કમાવી લેવામાં  હોય છે. તેમાં કંઈ ખોટું નથી પરંતુ તેની સાથે સાથે થોડી રમતગમત, એક્સરસાઇઝ, સારા સાહિત્યનું વાંચન, ખાસ કરીને સેલ્ફ હેલ્પ ની બુકોનું વાંચન પણ હોવું જોઈએ. આધ્યાત્મિક વાંચન, સારી જીવનશૈલી, પોતાના શોખ માટે સમય કાઢવો એટલું જ જરૂર છે. તેનું બેલેન્સ રાખીને કામ કરવામાં આવે તો ઘણું બધું સારું કામ થઈ શકે તેમ છે. પૈસા મેળવવાની દોટમાં આ જે મહત્વનું છે તે રહી જાય છે. 
  7. હવે મોટાભાગના યુવાનો ભણવા માટે કે નોકરી ધંધો માટે માટે વિદેશ જતા રહે છે. ત્યાં જઈને તે બધા જ કામ કરે છે. પરંતુ તે જ કામ અહીં કરવામાં તેમને શરમનો અનુભવ થાય છે. દેશના અને વિદેશના દરેકના ફાયદા અને ગેરફાયદા છે. 
  8. મોટાભાગના યુવાનો પોતાના માતા પિતા જોડે ખુલ્લા દિલથી ચર્ચા કરી શકતા નથી. કારણ કે મા બાપ અને બાળક વચ્ચે ચર્ચા નો માહોલ ન સર્જાતા સલાહઓનો માહોલ સર્જાય છે. બાળક અને મા બાપ વચ્ચે સંવાદ થવો જોઈએ. પરંતુ તેવું થતું નથી. હંમેશા મા બાપ સલાહ ના મૂડમાં હોય છે. બાળકની વાતને પૂરેપૂરી સમજ્યા વગર તેને સલાહ આપવા માંડે છે. બાળકને  કોઈપણ જાતના જજમેન્ટ કર્યા વગર પોતાની વાતને સાંભળે તેવા વ્યક્તિની જરૂર હોય છે. પરંતુ તે માહોલ તેને મળતો નથી તેથી તે તમારી જોડે વાત કરવાની જગ્યાએ તેના દોસ્ત જોડે વધારે સારી રીતના વાત કરી શકે છે. દોસ્ત જેવો છે તેઓ તેને સ્વીકારે છે. તો દરેક મા બાપે નોન જજમેન્ટટલ થઈને બાળકની વાત સાંભળવી જોઈએ. દરેક મા-બાપે પોતાના બાળકના અસ્તિત્વનું અને વ્યક્તિત્વનું સન્માન કરવું જોઈએ. બાળકો મા-બાપને દુશ્મન સમજે છે. એક કાર ચલાવવા કે વિમાન ચલાવવા માટે લાયસન્સ જોઈએ પરંતુ આપણે વગર લાયસન્સ એ  મા બાપ બની ગયા છીએ. આઈડિયલી તો દરેક મા-બાપે મા બાપ બનતા પહેલા લાઇસન્સ લેવું જોઈએ. આપણે બાળકનું હિત ઇચ્છીએ છીએ પરંતુ ઘણી વખત આપણને જ ખબર નથી હોતી કે આપણા વર્તનના કારણે બાળકને નુકસાન થાય છે. 
  9. બાળકોમાં પણ એવું છે કોઈ બહારનો વ્યક્તિ તેને કંઈ પણ કહી જાય તો તે બહુ  ખોટું લગાડતા નથી પરંતુ મા બાપ કઈ કહે તો તરત ખોટું લાગે છે. આ ખરાબ રવૈયો છે.
  10. આ દુનિયાના મોટાભાગના સાહિત્યકારો તથા મહાન માણસો તથા સફળ બિઝનેસમેનો એ પોતાના જીવન દરમિયાન ડિપ્રેશન અને એન્જોયટીંગ નો સામનો કરેલો હોય છે અને તેમાંથી તેઓ બહાર આવ્યા હોય છે. મોટાભાગના લેખકો ડિપ્રેશનનો શિકાર બન્યા પછી સારા લેખક તથા સાહિત્યકાર બન્યા છે. તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે તેમાં થી બહાર નીકળવા માટે  પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. હજુ આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવી શકે તો તે પરિસ્થિતિમાં આપણી જાતને કેવી રીતના સાચવવી, શારીરિક તથા માનસિક રીતે કેવી રીતના સ્વસ્થ રહેવું તેના વિશે રેગ્યુલર સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. તેને સત્સંગ કહેવાય. સારી વસ્તુના સંગમાં રહેવાથી તેના ગુણો આપણી અંદર આવે છે.  
  11. નિયમિત મેડીટેશન કરો. રાત્રે સૂવો ત્યારે સવાસન કરીને સૂવો. શરીરના તમામ અંગોને ઢીલા છોડી દો, રાત્રે સુવો ત્યારે આંખો બંધ કરીને શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ. વિચાર આવે તો આવવા દો જાય તો જવા દો. વિચાર જોડે કનેક્ટ ન થાઓ. વિચારોને સાક્ષીભાવે જુઓ. તેવું 10 થી 15 મિનિટ કરવાથી તમને સરસ મજાની ઊંઘ પણ આવી જશે અને આખા દિવસ દરમિયાન જે કંઈ ચિંતા તણાવ ના કારણે આપણા જે હોર્મોન્સ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા તે નોર્મલ થઈ જશે. ટ્રેસ હોર્મોનનું લેવલ ઘટી જશે. મગજમાંથી હેપ્પી કેમિકલ રિલીઝ થશે. 10 થી 15 મિનિટનું સવાસન કે મેડીટેશન એ ત્રણથી ચાર કલાકની ઊંઘ બરોબર કહેવાય. સવાસન કરીને જ ઊંઘવાની ટેવ પાડવી.
  12. યુવાનોમાં આ સમયમાં સામાન્ય બ્રેકઅપ થાય તો પણ તેઓ નાસીપાસ થઈ જાય છે. કોઈ છોકરી કે છોકરો એકબીજાને પ્રેમ કરે તે સારી વસ્તુ છે. પરંતુ પ્રોબ્લેમ ત્યાં શરૂ થાય છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ તેને આપણી પ્રોપર્ટી માનવા લાગીએ છીએ. તે છોકરો કે છોકરી બીજા છોકરા કે છોકરી જોડે વાત કરે તો આપણને ખોટું લાગે છે. તેવું ના થવું જોઈએ.સ્ત્રી અને પુરુષે સાથે કામ કરવું પડશે. ત્યારે સામાન્ય વાતચીત તથા વ્યવહાર થાય તે આપણે સ્વીકારવું પડશે. બંને વ્યક્તિએ એકબીજાની લાગણીઓને માન આપવું પડશે. હવે આ સમયમાં ભલે લગ્ન આપણે એકબીજા જોડે કર્યા હોય પરંતુ કોઈક વખત પ્રેમ સંબંધો બીજા જોડે પણ થવાની શક્યતા રહેલી છે. પ્રેમ સંબંધ થયો અને કોઈ કારણસર અથવા તો માતા-પિતાની પરવાનગી ન મળે અને કદાચ છૂટા પડવાનું થાય તો પ્રેમથી છુટા પડી જવાનું.  તેમાં કઈ દુનિયા ઉંધી પડી જવાની નથી. એમાં કઈ એસિડ કે ઝેર ઘટ ઘટાવાની જરૂર નથી. તેનો બદલો લેવા માટે બીજા ઉપર  એસિડ ફેંકવાનો કે તેને હેરાન કરવાનો કોઈ મતલબ નથી. આપણે તેમ માનવાનું કે તે પાત્ર આપણા માટે નહોતું. જિંદગી કોઈ પણ પ્રિયજનના ચાલી જવાથી રોકાઈ જતી નથી. જો આપણે ખરેખર તે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ તો તેની ખુશીમાં આપણી ખુશી હોવી જોઈએ પછી તે આપણી સાથે હોય કે બીજાની સાથે હોય તેમાં કોઈ ફરક પડતો નથી.
  13. યુવાનોએ તથા માતા પિતાએ તથા બધા લોકોએ સાચા અર્થમાં spiritual બનવાની જરૂર છે. Spiritual નો મતલબ ઢીલા ટપકા કરવા તેઓ નથી. પરંતુ ભગવાનના જે સાતે સાત ગુણ છે તે સાત ગુણ આપણી અંદર ઉતારીને તે પ્રમાણે જીવવું તે છે. તે ગુણોને આપણા સંસ્કાર બનાવવાના છે. તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સારી રીતના જીવી શકો. કોઈપણ ખરાબ પરિસ્થિતિ, ખરાબ વિચાર કે ખરાબ લાગણી તમારું કંઈ પણ ન બગાડી શકે.

    પરમાત્મા ના સાત ગુણ તેમાંનો એક છે તે પ્રેમ સ્વરૂપ છે. કોઈપણ વ્યક્તિને તે જેવો છે તેવો જ સ્વીકાર કરો ત્યારે જ તમે તેને પ્રેમ કરી શકો. આ દુનિયાને બદલવાની જરૂર નથી અને ગમે તેટલા પ્રયત્ન કરશો તો તે બહુ બદલાશે પણ નહીં. પરંતુ પોતાની જાતને બદલવી બહુ સહેલી છે. દરેક વ્યક્તિના અસ્તિત્વનો તથા વ્યક્તિત્વનો સ્વીકાર કરો. ભગવાન આતંકવાદીઓને પણ ખાવા પીવાનું આપે છે. સૂર્યપ્રકાશ આપે છે. હવા પાણી આપે છે. તે કોઈ ભેદભાવ કરતો નથી. તો આપણે પણ પરમાત્માનો આ ગુણ ધારણ કરીને પ્રેમ પૂર્ણ બનીયે કરુણાવાન બનીએ.

    બીજો ગુણ છે ભગવાન શાંતિના સાગર છે. આપણે પણ શાંત રહીએ. વર્તમાનમાં જીવીએ. મોટાભાગના માણસો ભૂતકાળની યાદોમાં જીવે છે કા તો  ભવિષ્યકાળના પ્લાનિંગમાં જીવે છે. વર્તમાનની ક્ષણોને માણી શકતા નથી. વર્તમાનમાં રહેવું તેનો મતલબ જ શાંતિ. મેડીટેશન તમને વર્તમાનમાં રહેતા શીખવાડે છે. વિચારોની ગતિ ઓછી કરવાનું કહે છે. સાક્ષી ભાવ કેળવવાનું કહે છે. તમારા દરેક વિચાર, દરેક લાગણી, તમે જે ખાવ છો તેની તમારા શરીર ઉપર શું અસર થાય છે તેનું સતત અવલોકન કરવુ. જે સારું છે તેને  ગ્રહણ કરવું અને ખરાબ છે તેને છોડી દેવું. તો તમને શાંતિનો અનુભવ થાય. શાંતિ તમારી અંદર પડેલી જ છે ખાલી અંદર તરફ જર્ની કરવાની છે. 

    ત્રીજું પરમાત્મા સુખ સ્વરૂપ છે. ગમે તેવી અગવડો કે સગવડો હોય પરંતુ હંમેશા ખુશ રહેવાનો ગુણ કેળવવો. ઘણા બધા લોકો જોડે ઘણી બધી સુખ સગવડો હોવા છતાં તેઓ દુઃખી છે અને ઘણા બધા લોકો જોડે સુખ સગવડો ના હોવા છતાં તે ખુશ છે. તો ખુશ રહેવું તે પરમાત્માનો ગુણ છે તે આપણે ધારણ કરવનો છે. 

    ચોથો ગુણ છે. પરમાત્મા શક્તિ સ્વરૂપ છે. આપણે આપણા ખોરાકમાં ધ્યાન રાખીને નિયમિત કસરત કરીને હંમેશા કાર્યશીલ રહીને પોતાના શરીરને સક્ષમ બનાવવાનું છે. કર્મ કર્યા વગર આ દુનિયામાં કશું મળતું નથી. સપના જોવાથી કે વિચારો કરવાથી કઈ ન મળે. કામ તો કરવું જ પડે. સખત મહેનત કરો. શરીરને એટલું કાર્યશીલ બનાવો કે રાત્રે સુતા ની સાથે જ ઊંઘ આવી જાય.

    પાંચમો ગુણ  પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મા બધું જ જાણે છે ક્યાં કેવી રીતના કામ કરવું.જ્ઞાન નો મતલબ અહિયાં પોતાની  વિવેક બુદ્ધિ તથા સમજણનો ઉપયોગ કરવો તેવો થાય. કઈ વસ્તુ તમારા માટે સારી છે કઈ વસ્તુ તમારા માટે ખરાબ છે તે વચ્ચેનો ભેદ પાડતા શીખો. સારી વસ્તુ ને ગ્રહણ કરતા જાવ અને આગળ વધતા જાવ. જ્ઞાન બે પ્રકારના હોય એક આપણા ધંધા માટે જે જ્ઞાન મેળવીએ તેને ઇન્ફોર્મેશન કહેવાય. અને બીજું જ્ઞાન એટલે સમજ વિવેક જે ભગવાને તમને આપી છે. 

    છઠ્ઠો ગુણ છે પવિત્રતા. તમે તમારા શરીરથી નિયમિત યોગ કસરત કરીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થાઓ. તમે તમારા ધંધાના સ્થરે પૈસા કમાવો પરંતુ જેટલા પૈસા લો તેટલી સામે સર્વિસ પણ આપો. સામેનો ગ્રાહક પણ જીતવો જોઈએ અને તમે પણ જીતવા જોઈએ. વિન વીન સિચ્યુએશન પેદા કરો. ધંધામાં પવિત્રતા રાખો. ભગવાનને પવિત્ર માણસો બહુ ગમે છે. ભલે લોકોને ખબર નથી પરંતુ તમારો અંદર બેઠેલો માંહ્યલો જાણે છે.

    સાતમો અને મહત્વનો ગુણ. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. આપણી જિંદગીનું અલ્ટીમેટ લક્ષ આનંદ મેળવવાનું છે. પરંતુ ઘણી વખત જીવનની આપા ધાપી માં આપણે જે વસ્તુ મેળવવા આવ્યા હતા તે જ ભૂલી જઈએ છીએ. તેની જગ્યાએ ડિપ્રેશન, એન્જોયટી, બ્લડપ્રેશર ડાયાબિટીસ લઈ આવીએ છીએ.શ્રી કૃષ્ણ ભગવાન તથા રામ ભગવાનના મોઢા ઉપર એકદમ હળવું સ્મિત છે. વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર બિરાજમાન છે. આ બધા જ ભગવાનને એટલી બધી તકલીફો પડી હોવા છતાં તેમના મોઢા ઉપરની સ્માઈલ ગઈ નથી. તે સ્માઈલ એટલે જ આનંદ. જો ભગવાનને આટલી બધી તકલીફ પડી શકતી હોય તો આપણે તો માણસ છીએ. ગમે તેવી પરિસ્થિતિ આવે તેનો નીડરતાથી સામનો કરો. હિંમત રાખો. 

    તો ઉપરના તમામ ગુણો કેળવીને જો આપણે જીવન જીવવા પ્રયત્ન કરીએ તો મોટાભાગના કામ, ક્રોધ, લોભ,મોહ, ઈર્ષા અહંકાર વગેરે તમારું કઈ ન બગાડી શકે.

    ઉપરના તમામ ગુણો તમને બ્રહ્માકુમારી વાળા સારી રીતના શીખવી શકે તેમ છે. એકવાર બ્રહ્માકુમારીની સંસ્થામાં જજો. તેમનું મેડીટેશન, તેમનો વ્યવહાર જોજો તમને આત્મસાત કરવાની ચોક્કસ ઈચ્છા થશે. કોઈપણ પ્રકારનો ક્રોધ કે દબાયેલી લાગણી ગમે ત્યારે રોગના સ્વરૂપમાં બહાર આવે છે. તમે જ્યારે કોઈના ઉપર ગુસ્સો કરો છો કે નફરત કરો છો ત્યારે તમારી હૃદયની ધમની ની અંદર ની દિવાલને નુકસાન પહોંચે છે. ત્યાં જઈને કોલેસ્ટ્રોલ જામી જાય છે. લોહીનો ગઠ્ઠો જામી જાય છે. તે તમારા યુવાની અવસ્થામાં હાર્ટ એટેકનું કારણ બને છે. સતત તણાવના કારણે આપણા શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થાય તે તમારા નોર્મલ સેલને પણ નુકસાન કરે છે. તે જ્યારે બીટા સેલ ને નુકસાન પહોંચાડે ત્યારે ડાયાબિટીસ થાય. ધમની ની દિવાલને નુકસાન પહોંચે ત્યારે ત્યાં કોલેસ્ટ્રોલ જામે એટલે બ્લડ પ્રેશર ની બીમારી થાય. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કે ડાયાબિટીસ થવાના આ  કારણો છે.
  14. આજના યુવાનો એ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનું મગજ નું બેલેન્સ ગુમાયા વગર ટકવાની તૈયારી રાખવી પડશે. હવેના જમાનામાં એક જ ફિલ્ડનું જ્ઞાન કામમાં ન પણ આવે. મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટી ટાસ્કિંગ  થવું પડશે. ક્રિએટિવ થવું પડશે. ઘણીવાર  જે ફિલ્ડ નું  તમે ભણ્યા હોય તે ભણતર પૂરું થાય ત્યારે તે ફિલ્ડની માગ જ ન હોય તેવી પરિસ્થિતિ પણ પેદા થાય. આ પરિસ્થિતિમાં પણ આપણે કેવી રીતના ટકી રહેવું તેના માટે પણ વિચાર કરવો પડશે. બીજા દેશોની કમ્પેરીઝનમાં આપણા દેશના યુવાનો નવી નવી શોધો કરવામાં ખૂબ જ પાછળ છે. ઇન્ડિયામાં રહેતો યુવાનો હોય અને પોતે પોતાની શોધ કરી હોય અને તેની પેટન્ટ નોંધાવી હોય તેવા ખૂબ જ ઓછા દાખલા છે. હવે આવું નહીં ચાલે. દુનિયા સામે ટકવું હોય તો ક્રિએટિવ બનવું પડશે, લીડરશીપના ગુણ ડેવલપ કરવા પડશે. બીજી વસ્તુ ખાસ આપણા ઇન્ડિયા ના બાળકો કોઈપણ ચર્ચામાં ભાગ લે છે ત્યારે આપણે જે ગોખેલું હોય તે બોલી કાઢે છે. પરંતુ સામે કોઈ પ્રશ્ન પૂછે તો મુજવાઈ જાય છે, ખીજાઈ જાય છે. તો હંમેશા સંવાદ કેળવવા માટે ટેવાવું પડશે. સામેથી ગમે તેવા તમારા મંતવ્યની વિરુદ્ધનો સવાલ આવે તેમાં ખીજાઈ જવાની જગ્યાએ  શાંતિથી જવાબ આપવો પડશે.

    આ બધું સમજવા છતાં અથવા કરવા છતાં પણ જ્યારે વ્યક્તિને ડિપ્રેશનનો અનુભવ થાય કે સુસાઇડના વિચાર આવે તો તેને તરત જ માનસિક રોગોના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.જરૂર પડે તો દાખલ પણ થઈ જવું જોઈએ. અમુક સ્થિતિમાં દવા વગર બહાર ન આવી શકાય. જ્યાં દવાની જરૂર પડે ત્યાં દવાનો સહારો લેવો પડે. માનસિક રોગ થાય તો તેને મા બાપ આગળ અથવા ડોક્ટર આગળ કહી દો. તેમાં શરમ ન અનુભવો આપણને ડાયાબિટીસ થાય કે બ્લડપ્રેશર થાય તો ડોક્ટર જોડે પ્રેમથી દવા લેવા જઈએ છીએ. તો આમાં પણ આવું જ વલણ અપનાવું પડશે. માનસિક રોગોને છુપાવો નહીં. તે તમને જ નુકસાન કરશે. મા બાપે તે વખતે તે બાળક પ્રત્યે સહાનુભૂતિ કેળવવી. તેને સલાહના હથોડા ના મારવા. આવો વાઘ જેવો થઈને છોકરી જેવું વર્તન કરે છે, વારેવારે રડી પડે છે, તેવા મેણા ટોણા ન મારવા.

    ડિપ્રેશન બે રીતના થઈ શકે એક જીનેટીક હોય કે જે આપણા ફેમિલી માંથી આવ્યું હોય. માતા તરફથી અથવા પિતા તરફથી. તેની સારવાર ચોક્કસ જરૂરી છે. બીજું રિએક્શનરી હોય, ટેમ્પરરી હોય.જે બહારની સિચ્યુએશનથી ઊભું થયું હોય  તે સિચ્યુએશન પૂરી થાય ત્યારે મોટાભાગે જતું રહે.

    આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. મારી જેટલી સમજ હતી જેટલા અનુભવો હતા તે મેં તમારી સમક્ષ મૂક્યા છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોકકલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આ લેખ તમામ બાળક, માતા પિતા તથા તમામ યુવાનોએ વાંચવવા વિનંતી છે. 

સુવિચાર: સુસાઇડ કે વ્યસન એ પરમેનેન્ટ પ્રોબ્લેમ નું ટેમ્પરરી સોલ્યુશન છે. જિંદગી આ દુનિયામાં આવીને ખીલી જવામાં માટે છે,વિસ્તરી જવા માટે છે. ઝાડને પણ પાનખર આવે ત્યારે તેના તમામ પાન ખરી પડે છે ત્યારે તે ડિપ્રેશન અનુભવતું નથી. અડીખમ ઉભુ રહે છે. પાનખર પછી વસંત ચોક્કસ આવે. તમારા મા બાપ તમારા અસલી હીરો છે. તેમને જીવનમાં ઘણા બધા દુઃખ વેઠીને તમને સક્ષમ બનાવ્યા છે તો પાછલી ઉંમરમાં તેમને દુઃખી ન કરવા માટે વિનંતી છે.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

2 responses to “યુવાનોમાં ડિપ્રેશન અને આપઘાતનું પ્રમાણ શા માટે વધ્યું છે? તેના ઉપાયો.”

  1. chimanbhaimaruti Avatar
    chimanbhaimaruti

    Very good, keep it up good article for social being

    Liked by 1 person

  2. Excellant

    Detailed delineation

    Like

Leave a comment

Trending