આપણે આ દુનિયામાં મજા કરવા માટે આવ્યા છીએ.તો તે મજા કરવાની ઈચ્છા કેવી રીતના પેદા થાય. આ મજા કરવાની ઈચ્છા પાછળ કયું કેમિકલ કામ કરે છે. ઘણીવાર અમુક કામ કરવાની આપણને મજા આવે છે અમુક કામ કરવાની આપણને મજા નથી આવતી. જે કામ કરવાની મજા આવે છે તે કામ આપણે વારંવાર કરીએ છીએ. જેના કારણે તેનું એડિકશન એટલે કે વ્યસન પણ થઈ જાય છે.તો આવું બધું શાના કારણે થાય છે તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવશે.
આ દુનિયામાં તમને અમુક કામ કરવામાં મજા આવે છે તમને તે કામ કરવામાં ખુશી નો અહેસાસ થાય છે. તે કામ તમે વારંવાર કરો છો. તો તે કામ કરાવતા કેમિકલ નું નામ છે Dopamine. તે તમારા મૂડને બરોબર રાખે છે. તે તમને મોટીવિટેડ એટલે કે ઉત્સાહી રાખે. તેને અંગ્રેજીમાં reward કેમિકલ કહેવાય.reward કેમિકલનો મતલબ જો તમે આમ કરશો તો તેના બદલામાં હું પુરસ્કાર રૂપે તમને ખુશી આપીશ.તે તમારી ઈચ્છા ને પ્રજ્વલિત કરે એક પછી એક કામ કરાવવા માટે પ્રેરિત કરે. સફળતા મેળવવાનો આનંદ તમને આ કેમિકલ દ્વારા મળે છે. તમને હંમેશા ખુશી નો અહેસાસ કરાવે. તમને કોઈપણ વસ્તુના વ્યસની બનાવવા માટે પણ આ જ કેમિકલ જવાબદાર છે. ચા પીવાનું વ્યસન, દારૂ પીવાનું વ્યસન, તમાકુ કે ડ્રગ્સ લેવાનું વ્યસન, સેક્સ કરવાનું વ્યસન, મનગમતું વારંવાર ખાવાનું વ્યસન તે ખાધા પછી આનંદ થવો, વારંવાર પિઝા અને પેપ્સી પીવાની ઈચ્છા થવી, વારંવાર મોબાઇલમાં વીડિયો જોવા, રીલ જોવી, મનને સતત વ્યસ્ત રાખવું, એક પછી એક સફળતા મેળવવાનો આનંદ, પૈસા કમાવાનો આનંદ, પદ પ્રતિષ્ઠા મેળવવાનો આનંદ. આ બધું આ કેમિકલને આભારી છે.
તો આ કેમિકલ છે શું. તે કેવી રીતના કામ કરે તે વધી જાય તો શું થાય અને ઘટી જાય તો શું થાય અને નોર્મલ રહે તો શું થાય. તેને નોર્મલ રાખવા માટે શું શું કરવું પડે તેના વિશે વાત કરીએ.
Dopamine એટલે શું?
તે એક ન્યુરો ટ્રાન્સમીટર છે. જે આપણા મગજના સેલમાં પેદા થાય. તે એક સેલ માંથી બીજા સેલમાં સંદેશો પહોંચાડવાનું કામ કરે. તે મગજના જુદા જુદા ભાગો ઉપર જુદી જુદી અસર કરે.તે તમને ખુશી નો અહેસાસ કરાવે. જે વસ્તુ કરવામાં તમને મજા આવતી હોય તે વસ્તુ વારંવાર કરાવે એટલે કે વ્યસન પણ કરાવે. તે તમારા હાથ પગ તથા શરીરના હલનચલન ને પણ કંટ્રોલ કરે. તે તમારા મસલ્સ ને રિલેક્સ રાખે.
Dopamine નું લેવલ ઓછું થાય ત્યારે શું થાય?
તેનું લેવલ ઓછું થાય તો તમને હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા એટલે કે parkinsonism નામનો રોગ થાય. આ કેમિકલ આપણા શરીરમાં ઓછું હોય ત્યારે ચા ની રકાબી મોઢા સુધી લાવતા લાવતા ચા ઢોળાઈ જાય. કારણકે તમારા હાથ ધ્રૂજે. જો બ્રેઇન ના અમુક ભાગમાં તેનું લેવલ ઓછું થાય તો તમને ડિપ્રેશન અને schizophrenia(ચિત્ત ભ્રમ) નામની બીમારી થાય. Serotonin અને dopamine આ બે કેમિકલ ઓછા થાય તો તમને કંઈ ગમે નહીં, કામ કરવાની ઈચ્છા ન થાય, સેક્સ કરવાની ઈચ્છા ન થાય, અશક્તિ જેવું લાગે કરે. મૂડ બરોબર ન રહે.
Dopamine વધી જાય તો શું થાય?
Dopamine નું લેવલ બ્રેઇન માં વધી જાય તો વ્યક્તિનો વ્યવહાર એગ્રેસીવ એટલે કે આક્રમક થઈ જાય. આ કરી દઉં તે કરી દઉં તેવું કર્યા કરે, નાના બાળકોમાં આ કેમિકલનું લેવલ વધી જાય ત્યારે તે બાળક એક જગ્યાએ શાંતિથી બેસે નહીં, ફર ફર કર્યા કરે, એક જગ્યાએ લાંબો ટાઈમ ધ્યાન રાખી ન શકે, સ્કૂલમાં બહુ તોફાન કરે, ભણવામાં પાછું પડે. તેને attention deficit hyperactivity disorder એટલે કે ADHD કહેવાય.
આ કેમિકલ ઓછું થઈ જાય કે વધી જાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.ડોક્ટર તેને નોર્મલ કરવા પ્રયત્ન કરે.
આ કેમિકલને નોર્મલ રાખવું હોય તો નિયમિત ખેલ કુદ કે એક્સરસાઇઝ કરવી પડે, યોગ અને ધ્યાન કરવું પડે, પૌષ્ટિક આહાર(ડ્રાયફ્રુટ, દૂધ, tyrosin હાઈ પ્રોટીન ડાયેટ) લેવો પડે, પૂરતી ઊંઘ લેવી પડે, સંગીત સાંભળવું પડે, સૂર્યપ્રકાશમાં બેસવું પડે, કુદરત જોડે રહેવું પડે.
આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેની શુભકામનાઓ સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો,નિરોગી રહો,ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
માણસને પોતાની જાત જોડે બેસતા બીક લાગે છે. તેથી તે કોઈપણ પ્રવૃત્તિ દ્વારા પોતાના મનને વ્યસ્ત રાખવા પ્રયત્ન કરે છે.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment