અત્યારે મોટાભાગના ઘરોમાં ડાયાબીટીસ, ઓબીસીટી, hypercholesterol,હાઇપરટેંશન, હૃદય રોગ તથા પેટની બીમારીઓ ઘર કરી ગઈ છે. ઉપરના તમામ રોગોને લાઈફ સ્ટાઈલ રિલેટેડ રોગ કહેવાય. તેનો મતલબ ઉપરના તમામ રોગ આપણી ખોટી લાઈફ સ્ટાઈલ ના કારણે આવેલા છે. લાઈફ સ્ટાઈલનો મતલબ સવારથી સાંજ સુધી તમે જે કોઈ કાર્ય કરો છો જે કંઈ આહારવિહાર કરો છો તેને લાઈફ સ્ટાઈલ કહેવાય. તો આપણે જો આપણી લાઈફ સ્ટાઈલ ને સુધારીએ તો ઉપરના તમામ રોગોને આપણે કંટ્રોલ કરી મેળવી શકીએ. તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આલેખ તમને પસંદ આવશે. આ લેખમાં ઉપરના તમામ રોગ શા માટે થાય છે તેના સાયન્સને પણ આવરી લેવામાં આવ્યું છે.

આપણું શરીર આઇડિયલી વધારે ખોરાક લેવા માટે ટેવાયેલું નથી પરંતુ ઓછા ખોરાકથી ચલાવી શકે તે માટે ટેવાયેલું છે. જેને starvation થીયરી કહેવાય.

એટલા માટે આપણા આયુર્વેદમાં એવું કહેવાયેલું છે કે જો તમે દિવસમાં બે વાર ખાવ તો તમારું શરીર સ્વસ્થ અને નિરોગી રહે. એટલા માટે એક કહેવત પણ છે.

એકવાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી અને ત્રણ વાર ખાય તે રોગી.

મોટાભાગના ઋષિમુનિઓ તથા આપણા ભગવાન બે વાર ખાતા હતા અને સ્વસ્થ અને નિરોગી રહેતા હતા. અત્યારે હાલ પણ સદગુરુના આશ્રમમાં બે ટાઈમ ખવાય છે. આપણે ભગવાન પાસે દો વક્ત કી રોટી જ માગીએ છીએ. બીજું આપણે જ્યારે પહેલા જંગલમાં રહેતા હતા ત્યારે આપણને નિયમિત ટાઈમ સર ખોરાક મળતો ન હતો. કોઈક વખત એક ખોરાક અને બીજા ખોરાક વચ્ચે દિવસો પણ નીકળી જતા હતા. તેમ છતાં આપણે સ્વસ્થ રહેતા હતા. તો આપણું શરીર ઓછું ખાવા માટે ટેવાયેલું છે. તમે તમારી જાત ઉપર પણ નોધ્યું હશે કે જ્યારે તમે ઓછું ખાવશો અથવા તો ઓછા વખત ખાવ છો ત્યારે તમારું શરીર એકદમ હળવું ફૂલ અને ફૂલ કેપેસિટી થી કામ કરતું હોય છે. અને તમે એવું પણ નોંધ્યું હશે કે જ્યારે તમે વધારે ખાઈ ગયા અથવા તો વારંવાર ખાઈ ગયા તો તે દિવસે તમને આળસ આવી ગઈ હશે. તેનો મતલબ માપસરનું અથવા તો ઓછા વખત ખાવાથી તમે સ્વસ્થ અને નિરોગી રહી શકો છો. બીજી વસ્તુ જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે તમને સારું લાગે. ખાધા પછીના ત્રણ ચાર કલાક પછી તમારું શરીર એકદમ હળવું હશે અને તમે સૌથી વધારે કેપેસિટીથી કામ કરી રહ્યા હશો. સવારે પેટ સાફ આવે ત્યારે પણ તમને ખૂબ સારું લાગે છે.

હવે આપણે વધુ પડતું ખાઈ જઈએ ત્યારે શું થાય અને આ બધા રોગ કેવી રીતે આવે છે તેનું સાયન્સ સમજી લઈએ.

જ્યારે તમે જરૂર કરતાં વધારે અથવા તો વારંવાર ખાવ છો ત્યારે તે વધારાનો ગ્લુકોઝ તમારા શરીરમાં જાય. તમારું શરીર જેટલા ગ્લુકોઝની જરૂર હોય તે એનર્જી માટે વાપરે.પછી તે વધારાનો ગ્લુકોજ લીવરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે જમા થાય. લીવરની કેપેસિટી લગભગ 100 ગ્રામ ગ્લાયકોજન સમાવવાની હોય તથા મસલ્સની અંદર પણ તે ગ્લાયકોજન સ્વરૂપે જમા જ થાય. મસલ્સ ની કેપેસિટી લગભગ 400 થી 500 ગ્રામ ગ્લાયકોજન સમાવવાની હોય. લીવરમાં અને મસલ્સમાં સંગ્રાયેલો ગ્લાયકોજન જ્યારે ઇમરજન્સી ઊભી થાય ત્યારે અથવા તો તમે જ્યારે ન ખાવ ત્યારે અથવા તો ઉપવાસ કરો ત્યારે તે ઉપયોગમાં આવે. લીવર અને મસલ્સમાં સ્ટોરેજ કર્યા પછી પણ ગ્લુકોઝ વધારે વધે તો તે આપણા  ચરબીના સેલમાં એટલે કે ફેટ સેલમાં ચરબી રૂપે જમા થાય. એટલે તમારા ચરબીના સેલ ની સાઈઝ પણ વધે અને સંખ્યા પણ વધે એટલે તમારું વજન પણ વધે જેને આપણે ઓબેસિટી કહીએ છીએ. બીજું ચરબીના સેલ માં એકલો વધારાનો ગ્લુકોઝ જ જમા ન થાય પરંતુ તમે જે ફેટ ખાધી છે તેમાંથી  ફેટ પણ જમા થાય. જો તમે વધારે પ્રોટીન ખાઈ ગયા હોય તો તે પ્રોટીન પણ ગ્લુકોઝ સ્વરૂપે ફેટ સેલમાં જમા થાય.  હજુ પણ આપણે અહીંયા અટકીએ નહીં તો તમારા ચરબીના સેલ ની સાઈઝ અને સંખ્યા વધવાની કેપેસિટી પૂરી થઈ જાય. પછી તે ચરબીના સેલ અમુક પ્રકારની ખરાબ ચરબી આપણા લોહીની અંદર વહેતી કરે. તે ખરાબ ચરબી લોહીમાં ફરતી ફરતી લીવરમાં જાય અને લીવરની અંદર સ્ટોરેજ થાય તેને આપણે ફેટી લીવર કહીએ છીએ. તેથી લીવરની કાર્યક્ષમતા ઘટે. તે વધારાની ચરબી જ્યારે  ધમની માંથી પસાર થાય ત્યારે ધમની ની અંદર ની દિવાલમાં ચોંટી જાય.જેને આપણે લોહીની નળીમાં ક્ષાર જામી ગયો અથવા atherosclerosis કહીએ છીએ. તેને હાઇપર કોલેસ્ટ્રોલ પણ કહેવાય. જેના કારણે તમારી ધમનીનો વ્યાસ ઓછો થતો જાય. હૃદયને વધારે પ્રેશરથી કામ કરવું પડે. ત્યારે તમને બ્લડપ્રેશર અને હૃદય રોગ થાય.તે વધારાની ચરબી તમારા પેટના અંગોની આજુબાજુ જમા થાય તેને સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય. જેના કારણે પાચનતંત્રની સમસ્યાઓ ઉભી થાય. તે ખરાબ ચરબી તમારા સેલ ઉપર ચોંટી જાય ત્યારે તે ઇન્સ્યુલિનને ઓળખવાનું  ઓછું કરી દે અથવા બંધ કરી દે. તેથી ગ્લુકોઝ સેલ ની અંદર જાય નહીં અને તે ગ્લુકોઝ લોહીની અંદર ભરે તેને ડાયાબિટીસ કહેવાય. જ્યારે પણ તમારો ગ્લુકોઝ સેલ આગળ જાય ત્યારે તે ગ્લુકોઝને સેલમાં જવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે. ઇન્સ્યુલિન વગર ગ્લુકોઝ સેલ ની અંદર ન જઈ શકે. ઇન્સ્યુલિન તે સેલ ઉપરનું તાળું ખોલે ત્યારે જ ગ્લુકોઝ અંદર જાય. તેને આપણે ઇન્સ્યુલિન રિસેપ્ટર કહીએ છીએ. તો આ રિસેપ્ટર ઉપર આ ખરાબ ચરબી જામી જવાના કારણે આપણો ગ્લુકોઝ સેલમાં જતો નથી. જે ગ્લુકોઝ સેલમાં જતો નથી તે વધારાનો ગ્લુકોઝ લોહીની અંદર દેખાય છે જેને આપણે ટાઈપ ટુ ડાયાબિટીસ કહીએ છીએ. તે ગ્લુકોઝને સેલમાં ધકેલવા માટે સ્વાદુપિંડ વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવે અથવા અલગ પ્રકારનું ઇન્સ્યુલિન બનાવે તેને હાઇપર ઇન્સ્યુલિનેમિયા કહેવાય. આ સમગ્ર પ્રક્રિયાને ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ કહેવાય.તો ઉપરના તમામ રોગોનું ભેગું નામ એટલે મેટાબોલિક સિન્દ્રોમ. તો તમે સમજી શકો છો કે એક સાથે  વધારે પડતો ખોરાક લેવાથી અથવા વારંવાર ખોરાક લેવાથી એક પછી એક રોગો કેવી રીતના પેદા થાય છે.

તો હવે આ બધા રોગોનું નિરાકરણ કરવું હોય તો શું કરવું પડે?

તો હવે તે રોગોનું નિરાકરણ કરવું હોય તો સ્વાભાવિક છે કે આપણે આપણા શરીરને ઓછી કેલેરી આપવી જોઈએ અથવા તો જરૂર પૂરતી જ કેલરી આપવી જોઈએ.જરૂર પૂરતી કેલરી નો મતલબ આપણા રોજબરોજના કાર્ય માટે વપરાતી કેલરી. આપણા શરીરને ચલાવવા માટે લગભગ 2000 કેલરી શક્તિની જરૂર પડે.જે વધારે શારીરિક શ્રમ કરતા હોય તેને તેનાથી થોડી વધારે જોઈએ.તેનાથી વધારાની કેલરી તમારી અંદર ઓબેસિટી, ફેટી લીવર, હાઈપર કોલેસ્ટેરોલ, હાઇપર ટેન્શન, હૃદય રોગ, ટાઈપ ટુ ડાયાબિટીસ, ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ પેદા કરે. ઉપરનો રોગ જેને થઈ ગયો છે તે વ્યક્તિએ જરૂર કરતાં ઓછી કેલેરી જ લેવી જોઈએ તો જ તેનો રોગ દૂર થાય.

અમુક લોકો કહે છે કે હું તો ચરબીવાળો ખોરાક ખાતો નથી તેમ છતાં મારું વજન વધે છે. તેનું કારણ એ છે કે તમે જરૂર કરતા વધારે કાર્બોદિત પદાર્થ એટલે તે ગ્લુકોઝ લો છો. તે વધારાનો ગ્લુકોઝ ચરબીમાં રૂપાંતરિત થાય.

ઉપરના રોગોને નિયંત્રણમાં લાવવા માટે યોગીક આહાર કેવી રીતના મદદરૂપ થઈ શકે તેની વાત કરીએ.

જો તમારે દિવસમાં બે વખતે ખાવું હોય તો તમે સવારે લગભગ 9 થી 10:00 વાગ્યાની વચ્ચે ખાઈ લો. અને સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે ખાઈ લો અથવા તો તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે તે ટાઈમ તમારા માટે નક્કી કરી લો.બે ખોરાક વચ્ચે લગભગ આઠ થી નવ કલાક નું અંતર રાખો. તેમાં તમારે જે ખોરાક ખાવો હોય તે ખાઈ શકો. પરંતુ શક્ય હોય ત્યાં સુધી 50% રાંધેલો ખોરાક ખાવ અને 50% લીલા શાકભાજી, સલાડ,ફળ કે ફણગાવેલા કઠોળ, સૂકો મેવો, અને દૂધ, કે દૂધની બનાવટો ખાઓ.

(ડોક્ટર જગન્નાથ દીક્ષિતના ડાયટ પ્રમાણે તમે પ્રથમ અડધી મુઠ્ઠી જેટલા ડ્રાયફ્રૂટ્સ અથવા તો સિંગદાણા ખાવ. પછી સલાડ ખાવ પછી ફણગાવેલા કઠોળ ખાઓ તે પછી તમારે જે પણ ખાવું હોય તે ખાઓ. પરંતુ તમારું ખાવાનું 55 મિનિટની અંદર ખતમ કરો. 55 મિનિટ સુધી ખા ખા ન કરો. 55 મિનિટથી ઉપર જાઓ અથવા તો ફરીવાર ખાવ તો તેને બીજી વખત ઇન્સ્યુલિન છોડવું પડે)

જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ ગળ્યા ફળો, સ્વીટ, ઠંડા પીણા તથા વધુ પડતો કાબોહાઈડ્રેટ વાળો ખોરાક ઓછો લેવો. 

આમ કરવા જતા વચ્ચે તમને વચ્ચે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે પાણી પી શકો, એક થી બે ચમચી દહીંમાંથી બનાવેલી પાતળી છાસ પી શકો. એક ટામેટું ખાઈ શકો અથવા તો મલાઈ વગરનું નારિયેળનું પાણી પી શકો. મલાઈ જમતી વખતે ખાવી અથવા તો ગ્રીન ટી કે બ્લેક ટી દૂધ વગરની અથવા તો 25% દૂધ નાખેલી પી શકો. પરંતુ તેમાં ખાંડ નાખવી નહીં. આવું તમે લગભગ ૮ થી ૧૦ દિવસ કરશો તો બપોરે ખાવું પણ નહીં પડે અને તમારું શરીર ટેવાઈ જશે. આ ડાયટ પ્લાનનું ત્રણ મહિના માટે અનુકરણ કરશો તો. લાઈફ સ્ટાઈલ ના કારણે જે રોગ આવ્યા છે તે ધીમે ધીમે રિવર્સ થવા માંડશે. પણ જો આપણે આટલું પણ ન કરી શકતા હોય તો પછી આખી જિંદગી રોગો સાથે રહેવાની ટેવ પાડવી પડશે અને તેના કોમ્પ્લિકેશન ભોગવવા પડશે.

બીજું નિયમિત રોજ સાડા ચાર કિલોમીટર એટલે કે 45 મિનિટ થોડું ઝડપથી ચાલવાનું રાખવું પડે અથવા તમને પસંદ પડે તેવી એક્સરસાઇઝ કરો. જેનાથી તમારા ઇન્સ્યુલિનની સેન્સિવીટી વધી જાય.ઓછા  ઇન્સ્યુલિનમાં ગ્લુકોઝ સેલ ની અંદર જવા માંડે. અને ડાયાબિટીસ જલ્દી કંટ્રોલ થઈ થાય.

જે લોકોનું વજન વધારે નથી અથવા ઉપરના રોગ નથી તેને તેની ભૂખ પ્રમાણે બે કે ત્રણ ટાઈમ ખાઈ શકે.

તમારા શરીરમાં ઇન્સ્યુલિન બે રીતના છૂટું પડે એક રીતમાં તે કંટીન્યુઅસલી થોડું થોડું છૂટું પડ્યા જ કરે. જે તમારા સેલને સતત ગ્લુકોઝ પહોચાડવાનું કામ કરે. જેને આપણે રેસ્ટિંગ ઇન્સ્યુલિન કહીએ છીએ. બીજું તમે જ્યારે ખોરાક ખાવ ત્યારે છૂટું પડે. તેને આપણે ખાધ્યા પછી નું ઇન્સ્યુલિન કહીએ છીએ. તમે 32 જાતના પકવાન ખાઓ પરંતુ તે તમામ પકવાન માંથી ત્રણ વસ્તુ છૂટી પડે એક ગ્લુકોઝ બીજું અમાઈનો એસિડ અને ત્રીજું ફેટી એસિડ. આ ત્રણે ત્રણ વસ્તુ આપણા એનર્જીના ના સોર્સ છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝને સેલમાં ધકેલવાનું કામ કરે. તે ગ્લુકોઝ  ઓક્સિજનની હાજરીમાં એનર્જીમાં રૂપાંતરિત થાય. જેના દ્વારા તમારા તમામ સેલ કાર્યરત થાય છે. જેને આપણે પ્રાણ કહીએ છીએ. તમે જ્યારે ખોરાક લો ત્યારે ચોક્કસ માત્રામાં ઇન્સ્યુલિન રિલીઝ થાય તે માત્રા દરેકમાં અલગ અલગ હોઈ શકે.તમારું શરીર 50 ટકા ઇન્સ્યુલિન રેસ્ટીંગમાંથી વાપરે અને 50% ઇન્સ્યુલિન તે ખાધા પછી પેદા થાય તેમાંથી વાપરે. આખા દિવસનું ટોટલ રેસ્ટિંગ ઇન્સ્યુલિન લગભગ 18 થી 32 યુનિટ થાય. એ જ પ્રમાણે ખોરાક ખાધા પછી આખા દિવસમાં 18 થી 32 યુનિટ ઇન્સ્યુલિન છૂટું પડે. કોઈપણ ખોરાક ખાવ તો તે 55 મિનિટ ની અંદર અંદર ખતમ કરી દેવો જોઈએ. 55 મિનિટ પછી ફરીવાર ખાવ તો ફરીવાર ઇન્સ્યુલિન રિલીઝ કરવું પડે. 

જે લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય અને આ બે ખોરાક વાળો પ્રયોગ કરવો હોય તો તે કરતા પહેલા તેમને પોતાનું ગ્લાઇકોજલેટેડ હિમોગ્લોબ્યુલિન અને ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ચેક કરાવી લેવું. આ પ્રયોગ કર્યા પછી ત્રણ મહિના પછી તમારે ફરી તમારું ગ્લાયકોઝિલેટેડ હીમોગ્લોબીન જેને HBA1c તથા ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ચેક કરાવવું. જો તમે ઉપર મુજબના ડાયટ નો બરોબર અમલ કર્યો હશે તો તેમાં ઘણો બધો ઘટાડો થયો હશે.આ દરમિયાન જો તમારે ડોક્ટરની દવા ચાલતી હોય તો તે ડોક્ટરની નિગરાની હેઠળ દવા ચાલુ જ રાખવી.

ખાલી પેટ અને ભૂખ્યું પેટ એટલે શું?

આપણે ખાલી પેટ  અને ભૂખ્યા પેટ વચ્ચે નો ફરક  પણ સમજી લેવો જરૂરી છે. જ્યારે તમને ખરેખર ભૂખ લાગે ત્યારે તમારા સેલ ને ગ્લુકોઝ ન મળે ત્યારે તમને અશક્તિ જેવું લાગે, તમારું કોન્સન્ટ્રેશન બરોબર ન જળવાય, પેટની અંદર બળતરા પડે તેને ભૂખ લાગી કહેવાય. તમે જે પણ ખોરાક લો તે ત્રણથી ચાર કલાક પછી તે ખોરાક જઠર માંથી આંતરડામાં જતો રહે ત્યારે તમને પેટ માં એકદમ હળવું અથવા ખાલી લાગશે. તેને  ખાલી પેટ(જઠર)  કહેવાય. જેટલું પેટ લાંબો ટાઈમ ખાલી રહશે તેટલો વધારે ફાયદો થશે. જ્યારે આપણું પેટ ખાલી હોય ત્યારે આપણા શરીરમાંથી ટોક્સિન્સ બધા બહાર નીકળે. તમારા શરીરનું ડિટોકસીફીકેશન થાય. પરંતુ આપણે પેટ ખાલી થાય એટલે તરત જ બીજો ખોરાક પધરાવી દઈએ છીએ. આપણે જઠરને જરા પણ આરામ આપતા નથી. પેટ ખાલી થાય એટલે તરત ખાઈ જવાની ટેવ પડી ગઈ છે.આપણે માણસમાંથી મશીન બની ગયા છીએ. તેના કારણે આ બધા પ્રોબ્લેમ થયા છે. તો જો થોડી જાગૃતતા કેળવવામાં આવે તો મોટાભાગની તકલીફો માંથી બચી શકાય તેમ છે.

આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુ નહીં વધુ લોકોને ફોરવર્ડ કરીને રોગમુક્ત ભારતના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

જેને પણ વધારે જાણવાની ઈચ્છા હોય તેને ડોક્ટર જગન્નાથ દીક્ષિતના ડાયાબિટીસ મુક્ત ભારતના વીડિયો જોવા વિનંતી છે.

ઉપરનો લેખ સાયન્સના આધારે લખાયેલ છે. હવામાં તીર મારવામાં  આવ્યું નથી. અમારા યોગ કેન્દ્રમાં 50% રાંધેલો ખોરાક અને 50 ટકા જીવંત ખોરાક ખાઈને ઘણા બધા લોકોના વજન ઘટયા છે. અહીં આપવામાં આવતો લેખ તે તમારી જાણકારી માટે છે. પરંતુ દરેક વસ્તુને પોતાના ઉપર ટ્રાય કરીને ચોક્કસ નિર્ણય ઉપર આવવું. અપો દિપો ભવ. પોતાના દિપક ખુદ બનો.

 લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.

Leave a comment

Trending