અત્યારે મા બાપ તથા બાળક, શિક્ષક તથા વિદ્યાર્થી વચ્ચેના સંબંધો ધીમે ધીમે ખરાબ થતા જાય છે. જેના કારણે બાળકો પણ ટેન્શનમાં છે. માતા-પિતા તથા શિક્ષક પણ ટેન્શન છે. તો આવું કેમ થયું  તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. અત્યારે પરીક્ષાનો માહોલ છે. તો દરેક મા-બાપ, ટીચર તથા બાળકોએ આ લેખ વાંચવા વિનંતી છે.

અત્યારે બાળકોને બહુ દબાણપૂર્વક કહેવા જઈએ છીએ તો તેમને ખોટું લાગે છે. મા બાપને પણ ડર હોય છે કે મારું બાળક કંઈક ખોટું પગલું  ભરી બેસશે તો, આપઘાત કરી બેસ છે તો. સામે પક્ષે બાળકો પણ પોતાના મા બાપ જોડે ખુલ્લા દિલથી વાત કરતા ખચકાય છે. મા બાપે પણ બાળકને ભણાવવા માટે ખર્ચો કર્યો હોય એટલે તે પણ થોડું દબાણ કરતા હોય છે. આમ આ એકદમ નાજુક પરિસ્થિતિ છે. દરેકના ઘરમાં આ જ પરિસ્થિતિ છે.

મારા મતે આમાં નીચે મુજબના સોલ્યુશન આવી શકે તેમ છે.

  1. મારા મતે સૌથી મહત્વની વાત તે છે કે મા બાપ અને બાળક વચ્ચે કોમ્યુનિકેશનનો જે સેતુ રચાવો જોઈએ તે રચાતો નથી. મા બાપ અને બાળક જ્યારે ભેગા થાય છે ત્યારે મોટાભાગે બાળકના માતા પિતા તેમની વાતને સમજતા નથી અને સિધી સલાહ આપવા માંડે છે. આડિયલી તેની વાત સાંભળીને તેને યોગ્ય સલાહની જરૂર હોય ત્યારે જ સલાહ આપવી જોઈએ. મા-બાપ અને બાળક વચ્ચે વાતચીતનો માહોલ ઊભો થવો જોઈએ. આપણે સલાહનો માહોલ ઊભો કરીએ છીએ. કોઈપણ જાતના દબાણ વગર કે કોઈ પણ જાતના પૂર્વાગ્રહ વગર મા-બાપ અને બાળક વચ્ચે સંવાદ થાય તો  મોટાભાગના પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય. તેમ કરવાથી બાળક પણ તમારી પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરશે અને તમે પણ બાળકની પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરશો.
  2. આ દુનિયામાં દરેક મા બાપને પોતાના બાળકને સુપર હીરો બનાવવું છે. દરેક બાળક પ્રથમ નંબરે આવે અથવા વધુમાં વધુ સારા માર્ક્સ લાવે તેવું દરેક મા બાપ તથા ટીચર ઇચ્છતા હોય છે. પરંતુ તેવું દરેકના કિસ્સામાં શક્ય નથી. મા બાપે ખાલી એટલું જ કરવાનું છે કે તેમની પરિસ્થિતિ પ્રમાણે તેમને જેટલી વ્યવસ્થા થાય એટલી વ્યવસ્થા પૂરી પાડવાની છે. અને તેમ કહેવાનું છે કે તું બેટા જેટલું શાંતિથી ભણાય તેટલું ભણ. સફળ થાય કે નિષ્ફળ થાય તેની ચિંતા કરવાની જરૂર નથી. તારું કામ પ્રયત્ન કરવાનું છે બાકીનું ભગવાન પર છોડીને ચાલ્યા કરવાનું છે. તો મોટાભાગના બાળકો ના માથા ઉપરથી મા બાપનું ટેન્શન ઓછું થઈ જાય.તો ભણવાની આખી પ્રોસેસ આનંદદાયક થઈ જાય.એટલા માટે એક કહેવત  છે જો મા બાપ બાળકની પીઠ ઉપર થી ઉતરી જાય તો તમારું બાળક દોડમાં ફર્સ્ટ આવી શકે તેમ છે. 
  3. સામે સ્કૂલ ટીચરે અથવા તો ટ્યુશન ટીચરે પણ તેમના તરફથી જેટલા સારા પ્રયત્નો થાય તેટલા કરવાના છે. કારણકે દરેક બાળકનો રસ અને ગ્રહણ કરવાની શક્તિ  અલગ અલગ હોય છે.
    બાળકને શિસ્તમાં રાખવું બહુ જરૂરી છે. પરંતુ અત્યારે માબાપ આપણને તેમ કરવા દેતા નથી. મા બાપે તથા શિક્ષકે સોટી લીધી નથી એટલે પોલીસ ને બંદૂક ઉપાડવી પડે છે. પહેલાના જમાનામાં બાળકને શિસ્તમાં રાખવા પાછળનો શિક્ષક તથા મા બાપનો હેતુ સારો હતો. પરંતુ હવે તેવું રહ્યું નથી. બાળકને પ્રેમથી સમજાવું પડે પરંતુ તેમ છતાં ન સમજે તો થોડા કડક પણ થવું જરૂરી હોય છે.તો જ જીવન વ્યવસ્થા બરોબર ચાલે. જીવનમાં શિસ્ત હોવી જરૂરી છે શિસ્ત ના હોય તો જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય.
  4. બીજું સ્કૂલમાં કે ટ્યુશન ટીચરે જ્યારે બાળકને ભણાવો ત્યારે એકદમ હળવું વાતાવરણ રાખવું પડે. જ્યાં સુધી વાર્તા કહેતા કહેતા બાળક ભણે વધુ સારું. જો કે દરેક કિસ્સામાં તે શક્ય નથી. એનો મતલબ કે ભણવાની પ્રોસેસને થોડી આનંદમય બનાવવાની જરૂર છે. જે ટીચર પુરી નિષ્ઠા સાથે પ્રેમપૂર્વક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે તેના વાઇબ્રેશન બાળક સુધી ચોક્કસ પહોંચી જાય છે. અસલી ટીચર તેને કહેવાય કે બાળકની તે વિષય પ્રત્યેની રૂચી પેદા કરી દે. બાળકને તે વિષય પ્રત્યે રુચિ પેદા થઈ જાય એટલે બાળક ઓટોમેટિક સરળતાથી તે ભણી શકે. અત્યારના ટીચરો નો પ્રોબ્લેમ તે છે કે તેમને પોતે ગોખી કાઢેલું અથવા તો યાદ કરેલું બાળકો આગળ બોલી જાય છે. દરેક ટીચરે એ યાદ રાખવું જરૂરી છે કે આપણે ટીચર છીએ ઇન્ટરનેટ નથી.
  5. દરેક મા બાપ તથા ટીચરે એક વસ્તુ સમજી જવાની છે કે 1 થી 11 ધોરણ સુધીના બાળકને કક્કો બારખડી આવડી જાય, 1 થી 10 સુધીના અંક આવડી જાય, શબ્દ તથા વાક્ય લખતા, વાંચતા, બનાવતા આવડી જાય, આપણા દેશમાં બોલાતી જે રૂટીન ભાષાઓ છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી લખતા સમજતા અને બોલતા આવડી જાય તો તેનાથી બીજું વધારે ભણાવવાની જરૂર ન પડે. બાકીનું તે ઓટોમેટીક કરી લે. હવે કેલ્ક્યુલેટર અને ઇન્ટરનેટ નો જમાનો આવી ગયો છે. તેને ઉપરનું બેઝિક ભણાવી દેવામાં આવે તો તે કેલ્ક્યુલેટર અને ઇન્ટરનેટ દ્વારા બાકીનું બધું જ તે કરી શકે તેમ છે. બીજું 1 થી 12 ધોરણ સુધી ભણેલું મોટાભાગના લોકોના જીવનમાં બહુ કામમાં આવતું નથી. અત્યારે હું ડોક્ટર છું cosθ અને પાયથાગોરસનો પ્રમેય મારા જરાય કામમાં આવતો નથી. પરંતુ મારા ભણવા દરમિયાન હું ગોખી ગોખીને થાકી ગયો. તો મારા ખ્યાલથી 1 થી 11 ધોરણ સુધી બાળક થોડા ઓછા વધતા ટકા લાવે તો બહુ ટેન્શન કરવાની જરૂર નથી. એટલિસ્ટ પાસ થાય તોય ઘણું. તો બાળકો તથા મા બાપ તથા ટીચર ઉપરનું ઘણું બધું ટેન્શન ઓછું થઈ જાય. બાળકના મગજમાં બહુ માહિતી ભરી દેવાનો મતલબ નથી. બાળક તે માહિતી કઈ જગ્યાએથી મેળવી લે તેટલું તે જાણી લે એટલું બસ છે. બાળકને ખેલકૂદ માટે પણ ટાઈમ મળી રહે તે પણ મહત્વનું છે. જેટલું બાળક વધારે બહાર ખુલ્લી જગ્યામાં હળે ફરે, રમત રમે,કસરત કરે, યોગ કરે તો તેનું શરીર અને મન પણ સ્વસ્થ રહે.હું તો માનું છું કે દરેક સ્કૂલમાં જ્યારે પણ ક્લાસ શરૂ થાય તેના અડધો કલાક પહેલા બાળકોને શારીરિક એક્સરસાઇઝ,રમત અથવા તો યોગ કરાવવા જોઈએ. અત્યારના જમાનામાં ઘરે તો કંઈ કરતા નથી. હવે હવે મોબાઈલ તથા ઇન્ટરનેટ ના કારણે બાળકો ઘરમાંથી બહાર નીકળતા નથી. બહાર મેદાનો પણ બહુ ઓછા થઈ ગયા છે. જ્યારે બાળક 15 કે 30 મિનિટ એક્સરસાઇઝ કરે ત્યારે તેના મસ્તિષ્કની અંદર સારા કેમિકલ પણ રિલીઝ થાય તેનું કોન્સન્ટ્રેશન વધે અને મજા પણ આવે. હા તમે જ્યારે બારમા ધોરણ પછી વ્યવસાયિક શિક્ષણ લો છો તે શિક્ષણ ગંભીરતાપૂર્વક લેવું જરૂરી છે. જેમ કે હું ડોક્ટરનું ભણ્યો તો હું ડોક્ટર નું કામ કરી શક્યો. તે જ પ્રમાણે એન્જિનિયરનું જે ભણ્યા તો તો એન્જિનિયરનું કામ કરી શક્યા.
  6. બીજું તમે ગમે તેટલું ભણો અથવા તો આ દુનિયામાં આવીને કોઈ ભી કામ કરો તો તેની પાછળનો અલ્ટીમેટ ઉદ્દેશ આનંદ મેળવવાનો હોવો જોઈએ. પરંતુ આપણે કોઈપણ કાર્યને સફળતા અને નિષ્ફળતા,પાસ કે નપાસમાં વહેંચી દીધું છે. એટલે ભણાવનાર ટીચર પણ ટેન્શનમાં રહે છે અને ભણનાર બાળક પણ ટેન્શનમાં રહે છે. લોકોને હંમેશા જીતવાની ટેવ પડી ગઈ છે. એટલે જ્યારે થોડી પણ નિષ્ફળતા આવે છે ત્યારે વ્યક્તિ નાસીપાસ થઈ જાય છે. પરંતુ મારા માનવા પ્રમાણે મજા જર્નીમાં છે destiny માં નથી. ભણવાની પ્રોસેસમાં મજા આવી જોઈએ રીઝલ્ટ થોડું ઉપર નીચે આવે તો તેનું બહુ ટેન્શન કરવાની જરૂર નથી. અત્યારે આપણે આપણા બાળકને કોમ્પિટિશનમાં નાખી દીધું છે. રેસ નો ઘોડો બનાવી દીધું છે. તે બાળક જીતવામાં બીજા લોકોને પાછળ પાડી રહ્યું છે. તેમાં પણ તે મજા લઇ રહ્યો છે તે બહુ ખરાબ વસ્તુ છે. તમે જીતો તેનો કંઈ વાંધો નથી પરંતુ જે નથી જીત્યા તેમની પણ વેદના  થવી જોઈએ. જીવનની પરીક્ષામાં તમે ભણ્યા તે દરમિયાન કેટલા ટકા લાવ્યા હતા તે કોઈ પૂછતું નથી તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કેટલી સફળતાપૂર્વક કરી શકો છો તે મહત્વનું છે. તમારી કાબિલિયત મહત્વની છે.

આમ પણ આપણે પૈસા મેળવવા માટે જ આ બધું કરી રહ્યા છીએ. પરંતુ જીવનના અંતે તમે સરવાળો મારશો તો ખબર પડશે કે પૈસા મેળવવાની હોડમાં અને હોડમાં જીવન જીવવાનું ભૂલી ગયા. કારણકે આપણે બધા ગોલ ઓરિએન્ટેડ થઈ ગયા છીએ. અસલી ગોલ આનંદ મેળવવાનો હતો પરંતુ તેની જગ્યાએ ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, અનિંદ્રા,અને અશાંતિ લઈ આવ્યા.

આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ખરેખર બદલાવની જરૂર છે. આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ દ્વારા આપણા બાળકનું બાળપણ ઝૂંટવી રહ્યા છીએ. પહેલા ધોરણથી જ મારું બાળક પ્રથમ જ આવવું જોઈએ તે માટે તેને શાળા ઉપરાંત ટ્યુશનમાં મુકવામાં આવે છે. મારા ખ્યાલથી આ  બહુ ખરાબ અભિગમ છે. બાળપણથી જ તેમને વિદેશી ભાષાઓમાં પણ નિષ્ણાત કરી દેવા છે. આપણે આમ કરવામાં નાના બાળકની કેપેસિટી ને પણ ભૂલી જઈએ છીએ. આ લેખ દ્વારા એજ્યુકેશન પ્રત્યે નિરાશા ફેલાવવાનો મારો જરાય ઈરાદો નથી. પરંતુ સમજદારી દ્વારા એજ્યુકેશનને આનંદમાં ફેરવવાનો ઈરાદો ચોક્કસ છે. જો સહેજ સમજદારી કેળવવામાં આવે તો હું માનું છું કે મા બાપ, બાળક અને ટીચરનો પણ બોજ હળવો થઈ શકે તેમ છે.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકો ને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણ આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો,નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

જય ભારત.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.

2 responses to “મા-બાપ, બાળક, શિક્ષક તથા શિક્ષણ પદ્ધતિ.”

  1. બહુ જ સુંદર અભિગમ અને માર્ગદર્શન આપતો આ લેખ આજ ની આવતીકાલ માટે સમાજ વ્યવસ્થા ને સુખી કરશે

    Like

  2. very nicely written and pin the point of current scenario of Google and internet world.

    Like

Leave a comment

Trending