આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે તથા આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ દેશ માટે સ્વપ્ન જોયું છે કે 2046 ની સાલ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં મૂકવું. તો આપણે આપણી જગ્યાએ રહીને આપણા દેશ માટે શું શું કરી શકીએ તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવશે.

સૌપ્રથમ આપણે વાત કરીએ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની. આપણને બધાને ખબર છે કે આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માટે સ્વપ્ન નથી જોતા. તેમને પોતાની પૂરી જિંદગી આ દેશના નાગરિકો માટે તથા આ દેશ માટે સમર્પિત કરી છે. પરંતુ મારું માનવું છે કે એક જ વ્યક્તિ સ્વપ્ન જુએ અને આપણે તેમાં કંઈ પણ ન કરીએ તો તે સ્વપ્ન જલ્દી પૂરું ન થઈ શકે. તો આ સપનું પૂરું કરવા માટે 140 કરોડની જનતાએ પોતપોતાની જગ્યાએ રહીને પોતાના હિસ્સાનું ભારત જીવવું પડશે. તે કેવી રીતના જીવી શકીએ તેની વાત આજે આ લેખમાં આપણે કરીશું. આ લેખમાં હું મારી જગ્યાએ રહીને મારી જાતમાં શું શું સુધારા કર્યા તે પણ હું તમને જણાવતો રહીશ.

  1. સૌ પ્રથમ તો 140 કરોડની જનતા નો મતલબ સમજવો પડે. જ્યારે નરેન્દ્ર મોદી 140 કરોડની જનતા કહે છે. ત્યારે તેમાં બધા જ ધર્મના, બધા જ સંપ્રદાયના, બધીજ  પોલિટિકલ પાર્ટીના નેતાઓ પણ આવી જાય. તેમાં કોઈ બાકી રહેતું નથી. આમ પણ આપણી સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમ માં માનવા વાળી છે. પુરા વિશ્વને એક ફેમિલીની નજરે જોવામાં આવે છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે જ પ્રમાણે એકશન લઈ રહ્યા છે.
  2. છેલ્લા ઘણા વર્ષોના શાસન ને કારણે આપણી રાષ્ટ્રભાવનામાં કમી આવી હતી પરંતુ હવે તેમાં ઘણો બધો સુધારો આવ્યો છે. તો સૌ પ્રથમ તો આપણે આપણા દેશ માટે જીવવાની ભાવના કેળવી પડશે. દેશ સુરક્ષિત હશે તો આપણે પણ સુરક્ષિત હશું.
  3. તે માટે આપણે સૌપ્રથમ તો સ્વચ્છતાનો ગુણ કેળવવો પડશે. પોતાની જગ્યાએ રહીને હું મારું ઘર  તથા  ધંધાની જગ્યા તથા આજુબાજુની જગ્યાને સ્વચ્છ કેવી રીતના રાખી શકું તેના વિશે વિચારવું પડશે. હું મારા ઘરમાં થી નીકળતો કચરો યોગ્ય જગ્યાએ જ નાખું છું. હું મારા ઘરમાં પેદા થતા પ્લાસ્ટિક તથા દવાખાને પેદા થતા પ્લાસ્ટિકને હું એક પ્લાસ્ટિકની કોથળીમાં ભેગા કરું છું. પછી તેને પેક કરીને કચરાવાળી બહેન ને આપુ છું. હું પ્લાસ્ટિક કોઈ દિવસ ખુલ્લામાં ફેંકતો નથી તથા તે ભેગા કરેલા પ્લાસ્ટિકની કોથળીઓ માંથી તે કોથળી મને વારંવાર ઉપયોગમાં પણ આવે છે. મોટાભાગે મારે અથવા મારી પત્નીને બહાર કઈ ખરીદી કરવાની હોય તો અમારી ગાડીમાં અથવા તો સ્કૂટરની ડેકીમાં અમે એક કોથળી અવશ્ય રાખીએ છીએ. જેના કારણે બજારમાંથી આવતું પ્લાસ્ટિક આપણા ઘરમાં ઓછું આવે. હું આજુબાજુ ક્યાંય પણ ગટર ઊભરાતી હોય તો તરત તેની જાણ નગરપાલિકાને કરું છું. જેથી તેનું સોલ્યુશન તરત આવી જાય છે. મારી ઈચ્છા નું ભારત હું આ રીતના જીવું છું. મેં વિદેશોમાં જોયું છે કે જ્યાંથી કચરો પેદા થાય ત્યાંથી જ તેને અલગ પાડવામાં આવે છે. એઠવાડ જેવો ઓર્ગેનિક કચરો એક થેલીમાં ભેગો કરવામાં આવે છે અને તે થેલીને બરોબર બંધ કરી દેવામાં આવે છે. તેજ પ્રમાણે જે પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે તે પ્લાસ્ટિકને અલગ કોથળીમાં પેક કરવામાં આવે છે. કાગળ, પૂંઠા તથા ખોખાને અલગ કોથળીમાં પેક કરવામાં આવે છે. આ બધું  ઘરમાંથી જ કરી દેવામાં આવે  તેથી કચરો લઈ જવા વાળા ને બહુ સરળતા રહે. ભારત સિવાય બીજા બધા દેશોમાં રસ્તા ઉપર એક પણ પ્લાસ્ટિક કે અઠવાડ પડેલું જોવા મળતું નથી. આપણા દેશમાં ગાય કુતરા વગેરે ફરતા હોય છે. તે તમે ફેંકેલા અઠવાડની કોથળી ને તોડીને પણ ખાવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો તેના માટે શક્ય હોય તો બંધ કન્ટેનરમાં  કચરો નાખવા માટેની જો  ગવર્મેન્ટ વ્યવસ્થા કરે અને જો એનો  અમલ આપણે કરીએ તો ઘણું બધું સારું કામ થઈ શકે તેમ છે. પરંતુ આપણી રાષ્ટ્રભાવના અભાવના કારણે તે મુકેલા કન્ટેનર પણ લોકો ઉઠાવી જાય છે.જો આપણી દુકાનમાં થી નીકળતો કચરો તે એક કાગળના ખોખામાં ભેગો કરવા માં  આવે અથવા તો કોઈ કોથળીમાં ભેગો કરવાનો આવે તો  સવારે જે કચરો વાળવા વાળી બહેન આવે તેને તે ઉઠાવવામાં જરા પણ તકલીફ ન પડે. તે કચરો બહાર ફેંકવાના કારણે આપણે કેટલા બધા રોગોના ભોગ બનીએ છીએ તેનો આપણને અંદાજ નથી. એ કોથળીના બચાવેલા પૈસા કરતાં તમારી સારવારનો ખર્ચ વધારે આવે છે. તો આના ઉપર મનન ચિંતન કરીને આપના હિસ્સાનું ભારત આપણે જીવી શકીએ. આપણે આપણી દુકાનની બહાર કચરો નાખવા માટેનું કન્ટેનર મુકતા નથી એટલા માટે લોકો કચરો બહાર ફેંકે છે. પાનના ગલ્લાની બહાર ખૂબ જ કચરો હોય છે. નગરપાલિકા શું કરે છે તે મહત્વનું નથી પરંતુ આપણે શું કરી શકીએ છીએ તે ખૂબ જ મહત્વનું છે.
  4. આપણા ઘરમાં ઘણી વખતે જરૂર કરતા વધારે ખોરાક રંધાઈ જાય છે. તેમજ ભોજન સમારંભની અંદર પણ જરૂર કરતા વધારે ખોરાક રંધાઈ જાય છે. તો તે વધેલો ખોરાક ફેંકી દેવો પડે છે. જો આ વધેલો ખોરાક જરૂરિયાત મંદના ત્યાં જેટલો બને તેટલો ઝડપથી પહોંચી જાય તેવી  વ્યવસ્થા કરવામાં આવે તો અતિ ઉત્તમ. હવે તેવી સંસ્થાઓ પણ શરૂ થઈ છે  જેથી કરીને તે વધેલો ખોરાક જરૂરિયાત મંદને ટાઇમસર પહોંચાડી શકાય. ઘણીવાર પાર્ટી પ્લોટની બાજુમાં વધેલો ખોરાક નાખેલો હોય છે જેના કારણે તે ખોરાક  બીજા ત્રીજા દિવસે વાસ મારવા માંડે છે. તો દરેક પાર્ટી પ્લોટવાળા તે વધેલા ખોરાકનો યોગ્ય નિકાલ કરવો જોઇએ. હું મારા ઘરમાં વધેલો ખોરાક મારા સ્ટાફની અંદર વહેંચી દઉં છું અથવા તો કોઈ બહાર ભિખારી કે ગરીબને  આપી દઉં છું. હું તે ના આપી શકાતો હોય તો ચાટમાં નાખી દઉં છું. ત્યાંથી તે ગાય કે કુતરા ખાઈ શકે. કચરો લેવા વાળી બાઈની ડોલમાં ખાદ્ય ખોરાક નાખવો નહીં.
  5. આપણે આપણી જાતને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે બનતા તમામ પ્રયત્નો કરવા જોઈએ. તે માટે આળસ ત્યગીને આપણને પસંદ પડે તે એક્સરસાઇઝ અથવા યોગ કરવા જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની જાત માટે એક કલાક કાઢવો જોઈએ. તેમ કરવાથી લાઈફ સ્ટાઈલ દ્વારા થતા રોગોથી આપણે બચી શકીએ. તેનાથી નાણાકીય બચત પણ થાય અને ગવર્મેન્ટ પર પણ બોજો ઓછો પડે. આપણ બધાને ખબર છે કે આખા વર્ષોની જમા કરેલી બચત જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે તે ફટાફટ ચાલી જાય છે. સ્વસ્થ સમાજ દ્વારા સ્વસ્થ દેશનું નિર્માણ થઇ શકે. ખાન પાનમાં પણ આપણે સુધારા કરવા પડશે. બને ત્યાં સુધી કુદરતી ખોરાક ખાવાની ટેવ પાડવી પડશે.
    હું એક કલાક નિયમિત યોગ કરું છું. અને બગીચામાં લોકોને પણ નિશુલ્ક યોગ કરાવું છું.  ભારતીય યોગ સંસ્થાના સહયોગથી લગભગ અમારા કલોલમાં 8 યોગ કેન્દ્ર ચાલે છે. તેમાં નિયમિત એક કલાક નિઃશુલ્ક યોગ કરાવવામાં આવે છે. અમે 50 થી વધારે યોગ શિક્ષકો તૈયાર કર્યા છે. તે આખા કલોલને યોગ કરાવી શકે તેવા સક્ષમ છે. આ રીતે હું મારા હિચ્છા નું ભારત જીવું છું. હું પોતે તો સ્વસ્થ થઈ રહ્યો છું અને બીજાને સ્વસ્થ કરવા માટે પ્રેરણા પણ આપી રહ્યો છું.
  6. જો આપણે આપણા હિસ્સાનું ભારત જીવવું હોય તો ભારતની અંદર એકલી ફેસીલીટી વધારવાથી તે દેશ સમૃદ્ધ થતો નથી. પરંતુ તેમાં રહેલા માણસનોનું ચારિત્ર કેવું છે તેના ઉપરથી દેશ સમૃદ્ધ થતો હોય છે. આપણે જે પણ ધંધો  કે નોકરી કરીએ  તે પૂરી ઈમાનદારીથી કરીએ જેનાથી તમે પણ સુખી થાઓ અને તમારો ગ્રાહક પણ સુખી થાય. તેવી વીન વીન સિચ્યુએશન ઊભી કરવી પડશે. આ દુનિયામાં આવીને લોકોને સારી સર્વિસ આપવી તેનાથી ઉત્તમ ધર્મ કોઈ નથી. હું મારા અનુભવની વાત કરું તો મેં મારા દર્દીઓને કોઈ દિવસ છેતરવાનો પ્રયત્ન કર્યો નથી. મારાથી શક્ય હોય તેટલી તમામ સર્વિસ તેમને પૂરી પાડવા માટે પ્રયત્ન કર્યો છે. તેથી મારી ડોક્ટરની પ્રેક્ટિસ ખૂબ સારી ચાલે છે. તમે જ્યારે પ્રમાણિકતાથી કામ કરો છો ત્યારે ભગવાન પણ તમને  સાથ આપે છે. તેવો મારો પર્સનલ અનુભવ છે.હું આ રીતે મારા હિસ્સાનું ભારત જીવું છું.
  7. આપણામાંના મોટાભાગના લોકોની કુટેવ છે કે તે પોતાનો ટાઈમ પ્રોડક્ટિવ કામમાં ન વાપરતા નોન પ્રોડક્ટિવ કામમાં વધારે વાપરે છે. લોકોની પંચાત કરીએ છીએ. ખોટા ખોટા ન્યુઝ વાંચીએ છીએ. વગર કામના વિડીયો જોઈએ છીએ. વગર કામની અફેલાઓ ફેલાવીએ છીએ. કોઈના મૃત્યુના, કોઈના એકસીડન્ટના, આતંકવાદના વિડિયો બજારમાં ફરતા કરીએ છીએ. પોતે તો અશાંત થાય છે અને બીજાને પણ અશાંત કરતા જાય છે. જે કાર્ય દ્વારા આપણને કંઈ પણ મળવાનું નથી. આપણે આપણો કીમતી સમય ઇન્વેસ્ટ કરવાની જગ્યાએ વેસ્ટ કરીએ છીએ.હું મારા સમયની એક એક ક્ષણ  મારા માટે અને દેશ માટે વાપરું છું. હું જ્યારે નવરો હોય ત્યારે બને ત્યાં સુધી સારા લેખ લખવા પ્રયત્ન કરું છું.અને તેને સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરું છું. જેના કારણે એક વૈચારિક ક્રાંતિ ઉભી થાય. જો આપણા વિચાર શુદ્ધ હોય અને આપણે જીવનમાં સ્પષ્ટ હોઇ તો આપણા માટે અને દેશ માટે આપણે ઘણું બધું કરી શકીએ તેમ છીએ. મેં મોટા ભાગના લેખ  સમાજ ઉપયોગી લખ્યા છે. હું મારા મનને સારા વિચારોમાં  એન્ગેજ રાખવા માટે પ્રયત્ન કરું છું. તે માટે હું મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચું છું. તેમાંથી મને જે સારી વસ્તુ મળે છે તે સમાજમાં મૂકવા પ્રયત્ન કરું છું. આ બધા જ સામાજિક કાર્યો કરવા છતાં મારી ડોક્ટર ની પ્રેક્ટિસ એટલી જ સારી રીતના કરું છું અને આ બધું જ હું આનંદપૂર્વક કરું છું. મને તેનો ભાર નથી લાગતો.
  8. આપણા દેશની તમામ જાહેર સંપતિનો  ઉપયોગ વિવેક પૂર્વક કરવો જોઈએ. તેને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.
  9. આપણી આજુબાજુ નું પર્યાવરણ શુદ્ધ રાખવું તે આપણા સૌની જવાબદારી છે. આપણને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે દરેક વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરની આજુબાજુ કે ખેતરમાં ઝાડ વાવવા બહુ જરૂરી છે. મેં મારા ઘરની આગળ બે ઝાડ વાવ્યા છે તથા બાજુનું ઘર ખાલી હતું તેની બહાર પણ બે ઝાડ  વાવ્યા છે. તે અત્યારે મોટા થઈને સરસ થાય છે. છેલ્લા ઘણા ટાઈમથી હું જોઈ રહ્યો છું કે વધુ પાક મેળવવાના ઈરાદાથી ખેતરમાં શેઢા ઉપરના ઝાડ લોકો કાપી રહ્યા છે. તે બહુ જ ખોટું થઈ રહ્યું છે. ઝાડ તમારો કાર્બન ડાયોક્સાઇડ લઈને તમને ઓક્સિજન આપે છે. ઝાડ કાપીને આપણે ખુદ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. તો આપણે કપાતા ઝાડને બચાવીને અથવા નવા ઝાડ વાવીને પણ આપણે આપણા હિસ્સાનું ભારત જીવી શકીએ.
  10. આપણ બધાને ખબર છે કે આપણને જીવવા માટે ચોખ્ખા ઓક્સિજન ની જરૂર પડશે, ચોખ્ખા પાણીની જરૂર પડશે અને ચોખ્ખું ખાવાની જરૂર પડશે. તો બને ત્યાં સુધી પાણીનો વપરાશ જરૂર પૂરતો કરવા માં મજા છે.આપણા અથવા આપણા ભાડવાતના ઘરમાં નળ તૂટી ગયો હોય પરંતુ તેને આપણે રીપેર કરાવતા નથી જેના કારણે જરૂર કરતા વધારે પાણી વહી જાય છે. હવે તો પાણીના મીટર લગાવ્યા છે જેથી કરીને સારો કંટ્રોલ આવ્યો છે. તદ ઉપરાંત આપણે તળાવમાં, નદીમાં કે કેનાલમાં હોય એટલું કચરો ઠાલવીએ  છીએ અને પાણીને અશુદ્ધ કરીએ છીએ. અમુક લોકો તો મરદા પણ પાણીમાં નાખે છે. આ બધી ખરાબ આદતોથી આપણે બહાર આવવું પડશે. તે જ પ્રમાણે વીજળીના વપરાશમાં પણ ધ્યાન રાખવું પડશે. બને ત્યાં સુધી સોલર પેનલ લગાવી પડશે. જેથી કરીને આપણને વીજળી પણ મળી રહે અને પ્રદૂષણ પણ ન થાય.
  11. આજે આપણી જોડે સમૃદ્ધિ વધી ગઈ છે તેથી દરેક વ્યક્તિ જોડે પોતાની કાર અથવા તો સ્કૂટર હોય છે. પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો તેમાં પણ જો શેરિંગ બેજ ઉપર જઈએ તો ઓછા પેટ્રોલનો ઉપયોગ થાય. તમને પણ ફાયદો થાય અને જવા વાળાને પણ ફાયદો થાય. મે વિદેશમાં એવું જોયું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તે લોકો whatsapp ગ્રુપ બનાવે. તે whatsapp ગ્રુપમાં તે વ્યક્તિ જ્યાં જવાનું હોય તેની માહિતી મૂકે અને તેમાં જેને પણ આવવું હોય તેના માટે રિક્વેસ્ટ પણ મૂકે. આ પણ એક સારો કોન્સેપ્ટ છે. શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રીક થી ચાલતા સાધનોનો ઉપયોગ કરવો પડશે તથા જાહેર ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો પડશે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય અને ગવર્મેન્ટને પણ ફાયદો થાય.
  12. આપનો દેશ અલગ અલગ સંપ્રદાય તથા અલગ અલગ ધર્મનો બનેલો છે. કોઈપણ સંપ્રદાય અથવા તો ધર્મ  પ્રજાનું હિત જ ઈચ્છે છે. તે તેમને સદાચારના માર્ગે લઈ જાય છે. ભલે ધર્મો ગમે તેટલા હોય પરંતુ માનવતા થી મોટો કોઈ ધર્મ નથી. મારો જ ધર્મ સારો અને બીજા નો ધર્મ ખરાબ તે માનસિકતા માંથી આપણે  બહાર આવવું પડશે. હું હિન્દુ,હું મુસલમાન,હું શીખ, હું ઈસાઈના વાડા માંથી બહાર આવવું પડશે. આપણે બધા 140 કરોડ જનતાના એક ભાગ છીએ. મેં જોયું છે કે મોટાભાગના ધર્મ અને સંપ્રદાયો તેમાં રહેલા વ્યક્તિઓ પોતાનો અહમ સંતોષવા માટે તેના મસિહા  થઈને બેઠેલા હોય છે. ભલે પોતાનો ધર્મ પાડો તેમાં કઈ ખોટું નથી પરંતુ જ્યારે દેશની વાત આવે ત્યારે આપણે બધા એક જ છીએ તેવી ભાવનાથી કામ કરવું પડશે.
  13. ભારતના મોટાભાગના લોકોની કુટેવ તે છે કે માણસના મરી ગયા પછી તેના પાળિયા બનાવીને પૂજે છે. પરંતુ જીવતે જીવ તેને હખ લેવા દેતા નથી. આ બાબતમાં તો આપણે આપણા ભગવાનોને પણ છોડ્યા નથી. જે માણસ આ દેશ માટે સારું કરી રહ્યો તેની પ્રશંસા કરવાની જગ્યાએ આપણે તેના કામમાં રોડા નાખીએ છીએ. જો આ દુનિયામાં કોઈ વ્યક્તિ સારું કામ કરી રહ્યો હોય તો તેની પ્રશંસા કરવી જોઈએ. તો તે વ્યક્તિને કામ કરવાનો ઉત્સાહ પણ જાગે. સાચી પ્રશંસા કરવાની ટેવ પાડો તે તમારા માટે પણ સારી છે અને બીજાના માટે પણ સારી છે.
  14. દેશના યુવાન લોકોને ખાસ વિનંતી કે તમારે  ઉંમરથી યુવાન નથી થવાનું પરંતુ તમારા કામથી, તમારા ઉત્સાહથી, તમારા પરિશ્રમથી યુવાન થવાનું છે. તમારો ઉત્સાહ તથા તમારું કામ જોઈને લોકોને પણ પ્રેરણા મળવી જોઈએ. યુવાન લોકોએ પોતાની તમામ આવડતને પોતાના માટે અને દેશ માટે ઉપયોગ કરતા શીખવું પડશે. આપણા ભારત દેશમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે અને ભારત દેશના યુવાનો વિદેશોમાં પણ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. તો આ દેશના ભવિષ્યનો આધાર આજનો યુવાન છે. આ દેશ માટે મરવાનો મોકો ન હતો મળ્યો પરંતુ આ દેશ માટે જીવવા માટેનો મોકો તમને જરૂર મળ્યો છે. તો તેનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. આજના યુવાનને ખાસ વિનંતી છે કે પોતાની જાત માટે એક કલાક કાઢે. તે એક કલાક દરમિયાન પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કસરત કે યોગ કરે. 
  15. જે લોકો રીટાયર્ડ થયા છે પરંતુ શારીરિક  રીતે સશક્ત છે તો તેમને પોતાનો સમય વેસ્ટ ન કરતા તેમના જીવન દરમિયાન મેળવેલા અનુભવનો, જ્ઞાન, તથા આવડતનો ઉપયોગ સમાજ માટે કરવો જોઈએ.  તે સમય દરમિયાન તમે લોકોને અક્ષર જ્ઞાન આપી શકો. ટેકનોલોજી શીખવાડી શકો. કોમ્પ્યુટર શીખવાડી શકો. કટાઈને મરી જવા કરતાં ઘસાઈને મરી જવું સારું. આમ પણ કોઈ લક્ષ વગરનું જીવન જલ્દી મોતને આમંત્રણ આપે છે. તમે ઉંમરથી ઓલ્ડ નથી થયા પરંતુ તપી તપી ને ગોલ્ડ પણ થયા છો.
  16. આ દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ એ પોતપોતાની પાર્ટીમાં રહીને પણ આ દેશ માટે જેટલું પણ સારું થાય તેટલું સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારું ન કરી શકતા હોય તો કંઈ વાંધો નથી પરંતુ જે સારું કરી રહ્યા છે તેનો વિરોધ ન કરો. અલગ અલગ ધર્મ માટે  પણ આ જ ફોર્મ્યુલા લાગુ પડે છે. આપણે એકબીજાના વિરોધી નથી થવાનું પણ સહયોગી થવાનું છે.
  17. આપણે બધાએ આપણા બાળકોને ભણાવવા પડશે બને ત્યાં સુધી ઉચ્ચ શિક્ષણ આપવું પડશે. ટેકનોલોજી શીખવી પડશે. જો આપણે નહીં બદલાઈ તો દુનિયા આપણને બદલી નાખશે.
  18. આપણા દેશમાં માણસોની કમી નથી પરંતુ પ્રશિક્ષિત માણસોની કમી છે. આપણને સારો પ્લમ્બર, સારો સુથાર, સારી કામવાળી બાઈ કે સારી રસોઈ કરવા વાળી બાઈ સરળતાથી મળતી નથી. જે કઈ બેહેનો કામ કરે છે તે મજબૂરીના કારણે કામ કરતા હોય છે. આપણા દેશમાં આવા નાના-નાના વ્યવસાયમાં સ્કીલ લેબર પેદા કરવાની જરૂર છે.
  19. આપણે કોઈપણ કામને ઉચ્ચ નીચના ભાવ સાથે જોડવું ના જોઈએ. આ મારાથી કરાય  આ મારાથી ન કરાય તેવા ભાવથી ઉપર ઉઠવું પડશે.  કામએ કામ છે. ઘણીવાર ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ પણ બે પાંચ હજારની નોકરી કરે છે. અને સામાન્ય કે અભણ માણસ પ્લમ્બિંગ કે સુથારી કામમાં હજારો રૂપિયા કમાય છે.
  20. દેશના વિકાસમાં સ્ત્રી તથા પુરુષની સમાન ભાગીદારી હોવી જોઈએ. હવે સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણું બધું સારું કામ કરી શકે છે. સ્ત્રી સન્માનની ભાવના કેળવી પડશે. તથા સ્ત્રી પુરુષનો રેશિયો એક સરખો રહે તે માટે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે.

 તો ઉપર મુજબના મુદ્દા જે મારા ધ્યાનમાં આવ્યા  તે તમારી સમક્ષ મૂક્યા છે. આ રીતે આપણા હિસ્સાનું ભારત આપણે જીવી શકીએ.

આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો વધુ ને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કરવા ના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ થાઓ એવી શુભકામના સાથે. તમારો ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

જય ભારત.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ કલોલ

Leave a comment

Trending