આ દુનિયાના મોટાભાગના લોકો નેગેટિવ વિચારોથી પરેશાન છે. તો આ નેગેટિવ વિચારો ક્યાંથી આવે છે? નેગેટીવ વિચાર શું છે? તે સારા કે ખરાબ? તેને કેવી રીતના રોકી શકીએ? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
સૌપ્રથમ નેગેટીવ વિચાર એટલે શું અને પોઝિટિવ વિચાર એટલે શું તે જાણી લઈએ.
જે વિચાર કરવાથી તમને સારું ન લાગે તે નેગેટીવ વિચાર કહેવાય અને જે વિચાર કરવાથી તમને સારું લાગે તે પોઝિટિવ વિચાર કહેવાય. કોઈપણ વસ્તુની પોઝિટિવ બાજુ ઉપર વિચાર કરવામાં આવે તેને પોઝિટિવ વિચાર કહેવાય કોઈપણ વસ્તુની નેગેટિવ બાજુ ઉપર વિચાર કરવામાં આવે તે નેગેટીવ વિચાર કહેવાય.
નેગેટીવ વિચાર શું છે અને તે ક્યાંથી આવે છે?
આપણા શરીરનો નાનામાં નાનો યુનિટ તે કોષ કહેવાય. તેમ આપણા મનનો નાનામાં નાનો યુનિટ એટલે વિચાર કહેવાય. તમારું પૂરું જીવન તમારા વિચારો ઉપર આધીન છે. મોટાભાગના લોકોની કમ્પ્લેન હોય છે કે મને નેગેટિવ વિચારો બહુ જ આવે છે તેનાથી હું પરેશાન થઈ જાઉં છું. ઘણી વખત નેગેટિવ વિચારોના કારણે માણસ આપઘાત પણ કરી બેસે છે. એટલે આપણે ત્યાં એક ગીત પણ આવતું હતું ગોલીમાર ભેજે મેં ભેજા બહુત શોર કરતા હૈ. માણસ નેગેટીવ વિચારોથી કંટાળી જાય ત્યારે પોતાના ભેજામાં ગોળી મારીને આપઘાત પણ કરે.
જ્યારે કોઈ વ્યક્તિને નેગેટિવ વિચારો આવે છે ત્યારે આપણે તેને સુફિયાણી સલાહ આપતા હોય છે કે નેગેટિવ વિચાર ન કરવા જોઈએ. પરંતુ તે સલાહ સામેવાળી વ્યક્તિને કામમાં આવતી નથી. કારણ કે વિચાર આવે છે આપણે તેને કરતા નથી. આપણે વિચાર કરતા હોય તો શા માટે માણસ નેગેટિવ વિચાર કરે અને પોતાને દુઃખી કરે. તો વ્યક્તિ વિચાર કરતો નથી પરંતુ વિચાર આવે છે. મગજનું કામ વિચારવાનું છે. તેને આપણે રોકી ન શકીએ. ભગવાને આપણા શરીરના તમામ અંગોને ચોક્કસ કામ સોંપ્યા છે. જેમ કે કિડનીને ફિલ્ટરેશન કરવાનું કામ સોંપ્યું છે આપણે તેમ ન કહી શકીએ કે તું ફિલ્ટરેશન કરવાનું બંધ કરી દે. તેમ આપણા મગજને પણ તેમ ન કહી શકીએ તુ વિચારવાનું બંધ કરી દે. તો વિચારો તો આવવાના જ તે વિચારોને આપણે બંધ ન કરી શકીએ પરંતુ તે વિચારોને કંટ્રોલ ચોક્કસ કરી. નેગેટીવ વિચારની જગ્યાએ પોઝિટિવ વિચાર જરૂર કરી શકીએ. થોડીવાર માટે ટેમ્પરરી બંધ કરી શકીએ.
નેગેટીવ વિચારથી માણસ પરેશાન કેમ થાય છે?
આપણો દરેક વિચાર આપણી લાગણી સાથે જોડાયેલો છે. જ્યારે તમને નેગેટિવ વિચાર આવે છે ત્યારે તમને સારું નથી લાગતું. નેગેટીવ વિચાર આપણી માન્યતાના વિરુદ્ધમાં હોય.
મોટાભાગના નેગેટિવ વિચાર ડર તથા શંકાના કારણે આવે છે. તથા અમુક વિચાર આપણે નક્કી કરેલી માન્યતાઓની વિરુદ્ધમાં આવે છે.
મોટાભાગના નેગેટીવ વિચારો
હું નિષ્ફળ જઈશ તો, મને આ રોગ થઈ જશે તો, મારા બધા જ પૈસા ખતમ થઈ જશે, હું ગરીબ થઈ જઈશ તો, હું મરી જઈશ તો, મારી આબરૂ જશે તો, મારી સંપતિ લુંટાઈ જશે તો, મારી નોકરી જતી રહેશે તો, મારું પદ છીનવાઈ જશે તો, મારો પતિ-પત્ની તથા બાળકો મને છોડીને જતા રહેશે તો, મારો પ્રેમી મને છોડીને જતો રહેશે તો. આ ટાઈપના નેગેટિવ વિચાર આવે છે.
આ દુનિયામાં હું માનું છું કે બે જાતના ડર બહુ મહત્વના છે એક ગરીબ થઈ જવાનો ડર અને એક મૃત્યુનો ડર. માણસ ગરીબ ન થઈ જાય તેના માટે તે સતત પૈસા મેળવવા માટે પ્રયત્ન કરે છે.
અમુક લોકોને સૌથી વધારે પરેશાન કરતા જો વિચાર હોય તો તે સેક્સ બાબતનો હોય છે. દેવી દેવતાઓ તથા નજીકના સંબંધી સાથે સેક્સના વિચારો તેમને ખૂબ હેરાન પરેશાન કરતા હોય છે. અમુક એવા ખરાબ વિચારો આવે કે વ્યક્તિ કહી પણ ન શકે. જેટલો તે વધારે તેને રોકવા જાય તેટલા તે વધારે આવે. માણસ દુઃખી દુઃખી થઈ જાય. નેગેટિવ વિચારોને કારણે વ્યક્તિ ઘણીવાર નિરાશા હતાશામાં ડૂબી જાય.
આ નેગેટીવ વિચારો આવે ક્યાંથી?
કોઈપણ વિચાર આપણા મગજમાંથી આવે છે. એક અંદાજ મુજબ વ્યક્તિ દિવસના ૬૦ હજારથી વધુ વિચારો કરે છે. મોટાભાગના વિચારો તેને વારંવાર આવતા હોય છે તથા તે એક જ ચોક્કસ પેટર્ન માં આવતા હોય છે. જ્યારે તમે એકના એક વિચાર વારંવાર કરો છો ત્યારે તે તમારા સબ કોન્સીસ માઈન્ડમાં ઘૂસી જાય છે અને તે તમારા વર્તનનો હિસ્સો થઈ જાય છે. એનો મતલબ કે તે નેગેટિવ વિચાર કરવાની તેમને આદત પડી જાય છે. આપણી મોટાભાગની વિચારસરણી હકારાત્મક ની જગ્યાએ નકારાત્મક વધારે છે. આપણે શું ન કરવું તે વધારે શીખવવામાં આવ્યું છે શું કરવું તે ઓછું શીખવવામાં આવે છે.
માણસના સ્વભાવ મુજબ કોઈપણ કાર્ય કરશે તો તેના કોમ્પ્લિકેશન પહેલા વિચારશે. એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા તે નિષ્ફળ જશે તો શું થશે તેનો ખ્યાલ પહેલા આવે છે. સફળ થશે ત્યારે શું થશે તેનો વિચાર જલ્દી નથી આવતો. એટલે મોટાભાગની આપણી વિચારસરણી નેગેટિવ હોય છે.
જોકે નેગેટિવ વિચાર પણ જરૂરી હોય છે. બધા જ નેગેટિવ વિચારો કંઈ ખરાબ હોતા નથી. મોટાભાગના સલામતી ના સાધનોની શોધ તે તમારા નેગેટિવ વિચારોને કારણે થઈ છે. મોટાભાગની વસ્તુઓનું સર્જન નેગેટિવ વિચારોના કારણે થયું છે. જેમકે દરિયામાં ડૂબી ન જવાય તેના માટે દરિયાના બધા જ વાહનો મનુષ્યએ બનાવ્યા છે.
નેગેટીવ વિચારોને આવતા રોકી કેવી રીતના શકાય?
સૌપ્રથમ તો નેગેટીવ વિચાર તથા પોઝિટિવ વિચાર તે આપણી વિચારસરણી નો ભાગ છે તે આપણે સ્વીકારવું પડશે.
સૌપ્રથમ આપણે તે સમજવું પડશે કે વિચારોને આવતા આપણે રોકી શકવાના નથી. વિચારોતો સતત આવ્યા જ કરવાના છે. પરંતુ તે આવતા વિચારોને કંટ્રોલ જરૂર કરી શકાય. તેને અલગ દિશા આપી શકાય.
આમ તો ભગવાને તમારે કેવા વિચાર કરવા કેટલા વિચાર કરવા તેનો કંટ્રોલ તમને આપ્યો છે. પરંતુ આપણે તેને લાંબો સમય કંટ્રોલ કરી શકતા નથી. તમે ગમે તેટલા વિચારોને બંધ કરવા પ્રયત્ન કરો પણ થોડા ટાઈમ પછી ચાલુ જ થઈ જાય છે.તો હવે તેને કંટ્રોલ કેવી રીતે કરી શકાય તેનો વિચાર કરીએ.
- વિચાર જ ન કરવો.
વિચાર જ ન કરવો તેવી સ્થિતિ આપણા જીવનમાં ક્યારે પેદા થાય છે. તેના વિશે વિચાર કરીએ. એક તમે ગાઢ નિંદ્રામાં હોવ છો ત્યારે તમને કોઈપણ વિચાર આવતો નથી. ના પોઝિટિવ કે નેગેટિવ. ભગવાન તે વખતે તમારું હિલિંગ કરે છે. ગાઢ નિંદ્રા લઈને ઉઠ્યા પછી તમને બહુ સારું લાગે છે. પરંતુ ગાઢ નિંદ્રા લાવવી તે આપણા હાથની વસ્તુ નથી. તે કુદરતી છે. કોઈપણ નેગેટીવ વિચાર આવે તો તેને સ્ટોપ સ્ટોપ કહીને બંધ કરી શકાય. - બીજો રસ્તો તમે સ્વેચ્છાએ તમારા વિચારને બંધ કરી શકો છો. ધ્યાનની તુરીયા અવસ્થામાં આપણે વિચારોની ગતિને ઝીરો કરીએ છીએ. તેને આત્મ સ્થિતિ કહેવાય. પરંતુ મેડીટેશન કરવું તે બધા માટે સરળ નથી. પોતાની જાત જોડે બેસતા માણસને ડર લાગે છે.
- ત્રીજો રસ્તો વિચારોની ગતિને ઓછી કરવી હોય તો રાગ અને દ્વેષથી પર થઈને તટસ્થ ભાવમાં સ્થિર થવું. કારણ કે મન જ્યારે રાગ અને દ્વેષથી જોડાય છે ત્યારે તે એક્ટિવ થાય છે. મતલબ સુખમાં શકી નહીં જવું અને દુઃખમાં ડરીને નહિ જવું.
- નેગેટીવ વિચાર ની જગ્યાએ પોઝિટિવ વિચાર કરીને. જો તમને નેગેટિવ વિચારો આવતા હોય તો તેની જગ્યાએ પોઝિટિવ વિચારો કરો. કારણ કે એક જ ટાઈમે એક જ વિચાર આવી શકે કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ. જ્યારે આપણને નેગેટીવ વિચાર આવે ત્યારે આપણે તે નેગેટિવ વિચાર દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેનાથી વધુ નેગેટિવ વિચારો આવે છે અને આપણે નિષ્ફળ જઈએ છીએ. તેની જગ્યાએ પોઝિટિવ વિચાર કરવાથી તે નેગેટિવ વિચાર ઓટોમેટિક કરમાઈ જશે. પરંતુ તેના માટે સતત પોઝિટિવ વિચાર કરવાનો મહાવરો કરવો પડે. જેમ નેગેટિવ વિચાર કરવાની ટેવ પાડી છે તેમ પોઝિટિવ વિચાર કરવાની પણ ટેવ પાડવી પડે.
- મૌન રહેવાથી પણ વિચારોની ગતિ ઓછી થાય છે. મૌન નો મતલબ બાહ્ય અને આંતરિક મૌન. ઘણી વખત વ્યક્તિ મોઢેથી કંઈ બોલતો ન હોય પરંતુ મગજમાં વિચારોની શૃંખલા ચાલુ હોય.
- નેગેટીવ વિચારો વારંવાર આવતા હોય તો તમે તમારી જાતને કોઈપણ કાર્ય ની અંદર વ્યસ્ત કરી દો. તો પણ તમને આવતા નેગેટિવ વિચાર ઓછા થઈ જશે. જેમ કે મન દ્વારા કોઈ એક મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરો. કોઈ મનગમતા કાર્યની અંદર તમારી જાતની પરોવી દો. એક્સરસાઇઝ કરો, યોગ કરો. મન કર્મ અને વચનથી પોઝિટિવ કાર્યો કરતા રહો. આપણે વારંવાર કોઈ એક મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે મન એક જગ્યાએ સ્થિર થઈ જાય. આપણે ભગવાનની માળા અને મંત્રોનું ઉચ્ચારણ આના માટે જ કરીએ છીએ.
- જુઓ આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, નેગેટિવ વિચારો જેવા નેગેટિવ સંસ્કાર પડી ગયા હોય તો તેની જગ્યાએ પોઝિટિવ સંસ્કાર ડેવલોપ કરવા પડે.જેમ કે દયા, પ્રેમ, કરુણા, સેવા, સહયોગ, સમર્પણ, સંતોષ, સ્વાધ્યાય, શુદ્ધિ પોઝિટિવ વિચાર વગેરે વગેરે. જ્યારે તમે પોઝિટિવ સંસ્કાર ડેવલપ કરો છો ત્યારે નેગેટીવ સંસ્કાર આપોઆપ ઓછા થઈ જાય છે.
- નકારાત્મક વિચાર આવે તો તેને અવગણવો. તેને બહુ ભાવ આપવો નહીં. આપણે જેટલા નેગેટિવ વિચાર દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ તેટલા વધુને વધુ નેગેટીવ વિચાર આવે છે. જેમ કે આવતી 10 સેકન્ડમાં તમારે વાંદરા વિશે વિચાર કરવાનો નથી તો વાંદરો જ તમારા વિચારમાં આવશે. તેમાં બહુ જ સંઘર્ષ કરવો પડે છે. તેની જગ્યાએ પોઝિટિવ વિચાર કરો એટલે નેગેટિવ વિચાર ઓટોમેટિક શાંત થઈ જશે અથવા કઈ વિચાર જ ન કરો. તે નેગેટીવ વિચારને ખાદ પાણી આપવાનું બંધ કરો. તમારે જે વસ્તુ દૂર કરવી છે તેનો ઓપોઝિટ ગુણ કેળવો.
- ઉપરના બધામાં સૌથી કારગર ઈલાજ એ છે કે તમે તમારી જાતને તમારા શરીરથી તમારા મનથી અલગ પાડીને જુઓ. મનનો ઉપયોગ જરૂર હોય ત્યારે કરો બાકીનો એને બાજુમાં મૂકી દો. પોઝિટિવ વિચાર કે નેગેટિવ વિચાર એ આપણા બુદ્ધિની ઉપજ છે. આપણે આપણી ઓળખ તે વિચાર સાથે જોડી દીધી છે. તેથી તમને તે હેરાન કરે છે. જ્યારે આપણે બેડમિન્ટન રમતા હોય ત્યારે રમત પૂરી થાય ત્યારે આપણે રેકેટને બાજુમાં મૂકી દઈએ છીએ. તે જ પ્રમાણે તમારા મનનું કામ પતી થઈ જાય ત્યારે તમારે તેને બાજુમાં મુકતા શીખવું પડે. તમારા શરીર અને મનની પરે પણ તમારું જીવન છે. તમે રાત્રે સુઈ જાવ છો તેમ છતાં દુનિયા પણ છે અને તમે પણ જીવો છો. કોઈપણ નેગેટિવ વિચાર ને જ્યાં સુધી તમે અમલમાં નથી મુકતા ત્યાં સુધી તમને કોઈ પણ પાપ લાગતું નથી. તમે જ્યારે તે વિચારને અવગણો છો ત્યારે તે ઓટોમેટીક કરમાઈ જાય છે. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે પોતાની ઓળખ તે વિચાર જોડે જોડી કાઢી છે. પોઝિટિવ વિચાર કે નેગેટિવ વિચાર એ આપણા બુદ્ધિએ પાડેલો ભેદ માત્ર છે. બાકી પુરા અસ્તિત્વમાં પોઝિટિવ કે નેગેટિવ જેવી કોઈ વસ્તુ નથી. એ તમારા મનનો એક ખેલ છે. આપણી બુદ્ધિએ આ શાકાહારી તથા માંસાહારી, ધાર્મિક તથા અધાર્મિક, સારો વિચાર કે ખરાબ વિચાર જેવા ભેદ પાડ્યા છે. તમારી કિડની, તમારું લીવર, તમારું હૃદય બરોબર કામ કરે છે તેમાં તમને કોઈ વાંધો નથી પરંતુ તમને તમારા મન સાથે વાંધો છે. કારણ કે તેની જોડે તમારો અહમ જોડાયેલો છે. ભગવાને તમને મન આપીને તમારા ઉપર ઉપકાર કર્યો છે. પરંતુ તમારું મન જ તમને અડચણરૂપ થઈ રહ્યું છે. તેનો મતલબ ભગવાને કોઈ ભૂલ નથી કરી પરંતુ તમે તેના વિશે વધુ વિચારી રહ્યા છો. તમારું શરીર, તમારું મન, તમારી લાગણીઓ, તમારી ઉર્જા એક સીધી લીટીમાં કામ કરે તો તો તમે આ દુનિયામાં ધારો તે કરી શકો. તેવું કરવા માટે સદગુરુ ની ઈશા ક્રિયા નો તમે ઉપયોગ કરી શકો. તે રોજ દિવસમાં બે વાર 12 મિનિટ કરવાની હોય છે. તમે તેને સતત 48 દિવસ કરો તો તમને ફાયદો થાય. રોજ એક વખત કરવી હોય તો ત્રણ મહિના કરવી પડે. તે તમને ઓનલાઇન youtube ઉપર મળી શકે. હું નીચે લિંક મુકું છું તેનો પણ તમે ઉપયોગ કરી શકો.
તો આ જુદી જુદી રીત દ્વારા તમે તમારા મનના વિચારોને કંટ્રોલ કરી શકો. મનને મારો નહીં પરંતુ મન ને વાળો.
આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
How to remove your negative thoughts by Sadhguru
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment