સૌપ્રથમ તો મને વિચાર આવ્યો કે આ મન શું છે? મન બને છે કેવી રીતના? મનની અંદર શું શું હોય? અને મન કેવી રીતના કામ કરે? તેના ઉપર વિચારતા વિચારતા મને એવા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા જે તમારી સમક્ષ આ લેખ દ્વારા પ્રસ્તુત કરું છું. આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવશે. થોડો લાંબો છે. પરંતુ અંત સુધી બરોબર શાંતિથી વાંચજો મજા આવશે. મારા લેખ કોઈ મનોરંજન માટે હોતા નથી. પરંતુ જીવનમાં ક્લેરિટી માટે હોય છે. જેટલી ક્લેરિટી વધારે એટલું જીવન સરળ.
મન ઉપર વિચારતા મને એવું લાગ્યું કે આખો મામલો જે છે તે યાદશક્તિનો છે. તમારા મનમાં તમે અત્યાર સુધી જે કંઈ જોયું, જે કંઈ સાંભળ્યું, જે કંઈ સૂંઘ્યું, જે કોઈ ચાખ્યું, જે કોઈ સ્પર્શ કર્યું તે તમામ યાદો યાદ શક્તિરૂપે સંધળાયેલી છે. જે વસ્તુ આપણે વારંવાર કરી તે પણ આપણી યાદશક્તિ નો હિસ્સો બની જાય. જેના દ્વારા આપણું મન બન્યું છે.
જેમ કે આપણું મન વિચારોથી ભરેલું છે. આદતોથી ભરેલું છે. ઈચ્છાઓથી ભરેલું. છે. યાદોથી ભરેલું છે. અનુભવોથી ભરેલું છે. જ્ઞાનથી ભરેલું છે.લાગણીઓથી ભરેલું છે.
આખી દુનિયા ઉપર નજર કરતા આખો મામલો યાદશક્તિ યાની કી મેમરીનો છે. જેમકે કોઈ એક ઝાડ કે છોડના બીજમાં ભગવાને એવી જબરજસ્ત મેમરી મૂકી દીધી છે કે લીમડાના બીજમાંથી લીમડો જ પેદા થાય. ઘઉંના બીજમાંથી ઘઉંજ પેદા થાય. સુરજ, ચંદ્ર, પૃથ્વી,ગ્રહો પોતાના ડાયરામાં રહીને જ ભ્રમણ કરે છે.એકબીજા જોડે અથડાઇ ના તેનું ધ્યાન રાખે છે.
જેમ કે પ્રજનન વખતે પુરુષે પોતાનું અડધું જેનેટીક મટીરીયલ અને સ્ત્રીએ પોતાનું અડધું જીનેટીક મટીરીયલ એક સેલમાં નાખ્યું અથવા ભેગું કર્યું. હવે તે એક સેલ માંથી આપણા શરીરના તમામ અંગો બન્યા. લીવર બન્યું. આંતરડા બન્યા. ફેફસા બન્યા. મગજ બન્યું. મા બાપ નો દેખાવ તથા સ્વભાવ પણ જીન્સમાં ઉતર્યો.
એનો મતલબ માણસના તે બીજમાં ભગવાને મેમરી રૂપે કેટલી બધી વસ્તુઓ મૂકી દીધી તે જોઈને સ્વભાવિક રીતે આચર્ય થાય.
હવે પ્રશ્ન એ થાય કે ભગવાને આટલી બધી મેમરી એક નાના બીજ ની અંદર કે સેલમાં મૂકી કેવી રીતના દીધી? એની ગોઠવણ કેવી રીતના કરી હશે તે પણ એક પ્રશ્ન થાય. આપણા શરીરનો દરેક કોષ 46 રંગસૂત્રોનો બનેલો છે. તે દરેક રંગસૂત્રની અંદર ડીએનએ નામનું જનીન દ્રવ્ય હોય. તે જનીનની અંદર એમિનો એસિડ આવેલા છે. તો આપણું આખું શરીર તે એમિનો એસિડ એટલે કે પ્રોટીનનું બનેલું છે. હવે તે એમિનોનો એસિડ આપણા જીનની અંદર સંધળાયેલા છે. જ્યારે તેને લીવર બનાવવું હોય ત્યારે તે પ્રકારના એમિનો એસિડ પોતાનામાંથી પેદા કરે તે પ્રમાણે લીવર બને. તે જ પ્રમાણે આંતરડું બનાવવું હોય તો આંતરડા માટેના એમિનો એસિડ પેદા કરે. તે જ પ્રમાણે તમારા શરીરના તમામ અંગો બને. ભગવાને તે સેલમાં ત્યાં સુધી મેમરી નાખી છે કે પહેલા તે અંગો બનાવે પછી એને વિકસિત કરે પછી એને ફિક્સ ટાઈમે કાર્યરત કરે અને તેનો ટાઈમ પૂરો થઈ જાય પછી તેનું કામ બંધ પણ કરી દે. જેમકે કોઈપણ સ્ત્રીને માસિકની તથા યુવાની ની શરૂઆત 10 થી 14 વર્ષની વચ્ચે થાય. 50 થી 60 વર્ષની વચ્ચે તે માસિકને બંધ કરી દે. તો તે તમામ વસ્તુ યાદ શક્તિરૂપે તે એક સેલની અંદર સંગ્રહિત છે. જેને આપણે જીનેટિક્સ કહીએ છીએ. તે તમામ મેમરી એક કોડિંગના રૂપમાં સંગ્રહાયેલી છે. જો આપણા જનીનમાં જરા પણ ફેરફાર થાય તો કોઈક વખત બાળક ખોડખાપણ વાળું આવે. કોઈને રોગ પેદા થઈ જાય. કોઈને બાળપણનો ડાયાબિટીસ થઈ જાય વગેરે વગેરે. આ જીનેટીક મટીરીયલ ઉપર જો ફેરફાર કરવામાં આવે તો બીજું ઘણું બધું સારું સર્જન પણ કરી શકાય. જેમ કે નાના મરચા ની જગ્યાએ મોટું મરચું પેદા કરી શકાય, અલગ અલગ કલરના મરચાં પેદા કરી શકાય. અલગ અલગ સાઈઝના ફળો પેદા કરી શકાય વગેરે વગેરે.
હવે આપણે મન ઉપર આવીએ મનનો સવાલ ત્યારે પેદા થાય કે જ્યારે મગજ બને. તો ભગવાને પહેલા મગજ બનાવ્યું. તે મગજ પછી પૂરી દુનિયામાંથી ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી જ્ઞાનેન્દ્રિયો બનાવી. આંખ દ્વારા તમે જોયું. કાન દ્વારા તમે સાંભળ્યું. નાક દ્વારા તમે સૂંઘ્યું. જીભ દ્વારા તમે ટેસ્ટ કર્યો. ચામડી દ્વારા તમે સ્પર્શ કર્યો તે બધી વસ્તુને મેમરી સ્વરૂપે આપણા મગજના અલગ અલગ ભાગોમાં સંગ્રહિત કરી. એટલું જ નહીં પરંતુ તે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોની તમામ માહિતી એકબીજા જોડે કનેક્ટ કરી કાઢી. તો હવે પ્રશ્ન એ થાય કે આખી જિંદગી આપણે તો ઘણું બધું જોયું, ઘણું બધું સાંભર્યું, ઘણું બધું ટેસ્ટ કર્યું, ઘણું બધું સુંગ્યું તથા સ્પર્શ કર્યું. તો આ બધું જ મગજની અંદર ભગવાને કેવી રીતના સંગર્યું હશે. તો તેનો જવાબ છે કોડિંગ. જેમ કે કોમ્પ્યુટરમાં તમામ યાદ 0 1 ની જેમ સંગ્રહિત થાય છે તેવું જ આપણા મગજની અંદર પણ થાય છે. આ દુનિયાની તમામ માહિતી ના મુળમાં અક્ષર હશે કા તો આંકડો હશે, જેમ કે આપણો કક્કો તથા બાળકરી તે અક્ષરોથી બનેલી છે તે અક્ષર માંથી શબ્દ બને. તે શબ્દમાંથી વાક્ય બને. તે વાક્યમાંથી નિબંધ કે કવિતા બને. તે જ પ્રમાણે o થી 10 સુધીના અંકોમાંથી રકમ બને. તે જ રીતના કોઈ પણ ઈમેજ અથવા ચિત્ર તેના આકાર અને રંગ ઉપરથી બને. તો આપણા મગજમાં આ અક્ષર, આંકડો, ઈમેજ કે રંગ કોડિંગના રૂપમાં સંગ્રહાયેલ હોય છે.જ્યારે તે વસ્તુ તમારી સામે આવે ત્યારે એ અંદરની મેમરી દ્વારા તે વસ્તુને તે તરત ઓળખી કાઢે.
હવે આપણે રોજબરોજ જે કંઈ કામ કરીએ છીએ તે મેમરી રૂપે આપણા મગજની અંદર સંગ્રહિત થાય જેમ કે તમે સાયકલ ચલાવવાનું શીખ્યા હતા તો તે સાયકલ ચલાવવાનું ગમે ત્યારે પણ તમે યાદ કરીને ચલાવી શકો છો. ડોક્ટર ઓપરેશન કરતા શીખ્યા, એન્જિનિયર બિલ્ડીંગ બનાવતા શીખ્યા, બેહેનો રસોઈ બનાવતા શીખ્યા એ બધું જ મેમરીના રૂપમાં આપણા મસ્તિષ્કમાં સમાયેલું છે. તમે વાંચ્યું વારંવાર વાંચ્યું તે તમારા મગજ એ યાદ રાખ્યું, તમે સાંભળ્યું વારંવાર સાંભર્યું તે તમારા મગજે યાદ રાખ્યું, તમે જે ટેસ્ટ કર્યો વારંવાર કર્યા તે તમારા મગજે યાદ રાખ્યું, તમે જે સ્પર્શ કર્યો વારંવાર સ્પર્શ કર્યો તે તમારા મગજે યાદ રાખ્યું. તમે જે સૂંઘ્યું વારંવાર સૂંઘ્યું તે તમારા મગજે એ યાદ રાખ્યું. આ યાદશક્તિનું નામ એટલે જ મન. જો આ યાદ શક્તિ આપણા મગજમાંથી કાઢી નાખવામાં આવે તો આપણે ક્યાંય ના ન રહીએ. પ્રથમ વખત જ્યારે કોઈપણ વસ્તુ કે વ્યક્તિને યાદ રાખવું હોય ત્યારે આપણા મસ્તિષ્કમાં ન્યુરોનની અંદર હલચલ પેદા થાય અને તેને યાદ રાખવા પ્રયત્ન કરે તેમાં તે પોતાની જૂની મેમરીનો પણ ઉપયોગ કરે કે આ વસ્તુ કોના જેવી દેખાય છે. આ વસ્તુ મેં પહેલા જોઈ હતી કે નહોતી જોઈ. તે મારી મેમરીમાં છે કે આ નવી વસ્તુ છે. તે બધું જ આપણું મન તરત જ એનું એનાલિસિસ કરી દે.
તો આ યાદ રાખવાની અને રજૂ કરવાની જો ક્રિયા એકદમ સભાન અવસ્થામાં કરવામાં આવી તો તેને જાગૃત મન એટલે કે કોન્સિયસ માઈન્ડ કહેવાય. પરંતુ આ તમામ યાદોને એક યાદ શક્તિરૂપે સંગ્રહિત કરવામાં આવે અને જ્યારે તેની જરૂર હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે તેને સબ કોન્સિયસ અથવા તો અનકોન્શીયસ માઈન્ડ અથવા તો અર્ધજાગ્રત અથવા તો અજાગ્રત મન કહેવાય.
કોઈપણ વસ્તુને જુઓ કે સાંભળો અને તે ખાલી 30 સેકન્ડ માટે તમારી મેમરીમાં રહે તો તેને શોર્ટ મેમરી કહેવાય. અને 30 સેકન્ડથી ઉપર તે વસ્તુ તમારી મેમરીમાં રહે તો તેને લોંગ ટર્મ મેમરી કહેવાય.
જાગૃત મન તમને જોઈને કે સાંભળીને તરત જ તમારો અંદાજ લગાવી દે અને તમારી જોડે વાત કરવા માંડે. વિધિના સેકન્ડમાં મગજ ની અંદર પ્રોસેસિંગ થાય.
એક લીટી વાંચ્યા પછી બીજી લીટી વાંચો ત્યારે આગળની લીટી તમને યાદ હોવી જોઈએ ત્યારે તમે તેનું અનુસંધાન કરી શકો છો તો તે શોર્ટ ટમ મેમરી નું એક્ઝામ્પલ છે. પરંતુ અમુક વસ્તુ તમારી લોન્ગ ટર્મ મેમરીમાં સંગ્રાએલી હોય જેમકે તમને કોઈ પૂછે કે આજે સવારે તમે શું ખાધું તો તમે યાદ કરીને કહેશો કે મે ચા અને ભાખરી ખાધી. તમારી લોન્ગ ટર્મ મેમરીમાં મિનિટ પહેલાં ની કલાક પહેલા ની દિવસો પહેલાની વર્ષો પહેલાંની યાદો સંગ્રહાયેલી હોય છે.
તમે કોઈપણ વસ્તુ પ્રથમ વખત કરો છો ત્યારે તેના પ્રત્યે તમે સજગ હોવ છો ત્યારે તમારું કોન્સિયસ માઈન્ડ કામ કરે. પરંતુ વારંવાર તે વસ્તુ કરો ત્યારે તે તમારા સબ કોન્સીસ માઈન્ડ એટલે કે અર્ધજાગ્રત મનનો હિસ્સો બની જાય એટલેકે લોંગ ટર્મ મેમરી નો હિસ્સો બની જાય.
જાગૃત મન એટલે કે કોન્સિયસ માઈન્ડ કોને કહેવાય?
જાગૃત મન એટલે કે જે ક્ષણે તમે તમારા તમામ વિચારો, તમામ યાદો, તમામ લાગણીઓ, તમામ ઈચ્છાઓ પરત્વે સભાન હોવ તેને જાગ્રત મન કહેવાય. જેના કારણે તમે સરળતાથી વિચારી શકો છો અને સરળતાથી વાત પણ કરી શકો છો. તે દરમિયાન તમે તમારી અંદર રહેલી યાદશક્તિને પણ સભાનતાના લેવલે લાવીને વાત કરી શકો છો.
અન કોન્સિયસ માઈન્ડ એટલે કે અજાગ્રત મન એટલે શું?
અન કોન્સીયસ માઈન્ડ અથવા તો અજાગ્રત મન એટલે આપના તમામ નેગેટિવ વિચારો, નેગેટીવ ઈચ્છાઓ, નેગેટિવ લાગણીઓ, નેગેટીવ યાદો કે બનાવો કે જે આપણે મનના એક ખૂણામાં બરોબર દબાવીને રાખી દીધી છે. જેને આપણે જાતે કરીને સભાન અવસ્થામાં લાવવા માગતા નથી.
તમારા અજાગ્રત મનમાં એવી ઘણી ખરાબ યાદો સંગળાયે હોય છે જેમકે કે તમારી જોડે કોઈએ બહુ જ ખરાબ વર્તન કર્યું હોય, તમારા ઉપર બળાત્કાર કર્યો હોય, કોઈએ તમારો ખોટો લાભ ઉઠાવ્યો હોય, તમારા પ્રેમમાં તમને નિષ્ફળતા મળી હોય, કોઈએ તમારું જોરદાર અપમાન કર્યું હોય કે જેને તમે ક્યારેય યાદ કરવા માગતા નથી અને તે યાદ આવે ત્યારે તમારું મન ખિન્ન થઈ જાય. મુડ ખરાબ થઈ જાય. આ તમામ યાદોને તમે મનના એક ખૂણામાં દબાવીને રાખી છે પરંતુ તે યાદો કોઈક વખત સપનાની અંદર બહાર આવે છે અથવા તો જ્યારે આપણે સભાન અવસ્થામાં કોઈ વાતચીત કરતા હોય ત્યારે નેગેટિવ વિચાર તરીકે બહાર આવે અને આપણો મૂડ ખરાબ કરી નાખે છે. અજાગ્રત મનમાં સંગ્રાયેલી ખરાબ યાદોના કારણે તમને એન્જોયટી,ભય, ઊંઘ ના આવવી,તણાવ, ડિપ્રેશન વગેરે માનસિક રોગો પેદા થાય. આપણા મોટાભાગના માનસિક રોગોનું કારણ આ છે.
સબ કોન્સિયસ માઈન્ડ કે અર્ધજાગ્રત મન એટલે શું?
સબ કોન્સીયસને પ્રિ કોન્સિયસ માઈન્ડ પણ કહેવાય.
સબ કોન્સીયસ માઈન્ડ એટલે એવી યાદોનો સંગ્રહ કે તમારે જરૂર પડે ત્યારે તમે સરળતાથી તેને કોન્સિયસ માઈન્ડમાં લાવી શકો. જેનાથી તમારું કામ સરળ બને અને જેનાથી તમને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. જેમકે તમને કોઈ પૂછે કે ગઈકાલે બપોરે તમે શું જમ્યા હતા? તમારી બર્થ ડેટ કે મેરેજ એનિવર્સરી કઈ? કલોલ થી અમદાવાદ જવાનો રસ્તો કયો? વગેરે વગેરે.
તમારા ઘરથી ઓફિસ અથવા ઓફિસથી તમારા ઘરનો રસ્તો તે તમને યાદ હોય છે. વગેરે યાદો આપણા રોજબરોજના જીવન માટે જરૂરી છે જેના દ્વારા તમારું જીવન ચાલે છે.
આપણી સમજવાની સરળતા માટે મનના ત્રણ ભાગ પાડ્યા છે વાસ્તવમાં આ ત્રણે ત્રણ ભાગ એકબીજા જોડે કનેક્ટેડ છે. તે એક સિંગલ યુનિટ છે.
આપણું મન ઘણી બધી ઈચ્છાઓનું પણ બનેલું છે અમુક ઈચ્છાઓ તમે તરત પૂરી કરી શકો છો. અમુક થોડા સમય પછી પૂરી કરી શકો છો અને અમુક ઈચ્છાઓ તમે જીવનમાં પૂરી કરવા માગતા હો તો પણ સમાજ તમને તેની પરમિશન આપતું નથી.
જેમ કે તમને કોઈ ક્લાસ ચાલતો હોય અને પાણી પીવાની ઈચ્છા થાય તો તમે બોટલ ખોલીને તરત પાણી પી શકો છો. પરંતુ ક્લાસ ચાલતો હોય ત્યારે તમને સિગારેટ પીવાની ઈચ્છા થાય તો તેમ તમે કરી ન શકો. તે ક્લાસ પૂરું થયા પછી જ કરી શકો. ત્રીજી ઈચ્છા કે તમને કોઈ સગોત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા થાય તો તે તમે તેમ ન કરી શકો સમાજ તેની પરમિશન ના આપે.પરંતુ મન તો મન છે એ તો ગમે તેવી ઈચ્છાઓ કરે. આવી ખરાબ ઈચ્છાઓ આપણે મનના એવા ખૂણે દબાવીને રાખી હોય છે કે જેને આપણે બહાર કાઢવા માગતા નથી. પરંતુ તે કોઈક વખતે નેગેટીવ વિચાર દ્વારા અથવા તો સ્વપ્નની અંદર બિહામણું સ્વરૂપ લઈને બહાર આવતી હોય છે. જેના કારણે તમે તણાવ અનુભવો છો. માનસિક રોગના શિકારી બનો છો.
આપણા મનમાં પોઝિટિવ વિચારો તથા નેગેટિવ વિચારો સંગ્રહાયેલા છે. સારી લાગણીઓ તથા ખરાબ લાગણીઓ સંગ્રયેલી છે. સારી આદતો ખરાબ આદતો સંઘળાયેલી છે. સારી ભાવનાઓ ખરાબ ભાવનાઓ સંઘળાયેલી છે. સારી ઈચ્છાઓ ખરાબ ઈચ્છાઓ સંઘળાયેલી છે. સારી યાદો ખરાબ યાદો સંઘરાયેલી છે.
જેમકે બગીચાના ફૂલોને જોઈને આપણને સારું લાગે તે સારી લાગણી કહેવાય. કોઈ વાસ મારતા કચરા ને જોઈને આપણને સારું ન લાગે તે ખરાબ લાગણી કહેવાય.
તેવીજ રીતે સારી ભાવનાઓ જેમ કે પ્રેમ, દયા, કરુણા, સહયોગ, સેવા વગેરે સારી ભાવનાઓ કહેવાય. કામ, ક્રોધ, લોભ,મોહ, અહંકાર, ઈર્ષા વગેરે ખરાબ ભાવનાઓ કહેવાય.
મનમાંથી ઉઠતા તમામ પોઝિટિવ કે નેગેટિવ વિચારો, પોઝિટિવ કે નેગેટિવ લાગણીઓ, પોઝિટિવ કે નેગેટિવ ભાવનાઓ, પોઝિટિવ કે નેગેટિવ યાદો, પોઝિટિવ કે નેગેટિવ ઈચ્છાઓ આ તમામને યોગની ભાષામાં વૃત્તિઓ કહેવાય.
આ તમામ વૃત્તિઓને ટેમ્પરરી રોકી દેવી તેને ચિત્ત વૃત્તિ નિરોધ કહેવાય. આ તમામ સારી કે ખરાબ વૃત્તિઓ ને રોકી દેવામાં આવે ત્યારે મન અમનની સ્થિતિમાં જતું રહે તેને યોગ કહેવાય. આપણા ચિત્તમાં એટલે કે મનમાં આ તમામ સારી કે ખરાબ વૃત્તિઓ સંઘળાયેલી છે.
જેમકે કોઈ શાંત પાણીમાં જ્યારે પથ્થર ફેકવામાં આવે ત્યારે તે પાણીમાં ગોળ ગોળ વૃત એટલે કે વમળ પેદા થાય. તે વમળ એટલે વૃત્તિ. ચિત્તમાંથી ઉઠતી વૃત્તિઓનો નિરોધ કરવામાં આવે એટલે કે વૃત્તિઓને હટાવી લેવામાં આવે ત્યારે ચિત્ત પોતાના મૂળભૂત સ્વરૂપમાં પ્રસ્થાપિત થાય. જેને આત્માની સ્થિતિ કહેવાય અથવા પોતાનું મૂળભૂત સ્વરૂપ કહેવાય. તો આપણા ચિત્તનો ડાયરેક સંબંધ આપણી યાદશક્તિ જોડે છે. આપણી તમામ લાગણીઓ, ભાવનાઓ, વિચારો, આદતો, અનુભવો, ઈચ્છાઓ વગેરે તે ચિત્તમાં સંગ્રહિત હોય છે. તે ગમે ત્યારે વૃત્તિનાના રૂપે બહાર આવે છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો,નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી.
અગાઉના તમામ લેખો દ્વારા આપણે આપણા અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ,ચિત્ત અને અહંકારને સમજવાનો પ્રયત્ન કર્યો. મન એટલે કે અંતઃકરણ આપણા શરીરનું સોફ્ટવેર છે. તે બરોબર સમજાઇ સમજાઈ જાય તો બધા કામ સરળ બની જાય.
લેખક: ડો. ચીમનભાઈ પટેલ




Leave a comment