આપણા મોટાભાગના ભારતીય લોકોની એક કમજોરી રહી છે કે માણસના મૃત્યુ પછી તેના પાળિયા બનાવીને પૂજીએ છીએ. પરંતુ જીવતા જીવ માણસને શાંતિથી રહેવા દેતા નથી. તો આ કુટેવ આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે તેના ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવશે.
માણસની ખાસ એક ખાસિયત છે. તમે કહો કે ના કહો પરંતુ કોઈ તેની પ્રશંસા કરે તો સારું જ લાગે. પ્રશંસા તેના ઉત્સાહમાં વધારો કરે. તેને બળ પૂરું પાડે અને સારા કાર્ય કરવા માટે તેને પ્રેરિત પણ કરે. કોઈ વિરલા જ હોય કે જેને તેની પ્રશંસા થાય કે ન થાય તેની પરવા કર્યા વગર સમાજ માટે સારું જ કરતા હોય. હું પણ જે લેખ લખું છું તે મારી પ્રશંસા મેળવવા માટે લખતો નથી. પરંતુ મને ચોક્કસ ખબર છે કે મારા થકી કંઈક સારું કરવા પ્રયત્ન કરી રહ્યો છું તેથી મારા હૃદયને સારું લાગે છે. બસ તે જ મારું પ્રેરક બળ છે. દરેક વ્યક્તિને પ્રશંસા ગમે છે. પ્રશંસા મેળવવા માટે જીવનમાં કયા કયા કાર્ય કરે છે તેની વાત આગળ કરીએ.
કોઈપણ વ્યક્તિ પ્રશંસા મેળવવા માટે કેવા કેવા કાર્ય કરે છે?
તમે માનો કે ના માનો બાળપણથી માડીને જીવનના મૃત્યુ સુધી કોઈપણ વ્યક્તિ જે પણ કોઈ કાર્ય કરે છે તેની પાછળનું અસલી કારણ પ્રશંસા મેળવવાનું હોય છે.
દાખલા તરીકે સ્કૂલમાં ભણતો કોઈપણ વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થવા માટે પ્રયત્ન કરે છે. કોઈપણ વ્યક્તિ સારામાં સારું ધન કમાવા માટે પ્રયત્ન કરે છે. સારામાં સારી પત્ની તથા બાળકો મેળવવા માટે પ્રયત્ન કરે છે. સારામાં સારું પદ મેળવવા માટે પ્રયત્ન કરે છે. સારામાં સારી સંપત્તિ ભેગી કરવા માટે પ્રયત્ન કરે છે.સમાજની અંદર આગેવાન થવા માટે સતત પ્રયત્ન કરે છે. આની પાછળની મેઈન સાયકોલોજી તે છે કે દુનિયામાં મારી નોંધ લેવાય મારી પ્રશંસા થાય.
તમારી પત્ની સારામાં સારી રસોઈ એટલા માટે બનાવે છે કે તે રસોઈ ના તમે વખાણ કરો. પરંતુ પુરુષ લોકોમાં એક ગુણની કમી હોય છે તમારી પત્નીએ જ્યારે સારું ખાવાનું બનાવ્યું હોય ત્યારે આપણે કંઈ પણ બોલતા નથી. પરંતુ જ્યારે કંઈક ખરાબ રસોઈ બનાવી હોય તો તરત જ તેને ઉતારી પાડીએ છીએ તથા વાટકો છૂટો ફેકીએ છીએ. જ્યારે તમારી પત્નીએ જમવાનું સારું બનાવ્યું હોય ત્યારે તેની પ્રશંસા જરૂર કરો તો બીજા દિવસે તેનાથી પણ વધુ સારું ખાવાનું મળશે. તમારી પત્ની એ તમારી પત્ની પણ છે તથા ઘણા બધા બાળકોની માતા પણ છે. પરંતુ આજ સુધી તેને તેવી અપેક્ષા રાખી નથી કે તમે તેની પ્રશંસા કરો. તમે કે તમારા બાળકો તેની પ્રશંસા કરે કે ન કરે તે તો હંમેશા સારું બનાવવા માટે પ્રયત્ન કરશે. પરંતુ આ જ ક્રિયા લોબો ટાઈમ ચાલે ત્યારે કોઈપણ વ્યક્તિને તે કાર્ય કરવામાં રસ ઉડી જાય. એટલે બહેનો હંમેશા કહેતી હોય છે હું ઘર માટે આટલું બધું કરું છું પરંતુ મારી તો કદર જ નથી.
તમે કોઈ સમારંભ કે પિક્ચર જોવા જવાના હોય ત્યારે તમારી પત્ની તૈયાર થવામાં ખાસ્સો સમય લે છે. તે તૈયાર થવામાં એટલા માટે સમય લે છે કે તમે તેના તરફ એક નજર નાખો અને તેની પ્રશંસા કરો. પરંતુ પુરુષોની એક ખાસિયત છે કે તેની નોંધ પણ લેતો નથી. હા મોડું થયું હોય તો ધમકાવી ચોક્કસ નાખે. પડોશણે શું પહેર્યું છે તેની તમામ નોંધ તેને રાખી હોય. પત્નીની પ્રશંસા કરવાનું રાખશો તો બીજા પણ ઘણા બધા ફાયદા થશે. બાળકોને પણ ખાસ વિનંતી કે જો આ દુનિયામાં પ્રેમ કોને કહેવાય તે સમજવું હોય તો તમારા મા-બાપને સમજો. આ દુનિયામાં તમારા મા બાપ સિવાય તમને કોઈ નિસ્વાર્થ પ્રેમ કરતું નથી. તો તેની લાગણીને માન આપો. મા બાપ દુઃખી થાય એવું કોઈ પણ કૃત્ય કરશો નહીં. જીવતા જીવ તેની સેવા કરો મરી ગયા પછી અગરબત્તી કરવાનો કોઈ મતલબ નથી.
રમત રમતો કોઈ પણ ખેલાડી તે પોતાના માટે તથા દેશ માટે રમે છે. તેની પાછળનું મેઈન કારણ તેના દેશની પ્રશંસા થાય મેડલ મળે વર્લ્ડ રેકોર્ડ થાય.
તો આ દુનિયાની કોઈપણ વ્યક્તિની પાછળનું પ્રેરક બળ તે પ્રશંસા છે.
તમે તમારા whatsapp ઉપર જે કંઈ લખાણ મૂકો છો. વિડીયો મુકો છો. ફોટો મુકો છો. તેની પાછળનું મેઇન કારણ પણ તે જ છે કે તમારા ફોટાને કોઈ લાઇક કરે અથવા તમારી પ્રશંસા થાય.
તમે જે સારા સારા કપડાં પહેરો છો અથવા તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સારા સારા કપડા પહેરે છે તેની પાછળનો ઉદ્દેશ પણ આજ છે.
પ્રશંસા અને ચાપલૂછી વચ્ચે ફરક.
કોઈપણ વ્યક્તિની સાચી પ્રશંસા કરવી તે સારી વસ્તુ છે. પરંતુ કોઈ વ્યક્તિનો લાભ મેળવવા માટે અથવા તો તેને ખાલી ખુશમત કરવા માટે તેનામાં ગુણ ના હોવા છતાં તેની પ્રશંસા કરવી તેને ચાપલૂછી છે. તમે જ્યારે કોઈપણ વ્યક્તિની ખોટી પ્રશંસા કરો છો ત્યારે તે સામેવાળી વ્યક્તિને ખબર તો પડીજ જતી હોય છે. તમે જ્યારે કોઈપણ વ્યક્તિની સાચી પ્રશંસા કરો ત્યારે તમને પણ સારું લાગશે અને સામેવાળી વ્યક્તિને પણ સારું લાગશે. કોઈ વ્યક્તિ તમારા માટે સારું કરતી હોય તો તેના માટે આભાર પ્રગટ કરવાનું ભૂલશો નહીં. વિદેશોમાં જોયું છે કે નાની નાની વસ્તુઓ માટે તેઓ થેન્ક્સ કહે છે. આખી જિંદગી આપણી પત્ની તથા મા બાપ આપણા માટે ઘસાઈ ગયા પરંતુ તેમના માટે આપણે આખી જિંદગી દરમિયાન આભારના શબ્દો બહુ જ ઓછા વાપરીએ છીએ. મા-બાપ કે પતિ-પત્ની આટલું તો કરે જ ને તેમાં વળી શું આભાર માનવાનો. તે વાત ખોટી છે. ભગવાનને પ્રેમ તથા મમતા નામનું તત્વ તમારા મા-બાપમાં ના મૂક્યું હોય તો તમે તો ક્યારના રસ્તે રજડતા થઈ ગયા હોત. ઘણા બધા છોકરા તો મા બાપની લાગણીને અવગણે છે ત્યારે મા બાપને બહુ દુઃખ થાય. પરંતુ મા બાપનો સ્વભાવ હંમેશા આપવાનો રહ્યો છે.તેમને આપવામાં જ મજા આવે છે. તેથી તે તમારો ખરાબ વ્યવહાર પણ તે સહી શકે છે.
તમારો નોકર તમારા માટે ખૂબ જ સારું કામ કરી રહ્યો હોય તો તેના વખાણ ચોક્કસ કરો. તો તે બમણા જોરથી કામ કરવા માંડશે.
કૃતજ્ઞતાનો ભાવ હંમેશા કેળવવો જોઈએ. ભગવાને પાંચ તત્વો આપીને તથા મન અને પ્રાણ આપીને તમારા ઉપર એટલો ઉપકાર કર્યો છે કે તેનો ઉપકાર કોઈ દિવસ ભૂલી શકાય તેમ નથી.
આપણે પ્રસંશા ન કરીએ તો કંઈ વાંધો નથી પરંતુ કોઈની નિંદા ન કરીએ તું પણ ઘણું છે.
મેં શરૂઆતમાં કહ્યું કે આપણે જીવતા માણસની કદર નથી કરતા અને મૃત્યુ પછી તેના પાળિયા બનાવીને પૂજીએ છીએ. આ બાબતમાં તો આપણે આપણા ભગવાનને પણ છોડ્યા નથી. રામ ભગવાન હોય કે શ્રીકૃષ્ણ ભગવાન હોય. તે જીવતા હતા ત્યારે તેમને હેરાન કરવાનો એક પણ મોકો આપણે છોડ્યો નથી. ઈસુ ખ્રિસ્તની બાબતમાં પણ આવું જ થયું હતું. આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ જોડે ખરાબમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું હોય તો તે ઈસુ ખ્રિસ્ત છે. જીવતા વ્યક્તિના હાથ કે પગમાં ખીલા ઠોકવામાં આવ્યા હશે ત્યારે તે વ્યક્તિને કેટલું દર્દ થયું છે તેનો આપણને અંદાજ નથી. પછી તે જ વ્યક્તિને ભગવાન તરીકે પુજવવામાં આવી. અત્યારે આ જ ક્રિયા ઘણા બધા લોકો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિ જે આ સમાજ માટે સારું કરી રહ્યો હોય પછી તે તમારા મા બાપ હોય કે કોઈ મહાન વ્યક્તિ હોય તેના પ્રત્યે આદરનો ભાવ કેળવો જોઈએ અને તેના કાર્યના બને તેટલા વખાણ કરવા જોઈએ તેનાથી તે વ્યક્તિને તે સારું કાર્ય કરવાનું બળ પ્રાપ્ત થાય.
તો આપણે સૌએ સાચી પ્રશંસા કરવાની ટેવ પાડવી જોઈએ અને સૃષ્ટિને સહયોગી થવું જોઈએ.
આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નીરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
સારા લેખને ફોરવર્ડ કરવો તે પણ એક આભાર માનવાની જ રીત છે.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment