ભગવાન આપણી મનોકામના કેવી રીતના પૂર્ણ કરે છે? તેની પાછળ શું સાયન્સ છે? આપણે જિંદગીને રિવાન્ડ કરીને જોઈએ તો મોટાભાગે આપણે જે વસ્તુ માંગી છે તે કુદરતે આપણને આપી છે. તો આવું કેવી રીતના બની શકે તેના ઉપર મનોમંથન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવશે.
મારા ખુદના અનુભવ ની વાત કરું તો જે વસ્તુ મે દિલથી માગી છે તે વસ્તુ ભગવાને મને મોટાભાગના કેસમાં આપી છે. બસ ભગવાન જોડે તમને માગતા આવડવું જોઈએ. તમે જેવું માગશો તેવું તમને મળશે. ભગવાન ખાલી તમને તથાસ્તુ કહે છે. મોટાભાગના લોકો સુખ માંગે છે પરંતુ દુઃખ મળે છે તેનું પણ ચોક્કસ સાયન્સ છે. જો આપણે તે સાયન્સને સમજી લઈએ તો મોટાભાગના પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી શકે તેમ છે. સૌપ્રથમ આપણે માગવાની પ્રક્રિયા સમજી લઈએ.
માગવાની પ્રક્રિયા એટલે શું?
જો આપણે આપણી જિંદગીને રીવાઇન્ડ કરીને જોઇશું તો આપણને ખબર પડશે કે આપણને આ દુનિયામાં જે કંઈ મળ્યું છે તે આપણા મનના કારણે, આપણી ઈચ્છાઓ ના કારણે, આપણે કરેલા પ્રયત્નો ના કારણે મળ્યું છે. જો હું મારા ખુદની વાત કરું તો હું જ્યારે દસમા ધોરણમાં હતો. ત્યારથી હું જ્યારે કોઈ ડોક્ટરના દવાખાનાનું બોર્ડ જોતો તો મને પણ એવો વિચાર આવતો કે મારું પણ આવું કોઈ બોર્ડ હોય. તે ડોક્ટર નું બોર્ડ જોઈને મને આનંદ થતો. મતલબ કે મારે ડોક્ટર બનવું છે તે વિચાર મારા મનની અંદર વારંવાર ગુમરાયા કરતો હતો. તે પછી મેં બારમા ધોરણની એક્ઝામ આપી તેમાં સારા ટકાએ પાસ પણ થયો. અને મેડિકલમાં પ્રવેશ પણ લીધો. તે વખતે મારી પરિસ્થિતિ સારી ન હોવાને કારણે હું મારા માસા ને ત્યાં રહીને ભણ્યો. મારા માસા કન્સ્ટ્રક્શન કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતા હતા. એટલે સ્વાભાવિક છે કે મારા માસાનો રસનો વિષય કન્સ્ટ્રક્શન હોય. તેમના રસ પ્રમાણે તેમને મને સિવિલ એન્જિનિયર બનવાની સલાહ આપેલી. કારણકે કોઈપણ સોસાયટી નું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો લગભગ તે કન્સ્ટ્રક્શનના અમુક ટકા સિવિલ એન્જિનિયરને મળે. તેમની ભાવના મારા માટે સારી જ હતી. તેમને મને ભણાવ્યો તેમનો ઉપકાર હું કદી ભૂલી શકું તેમ નથી. પરંતુ મારા મનમાં તો ડોક્ટર બનવાનું જ ઘુમરાતું હતું. તેથી મેં એક અઠવાડિયા પહેલાં મારો નિર્ણય બદલી કાઢ્યો. મારે તો ડોક્ટર જ બનવું છે સિવિલ એન્જિનિયર નહીં. અને મે ડોક્ટરીમાં એડમિશન લીધું. અને હું એમબીબીએસ પછી ગાયનેકોલોજિસ્ટ પણ થયો. અને આજ સુધીની મારી ડોકટરની પ્રેક્ટિસ ખૂબ આનંદ સાથે કરી રહ્યો છું.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો ભગવાને મારી ડોક્ટર બનવાની મનોકામના કેવી રીતના પૂર્ણ કરી તેની પાછળનું સાયન્સ શું છે તેની વાત કરીએ. જ્યારે તમે એકના એક વિચાર વારંવાર કરો છો ત્યારે તે વિચાર તમારા subconscious mind માં એટલે કે અર્ધજાગ્રત મનની અંદર ઘૂસી જાય છે. એટલે કે ચિત્તની અંદર ઘૂસી જાય છે. તમે કરેલો વિચાર જ્યારે તે અર્ધ જાગૃત મનમાં ઘૂસી જાય છે ત્યારે તે અર્ધ જાગૃત મન તે વસ્તુ તમારી સમક્ષ લાવીને મૂકી દે છે. તમારું સબ કોન્સિયસ માઈન્ડ પુરા વિશ્વ જોડે જોડાયેલું છે. તમારો વિચાર એ વિદ્યુતચુંબકિય શક્તિ ધરાવે છે. જ્યારે તે વિચાર બ્રહ્માંડમાં વહેતો મૂકો છો ત્યારે તમે જે વિચાર મૂક્યો છે તેની ફ્રિકવન્સી અને બ્રહ્માંડમાં તે વસ્તુની ફ્રિકવન્સી એક લેવલે આવે છે અને તે વસ્તુ તમારી તરફ આકર્ષાય આને આકર્ષણનો નિયમ કહેવાય.
મારા તરફથી આટલી આટલી વસ્તુ થઈ. મને ડોક્ટર થવાની ઈચ્છા હતી એટલે મારા મન દ્વારા તે વિચાર વારંવાર આવ્યા કર્યો. તે વિચાર મારા અર્ધ જાગ્રત મનમાં ઘૂસી ગયો. કારણ કે ડોક્ટર બનવું તે સારી વસ્તુ છે. જેનાથી પોતાનું તથા સમાજનું પણ કલ્યાણ થઇ શકે. તેથી મારા હૃદય માંથી પેદા થતી લાગણીઓએ પણ મને સાથ આપ્યો. તેના કારણે મારો ભણવાનો ઉત્સાહ પણ વધ્યો. તેના કારણે દસમાં અને બારમા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા અને મેડિકલમાં પ્રવેશ મળ્યો. તો આખી પ્રોસેસ આ રીતના થઈ મેં ઈચ્છા કરી તે ઈચ્છા માં મારી લાગણીઓ ભળી. મારી ઈચ્છા અને લાગણીઓ તે વસ્તુ મેળવવા માટે મને પરમિશન આપી. તે વિચારને વિશ્વમાં વહેતો મૂક્યો અને બાકીની જે વ્યવસ્થા હતી તે ભગવાનને(બ્રહ્માંડય ઉર્જા) કરી. કઈ કોલેજમાં એડમિશન મળશે તે ભગવાન ઉપર છોડ્યું હતું. મેડિકલમાં પૈસાની જરૂર પડેશે તો શું થશે તે પણ ભગવાન ઉપર છોડ્યુ હતું.ભગવાનની યોજના પ્રમાણે મારા મેડિકલ નો તમામ ખર્ચો મારા માસાએ ભોગવ્યો હતો.
હું ગાયનેકોલજિસ્ટ પણ આના કારણે જ થયો. તેમાં પણ હું એમ ડી ફિઝિશિયન થવા માટે નીકળ્યો હતો. પરંતુ મારા મનની અંદર એવો વિચાર સતત આવ્યા કરતો કે હું એવો ડોક્ટર બનું કે મારા ત્યાં જે દર્દી આવે તેને તરસ સારું થઈને જાય. મને કોઈ દર્દી વારંવાર એક જ કમ્પ્લેન કે રોગ લઈને આવે તે ગમતું ન હતું. તેથી મેં ગાયનેકોલજિસ્ટ બનવા તરફ મારી પસંદગી ઉતારી. કારણ કે ગાયનેક ની અંદર ડીલેવરી થાય એટલે વાત ખતમ, કોથરી કાઢો રોગ ખતમ, બ્લડિંગ થતું હોય અને કિરીટિંગ કરો વાત ખતમ. તો મોટાભાગની ગાયનેક તથા ડીલેવરી ની પ્રક્રિયાઓ એવી હતી કે તેમાં તમને સફળતા જ મળે અને દર્દીની કમ્પ્લેન નું તરત જ સમાધાન થઈ જાય.
મારી આ ઈચ્છા ના કારણે મને મારું મનગમતું ઘર પણ મળ્યું, પત્ની પણ સારી મળી, સારા સંસ્કારી બાળકો પણ મળ્યા. મોટાભાગે મને જે જોઈતું હતું તે જીવનમાં મળ્યું.
આ દુનિયામાં તમે જ્યારે દિલથી કોઈ વસ્તુને ચાહો છો અને તે તરફ પ્રયત્ન કરો છો તો ભગવાન તે વસ્તુ તમારી સમક્ષ લાવીને મૂકી દે છે. એટલા માટે એક પિક્ચરમાં શાહરૂખ ખાન નો ડાયલોગ છે. जब आप किसी चीज को शिद्दत से चाहते हो तो पूरी कायनात उसको मिला ने में लग जाती है।
આને અંગ્રેજીમાં law of attraction કહેવાય. જેને ગુજરાતીમાં આકર્ષણનો નિયમ કહેવાય. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ સત્ય છે તેમ આકર્ષણનો નિયમ પણ સત્ય છે. જો આપણે આ આકર્ષણના નિયમનો જીવનમાં બરોબર ઉપયોગ કરીએ તો તમે જીવનમાં જે ધાર્યું હોય તે તમે મેળવી શકો છો. તો હવે પ્રશ્ન એ થાય કે દરેક વ્યક્તિ સુખ ઈચ્છે છે. તેમ છતાં અમુક વ્યક્તિ દુઃખ કેમ મેળવે છે. તેનો જવાબ નીચેના પેરેગ્રાફમાં મેળવીએ.
દરેક વ્યક્તિ સુખી થવા માટે ઈચ્છે છે તેમ છતાં તેને દુઃખ કેમ મળે છે?
કારણ કે મોટાભાગના લોકો જે દુઃખી થાય છે અથવા તો તેમને જે જોઈતું હોય તે મળતું નથી તેનું મેઈન કારણ એ છે કે તે કુદરત જોડે અસ્પષ્ટ માગણી કરે છે. તેઓ તેમના જીવનમાં સ્પષ્ટ હોતા નથી.
ઘણા બધા લોકોના મનમાં ડર અને શંકા રહ્યા કરતી હોય છે. જેમ કે કોઈ એક વ્યક્તિ વારંવાર એવું વિચાર વિચાર કર્યા કરે કે મને આ રોગ થઈ જશે તો, મને આ આમ થઈ જશે તો. જ્યારે તેના મનમાં તે વિચાર વારંવાર ચાલ્યા કરે ત્યારે તે વિચાર તેના સબ કોન્સિયસ માઇન્ડમાં ઘૂસી જાય છે. અને તે રોગ તેને થાય છે. તમે તમારા વિચાર દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગને પણ આકર્ષી શકો છો.
ઘણા લોકો ગરીબ એટલા માટે હોય છે કે કારણ કે તેમના મનમાં સતત એક જ કેસેટ વાગ્યા કરતી હોય છે. અમે તો ગરીબ અમે તો ગરીબ. તે લોકો હંમેશા ગરીબ રહે છે.
ઘણા લોકોના મનમાં સતત એવું ચાલતું હોય છે કે આ દુનિયા ખરાબ છે આ દુનિયા ખરાબ છે તો તેમને ખરાબ માણસો જ ભટકાયા કરે છે.
કોઈ વ્યક્તિએ એક કામ ઉપાડ્યું હોય અને તેના મનમાં સતત એવા વિચારો અથડાયા કરે કે હું નિષ્ફળ જઈશ તો હું નિષ્ફળ થઈ જઈશ તો. તે લોકો જીવનમાં નિષ્ફળતા ને પામે છે.
ભગવાન જોડે માંગો ત્યારે પણ સ્પષ્ટ માગણી કરવી. તમારી માંગણી માં નેગેટિવ શબ્દ વાપરવો નહીં. કઈ ખબર ન પડે તો ભગવાન જોડે ખાલી એટલું જ માંગો કે ભગવાન મને આ કામમાં સફળતા અપાવજે. બેગ્રાઉન્ડમાં આવતા નેગેટિવ વિચારોને દૂર કરો. ભગવાન જોડે હંમેશાં હૃદયથી માંગવું મસ્તિષ્કથી નહીં. ભગવાન જોડે હૃદયથી માગીએ તેને પ્રાર્થના કહેવાય.
તો આ દુનિયામાં જેટલા પણ દુઃખી, રોગી અને નિષ્ફળ લોકો છે. તે મોટાભાગે તેમને કરેલા વારંવાર નેગેટીવ વિચાર ના કારણે છે. જો તમે વારંવાર કોઈની ઈર્ષા કરો છો, નફરત કરો છો તો તમારી અંદર નેગેટિવ કેમિકલ રિલીઝ થાય છે.તો તમને સંધિવા થવાની શક્યતા પણ વધી જાય છે.
તમે આ દુનિયા જોડે જેવું માગશો તેવું તમને મળશે.
ભગવાન જોડે માગવામાં શું શું સાવધાની રાખવી જોઈએ?
જે પણ વસ્તુ માંગો તે વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ.
માગ્યા પછી કોઈ શંકા કરવાની નહીં.થોડીવાર રાહ જોવાની.
વારંવાર ક્યારે મળશે ક્યારે મળશે તેની કમ્પ્લેન કરવાની નહીં. ધૈર્ય રાખવું.
જે કઈ વસ્તુ માંગો તે સારી વસ્તુ માંગો જેના કારણે તમારું પણ કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય. તમે સારી વસ્તુ માગશો તો આકર્ષણનો નિયમ વધુ સારી રીતના કામ કરશે.
તમે જે વસ્તુ ઈચ્છો છો તે ઈચ્છામાં તમારી ભાવના પણ ભરવી જોઈએ. તમારું હૃદય તેમાં સાથ આપવું જોઈએ. તમે જ્યારે પણ કોઈ ખરાબ વસ્તુ માગશો અથવા ખરાબ કાર્ય કરશો તો તરત જ તમારા હૃદય ઉપર ભાર લાગશે. હૃદય તમને ના પાડશે.સારી ફીલિંગ નહીં આવે. ત્યાં અટકી જાઓ.
જ્યારે તમે હૃદયની ઉપર જઈને માગણી કરો છો ત્યારે પણ આકર્ષણનો નિયમ તો કામ કરે જ પરંતુ તેની ઝડપ ઓછી થઈ જાય. કારણ કે તમે નેગેટિવ માગ્યું છે એટલે તમારા વિચારો, વાણી અને વર્તન અને તમારી લાગણીઓને કુદરત સાથ નહીં આપે. પરંતુ તમે તેને અવગણીને માગશો તો મળશે તો ખરું જ પરંતુ તે તમને સુખ નહીં આપે.
કોઈપણ વસ્તુની ઈચ્છા કરવાથી ન મળી જાય તેની પાછળ કામ પણ કરવું પડે, મહેનત કરવી પડે, બુદ્ધિ ચલાવી પડે, વિવેક વાપરવો પડે. કામ કર્યા વગર આ દુનિયામાં કઈ મળતું નથી. અહીં કામ નો મતલબ તમારે જે મેળવવાનું છે તેના વિચાર કરવાના છે. તમારી વાણીમાં પણ લાવવાના છે. તમારા કાર્યમાં પણ લાવવાના છે.
એમ બેઠા બેઠા વિચાર કરો કે મને આ વસ્તુ મળી જાય તો તે શક્ય નથી. થોડો પ્રયત્ન તમારે પણ કરવો પડશે અને થોડો કુદરત પણ કરશે. જ્યારે બંનેની ફ્રિક્વન્સી એક લેવલે આવશે ત્યારે તમને જોઈતી વસ્તુ મળી જશે.
તમારે જે વસ્તુ જોઈએ છે તે વસ્તુનો વારંવાર વિચાર કરો. તેનું મનોમન વિજયુલાઈઝેશન કરો એટલે કે કાલ્પનિક ચિત્ર ઊભું કરો અને તે તમને મલશેજ તેવું વારંવાર અનુભવો તો તે આકર્ષણનો નિયમ વધુ સારી રીતના કામ કરશે. આમ પણ જ્યારે તમે કોઈ વસ્તુનો વિચાર કરો છો તો તે વસ્તુનું ચિત્ર તમારા માઈન્ડની અંદર ઊભું થઈ જ જાય છે.
આકર્ષણનો નિયમ માગો, ભરોસો રાખો અને મેળવો ના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પરંતુ પ્રયત્ન તો તમારે કરવો જ પડે.
તમે તમારા વિચારો દ્વારા તમારી આજુબાજુ નું વિશ્વ રચતા હોવ છો.
આ વિચારોની અંદર વિધુત ચુંબકીય શક્તિ હોય છે. તે તમારા વિચારો દ્વારા આ બ્રહ્માંડમાં પ્રસારિત થાય છે. અને તમારે જે વસ્તુ જોઈએ છે તે વસ્તુ તમારી તરફ આકર્ષાય છે.
ઘણીવાર તમે જે વસ્તુ માંગી હોય તે ન પણ મળે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. દેવી યોજના પ્રમાણે કદાચ તેનાથી પણ સારી વસ્તુ ભગવાનને તમારા માટે નિર્મિત કરી હશે.
અત્યાર સુધીમાં તમને જે પણ કંઈ મળ્યું છે તે તમારી તીવ્ર ઈચ્છા શક્તિ ના કારણે તમારી મનોભાવનાના કારણે તમારા પરિશ્રમના કારણે તથા ઈશ્વરની મરજીના કારણે તમને મળ્યું છે.
તો આ નિયમનો વધુને વધુ ઉપયોગ કરીને આપ સફળ થાઓ તેવી શુભકામનાઓ સાથે.
આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો, સફળ રહો તેવી પ્રભુને પ્રાર્થના. ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે. હું જે સમજ્યો છું તે તમારી સમક્ષ મૂક્યું છે. કદાચ મારા કરતા પણ તમારી જોડે વધારે નોલેજ હોય તો તેનું સ્વાગત છે. તમારા જીવનમાં પણ આવા અનુભવ થયા હોય તો અમને ચોક્કસ જણાવજો. હું એવા લેખ લખું છું કે મારો વાચક જ્યારે લેખ વાંચે ત્યારે તેને તે લેખમાંથી તેને કંઈક મળે. તેને વાંચવા માટે કાઢેલા સમયનું પૂરેપૂરું વળતર મળે.
જય ભારત.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment